Thursday, January 30, 2025
More
    હોમપેજદુનિયાશું છે ‘ટેરિફ’, જેનો ઉલ્લેખ કરીને ટ્રમ્પ વિવિધ દેશો પર કરતા રહે...

    શું છે ‘ટેરિફ’, જેનો ઉલ્લેખ કરીને ટ્રમ્પ વિવિધ દેશો પર કરતા રહે છે દબાણ: આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પાવરફૂલ ટૂલ, જેનો રાજકારણ માટે પણ થતો રહે છે ઉપયોગ 

    ટેરિફનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે તેનાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે અને તેઓ સ્પર્ધામાં ટકી રહે છે. બીજું, સરકારને આવક થાય એ નફામાં. અમુક દેશો આયાતમાં ઘટાડો કરીને ઘરેલુ ઉત્પાદનોને જ મહત્ત્વ આપવા માટે વધુ ટેરિફ લાદે છે.

    - Advertisement -

    અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા પછી અને તે પહેલાં પણ તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન ‘ટેરિફ’ની (Tariff) ચર્ચા ઘણી ચાલતી હતી. ટ્રમ્પ ઘણી વખત BRICS દેશોનો ઉલ્લેખ કરીને ચેતવણી આપી ચૂક્યા છે કે જો આ દેશો ડી-ડૉલરાઇઝેશન (ડૉલરને મૂકીને અન્ય ચલણમાં વેપાર કરવો) કરવાના પ્રયાસો ચાલુ રાખશે તો તેમણે અમેરિકામાં 100% ટેરિફનો સામનો કરવો પડશે. આ બ્રિક્સ દેશોનો એક સભ્ય દેશ ભારત પણ છે. 

    રાષ્ટ્રપતિ બન્યા પછી પણ ટ્રમ્પે ઘણી વખત પોતાનાં ભાષણોમાં ટેરિફનો ઉપયોગ કર્યો છે. હવે એ જાણીએ કે આખરે આ ટેરિફ શું છે. 

    ટેરિફ એટલે શું?

    ટેરિફ એક પ્રકારનો આયાત કર છે. કોઈ દેશમાં બહારથી ચીજવસ્તુઓ કે માલસામાન સ્થાનિક બજારમાં વેચાણ માટે મંગાવવામાં આવે ત્યારે તેની ઉપર ટેક્સ લાદવામાં આવે છે. જેને ટેરિફ કહેવાય છે. તેનાથી જે આયાત થતી વસ્તુ હોય તે વધુ મોંઘી બને અને તેના કારણે સ્થાનિક ઉદ્યોગોને સ્પર્ધા કરવાનો એક સ્કોપ મળી રહે છે. વિદેશી ચીજવસ્તુઓ બજારમાં ઓછા ભાવે ઉપલબ્ધ થાય તો સ્થાનિક ઉદ્યોગ કે ઉત્પાદનોને નુકસાન પહોંચવાની સંભાવના રહે છે. 

    - Advertisement -

    ટેરિફ એક રીતે કોઈ દેશની આવકનું સાધન પણ છે. તેના ઘણા પ્રકારો છે. જેમકે, ઇમ્પોર્ટ ટેરિફ એટલે એવો ટેક્સ જે દેશમાં આયાત થતા સામાન પર લાગે છે. ઘણા કિસ્સાઓમાં એક્સપોર્ટ ટેરિફ પણ લગાવવામાં આવે છે, પણ બહુ જોવા મળતો નથી. ત્યારબાદ રેવન્યુ ટેરિફ (સરકારની આવક વધારવા માટે) અને પ્રોટેક્ટિવ ટેરિફ (વિદેશી કંપનીઓની સ્પર્ધામાં ટકી રહેવા માટે સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરવા માટે) વગેરે જેવા ટેરિફ પણ સામેલ છે. સ્પેસિફિક ટેરિફ એટલે એવો કર જે કોઈ ઉત્પાદનના પ્રતિ એકમ લગાવવામાં આવે છે. જેમકે, બહારથી આવતા પ્રતિ કિલોગ્રામ ચોખા પર ₹10 ટેક્સ. ઘણી વખત કોઈ દેશ બીજા દેશ પર ટેરિફ લાદે તો જે-તે દેશ પણ જવાબમાં એવી જ કાર્યવાહી કરે છે, જેને ‘રિટલિયટરી ટેરિફ’ કહેવાય છે. 

    ટેરિફનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે તેનાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે અને તેઓ સ્પર્ધામાં ટકી રહે છે. બીજું, સરકારને આવક થાય એ નફામાં. અમુક દેશો આયાતમાં ઘટાડો કરીને ઘરેલુ ઉત્પાદનોને જ મહત્ત્વ આપવા માટે વધુ ટેરિફ લાદે છે. ઘણી વખત અમુક ઉત્પાદનો પર્યાવરણ માટે કે જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય તો તેમની ઉપર પણ વધુ પ્રમાણમાં ટેરિફ લાગુ કરીને નિયંત્રણ મૂકવામાં આવે છે. 

    દેશો રાજકીય કારણોસર પણ ઘણાખરા ટેરિફ લાગુ કરતા રહ્યા છે. જેમકે, એક દેશ બીજા દેશ પર દબાણ લાવવા માટે વધુ ટેક્સ લાદે છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે ચીમકી ઉચ્ચારી રહ્યા છે એને આ કક્ષામાં મૂકી શકાય. તેઓ BRICS દેશોને ધમકી આપી રહ્યા છે કે જો ડૉલરને હાંસિયા પર ધકેલ્યો તો તેમણે યુએસમાં વેપાર કરવા માટે વધુ ટેકસનો સામનો કરવો પડશે. 

    કોલમ્બિયાને ટ્રમ્પે બતાવ્યો પરચો 

    ટ્રમ્પ આવ્યા પછી અમેરિકામાં મોટાપાયે ગેરકાયદેસર રહેતા લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ જ ક્રમમાં અમુક કોલમ્બિયાના નાગરિકોને પણ અમેરિકાએ મોકલવાના શરૂ કર્યા, પરંતુ કોલમ્બિયાએ આ વિમાનો પરત મોકલીને પોતાના નાગરિકોને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. જવાબમાં ટ્રમ્પે કોલમ્બિયાનાં તમામ ઉત્પાદનો પર 25% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી દીધી અને અઠવાડિયામાં તેને પચાસ ટકા સુધી લઈ જવાની ચીમકી ઉચ્ચારી. સાથે કોલમ્બિયન સરકારના અધિકારીઓના વિઝા રદ કરવાની ધમકી પણ આપવામાં આવી. આ કાર્યવાહી બાદ કોલમ્બિયાની સરકારે યુ-ટર્ન લઈ લેવો પડ્યો. પછીથી તેમણે વાયુસેનાનાં બે વિમાન યુએસ મોકલ્યા અને પોતાના નાગરિકોને લઈ આવ્યા હતા. 

    બીજાં અમુક ઉદાહરણો જોઈએ તો અમેરિકા ચીનના સામાન પર તગડું ટેરિફ લગાવે છે અને ચીન પણ જવાબમાં વધુ ટેક્સ લાગુ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન જ ચીન પર વધુ ટેક્સ લાગુ કર્યો હતો, ત્યારથી બંને દેશો આ બાબતમાં બાખડતા રહે છે. 

    ભારત પણ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા લાગુ કરે છે વધુ ટેરિફ 

    ભારતે મોબાઈલ ફોન અને અન્ય ગેજેટ્સ પર ટેરિફ વધાર્યું છે, જેથી સ્થાનિક માર્કેટને પ્રોત્સાહન મળી રહે. ભારત મોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં દુનિયામાં ટોપ પર છે. આ સ્થિતિમાં સ્થાનિક ઉદ્યોગોને પૂરતી જગ્યા મળી રહે તેના માટે ટેરિફ વધુ લાગુ કરવામાં આવ્યું છે. 

    આ સિવાય ભારતમાં ખેતીનાં ઉત્પાદનો પર પણ વધુ ટેરિફ લાગુ કરવામાં આવે છે, જેથી સ્થાનિક ખેડૂતોને આયાતી સામાન સામે રક્ષણ મળી રહે. સિવાય, સોલાર પેનલો પર પણ ભારતે વધુ ટેરિફ લગાવ્યું છે, જેથી વધતા ઉદ્યોગ વચ્ચે સ્થાનિક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને ઇમ્પોર્ટના કારણે તેમને અસર ન પહોંચે. ઉપરાંત, ગોલ્ડ ઈમ્પોર્ટ પર પણ ટેરિફ વધુ લેવામાં આવે છે. 

    વર્ષ 2019માં પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ કાશ્મીરના પુલવામામાં હુમલો કર્યા બાદ ભારતે પાકિસ્તાનને આપેલું ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નું સ્ટેટસ પરત ખેંચી લીધું હતું અને પાકિસ્તાનની આયાત થતા સામાન પર 200% ટેરિફ લાગુ કર્યું હતું. તેના કારણે બંને દેશો વચ્ચેના વેપારને અસર પડી અને પાકિસ્તાનથી સિમેન્ટ, ફળો, ટેક્સટાઇલ વગેરેને નિકાસમાં ધરખમ ઘટાડો થયો હતો, જેની લાંબાગાળે ત્યાંની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી. 

    અન્ય દેશોનાં ઉદાહરણો જોઈએ તો, યુરોપિયન યુનિયન પોતાની સ્ટીલ ઈન્ડસ્ટ્રીને સાચવવા માટે ટેરિફ વધુ લાગુ કરે છે. બ્રાઝિલમાં કારના લોકલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે વિદેશી કાર પર વધુ ટેરિફ લગાવવામાં આવતું રહ્યું છે. 

    ટેરિફની અસરો શું થાય છે? 

    પહેલી અને સીધી અસર તો એ જ છે કે ગ્રાહકોએ વધુ પૈસા ચૂકવવા પડે છે. કારણ કે કોઈ ચીજવસ્તુ જે બહારથી મંગાવવામાં આવી હોય તેની ઉપર વધુ ટેક્સ લાગવાના કારણે તેની કિંમત પણ વધે છે. તેનાથી સ્થાનિક ઉદ્યોગો ફૂલેફાલે છે, પણ જે ઉદ્યોગોએ આયાતી સામાન પર આધાર રાખવો પડતો હોય તેમને માઠી અસર પડી શકે છે. 

    અમુક કિસ્સાઓમાં ગ્લોબલ સપ્લાય ચેઇનને પણ અસર થાય છે. કારણ કે અમુક ઉત્પાદનો એવાં હોય જે જુદા-જુદા દેશોનાં મટીરીયલનો ઉપયોગ કરે છે. હવે આ સંજોગોમાં દેશોમાં ટેરિફમાં વધ-ઘટ થાય તો તેની  અસર મેન્યુફેક્ચરિંગ પર થાય છે અને દુનિયાનભરમાં ઉત્પાદનોના ભાવ વધે છે. આ કિસ્સામાં એક તરફ જ્યાં સ્થાનિક સ્તરે નોકરીઓનું સર્જન થાય ત્યાં બીજી તરફ ગ્લોબલ ટ્રેડ ઉપર જે ઉદ્યોગો આધારિત હોય તેમાં નોકરીઓની અછત સર્જાય શકે છે. 

    ટેરિફ આંતરરાષ્ટ્રીય વેપારમાં એક ‘પાવરફૂલ ટૂલ’ તરીકે કામ કરે છે. એક તરફ તેઓ સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવાનો હેતુ પૂરો કરે છે તો બીજી તરફ તેના કારણે ઉપર જણાવી તેવી અસરો પણ થઈ શકે છે. તેના કારણે સરકારો કાયમ એ રીતે તેનો ઉપયોગ કરતી રહે છે, જેથી ગ્રાહકોને પણ અન્યાય ન થાય અને વૈશ્વિક વેપારમાં પણ સંબંધોને અસર ન પહોંચે. જોકે આ બધા સાથે રાજકારણ પણ જોડાયેલું હોવાના કારણે દેશો એકબીજા પર દબાણ લાવવા માટે પણ આ ટેરિફમાં વધારો-ઘટાડો કરતા રહે છે. 

    મૌર્ય-ગુપ્ત યુગમાં પણ છે ટેરિફનો ઉલ્લેખ

    ભારતમાં પ્રાચીનકાળથી આ પ્રકારેના કરનો ઉલ્લેખ જોવા મળે છે. મૌર્ય તથા ગુપ્ત યુગમાં અન્ય રાજ્યોમાંથી આવતા વેપારીઓ પાસેથી તેમની વસ્તુઓ પર કર વસૂલવામાં આવતો હતો જેને ‘સુલ્ક’ કહેવામાં આવતું હતું. આ સિવાય ભારતના ચિંતક કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ પુસ્તકમાં પણ આ અંગેનો ઉલ્લેખ જોવા મળે છે.ઉપરાંત વિવિધ પ્રકારની સેવા આપતા અને વેપાર કરતા લોકો પાસેથી કેટલી માત્રામાં કર વસૂલવો જોઈએ એ અંગેના પણ ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્ય, મહાભારત, અપસ્તંભ વગેરે જેવા ગ્રંથોમાં કર અંગેની બાબતો અને નિયમોના ઉલ્લેખ જોવા મળે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં