છેલ્લા ઘણા સમયથી અમેરિકા (USA) અને ભારત (India) વચ્ચેના ટેરિફને (Tariff) લઈને ખૂબ ચર્ચાઓ થતી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દુનિયાભરના ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે. એટલે કે, જે-તે દેશ જેટલું ટેરિફ US માટે રાખશે, એટલો જ ટેરિફ વધારો અમેરિકા પણ કરશે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે ભારતે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જાણવા મળી રહ્યું છે કે, સરકારે ઇલેક્ટ્રિક વાહન બેટરી (EV Battery) અને મોબાઈલ ફોન (Mobile Phone) નિર્માણમાં ઉપયોગમાં આવતા ઘણા માલસામાનો પરની ઇમ્પોર્ટ ડ્યુટી (Import duty) ખતમ કરી દીધી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ‘ફાયનાન્સ બિલ 2025’ પસાર કરવા માટે મતદાન પહેલાં કહ્યું હતું કે, “સરકારનો ધ્યેય કાચા માલ પર ડ્યુટી ઘટાડીને ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને નિકાસ પ્રતિસ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે.” વધુમાં તેમણે કહ્યું કે, ભારત EV બેટરીના નિર્માણમાં ઉપયોગી થતી 35 વસ્તુઓ અને મોબાઈલ ફોન નિર્માણના ઉપયોગી થતી 28 વસ્તુ પરની ઇમ્પોર્ટ ડ્યુટી ખતમ કરશે.
કારણ અને અસર
ભારત 2 એપ્રિલથી અમલમાં આવનારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની અસર ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે. બંને દેશો ટેરિફ મુદ્દાઓ ઉકેલવા અને દ્વિપક્ષીય વેપાર કરાર પર સહમત થવા માટે વાતચીત કરી રહ્યા છે. રોયટર્સે બે સરકારી સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે, નવી દિલ્હી બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર કરારના પહેલા તબક્કામાં 23 અબજ ડોલરના મૂલ્યના અડધાથી વધુ US આયાત પર ટેરિફ ઘટાડવા માટે તૈયાર છે.
તે સિવાય ગયા અઠવાડિયે એક સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી હતી કે, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે કાચા માલની આયાત પરના ટેરિફમાં ઘટાડો કરવો જોઈએ. અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફના કારણે ભારતના ઉત્પાદોને પણ અસર પહોંચી શકે છે અને તે અસરને ઓછી કરવા માટે મોદી સરકારે ઘણા કાચા માલ પર ટેરિફ ખતમ કર્યો છે.
સરકારના આ પગલાંની અસર એ થશે કે, અમેરિકી ટેરિફ સામે પણ ભારતના સ્થાનિક ઉત્પાદનો ટકી શકશે અને તેને પ્રોત્સાહન પણ મળી શકશે. નોંધવા જેવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, અમેરિકા 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરશે. જેના કારણે ભારતના સ્થાનિક ઉત્પાદનો પર વધુ અસર પડવાની શક્યતા હતી, પરંતુ સરકારે અન્ય કેટલાક સામાન પર ઇમ્પોર્ટ ડ્યુટી ખતમ કરીને ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે અમેરિકી ટેરિફની અસરોને ઓછી કરી દીધી છે.
અગાઉ ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત લેખમાં ટેરિફ શું છે અને વૈશ્વિક વેપારમાં તેનો ઉપયોગ કઈ રીતે થાય છે તેની ઉપર એક વિસ્તૃત લેખ લખ્યો હતો, જે અહીંથી વાંચી શકાશે. તે સિવાય રેસિપ્રોકલ ટેરિફ શું છે અને તેની ભારત પર શું અસર થઈ શકે તે વિષય પર પણ એક વિસ્તૃત લેખ પ્રકાશિત થયો હતો, તે પણ અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.