Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશવિશ્વસ્તરીય સુવિધાઓ, અત્યાધુનિક ટેકનોલોજી...: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ વંદે ભારત...

    વિશ્વસ્તરીય સુવિધાઓ, અત્યાધુનિક ટેકનોલોજી…: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનું કર્યું અનાવરણ- જાણો ક્યારથી શરૂ થશે, શું છે વિશેષતાઓ

    ભારતીય રેલવે રાત્રિ દરમિયાન મુસાફરી કરતા યાત્રિકોની યાત્રા સરળ કરી વધુ આરામદાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય રેલવેમાં ક્રાંતિ દ્વારા દેશના કરોડો લોકોને આધુનિક સેવા પૂરી પાડવાનો છે.

    - Advertisement -

    ભારત રેલવે ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે. દેશમાં અત્યાધુનિક સેવાઓ અને ટેકનોલોજી સાથેની અનેક નવી ટ્રેનોને દોડતી કરવામાં આવી છે. આ શૃંખલામાં હવે વધુ એક ટ્રેનને ઉમેરવામાં આવી છે. ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રોટોટાઇપ વર્ઝનનું બેંગ્લોરના BEML પ્લાન્ટ ખાતે અનાવરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે રવિવારે (1 સપ્ટેમ્બર) ટ્રેનનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ સ્લીપર કોચ ટ્રેનનું નિર્માણ ‘ઈન્ટેગ્રલ કોચ ફેક્ટરી’ (ICF) અને BEMLના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ સ્લીપર ટ્રેનની અનેક વિશેષતાઓ પણ સામે આવી છે.

    કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત પ્રોટોટાઈપ સ્લીપર ટ્રેનનું અનાવરણ કર્યા બાદ મીડિયા સાથે વાત પણ કરી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ ટ્રેનમાં ઘણી સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “ચાર ટ્રેનો- વંદે ચેયર કાર, વંદે સ્લીપર, વંદે મેટ્રો અને અમૃત ભારતને ઘણી બાબતોને ધ્યાને રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. જેમ કે આધુનિક ટેકનોલોજી, સુરક્ષા અને લોકો પાયલોટ તથા અન્ય કર્મચારીઓ માટે વિશેષ સુવિધા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મધ્યમવર્ગના પરિવહન માટેનું એક સાધન છે, તેથી તેનું ભાડું પણ પરવડે તેવું રખાયું છે. આ ટ્રેનમાં ઘણી સુરક્ષાને લગતી વિશેષતાઓ પણ જોવા મળશે.”

    તેમણે વધુમાં જણાવ્યું કે, “આ ટ્રેનની ડિઝાઇનમાં પણ ઘણી નવી બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે. મેન્ટેનન્સ સ્ટાફ માટે અલગ કેબિન પણ બનાવવામાં આવ્યું છે.” કેન્દ્રીય મંત્રીએ આ ટ્રેનની તુલના વિશ્વની સર્વશ્રેષ્ઠ ટ્રેનો સાથે કરી હતી. આ ઉપરાંત તેમણે ટ્રેન અને ભારતીય રેલવેના અન્ય પ્રોજેકટ વિશે પણ વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે ભવિષ્યના પ્રોજેકટો વિશે પણ થોડી માહિતી આપી હતી. નોંધનીય છે કે, અનાવરણ કરાયેલ ટ્રેનને આવનારા મહિનાઓમાં લૉન્ચ કરવામાં આવશે.

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, પ્રોટોટાઇપ વર્ઝનના પૂરતા ટેસ્ટિંગ બાદ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામાં આવશે. બીજી તરફ, આગામી ત્રણ મહિનામાં ટ્રેનને દોડતી કરવાની ગણતરી છે. તે પહેલાં ટ્રાયલ રન કરવામાં આવશે. શરૂઆતના દોઢ વર્ષના પ્રોડક્શન સમયગાળા બાદ દર મહિને બેથી ત્રણ ટ્રેન રોલ આઉટ કરવામાં આવશે.

    શું છે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનની વિશેષતાઓ?

    વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 10 રેક આપવામાં આવશે અને પ્રત્યેક રેકમાં 16 ડબ્બાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ટ્રેન 160 KM પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે અને ટેસ્ટિંગ દરમિયાન તે 180 KM પ્રતિ કલાકની ઝડપ સાથે પણ કામ કરી શકશે. તે ઉપરાંત 16 કોચમાં કુલ 823 બર્થ આપવામાં આવશે. 11 3AC કોચમાં 611 બર્થ, 4 2AC કોચમાં 188 બર્થ અને 1 1AC કોચમાં 24 બર્થ આપવામાં આવશે. આ નવી સ્લીપર કોચમાં ઉપલબ્ધ સેવાઓની તુલનામાં વધુ સારી સેવાઓ આપવામાં આવશે. જેમાં સુવા માટેના બર્થની પહોળાઈ યોગ્ય અને જરૂર મુજબ વધારવામાં આવી છે, આંતરિક પ્રકાશની વ્યવસ્થા પણ સુધારી નાખવામાં આવી છે, તે ઉપરાંત શૌચાલય પણ પહેલાં કરતાં ઘણી મોટી સાઇઝનાં બનાવવામાં આવ્યાં છે.

    મુખ્ય વિશેષતાઓની વાત કરવામાં આવે તો, તેમાં રીડિંગ લેમ્પ, ચાર્જિંગ આઉટલેટ, સ્નેક ટેબલ અને મોબાઈલ હોલ્ડર સહિતની સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે જ સુરક્ષાની બાબતો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં કવચ કોલેશન અવૉઇડન્સ સિસ્ટમ, સ્ટેનલેસ સ્ટીલ કાર બોડી, ક્રેશ માટેના યોગ્ય સલામતી પગલાં, GFRP આંતરિક પેનલ્સ અને EN 45545 ફાયર સેફ્ટી ધોરણોનું પાલન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તે સિવાય સુવિધાને વધુ ઉન્નત બનાવવા માટે ટ્રેનને ઓટોમેટિક દરવાજાઓથી સજ્જ કરવામાં આવી છે.

    વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ હશે વંદે ભારત સ્લીપર ટ્રેન

    ભારતીય રેલવે અને BEML અનુસાર, વંદે ભારત સ્લીપર ટ્રેનમાં વિશ્વસ્તરીય વિશેષતાઓ અને સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે, વંદે ભારત સ્લીપર ટ્રેન સેટ ભારતની રેલ ક્ષમતાઓમાં એક મહત્વપૂર્ણ છલાંગ તરીકે સાબિત થશે. જે યાત્રીઓને યુરોપિયન ધોરણોની સમકક્ષ અનુભવ પ્રદાન કરાવશે. સ્લીપર ટ્રેનમાં સેન્સર આધારિત દરવાજાની સાથે અર્ગનોમિક રીતે ડિઝાઇન કરાયેલ ગંધમુક્ત શૌચાલય સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે. આધુનિક પેસેન્જર સુવિધાઓ અને વિશાળ લગેજ રૂમ સાથે આ ટ્રેનને દોડતી કરવામાં આવશે.

    વિશેષ સુવિધાઓમાં દિવ્યાંગ યાત્રિકો માટે સ્પેશ્યલ બર્થ અને શૌચાલય, મોડ્યૂલર પેન્ટ્રી, સાર્વજનિક જાહેરાત અને સૂચના આપવા માટેની આધુનિક સિસ્ટમ, ઇન્ટરનલ ડિસ્પ્લે પેનલ અને સુરક્ષા કેમેરા તથા એસી ફર્સ્ટ ક્લાસમાં ગરમ પાણીની સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનોની સરખામણીએ ઉમદા બર્થ સુવિધા આપવામાં આવશે. આ સાથે જ ઉપરી બર્થ પર ચડવા માટે કોઈને હાલાકી ન પડે તે રીતે સીડી તૈયાર કરવામાં આવી છે. જેથી કરીને રાત્રે કોઈપણ મુસાફરને તકલીફ ન પડી શકે.

    તે સિવાય વંદે ભારત સ્લીપર ટ્રેન યાત્રિકોને આંચકા વિનાની મુસાફરીમાં શ્રેષ્ઠ પુરવાર થશે. ઉપરાંત સંપૂર્ણ સીલબંધ ગેંગવે, વધુ સારી એક-કન્ડિશનિંગ અને ધૂળમુક્ત વાતાવરણની ખાતરી પણ આપશે. ભારતીય રેલવે રાત્રિ દરમિયાન મુસાફરી કરતા યાત્રિકોની યાત્રા સરળ કરી વધુ આરામદાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય રેલવેમાં ક્રાંતિ દ્વારા દેશના કરોડો લોકોને આધુનિક સેવા પૂરી પાડવાનો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં