હોમપેજદુનિયાએક મહિનાથી ઓછા સમયમાં બાંગ્લાદેશમાં 9 હિંદુઓની હત્યા: કોણ હતા પીડિતો અને...

એક મહિનાથી ઓછા સમયમાં બાંગ્લાદેશમાં 9 હિંદુઓની હત્યા: કોણ હતા પીડિતો અને કઈ રીતે પાડોશી ઇસ્લામિક દેશમાં લઘુમતીઓ થઈ રહ્યા છે ટાર્ગેટ?

અનેક ઘટનાઓ એવી પણ છે જેના વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, પરંતુ તે હજુ સુધી આધિકારિક રેકોર્ડનો ભાગ નથી બની શકી. તેનાથી એ આશંકા વધુ ગહન બને છે કે વાસ્તવિક આંકડા આ સંખ્યાથી વધુ હોય શકે છે.

- Advertisement -

ઑગસ્ટ, 2024માં પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન થયું હતું. ત્યારથી લઈને આજના દિવસ સુધી બાંગ્લાદેશી રાજકીય અને સામાજિક સ્થિતિ સતત અસ્થિર બની રહી છે અને ચોતરફ અરાજકતા અને કટ્ટરવાદ દેખાઈ રહ્યો છે. વચગાળાની સરકાર અને આવનારી ચૂંટણીઓ વચ્ચે લઘુમતી હિન્દુઓ પર હિંસા, ઉત્પીડન અને હત્યાઓની ઘટના સતત વધી રહી છે. 

જેમ-જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ-તેમ બાંગ્લાદેશ વધુ ભડકે બળી રહ્યું છે, જાણે યુનુસ સરકારે હિંસક મુસ્લિમ કટ્ટરપંથી તત્વોને દેશમાં અરાજકતા અને અશાંતિ ફેલાવવાની ખુલ્લી છૂટ આપી દીધી હોય. ડિસેમ્બર, 2025નો મહિનો બાંગ્લાદેશી હિંદુઓ માટે વધુ ભયાનક અને ક્રૂર રહ્યો છે. માત્ર આ એક મહિનામાં જ હિંદુઓની ઓછામાં ઓછી 9 નૃશંસ હત્યાની ઘટનાઓ સામે આવી છે. 

સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર સામે આવેલા સમાચારો અનુસાર સ્થિતિ એટલી ગંભીર છે કે આ આંકડો પણ વાસ્તવિક સંખ્યા કરતાં ઘણો વધુ હોય શકે છે. એક મહિના દરમિયાન બાંગ્લાદેશમાં જેટલા પણ હિંદુઓની હત્યા થઈ છે, તેનું વિવરણ નીચે આપવામાં આવ્યું છે. 

- Advertisement -

નરસિંદીમાં પ્રાંતોસ કર્મકારની હત્યા

તારીખ હતી 2 ડિસેમ્બર. નરસિંદી કરીને એક જિલ્લામાં 42 વર્ષીય હિંદુ વેપારી પ્રાંતોસ કર્મકારને જાહેરમાં ગોળી ધરબી દેવામાં આવી હતી અને તેમની હત્યા કરી નખાઈ હતી. તેઓ એક જ્વેલરીની દુકાન ચલાવતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નકાબ પહેરીને આવેલા હુમલાખોરોએ પહેલાં તો પ્રાંતોસને ઘરમાંથી બહાર બોલાવ્યા, સ્કૂલના મેદાનમાં લઈ ગયા અને પછી છાતીમાં ગોળી ધરબી દીધી છે અને ફરાર થઈ ગયા. 

પ્રાંતોસ કર્મકાર (ફોટો: દેશશક્લ ન્યુઝ)

લોહીથી લથબથ થયેલા પ્રાંતોસને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને સારવાર પણ શરૂ થઈ ગઈ. પરંતુ થોડી જ વારમાં તેમણે દમ તોડી દીધો. હાલની તારીખ સુધી બાંગ્લાદેશી પોલીસ ન તો હત્યારાઓની ઓળખ કરી શકી છે અને ન તો હત્યાનો ઇરાદો શોધી શકી છે. 

ફરીદપુરમાં ઉત્પલ સરકારની હત્યા

5 ડિસેમ્બરની સવારે ફરીદપુર જિલ્લામાં 35 વર્ષીય વેપારી ઉત્પલ સરકારની છરાના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. હુમલાખોરોએ પહેલાં તેમનું વાહન આંતર્યું, છાતીમાં ઘા માર્યા અને રોકડ નાણાં લૂંટીને ફરાર થઈ ગયા. મહત્વનું તો એ છે કે હુમલાખોરોએ વાહનના ડ્રાઈવર ફિરોઝ મોલ્લાને કોઈ નુકસાન ન પહોંચાડ્યું. 

મોલ્લાને માત્ર આંખો પર પટ્ટી બાંધીને પુલ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. બાદમાં સ્થાનિક લોકોએ મોલ્લાને બચાવીને પોલીસને સૂચના આપી હતી. પોલીસે લોહીથી ખરડાયેલો મૃતદેહ ફરીદપુર મેડિકલ કોલેજ મોકલી દીધો હતો અને તપાસ શરૂ કરી દીધી હતી. હજુ તપાસ ચાલી જ રહી છે!

રંગપુરમાં જોગેશ ચંદ્ર રૉય અને સુબર્ણા રૉયની હત્યા

7 ડિસેમ્બરની રાત્રે રંગપુર જિલ્લામાં 75 વર્ષીય જોગેશ ચંદ્ર રૉય અને તેમનાં 60 વર્ષીય પત્ની સુબર્ણા રૉયની બર્બરતાથી હત્યા કરી દેવાઈ હતી. જોગેશ 1971ના સ્વતંત્રતા સંગ્રામ સેનાની હતા. પાડોશીઓએ સવારે તેમના મૃતદેહો જોયા હતા. આવામી લીગે આ હત્યાકાંડ માટે જમાત-એ-ઇસ્લામી પર આરોપ લગાવ્યો હતો.

જોગેશ રૉયનો મૃતદેહ (ફોટો: ઢાકા ટ્રિબ્યુન)

જોગેશ રૉયનો મૃતદેહ ડાઈનિંગ રૂમમાંથી મળ્યો હતો અને સુબર્ણા રૉયનો મૃતદેહ રસોડામાંથી મળી આવ્યો હતો. આ દંપતીના બે બાળકો બાંગ્લાદેશ પોલીસ દળના કામ રહી રહ્યાં છે. 

કોમિલ્લામાં શાંતો દાસની હત્યા

12 ડિસેમ્બરના રોજ કોમિલ્લા જિલ્લાના હોમના ઉપજિલ્લામાં શાંતો દાસ નામના એક હિંદુ યુવકનો મૃતદેહ મકાઈના ખેતરમાંથી મળી આવ્યો હતો. તેઓ ઑટો-રિક્ષા ડ્રાઈવર અને ગ્રામ પોલીસ દળના સભ્ય હતા. આ ઘટનાને લઈને વાત કરતા તેમના પિતા અરુણ ચંદ્ર દાસે કહ્યું હતું કે, “મારો પુત્ર શાંતો ઑટો-રિક્ષા ચલાવતો હતો. ગુરુવારની સાંજ બાદ અમે તેનો સંપર્ક કરી શક્યા ન હતા.” 

ફોટો: બીડીન્યુઝ24

તેમણે આગળ એવું કહ્યું હતું કે, “સવારે અમને જાણ થઈ હતી કે તેનો મૃતદેહ એક ખેતરમાંથી મળ્યો છે. સાંભળવામાં આવ્યું છે કે ઑટો-રિક્ષા હજુ સુધી મળી નથી. મને લાગી રહ્યું છે કે હુમલાખોરોએ મારા પુત્રની હત્યા રિક્ષા ચોરવા માટે કરી હતી.” 

નોંધનીય છે કે મૃતદેહનું ગળું ઉઝરાડાયેલું અને ફાટેલું હતું અને ત્યાં છરાના ઘા પણ દેખાઈ આવ્યા હતા. પોલીસે શાંતતોનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કોમિલા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલ્યો હતો. 

મયમનસિંહમાં દીપુ ચંદ્ર દાસની હત્યા

18 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ભાલુકા ગામમાં હિંસક મુસ્લિમ ટોળાંએ એક હિંદુ યુવકને માર મારીને તેમની હત્યા કરી નાખી. મૃતકની ઓળખ 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ હતી. પીડિતને ઢોર માર મારવામાં આવ્યો હતો, નગ્ન કરીને ઝાડ પર બાંધી દેવાયો હતો અને પછી આગ ચાંપી દેવાઈ હતી. 

દીપુ ચંદ્ર દાસની હત્યા (ફોટો: ઇન્ડિયા ટુડે)

આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં કટ્ટરપંથી તત્વો ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહ્યા હતા. દીપુ એક કપડાંનાં કારખાનામાં શ્રમિક તરીકે કામ કરતા હતા. વિવાદ બાદ તેમના પર ઇશનિંદાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

ફેક્ટરીના મેનેજરે દાસને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા હતા અને તેમને હિંસક મુસ્લિમ ટોળાંના હવાલે કરી દીધા હતા. બાદમાં ટોળાંએ નિર્દયતાથી તેમની હત્યા કરી નાખી હતી. હિંદુ યુવાનની આ હત્યા પાકિસ્તાનમાં થયેલી ટોળાંશાહી હિંસાની યાદ અપાવે છે. 

બોગુરામાં પિન્ટુ અકાંડાની હત્યા

23 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના બોગુરા જિલ્લાના આદમદિધી ઉપજિલ્લામાં એક માઇક્રોબસથી પિન્ટુ અકાંડા નામના એક 35 વર્ષીય હિંદુ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમને એક દિવસ પહેલાં કેટલાક અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ ઉઠાવી લીધા હતા. પીડિત એક વ્યવસાયી અને લૉટરી શોરૂમના માલિક હતા. 

મૃતક પિન્ટુ (ફોટો: પ્રોથોમ ઓલો)

પ્રારંભિક રિપોર્ટ્સ અનુસાર, પિન્ટુની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. એક નિવેદનમાં ASP આસિફ હુસૈને જણાવ્યું હતું કે, “અમને શંકા છે કે બંદૂક અણીએ પિન્ટુનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગળું દબાવીને તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. હાલ તપાસ ચાલુ છે.”

પીડિત પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અપહરણનો એક સીસીટીવી વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં ચાર નકાબધારી શખ્સો પિન્ટુ પર હથિયાર તાણીને તેમને શોરૂમની બહાર લઈ જતાં દેખાઈ રહ્યા છે. ત્યારબાદ પીડિતને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધા હતા. 

રાજબાડીમાં અમૃત મંડલની હત્યા

24 ડિસેમ્બરના રોજ અમૃત મંડલ નામના એક હિંદુ વ્યક્તિની ઉન્માદી ટોળાંએ માર મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાંગ્લાદેશના રાજબાડી જિલ્લાના પાંગ્શામાં બની હતી. પીડિતની ઉમર માત્ર 29 વર્ષ હતી. તેઓ હોસેનડાંગા ગામના રહેવાસી હતા. અમૃત મંડલ્નો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ઘાના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. 

મૃતક મંડલ (ફોટો: NDTV)

બાદમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજબાડી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હિંદુ યુવાનની હત્યા બાદ મોહમ્મદ યુનુસે તેમને ‘અપરાધી’ ગણાવીને તેમની નૃશંસ હત્યાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. 

હબીગંજમાં કામદેવની હત્યા

હબીગંજ જિલ્લામાં 18 વર્ષીય હિંદુ યુવક કામદેવ દાસની હત્યાએ આખા વિસ્તારમાં તણાવની સ્થિતિ ઊભી કરી દીધી છે. તેઓ 25 ડિસેમ્બરથી ગુમ હતા અને 27 ડિસેમ્બરના રોજ તેમનો મૃતદેહ તળાવ પાસેથી મળ્યો હતો. તેમનાં ગળા પર નિશાન પણ મળ્યાં છે. પરિજનો અને સ્થાનિક લોકોએ આ હત્યાને લઈને ઇસ્લામી કટ્ટરપંથીઓ પર આરોપ લગાવ્યો છે. 

મૃતક કામદેવ દાસ

સ્થાનિકો અનુસાર, કામદેવ 25 ડિસેમ્બરથી ગુમ થયા હતા. તેમના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ પરિવારનો આરોપ છે કે પોલીસે આ મામલે ગંભીરતા નહોતી દાખવી. 

ઉત્પીડન અને હુમલાની અન્ય ઘટનાઓ

હત્યાઓ ઉપરાંત ડિસેમ્બરમાં હિંદુઓ પર હુમલા અને ઉત્પીડનની અનેક ઘટનાઓ સામે આવી છે. 19 ડિસેમ્બરે સિલહટમાં એક હિંદુ પત્રકાર સુશાંત દાસગુપ્તાના ઘર પર હુમલો કરવામાં આવ્યો તો બીજી તરફ એક રિક્ષાચાલકને કલાવો પહેરવાના કારણે માર મારવામાં આવ્યો. તેમના પર RA&W એજન્ટ હોવાનો આરોપ લગાવીને પોલીસે તેમની ધરપકડ કરી લીધી.

ડિસેમ્બર 2025માં સામે આવેલા આ 9 હત્યાકાંડ બાંગ્લાદેશમાં હિંદુ અલ્પસંખ્યકોની સતત કથળતી સ્થિતિની એક ભયાવહ તસવીર રજૂ કરે છે. આ તમામ ઘટનાઓ સ્થાનિક મીડિયામાં રિપોર્ટ થઈ છે, પરંતુ જમીની હકીકત તેનાથી કંઈક વધુ ગંભીર માનવામાં આવી રહી છે.

અનેક ઘટનાઓ એવી પણ છે જેના વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, પરંતુ તે હજુ સુધી આધિકારિક રેકોર્ડનો ભાગ નથી બની શકી. તેનાથી એ આશંકા વધુ ગહન બને છે કે વાસ્તવિક આંકડા આ સંખ્યાથી વધુ હોય શકે છે.

નોંધનીય છે કે આ પહેલાં જૂન 2025માં ઑપઇન્ડિયાએ ઓછામાં ઓછા 13 ઘટનાઓ રિપોર્ટ કરી હતી, જેમાં હિંદુઓને ખોટા ઇશનિંદાના આરોપો, ટોળાંની હિંસા અને સુનિયોજિત હુમલાઓનો શિકાર બનાવવામાં આવ્યા હતા. એટલે આ હિંસા કોઈ અચાનક ઉભી થયેલી સ્થિતિ નથી, પરંતુ લાંબા સમયથી ચાલી આવતી એક ગંભીર સમસ્યાનો ભાગ છે, જે હવે વધુ ઉગ્ર સ્વરૂપ લઈ રહી છે.

રાજકીય અસ્થિરતા, નબળી કાયદા-વ્યવસ્થા અને કટ્ટરપંથી તત્વોને મળતી ખુલ્લી છૂટે હિંદુ સમુદાયને ભય અને અસુરક્ષાના વાતાવરણમાં જીવવા મજબૂર કરી દીધો છે. વચગાળાની સરકાર દ્વારા અનેક મામલાઓમાં સાંપ્રદાયિક એંગલ નકારવો કે હિંસાને સામાન્ય અપરાધ ગણીને ટાળી દેવી સ્થિતિની ગંભીરતાને વધુ ભયજનક બનાવે છે. જો આ વધતી કટ્ટરતા પર સમયસર સખત કાર્યવાહી ન કરવામાં આવી તો બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં