US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સત્તા સંભાળ્યા બાદથી જ અનેક કાર્યકારી આદેશો આપીને દુનિયભરમાં ખળભળાટ ઊભો કરી દીધો છે. USAIDને બંધ કર્યા બાદ હવે જાણવા મળી રહ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) 1977ને સ્થગિત કરી દીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 10 ફેબ્રુઆરીના રોજ કાર્યકારી આદેશ (Executive Order) પર હસ્તાક્ષર કર્યા છે. આદેશમાં એટર્ની જનરલને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જ્યાં સુધી તેઓ સંશોધિત FCPS (Foreign Corrupt Practices Act) માર્ગદર્શિકા જારી નહીં કરે, ત્યાં સુધી FCPAની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ અદાણી જૂથને (Adani Group) પણ ઘણી રાહત મળી છે. કારણ કે, આ જ કાયદા હેઠળ અદાણી વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી હતી. હવે જૂથ સામે લાગેલા આરોપોનો અંત લાવવાનો માર્ગ પણ મોકળો બની ગયો છે. તે સિવાય સોમવારે (10 ફેબ્રુઆરી) અમેરિકાના 6 સાંસદોએ પણ નવા એટર્ની જનરલ પામ બોન્ડીને પત્ર લખીને બાયડન પ્રશાસન દરમિયાન કરવામાં આવેલી અદાણી ગ્રુપની તપાસની સમીક્ષા કરવાની માંગ કરી છે.
Big positive for #Adani Group as #DonaldTrump eases 'Disaster' Foreign Corrupt Practices Act.
— NDTV Profit (@NDTVProfitIndia) February 11, 2025
Here's @soumeet_sarkar with the details.
Read: https://t.co/wbATc6JAJv pic.twitter.com/1rkjqglq8l
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે FCPAને સ્થગિત કરતા અદાણી ગ્રુપના શેરમાં પણ તેજી જોવા મળી છે. નોંધનીય છે કે, 2024માં અમેરિકામાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજોના ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અદાણીએ તમામ આરોપો નકારી દીધા હતા. FCPA હેઠળ તેમની તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ ટ્રમ્પે તે કાયદાને જ સ્થગિત કરી દીધો છે. આવી સ્થિતિમાં આ કાયદા વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે.
શું છે FCPA?
Foreign Corrupt Practices Act (FCPA) એક અમેરિકી કાયદો છે. જેને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભ્રષ્ટાચારને રોકવા માટે 1977માં બનાવવામાં આવ્યો હતો. તે સમયે એવું જોવા મળ્યું હતું કે, નિગમ વેપાર મેળવવા અને જાળવી રાખવા માટે, ટેક્સ ચૂકવવાથી બચવા માટે અથવા તો અન્ય પ્રતિસ્પર્ધીના વિરોધમાં ભ્રષ્ટાચારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ બધી સમસ્યાઓનો સામનો કરવા માટે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટને પસાર કરવામાં આવ્યો હતો અને કાયદા તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો.
આ કાયદો કંપનીઓ અને વ્યક્તિઓને વ્યાવસાયિક સોદા અથવા કરાર મેળવવા જેવા અન્યાયી લાભો મેળવવા માટે કોઈપણ વિદેશી સરકારી અધિકારીને લાંચ આપવા પર સખત પ્રતિબંધિ મૂકે છે. FCPA કાયદો અમેરિકા આધારિત કંપનીઓ અને કર્મચારીઓને લાગુ પડે છે, ભલે પછી તે કંપની કે વ્યક્તિ વિશ્વના કોઈપણ ખૂણે વ્યવસાય કરતો હોય. સાથે જ આ વિદેશી કંપનીઓ પર પણ લાગુ પડે છે.
પરંતુ, આ કાયદો વિદેશી કંપની પર ત્યારે જ લાગુ પડે છે, જ્યારે તે અમેરિકી સ્ટોક એક્સ્ચેન્જમાં લિસ્ટેડ હોય અથવા તો અમેરિકામાં વેપાર કરતી હોય. આ મામલે અમેરિકી પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રુપના અધિકારીઓ પર આ કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. તેમનો દાવો હતો કે, આરોપીઓએ મોટા એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપી હતી અથવા લાંચ આપવાની યોજના બનાવી હતી.
અમેરિકન કંપનીઓને વૈશ્વિક સ્તરે કાયદાના શાસનનું ઉલ્લંઘન કરતા, મોટાપાયે ભ્રષ્ટાચાર ફેલાવતા અટકાવવા માટે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) પસાર કરવામાં આવ્યો હતો. બાદમાં 1998માં આ કાયદામાં સુધારો કરીને અમેરિકામાં લાંચમાં સામેલ વિદેશી વ્યક્તિઓ અને કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાયદો ફક્ત ચૂકવેલી લાંચ પર જ નહીં, પરંતુ કંપનીઓ દ્વારા ઓફર કરાયેલ, આયોજનબદ્ધ અથવા અધિકૃત કરાયેલ લાંચ પર પણ લાગુ પડે છે.
શું છે આ કાયદાની જોગવાઈઓ?
આ કાયદાની જોગવાઈ અનુસાર, આ કાયદો કંપનીઓ અને વ્યક્તિઓને વ્યાવસાયિક સોદાને આગળ વધારવા માટે વિદેશી અધિકારીઓને લાંચ આપવાથી રોકે છે. તે સિવાય એવી પણ જોગવાઈ છે કે, સિક્યુરિટી એન્ડ એક્સ્ચેન્જ કમિશન (SEC) અને ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (DOJ) બંને FCPAને લાગુ કરવા માટે જવાબદાર છે. તે સિવાય આ કાયદાનું ઉલ્લંઘન કરનારા પર મોટા પ્રતિબંધો અને દંડ લગાવવામાં આવે છે. ઉપરાંત તેના વિરુદ્ધ ફોજદારી અને નાગરિક બંને પ્રકારણી કાર્યવાહી પણ કરવામાં આવે છે.
વધુમાં લાંચમાંથી મળવાની રકમ કરતાં બમણી રકમ જેટલો દંડ પણ સજામાં સામેલ કરવામાં આવ્યો છે. કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠરેલી કોર્પોરેટ સંસ્થાઓને ભવિષમાં તેનું પાલન સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્ર ઓડિટરની દેખરેખ સ્વીકારવાની ફરજ પણ પડી શકે છે. આ કાયદાનો ભંગ કરવામાં સામેલ વ્યક્તિઓને પાંચ વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તે સિવાય લાંચ સ્વરૂપે આપવામાં આવતી ભેટ, સોગાદો અને ઈનામોને પણ પ્રતિબંધિત ગુનો ગણવામાં આવે છે.