અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સત્તા સંભાળ્યા બાદ ઘણાં પરિવર્તનો આવી રહ્યાં છે અને તેની અસરો માત્ર અમેરિકા જ નહીં પણ આખા વિશ્વ પર વધતા-ઓછા પ્રમાણમાં પડી રહી છે. ટ્રમ્પે આવતાંની સાથે જ એક પછી એક કાર્યકારી આદેશો પસાર કરવા માંડ્યા હતા અને બીજી તરફ વૈશ્વિક સમીકરણો બદલાવાનાં શરૂ થયાં. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલતું યુદ્ધ હોય કે રશિયા-યુક્રેન યુદ્ધ, બંને પર પણ અસરો પડવાની શરૂ થઈ છે. બીજી તરફ વૈશ્વિક વ્યાપારને પણ ટ્રમ્પ બદલવા માંગે છે અને તેમના સત્તામાં આવ્યા બાદથી જ ‘ટેરિફ’ (Tarrif) શબ્દ બહુ ચર્ચાઈ રહ્યો છે. તાજેતરમાં યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં તેમણે 2 એપ્રિલ, 2025થી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી.
ટ્રમ્પનું માનીએ તો અમેરિકા પણ હવે જે દેશ જેટલું ટેરિફ લગાવતો હોય તેની સામે તેટલું જ ટેરિફ લગાવશે. ટ્રમ્પ કહે છે કે અમેરિકાનાં આર્થિક હિતો સાચવવા માટે તેઓ આવું કરી રહ્યા છે. તેનાથી મોટી અસર ભારત, ચીન વગેરે દેશોને પડશે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં ભારતનો પણ ઉલ્લેખ કર્યો જ હતો.
#WATCH | While addressing a joint session of US Congress, US President Donald Trump says, " Other countries have used tariffs against us for decades and now it is our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil,… pic.twitter.com/7lRu4udKEN
— ANI (@ANI) March 5, 2025
તેમણે કહ્યું, “ભારત 100% ટેરિફ લગાવે છે, આ સિસ્ટમ અમેરિકા માટે યોગ્ય નથી અને ક્યારેય હતી પણ નહીં. 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ અમલમાં આવશે. તેઓ આપણને જેટલો ટેક્સ લગાવે, આપણે તેમને પણ એટલો જ લગાવીશું. જો તેઓ આપણને તેમના માર્કેટથી દૂર રાખવા માટે નોન-મોનેટરી ટેરિફનો ઉપયોગ કરે તો આપણે પણ એમ જ કરીશું.” તેમણે સંબોધનમાં કહ્યું કે, બીજા દેશો ઘણાં વર્ષોથી અમેરિકા પર ટેરિફ લગાવી રહ્યા છે અને હવે સમય આવી ગયો છે કે આ દેશો વિરુદ્ધ યુએસ પણ એમ જ કરે. તેમણે યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ અને ભારતનો ઉલ્લેખ કર્યો હતો.
અગાઉ ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત લેખમાં ટેરિફ શું છે અને વૈશ્વિક વેપારમાં તેનો ઉપયોગ કઈ રીતે થાય છે તેની ઉપર એક વિસ્તૃત લેખ લખ્યો હતો, જે અહીંથી વાંચી શકાશે. પરંતુ અહીં ચર્ચાનું સાતત્ય જળવાય રહે તે માટે ટેરિફ ઉપર થોડી ચર્ચા કરીએ.
શું છે ટેરિફ?
ટેરિફ એક પ્રકારનો આયાત કર છે. કોઈ દેશમાં બહારથી ચીજવસ્તુઓ કે માલસામાન સ્થાનિક બજારમાં વેચાણ માટે મંગાવવામાં આવે ત્યારે તેની ઉપર ટેક્સ લાદવામાં આવે છે. જેને ટેરિફ કહેવાય છે. તેનાથી જે આયાત થતી વસ્તુ હોય તે વધુ મોંઘી બને અને તેના કારણે સ્થાનિક ઉદ્યોગોને સ્પર્ધા કરવાનો એક સ્કોપ મળી રહે છે. વિદેશી ચીજવસ્તુઓ બજારમાં ઓછા ભાવે ઉપલબ્ધ થાય તો સ્થાનિક ઉદ્યોગ કે ઉત્પાદનોને નુકસાન પહોંચવાની સંભાવના રહે છે.
ટેરિફનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે તેનાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે અને તેઓ સ્પર્ધામાં ટકી રહે છે. બીજું, સરકારને આવક થાય એ નફામાં. અમુક દેશો આયાતમાં ઘટાડો કરીને ઘરેલુ ઉત્પાદનોને જ મહત્ત્વ આપવા માટે વધુ ટેરિફ લાદે છે. ઘણી વખત અમુક ઉત્પાદનો પર્યાવરણ માટે કે જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય તો તેમની ઉપર પણ વધુ પ્રમાણમાં ટેરિફ લાગુ કરીને નિયંત્રણ મૂકવામાં આવે છે.
હવે એ જાણીએ કે રેસિપ્રોકલ ટેરિફ શું છે?
રેસિપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff) એ એક વ્યાપારી નીતિ છે, જેમાં એક દેશ અન્ય દેશ દ્વારા તેના ઉત્પાદનો પર લાદવામાં આવેલા ટેરિફનો પ્રતિસાદ આપીને સમાન અથવા સમાન જેવા પ્રમાણમાં ટેરિફ લગાવે છે. સામાન્ય રીતે આ નીતિનો ઉપયોગ વેપારને સંતુલિત કરવા, સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને અન્ય દેશોને ન્યાયસંગત વેપાર માટે દબાણ આપવા માટે થાય છે. અર્થાત ભારત અમેરિકા પાસેથી 100% ટેરિફ વસૂલતું હોય તો અમેરિકા પણ ભારત પર સમાન દરે ટેરિફ લાદશે.
અર્થાત્, A દેશ B દેશ પર સ્ટીલ ઇમ્પોર્ટ કરવા માટે 10% ટેક્સ લાગુ કરે તો B પણ A પર સ્ટીલ ઇમ્પોર્ટ માટે 10% ટેરિફ લાગુ કરશે.
સરળ ભાષામાં કહીએ તો આ ‘જેવા સાથે તેવા’ની નીતિ જેવી વાત થઈ. સામાન્ય રીતે જુદા-જુદા દેશોના ટેરિફ દરો જુદા હોય છે. જરૂરી નથી કે દરેક દેશ એકબીજા પર સમાન દરે ટેરિફ લાગુ કરે. જેના કારણે ભારત-ચીન જેવા દેશોએ વધુ ટેરિફ લાગુ કરી રાખ્યું હતું, પણ અમેરિકાના દરો જુદા હતા. હવે ટ્રમ્પના હાથમાં કમાન આવ્યા બાદ તેઓ અમેરિકાના ટેરિફ દરો વધારવાના કે અન્ય દેશો જેટલા કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
તેનો હેતુ વેપાર સંતુલન હોવાનું અમેરિકા કહી રહ્યું છે. એક દેશ બીજા દેશના માલ પર વધુ પડતો કર ન લાદે તેની ખાતરી કરીને વેપાર સંતુલન જાળવી રાખવા માટે રેસિપ્રોકલ ટેરિફનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જ્યારે આ પ્રકારનો ટેરિફ લાદવામાં આવે ત્યારે વિદેશીમાલ મોંઘો થાય છે, પરિણામે માંગની આપૂર્તિ માટે સ્થાનિક ઉદ્યોગો વિકસે છે. આ સિવાય ક્યારેક એક દેશ બીજા દેશને કર ઘટાડવા માટે વાટાઘાટોના સાધન તરીકે પણ તેનો ઉપયોગ કરે છે.
ભારત પર રેસિપ્રોકલ ટેરિફનો પ્રભાવ
ભારતે અમુક ઉત્પાદનો પણ ટેરિફનો દર બહુ વધારે રાખ્યો છે, જેનો હેતુ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. જેમકે સોલાર પેનલો પર આપણે મોટો ટેક્સ લગાવીએ છીએ. એવું જ ઓટોમોબાઈલ્સમાં પણ છે. જો અમેરિકા પણ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરે તો આ ક્ષેત્રો પર અસર પડી શકે છે અને તેના કારણે નિકાસને પણ અસર પડી શકે.
અમેરિકા ભારત માટે એક મહત્વપૂર્ણ નિકાસ બજાર છે. જો અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર વધુ ટેરિફ લગાવ્યાં તો ભારતની નિકાસને નુકસાન થશે. ખાસ કરીને ટેકસ્ટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કૃષિ ઉત્પાદન ઉદ્યોગો પર તેની અસર થઈ શકે છે. ભારતીય IT કંપનીઓ માટે અમેરિકા સૌથી મોટું બજાર છે. તેથી રેસિપ્રોકલ ટેરિફ ભારતના IT ઉદ્યોગો માટે આ મોટો આઘાત સાબિત થઈ શકે.
આ ઉપરાંત અમેરિકા ભારતમાંથી મોટાપાયે મસાલા, ચા, કોફી, અને શાકભાજી આયાત કરે છે. ટેરિફ વધવાથી આ ઉત્પાદનો માટે અમેરિકન બજાર મોંઘું થઈ જશે, જેના કારણે ભારતીય ખેડૂતો અને ઉદ્યોગકારોને ખોટ થવાની સંભાવના રહેશે. અમેરીકા-ભારત વેપાર સંબંધો આર્થિક વિકાસ માટે મહત્વના છે. રેસિપ્રોકલ ટેરિફના કારણે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ (Trade War) શરૂ થઈ શકે છે, જેનો પ્રભાવ સંયુક્ત રાષ્ટ્ર, યુરોપિયન યુનિયન અને અન્ય દેશોની નીતિઓ પર પણ પડી શકે છે.
અહેવાલ અનુસાર સિટી રિસર્ચના વિશ્લેષકોના મતે આ ટેરિફના કારણે ભારતને વાર્ષિક $7 બિલિયન સુધીનું નુકસાન થઈ શકે છે. ભારતમાં ઘણા વિસ્તારો ખાસ કરીને અસુરક્ષિત છે. આમાંથી રસાયણો, ધાતુનાં ઉત્પાદનો અને ઝવેરાત સૌથી વધુ જોખમમાં છે, ત્યારબાદ ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને ખાદ્ય ઉત્પાદનોનો ક્રમ આવે છે.
શું છે આ રેસિપ્રોકલ ટેરિફનો ઉપાય
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર દિલ્હી સ્થિત થિંક ટેન્ક GTRIએ આ મામલે એવું કહ્યું હતું કે ભારતે અમેરિકા સમક્ષ ‘ઝીરો ફોર ઝીરો’ ટેરિફ નીતિ પ્રસ્તાવિત કરવી જોઈએ. જેમાં એવું જણાવ્યું છે કે ભારતે એવી અમેરિકન વસ્તુઓની યાદી કાઢવી જોઈએ જેના પરથી આયાત પરના ટેરિફને દૂર કરી શકે. નોંધનીય છે વર્તમાનમાં ભારતીય અધિકારીઓ આ અંગે વાટાઘાટો કરી રહ્યા છે.
GTRIએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે એપ્રિલમાં અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ લાદે તે પહેલાં જ આ યાદીની ચર્ચા થવી જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યૂહરચના ઝડપી માલ મુક્ત વેપાર કરારની (FTA) સમકક્ષ હોઈ શકે છે અને જો યુએસ દ્વારા સ્વીકારવામાં આવે તો ભારત માટે રેસિપ્રોકલ ટેરિફ ખૂબ ઓછો અથવા શૂન્યની નજીક હોય શકે છે.
શું છે ઝીરો ફોર ઝીરો ટેરિફ
ઝીરો ફોર ઝીરો ટેરિફ (Zero for Zero Tariff) એ એક એવી વ્યાપારિક નીતિ છે, જેનો અર્થ એ થાય છે કે નિર્ણિત ચોક્કસ ઉદ્યોગો અથવા ઉત્પાદનો માટે બે દેશો પરસ્પર શૂન્ય (0%) આયાત ટેરિફ લાગુ કરે છે. ઉદાહરણ તરીકે જો અમેરિકા કૃષિ ઉદ્યોગો પર ઝીરો ફોર ઝીરો ટેરિફ લાદે છે તો ભારત પણ એમ જ કરશે અને પરિણામે બંને દેશો એકબીજાના કોઈ કૃષિ ઉત્પાદનો પર ટેરિફ નહીં લાદે.
આ પ્રકારની નીતિથી આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બને છે અને દેશો વચ્ચે માલ સસ્તો બને છે. વેપારીઓ અને ઉત્પાદકોને નવા બજારોમાં પ્રવેશ મળવાનો લાભ મળે છે. આવા કરારો સામાન્ય રીતે એવા હાઈ-ટેક ઉત્પાદનો, ઉદ્યોગો માટે કરવામાં આવે છે જે લાંબા ગાળાના નફાની અપેક્ષા રાખે છે અથવા વૈશ્વિક સપ્લાઈ ચેઇનમાં મહત્વના છે.
નોંધનીય છે કે આવી નીતિથી આયાત અને નિકાસ ખર્ચ ઓછો થાય છે. ઉપરાંત ઉપભોક્તાઓને સસ્તા ભાવમાં પ્રોડક્ટ્સ મળી શકે છે તથા સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક મળે છે. નોંધનીય છે કે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વોશિંગ્ટનમાં ઉચ્ચસ્તરીય વાટાઘાટો કરી હતી. બંને દેશના નેતાઓ ફરીથી મુલાકાત કરે એવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે.