અરુણાચલ પ્રદેશના 27 જિલ્લાઓ, 26 મુખ્ય આદિવાસી જાતિઓ અને 100 ઉપ-જાતિઓનું પ્રતિનિધિત્વ કરતા હજારો મૂળ નિવાસીઓએ ધર્માંતરણ વિરોધી કાયદો (APFRA 1978) લાગુ કરવાની માંગણીને લઈને રેલી યોજી હતી. શનિવાર, 20 ઑક્ટોબર 2025ના રોજ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ લોકોએ ઈટાનગર સુધી કૂચ કરી હતી. જોકે, રાજ્યનો ખ્રિસ્તી સમુદાય આ કાયદાનો અને આ રેલીનો વિરોધ કરી રહ્યો છે.
48 વર્ષ પહેલાં ધર્માંતરણ રોકવા માટે અરુણાચલ પ્રદેશ ફ્રીડમ ઑફ રિલિજન ઍક્ટ 1978 ઘડવામાં આવ્યો હતો. ઈસાઈયતના પ્રચાર-પ્રસારને કારણે અરુણાચલના મૂળ નિવાસીઓ ધીમે ધીમે લઘુમતી બનતા જઈ રહ્યા છે. આ મૂળ નિવાસીઓ ‘ડોની પોલો’ની પૂજા કરે છે, જેમાં ‘ડોની’નો અર્થ ‘સૂર્ય’ અને ‘પોલો’નો અર્થ ‘ચંદ્ર’ થાય છે. આ એવા પ્રતીકો છે, જેના પર અરુણાચલના લોકોની આસ્થા ટકેલી છે.
ડોની પોલો, ખ્રિસ્તી અને હિંદુ ધર્મ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં મહાયાન અને થેરવાદ બૌદ્ધ પંથના અનુયાયીઓની પણ નોંધપાત્ર સંખ્યા છે.

ઈન્ડિજનસ ફેથ ઍન્ડ કલ્ચરલ સોસાયટી ઑફ અરુણાચલ પ્રદેશના (IFCSAP) અધ્યક્ષ એમી રૂમીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મૂળ આસ્થા અને પરંપરાઓનું જતન કરવા માટે અરુણાચલ પ્રદેશ ફ્રીડમ ઑફ રિલિજન ઍક્ટને (APFRA) સંપૂર્ણપણે લાગુ કરવાની માંગણી સાથે આ રેલી યોજાઈ હતી. તેમણે કહ્યું કે, આ કાયદને 1978માં તત્કાલીન રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હતી, તેમ છતાં હજુ સુધી તેને અમલમાં મૂકવામાં નથી આવ્યો.
રૂમીએ વધુમાં જણાવ્યું કે, “જો આ કાયદો લાગુ થાય તો અમારી સંસ્કૃતિ, પરંપરાઓ અને ધાર્મિક ઓળખનું રક્ષણ થઈ શકશે.”

વકીલ આર.એસ. લોડાએ રેલીને સંબોધતા કહ્યું કે, “અમે નથી ઈચ્છતા કે અરુણાચલ પ્રદેશ મિઝોરમ કે નાગાલેન્ડની જેમ પોતાની મૂળ ઓળખ ગુમાવે, જ્યાં વિદેશી પંથના પ્રચાર-પ્રસારને કારણે સ્થાનિક માન્યતાઓ નાશ પામી છે.”
અરુણાચલ પ્રદેશમાં ધર્માંતરણ વિરોધી કાયદો લાગુ કરવાની માંગણી કરનારાઓનું કહેવું છે કે આ કાયદો કોઈ ધર્મ કે સંપ્રદાયની વિરુદ્ધ નથી, પરંતુ તે માત્ર ‘આદિવાસી સમુદાયોને લોભામણી વાતો કે લાલચ આપીને થતા ધર્માંતરણથી બચાવે છે.’
અરુણાચલ પ્રદેશના સ્વદેશી આસ્થા અને સાંસ્કૃતિક સમાજના (IFCSAP) એક પ્રતિનિધિમંડળે ગૃહમંત્રી મામા નાટુંગ સાથે મુલાકાત કરી અને ‘અરુણાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ, 1978’ (APFRA) તાત્કાલિક લાગુ કરવાની વિનંતી કરી. તેમણે રાજ્યની મૂળ આસ્થા, સંસ્કૃતિ અને આદિવાસી ઓળખના રક્ષણ માટે આ કાયદો લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતું આવેદન આપ્યું હતું.

તેમનું કહેવું છે કે બાહ્ય પ્રભાવોને કારણે અરુણાચલની સંસ્કૃતિ પર સંકટ ઊભું થયું છે. આદિવાસી વારસાને બચાવવા અને સંસ્કૃતિનું જતન કરવા માટે આ કાયદો લાગુ કરવો જરૂરી છે. નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજ્યમાં ખ્રિસ્તી વસ્તી અને ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

1971ની વસ્તી ગણતરી અનુસાર, અરુણાચલ પ્રદેશમાં ખ્રિસ્તી વસ્તી 0.79% હતી, જે 2011ની ગણતરીમાં વધીને 30.26% થઈ ગઈ. 1971માં અન્ય ધર્મો અને માન્યતાઓનો (ORP)હિસ્સો 63.46% હતો, જે 2011માં ઘટીને 26.20% થઈ ગયો. હિંદુઓની વસ્તી 1971માં 22% હતી, જે 2011માં 29.04% થઈ. બૌદ્ધોની વસ્તી 1971માં 13% હતી, જે 2011માં ઘટીને 11.77% થઈ ગઈ. મુસ્લિમ વસ્તી 1971માં 0.18% હતી, જે 2011માં વધીને 1.95% થઈ ગઈ.

ખ્રિસ્તીઓ APFRAનો કરી રહ્યા છે વિરોધ
અરુણાચલ ક્રિશ્ચિયન ફોરમ (ACF) APFRAનો વિરોધ કરી રહ્યું છે. ફોરમના અધ્યક્ષ તારહ મિરીનું કહેવું છે કે, “ધર્માંતરણ વિરોધી કાયદો ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ છે અને તે ખ્રિસ્તીઓને નિશાન બનાવે છે.” ફેબ્રુઆરી 2025માં ACFએ આ કાયદાના વિરોધમાં 8 કલાકની ભૂખ હડતાળ કરી હતી.
નાગા બૅપ્ટિસ્ટ ચર્ચ કાઉન્સિલના મહાસચિવ રેવ જેલહોઉ કીહોએ જાન્યુઆરી 2025માં મુખ્યમંત્રી પેમા ખાંડુને પત્ર લખીને દાવો કર્યો હતો કે, APFRAનો હેતુ મૂળ ધર્મનું જતન કરવાનો નથી, પરંતુ ખ્રિસ્તીઓનું દમન કરવાનો છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, “APFRAનો વાસ્તવિક હેતુ પારંપરિક ધર્મનું રક્ષણ નથી, પરંતુ તે સમયના એક ચોક્કસ રિલીજીયસ સમૂહનું દમન કરવાનો હતો. આ આધારે આ કાયદો બંધારણવિરોધી છે. તે સમયે તમારા લોકો અને વિસ્તાર આ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ હવે દેશની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. હવે તમારા લોકો, ખાસ કરીને તમારા રાજ્યના ખ્રિસ્તીઓનું શું થશે?”
પત્રમાં આગળ જણાવાયું છે કે, “અમારે એ કહેવાની જરૂર નથી કે દેશના અન્ય ભાગોમાં ખ્રિસ્તીઓને ખોટી રીતે હેરાન કરવા માટે આ કાયદાનો કેવી રીતે દુરુપયોગ થાય છે. અમારી વ્યવહારુ સમજ અમને કહે છે કે તમારા શાંતિપ્રિય લોકો સાથે પણ આવું જ થશે અને તે આખા વિસ્તારમાં ફેલાઈ જશે.”
મુખ્યમંત્રી ખાંડુએ કરી પરંપરાઓના જતનની વાત
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ મૂળ આસ્થાઓને પ્રોત્સાહન આપવા અને પરંપરાઓનું જતન કરવા માટેની ભાજપ સરકારની પ્રતિબદ્ધતા ફરી દર્શાવી હતી. તેમણે તેને આદિવાસી સમુદાયોની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આત્મા ગણાવી હતી.
Why are Indigenous faiths so important to preserve, unlike major religions?
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) July 24, 2025
Because they don’t come from books, but from land, memory, and lived tradition. They are not exported, they are rooted. They hold the soul of our people, our forests, mountains, rivers, and ancestors.… pic.twitter.com/RVhXUdqVq4
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે વિસ્તૃત રીતે સમજાવ્યું હતું કે મૂળ આસ્થાઓનું જતન કેમ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, “મુખ્ય ધર્મોથી વિપરીત, મૂળ આસ્થાઓ પુસ્તકોમાંથી નથી આવતી, પરંતુ જમીન, સ્મૃતિ અને જીવંત પરંપરાઓમાંથી આવે છે. તે બહારથી લાદવામાં નથી આવતી, પરંતુ તેના મૂળ હજારો વર્ષોથી અહીં છે. તે અમારા લોકો, અમારા જંગલો, પહાડો, નદીઓ અને પૂર્વજોની આત્માને સાચવે છે.”
Hearty thanks to Hon’ble Minister for Tribal Affairs, Shri Jual Oram Ji, for gracing the silver jubilee celebration of Indigenous Faith and Cultural Society of Arunachal Pradesh (IFSCAP) and supporting our efforts to uphold the spirit of our indigenous identity.@PMOIndia… pic.twitter.com/DVNNUIodAT
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) December 27, 2024
મૂળ આસ્થાઓને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટે મુખ્યમંત્રી ખાંડુએ આદિ, ગાલો, ન્યીશી અને તાંગસા જાતિઓ માટે 6 સ્વદેશી ગુરુકુળો, 3,000થી વધુ નોંધાયેલા પૂજારીઓના પગાર, તમામ જિલ્લાઓમાં જનજાતિ સાંસ્કૃતિક કેન્દ્રો અને રાજ્યભરમાં 50 સ્વદેશી કેન્દ્રોની સ્થાપનાની જાહેરાત કરી છે.
ડિસેમ્બર 2024માં મુખ્યમંત્રી ખાંડુએ સ્વદેશી બાબતોના વિભાગનું નામ બદલીને ‘સ્વદેશી આસ્થા અને સંસ્કૃતિ’ કર્યું. તેમણે તેને ‘સ્વદેશી પરંપરાઓની સમૃદ્ધ વિરાસતના જતન, પ્રોત્સાહન અને રક્ષણની પ્રતિબદ્ધતા તરફનું એક પગલું’ ગણાવ્યું હતું.
અરુણાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ શું છે?
અરુણાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ ઑક્ટોબર 1978માં અસ્તિત્વમાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ ‘બળ, લોભ કે છેતરપિંડી દ્વારા થતા ધર્માંતરણને રોકવાનો’ હતો. ભારતના રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી દીધી હતી.
રાજ્યમાં અનેક ‘સ્વદેશી આસ્થાઓ’ની ઓળખ કરવામાં આવી છે, જેમાં બૌદ્ધ (મોનપા, મેમ્બા, શેરદુકપેન, ખમ્બા, ખમ્પ્તી અને સિંગફો દ્વારા પ્રચલિત), વૈષ્ણવ ધર્મ (નોક્ટેસ દ્વારા પ્રચલિત), આકા અને પ્રકૃતિ પૂજકોનો (ડોની-પોલોના ઉપાસકો સહિત) સમાવેશ થાય છે.
આ કાયદાની કલમ 3મા સ્પષ્ટ રીતે જણાવાયું છે કે, “કોઈ વ્યક્તિ બળ, પ્રલોભન કે કોઈ કપટપૂર્ણ રીતે, સીધી કે આડકતરી રીતે, કોઈ વ્યક્તિને એક ધાર્મિક આસ્થામાંથી બીજી આસ્થામાં પરિવર્તન કરશે નહીં કે પરિવર્તનનો પ્રયાસ કરશે નહીં. અને ન તો કોઈ વ્યક્તિ આવા ધર્માંતરણ માટે ઉશ્કેરણી કરશે.”

કાયદામાં આગળ જણાવાયું છે કે, કલમ 3નું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ₹10,000 સુધીનો દંડ અને મહત્તમ 2 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, આ કાયદો ધર્માંતરણ અંગે સંબંધિત જિલ્લાના જિલ્લાધિકારીને જાણ કરવાનો આદેશ આપે છે. આમ ન કરવા પર 1 વર્ષની જેલ અને ₹1,000 સુધીના દંડની જોગવાઈ છે.
કલમ 6મા જણાવાયું છે કે, આ કાયદા હેઠળના ગુનાને ધ્યાનમાં લેવામાં આવશે અને પોલીસ ઇન્સ્પેક્ટરથી નીચેના અધિકારી તેની તપાસ કરશે નહીં. આ કાયદા હેઠળ અભિયોજન માટે DCPની પૂર્વ મંજૂરી અથવા એડિશનલ આસિસ્ટન્ટ કમિશનરથી નીચેના હોદ્દાના અધિકારી પાસેથી ચકાસણી જરૂરી છે.
ધર્માંતરણ વિરોધી કાયદાના અમલ માટે અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા નિયમો ઘડવાની માંગણી સાથે ગુવાહાટી હાઇકોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. આ મામલે સપ્ટેમ્બર 2024માં મોટી સફળતા મળી. જસ્ટિસ કર્દક એટે અને જસ્ટિસ બુદી હાબુંગની ખંડપીઠે વકીલ આઈ. ચૌધરીના જવાબની તપાસ બાદ જનહિત અરજી બંધ કરી દીધી હતી. સરકારે કોર્ટને જણાવ્યું કે, નિયમોની યાદી તૈયાર કરવા માટે 6 મહિનાનો સમય જોઈએ એમ છે.
ગુવાહાટી હાઇકોર્ટે 30 સપ્ટેમ્બર 2024ના આદેશમાં જણાવ્યું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે સંબંધિત અધિકારીઓ તેમની જવાબદારીઓ પ્રત્યે સભાન રહેશે અને આજથી 6 મહિનાની અવધિમાં ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.”
નોંધનીય છે કે, મુખ્યમંત્રી ખાંડુએ સ્પષ્ટ કર્યું છે કે, ગુવાહાટી હાઇકોર્ટના નિર્દેશ મુજબ, સરકારે છ મહિનામાં ડ્રાફ્ટ નિયમો તૈયાર કરવાના છે. આ સમયમર્યાદા ઑક્ટોબર 2025માં પૂર્ણ થઈ રહી છે.
રાજ્ય સરકાર માટે ધાર્મિક વસ્તીવિષયક રક્ષણ અને મૂળ આસ્થાઓ તથા પરંપરાઓના જતન માટે APFRA અથવા ધર્માંતરણ વિરોધી કાયદો લાગુ કરવો અત્યંત જરૂરી છે. જોકે, ખ્રિસ્તી સમૂહ આ કાયદાને તેમની ધાર્મિક ઓળખ પરના હુમલા તરીકે જુએ છે. તેમને સમજવાની જરૂર છે કે, APFRA જો લાગુ થશે તો તે બળ, પ્રલોભન કે ફસાવટ દ્વારા થતા ધર્માંતરણની વિરુદ્ધ હશે.


