હોમપેજદેશ500 બિલિયન ડૉલરનો રોડમેપ, ટેરિફમાં ઘટાડો, લાખો રોજગારી: ભારત-યુએસ ટ્રેડ ડીલ ફ્રેમવર્કમાં...

500 બિલિયન ડૉલરનો રોડમેપ, ટેરિફમાં ઘટાડો, લાખો રોજગારી: ભારત-યુએસ ટ્રેડ ડીલ ફ્રેમવર્કમાં શું છે અને દેશને શું લાભ મળશે

આ અંતરિમ કરાર બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેક્નોલોજીમાં સહયોગને નવી ઊંચાઈઓ આપશે અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપશે. આ એક પરસ્પર વિશ્વાસ અને ભાગીદારીનું પ્રતીક છે જે વિકસિત ભારત માટે માર્ગ મોકળો કરશે.

- Advertisement -

7 ફેબ્રુઆરી 2026ના રોજ વ્હાઇટ હાઉસ અને ભારત સરકાર દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં ભારત-અમેરિકા વચ્ચે અંતરિમ વેપાર કરાર (Interim Trade Agreement) માટેનું ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યું છે. આ કરારને બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ ફ્રેમવર્ક 13 ફેબ્રુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરારની (Bilateral Trade Agreement – BTA) વાટાઘાટોને મજબૂતી આપે છે. આ અંતરિમ કરાર પરસ્પર હિતો અને વાસ્તવિક પરિણામો પર આધારિત સંતુલિત અને પરસ્પર લાભદાયી વેપારને પ્રોત્સાહન આપશે.

મુખ્ય શરતો અને પ્રતિબદ્ધતાઓ

સંયુક્ત નિવેદન અને વિવિધ અહેવાલો અનુસાર આ ફ્રેમવર્કના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:

  1. ભારત તરફથી ટેરિફ ઘટાડા: ભારત અમેરિકાના તમામ ઔદ્યોગિક માલ અને વિવિધ કૃષિ તેમજ ખાદ્ય ઉત્પાદનો પર ટેરિફ નાબૂદ અથવા ઘટાડશે. આમાં ડ્રાય ડિસ્ટિલર્સ ગ્રેન્સ (DDGs), રેડ સોર્ગમ (પશુઆહાર માટે), ટ્રી નટ્સ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, સોયાબીન ઓઇલ, વાઇન અને સ્પિરિટ્સનો સમાવેશ થાય છે.
  2. અમેરિકા તરફથી રિસિપ્રોકલ ટેરિફ: અમેરિકા કેટલાક સેક્ટર્સમાં ઊંચા ટેરિફને 18% હેઠળ લાવશે (એક્ઝિક્યુટિવ ઓર્ડર 14257 હેઠળ), જેમાં ટેક્સટાઇલ અને એપેરલ, ચામડું અને ફૂટવેર, પ્લાસ્ટિક અને રબર, ઓર્ગેનિક કેમિકલ્સ, હોમ ડેકોર, આર્ટિસનલ પ્રોડક્ટ્સ અને અમુક મશીનરીનો સમાવેશ થાય છે.
  3. ભવિષ્યમાં ટેરિફ દૂર કરવા: અંતરિમ કરાર પૂર્ણ થવા પર અમેરિકા જેમ્સ અને ડાયમંડ્સ, જનરિક ફાર્માસ્યુટિકલ્સ અને એરક્રાફ્ટ પાર્ટ્સ પરથી ટેરિફ દૂર કરશે (એક્ઝિક્યુટિવ ઓર્ડર 14346ના એનેક્સ હેઠળ).
  4. નેશનલ સિક્યોરિટી ટેરિફનું રોલબેક: અમેરિકા ભારતીય એરક્રાફ્ટ અને પાર્ટ્સ પરના નેશનલ સિક્યોરિટી આધારિત ટેરિફ (એલ્યુમિનિયમ, સ્ટીલ અને કોપર પરના પ્રોક્લેમેશન્સ) દૂર કરશે. ઓટોમોટિવ પાર્ટ્સ માટે પ્રેફરન્શિયલ ટેરિફ ક્વોટા મળશે.
  5. ફાર્માસ્યુટિકલ્સમાં વિશેષ વ્યવસ્થા: વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાના ટેરિફહેઠળ આવતા ચોક્કસ ઓટોમોટિવ પાર્ટ્સ (વાહનોના સ્પેરપાર્ટ્સ) માટે ભારતને ‘ટેરિફ-રેટ ક્વોટા’નો (નિશ્ચિત જથ્થા સુધી ઓછી જકાત) લાભ મળશે. આ ઉપરાંત, સેક્શન 232 હેઠળની તપાસના આધારે ફાર્માસ્યુટિકલ્સ માટે પણ વાટાઘાટો દ્વારા અનુકૂળ પરિણામો મળી શકે છે.
  6. પરસ્પર પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ: બંને દેશો એકબીજાના હિતના ક્ષેત્રોમાં સતત પ્રેફરન્શિયલ બજાર પહોંચ આપશે.
  7. રુલ્સ ઑફ ઓરિજિન: કરારના લાભ મુખ્યત્વે ભારત અને અમેરિકાને જ મળે તે માટે કડક નિયમો બનાવવામાં આવશે.
  8. નોન-ટેરિફ બેરિયર્સનું નિરાકરણ: ભારત અમેરિકન મેડિકલ ડિવાઇસિસ, આઇસીટી ગુડ્સ અને કૃષિ ઉત્પાદનોમાં અવરોધો દૂર કરશે. આઇસીટી માટે લાઇસન્સિંગ પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે અને સમજૂતી અમલમાં આવ્યાના 6 મહિનામાં સ્ટાન્ડર્ડ્સની સ્વીકાર્યતા નક્કી કરવામાં આવશે.
  9. ટેક્નિકલ સ્ટાન્ડર્ડ્સ અને કન્ફોર્મિટી: બંને દેશો સ્ટાન્ડર્ડ્સ અને કન્ફોર્મિટી અસેસમેન્ટ પર સહયોગ વધારશે.
  10. ટેરિફ ફેરફારની લવચીકતા: જો કોઈ પક્ષ ટેરિફમાં ફેરફાર કરે તો બીજો પક્ષ પોતાની પ્રતિબદ્ધતાઓમાં ફેરફાર કરી શકશે.
  11. આર્થિક સુરક્ષા અને સપ્લાય ચેઇન: ત્રીજા પક્ષોની નોન-માર્કેટ પોલિસીઓ સામે સહયોગ, ઇન્વેસ્ટમેન્ટ રિવ્યુ અને એક્સપોર્ટ કંટ્રોલ્સમાં સહયોગ વધારવો.
  12. ભારતની મોટી ખરીદી અને ટેક્નોલોજી: આગામી 5 વર્ષમાં ભારત અમેરિકામાંથી $500 બિલિયનના ઊર્જા ઉત્પાદનો, એરક્રાફ્ટ, પ્રેશિયસ મેટલ્સ, ટેક્નોલોજી (જેમ કે GPUs અને ડેટા સેન્ટર્સ માટેના ઉત્પાદનો) અને કોકિંગ કોલ ખરીદશે.

PM મોદીની પ્રતિક્રિયા

કરાર પૂર્ણ થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ આ અંગે પોસ્ટ કરી હતી અને તેમણે લખ્યું હતું કે, “આ માળખું આપણી ભાગીદારીમાં વધતી જતી ઊંડાઈ, વિશ્વાસ અને ગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે.” તેમણે જણાવ્યું કે આ કરારથી ભારતના મહેનતુ ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, MSMEs, સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ, માછીમારો અને અન્ય લોકો માટે નવી તકો ખૂલશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ને વધુ વેગ મળશે.

- Advertisement -

PM મોદીએ જણાવ્યું કે આ કરારથી મહિલાઓ અને યુવાનો માટે મોટાપાયે રોજગારીનું સર્જન થશે. તેમણે આગળ લખ્યું કે આ ફ્રેમવર્ક સ્થિતિસ્થાપક અને વિશ્વસનીય સપ્લાય ચેઈનને પણ મજબૂત કરશે અને વૈશ્વિક વિકાસમાં ફાળો આપશે. ભારત જ્યારે ‘વિકસિત ભારત’ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તે એવી વૈશ્વિક ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છે જે ભવિષ્યલક્ષી હોય, દેશના લોકોને સશક્ત બનાવે અને સહિયારી સમૃદ્ધિમાં ફાળો આપે.

કૃષિ-ડેરી ક્ષેત્રને રખાયા સંરક્ષિત- પિયુષ ગોયલ

આ કરાર બાદ ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ વેપાર કરાર થયો છે, જે ભારતીય અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. વધુમાં તેમણે કહ્યું કે આ કરારથી ભારતીય નિકાસકારો માટે $30 ટ્રિલિયનનું બજાર ખુલ્લું મુકાશે, જેનાથી મહિલાઓ અને યુવાનો માટે લાખો રોજગારી સર્જાશે.

ગોયલે જણાવ્યા મુજબ અમેરિકા ભારતીય માલસામાન (ટેક્સટાઇલ, લેધર, કેમિકલ્સ અને મશીનરી) પરના ટેરિફ ઘટાડીને 18% કરશે અને જેનરિક દવાઓ, હીરા-ઝવેરાત અને એરક્રાફ્ટ પાર્ટ્સ પરની જકાત શૂન્ય કરી દેવામાં આવશે. આ સિવાય તેમણે જણાવ્યું મકાઈ, ઘઉં, ચોખા, દૂધ અને પનીર જેવા સંવેદનશીલ કૃષિ ઉત્પાદનોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જેથી ભારતીય ખેડૂતોના હિતોને નુકસાન ન થાય.

આ સિવાય પણ ગોયલે સ્પષ્ટતા કરતા અન્ય એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘ખેડૂતો સુરક્ષિત, દેશ વિકસિત’. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત-અમેરિકા વેપાર સમજૂતીમાં ડેરી, ફળ, શાકભાજી, મસાલા અને અન્ય અનાજોને સુરક્ષિત (સંરક્ષિત) રાખવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે આનાથી સ્થાનિક ખેડૂતોના હિતોનું રક્ષણ થશે, સ્થાનિક કૃષિ ક્ષેત્રને આટલા મોટા બજારમાં પ્રેફરેન્શિયલ એક્સેસ (પ્રાથમિકતા સાથે પ્રવેશ) મળવાથી મજબૂતી મળશે અને આત્મનિર્ભર ભારતની દિશામાં વધુ એક સશક્ત પગલું આગળ વધશે.

આ કરારથી ભારતને થનારા લાભ

ભારત-અમેરિકા વચ્ચેના આ ઐતિહાસિક વેપાર કરારના 12 મુદ્દાઓનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે ભારતને આ કરારના કારણે વિવિધ લાભ થવાના છે.

વૈશ્વિક સપ્લાય ચેઇન્સમાં ભારતની સ્થિતિમાં મોટું પરિવર્તન અને સ્પર્ધાત્મકતા

આ કરારથી અમેરિકા ભારતીય માલ પરના ટેરિફને 50%થી ઘટાડીને 18% કરે છે, જે ચીન, વિયેતનામ, બાંગ્લાદેશ અને અન્ય એશિયન દેશો કરતાં ભારતને સ્પષ્ટ ટેરિફ લાભ આપે છે. આનાથી વૈશ્વિક કંપનીઓ (ખાસ કરીને અમેરિકન, યુરોપિયન અને જાપાનીઝ) ચીન પરની નિર્ભરતા ઘટાડીને ભારતને પ્રાથમિકતા આપશે. ભારતનો ઓછો મજૂરી ખર્ચ, રાજકીય સ્થિરતા, મોટું ઘરેલું બજાર અને હવે ઓછા ટેરિફને કારણે ચીન સામેની વ્યૂહરચનામાં ભારત મુખ્ય વિકલ્પ બનશે.

મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ સહિત વિવિધ ક્ષેત્રોમાં લાભ

અમેરિકા દ્વારા ભારતીય સામાન પરનો ટેરિફ ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જે અગાઉ 50% જેટલો ઉંચો હતો. જેના કારણે ટેક્સટાઇલ (કાપડ), તૈયાર કપડાં, ચામડું, ફૂટવેર, પ્લાસ્ટિક, રબર પ્રોડક્ટ્સ અને હસ્તકલા (Handicrafts) જેવાં ક્ષેત્રોમાં વિશેષ લાભ મળશે. આ સિવાય ભારતને અમેરિકાનાં $30 ટ્રિલિયન બજારનો લાભ મળશે. ખાસ કરીને MSME (નાના ઉદ્યોગો) માટે નિકાસ કરવી હવે વધુ સસ્તી અને નફાકારક બનશે.

નોંધનીય છે કે ભારત ‘વિશ્વની ફાર્મસી’ તરીકે ઓળખાય છે. એવામાં આ કરારમાં જેનરિક દવાઓ પરનો ટેરિફ 0% કરી દેવામાં આવશે. જેના કારણે અમેરિકામાં ભારતીય જેનરિક દવાઓની નિકાસમાં જંગી ઉછાળો આવશે. વધુમાં, સેક્શન 232 હેઠળ વાટાઘાટોથી ભારતીય દવા કંપનીઓને અમેરિકી બજારમાં પ્રવેશવું વધુ સરળ બની શકે છે.

આ સિવાય હીરા અને રત્ન-ઝવેરાત પરનો ટેરિફ પણ ઘટાડીને શૂન્ય કરવામાં આવી શકે છે. ગુજરાત અને ખાસ કરીને સુરત માટે આ સૌથી મોટા સમાચાર છે. કારણે સુરત સૌથી મોટું હીરા બજાર છે. આ સમજૂતીના પગલે ડાયમંડ પોલિશિંગ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતની સ્પર્ધાત્મકતા વધશે, કારણ કે હવે ભારતીય હીરા અમેરિકામાં કોઈપણ ટેરિફ વગર વેચાશે.

આ ઉપરાંત એરક્રાફ્ટના ભાગો (Aircraft parts) પર ટેરિફ 0% કરવામાં આવશે અને ઓટો પાર્ટ્સ માટે વિશેષ ક્વોટા (Tariff-rate quotas) નક્કી કરાશે. જેના કારણે ભારતીય એન્જિનિયરિંગ કંપનીઓ અમેરિકી વિમાન કંપનીઓ (જેમ કે બોઈંગ) અને ઓટોમોબાઈલ જાયન્ટ્સ માટે સપ્લાયર તરીકે ઉભરી આવશે. ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સંરક્ષણ અને ઓટોમોબાઈલ સ્પેરપાર્ટ્સની નિકાસમાં અબજો ડોલરનો ફાયદો થશે.

વધુમાં ઓર્ગેનિક કેમિકલ્સ પર ટેરિફ ઘટવાથી ભારતની રાસાયણિક નિકાસ વધશે. આ ક્ષેત્રમાં ભારત વિશ્વના મુખ્ય ઉત્પાદકોમાંનું એક છે. ભારતીય હસ્તકલા અને હોમ ડેકોરની વસ્તુઓની અમેરિકામાં ખૂબ માંગ છે. ટેરિફમાં ઘટાડો થવાથી આ ક્ષેત્રના કારીગરોને મોટો ફાયદો થશે. સમજૂતી મુજબ ભારત અમેરિકા પાસેથી $500 બિલિયનના મૂલ્યની ઊર્જા (LNG) અને ટેકનોલોજી ખરીદશે. આનાથી ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત થશે અને તે ગ્રીન એનર્જી તરફ વધુ ઝડપથી ગતિ કરશે.

રોજગારીનું સર્જન

આ કરારથી ભારતમાં લાખોની સંખ્યામાં નવી રોજગારીની તકો ઉભી થશે. ટેક્સટાઇલ, લેધર અને હીરા ઉદ્યોગમાં સૌથી વધુ માનવશક્તિની જરૂર પડે છે. નિકાસ વધતા આ ઉદ્યોગોમાં કામદારોની માંગ વધશે. કાપડ અને હસ્તકલા ઉદ્યોગમાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે. આ સમજૂતીથી ગ્રામીણ અને શહેરી મહિલાઓ માટે ઘરે બેઠા અથવા સ્થાનિક ફેક્ટરીઓમાં રોજગારી વધશે. GPUs, ડેટા સેન્ટર્સ અને સેમિકન્ડક્ટર જેવા હાઈ-ટેક ક્ષેત્રોમાં સહયોગથી એન્જિનિયરિંગ અને આઈટી ગ્રેજ્યુએટ યુવાનો માટે હાઈ-પેઈડ જોબ્સ ઉભી થશે. લોજિસ્ટિક્સ, શિપિંગ, પેકેજિંગ અને વેરહાઉસિંગ જેવા ક્ષેત્રોમાં પણ વેપાર વધવાને કારણે લાખો સહાયક નોકરીઓ સર્જાશે.

ચીન સામે વૈશ્વિક હરીફાઈમાં ભારતને મોટી વ્યૂહાત્મક જીત

આ કરાર માત્ર લે-વેચનો સોદો નથી, પરંતુ વિશ્વના નકશા પર ભારતનું કદ વધારનારી એક મોટી તક છે. અમેરિકા હવે ચીન પર નિર્ભર રહેવા માંગતું નથી કારણ કે ચીન ભરોસાપાત્ર નથી. અમેરિકા તેની ફેક્ટરીઓ અને વેપાર ચીનમાંથી હટાવીને ભારત જેવા ‘મિત્ર દેશો’માં લાવવા માંગે છે. આ કરારથી ભારત અમેરિકા માટે ચીનનો સૌથી મજબૂત વિકલ્પ બની ગયો છે. ચીન પર અમેરિકાએ ભારે ટેક્સ (ટેરિફ) લગાડેલા છે, જ્યારે ભારત માટે તે ઘટાડીને 18% કરી દીધા છે. આનાથી દુનિયાભરની કંપનીઓને સમજાશે કે ચીન કરતાં ભારતમાં માલ બનાવીને અમેરિકા મોકલવો વધુ સસ્તો અને સુરક્ષિત છે.

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા (Quad) એક એવું ગ્રુપ છે જે ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ ઈચ્છે છે. આ કરારથી સંરક્ષણ (Defense), ટેકનોલોજી અને દુર્લભ ખનીજોના (Critical Minerals) ક્ષેત્રમાં ભારત-અમેરિકા એકબીજાની એટલા નજીક આવશે કે ચીનની દાદાગીરી આપોઆપ ઓછી થઈ જશે. ચીન દુનિયાભરમાં રસ્તાઓ અને બંદરો બનાવીને પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. ભારત આ કરાર દ્વારા અમેરિકા સાથે મળીને ઊર્જા અને હાઈ-ટેક ક્ષેત્રમાં એટલું મજબૂત બનશે કે તે ચીનના આ આર્થિક પ્રભાવને પડકારી શકશે. જ્યારે ભારત આર્થિક રીતે આત્મનિર્ભર અને અમેરિકા જેવી મહાસત્તાનો મુખ્ય ભાગીદાર બનશે, ત્યારે તે વૈશ્વિક નિર્ણયોમાં પોતાની શરતો પર કામ કરી શકશે. ભારત હવે કોઈના દબાણમાં આવ્યા વગર પોતાની વિદેશ નીતિ નક્કી કરી શકશે.

ભારત: વિશ્વના આર્થિક મંચનો નવો ‘સુપર પાવર’

આ કરાર માત્ર અમેરિકા સાથેનો વેપાર નથી, પણ વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા બદલનારો નિર્ણય છે. જ્યારે દુનિયાની મોટી કંપનીઓ જોશે કે ભારતથી અમેરિકા સામાન મોકલવો ખૂબ સસ્તો છે, ત્યારે તેઓ ચીન છોડીને ભારતમાં પોતાની ફેક્ટરીઓ નાખશે. સેમીકન્ડક્ટર (ચિપ્સ), AI હાર્ડવેર અને એરોસ્પેસ જેવા હાઈ-ટેક ક્ષેત્રોમાં અબજો ડોલરનું વિદેશી રોકાણ ભારત આવશે.

અત્યાર સુધી આપણે બીજાના બનાવેલા નિયમો પર ચાલતા હતા, પણ હવે ભારત પોતે ‘ગ્લોબલ ટ્રેડ રૂલ્સ’ (વૈશ્વિક વેપારના નિયમો) નક્કી કરનારો મુખ્ય ખેલાડી બનશે. આપણા ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને કારણે બનેલી વસ્તુઓ હવે આખા વિશ્વમાં વિસ્તરી શકશે.

આજે વિશ્વમાં શક્તિના ઘણા કેન્દ્રો છે (જેમ કે અમેરિકા, યુરોપ, ચીન). આ કરાર ભારતને એટલો મજબૂત બનાવશે કે તે કોઈના દબાણમાં આવ્યા વગર પોતાની રીતે નિર્ણય લઈ શકશે. ભારત પોતાની વેપાર નીતિ એવી રીતે બનાવશે કે તે અમેરિકા અને યુરોપ સાથે મજબૂત સંબંધો પણ જાળવશે અને સાથે સાથે પોતાની આર્થિક સ્વતંત્રતા પણ ટકાવી રાખશે. અત્યાર સુધી વૈશ્વિક વેપારમાં અમુક જ દેશોનું વર્ચસ્વ હતું. ભારત હવે તે વ્યવસ્થાને વધુ ન્યાયી અને સંતુલિત બનાવવામાં મદદ કરશે. ભારત હવે માત્ર માલ ખરીદનારો દેશ નહીં, પણ દુનિયાને ટેકનોલોજી અને માલ આપનારો દેશ બનશે.

નોંધનીય છે કે આ કરારમાં કૃષિ અને ડેરી ક્ષેત્રમાં કોઈ સમજૂતી નથી, જેથી ભારતીય ખેડૂતોના હિતો સુરક્ષિત રહેશે. ભારત આગામી 5 વર્ષમાં અમેરિકામાંથી $500 બિલિયનના ઊર્જા ઉત્પાદનો, એરક્રાફ્ટ, ટેક્નોલોજી અને અન્ય વસ્તુઓ ખરીદવાનો ઇરાદો ધરાવે છે. આ અંતરિમ કરાર બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેક્નોલોજીમાં સહયોગને નવી ઊંચાઈઓ આપશે અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપશે. આ એક પરસ્પર વિશ્વાસ અને ભાગીદારીનું પ્રતીક છે જે વિકસિત ભારત માટે માર્ગ મોકળો કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં