Wednesday, June 25, 2025
More
    હોમપેજદેશપાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઈલ છોડવાની ભૂલ અને ભારતે બ્રહ્મોસથી ફૂંકી માર્યાં 10 એરબેઝ:...

    પાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઈલ છોડવાની ભૂલ અને ભારતે બ્રહ્મોસથી ફૂંકી માર્યાં 10 એરબેઝ: ન્યુક્લિયર ઠેકાણાં પર જોખમ તોળાયું તો શરણાગતિ સ્વીકારવા આવી ગયો આતંકી દેશ- યુદ્ધવિરામની ઇનસાઇડ સ્ટોરી

    નૂરખાન એરબેઝ પર ભારતનો હુમલાને એ સંકેત હતો કે, તે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારને પણ નષ્ટ કરી શકે છે. આ જ કારણ છે કે અમેરિકાએ આ સંઘર્ષમાં હસ્તક્ષેપ કર્યો. સાથે એ પણ સમજવું જરૂરી છે કે, આ સમગ્ર સંઘર્ષમાં પહેલો અને છેલ્લો મોટો હુમલો ભારત દ્વારા કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ભારતને દેખાડી દેવાની ધમકી આપતા પાકિસ્તાને (Pakistan) અચાનક 10 મેના રોજ વાટાઘાટો શરૂ કરીને યુદ્ધવિરામની વાતો શરૂ કરી દીધી. આ સમગ્ર ઘટનાક્રમ અચાનક શરૂ થયો. કારણ કે ભારતે 10 મેના રોજ જ વહેલી સવારે પાકિસ્તાનના 10 મહત્વપૂર્ણ એરબેઝ પર પ્રહાર કર્યો હતો. ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામની (Ceasefire) વાત કરવાની શરૂ થઈ ગઈ. આ આખા ઘટનાક્રમ પાછળ અનેક મહત્વપૂર્ણ પાસાં છૂપાયેલાં છે.

    સવાર સુધી ભારતને પોતાની તાકાત બતાવી દેવાની કસમ ખાઈને ઑપરેશન શરૂ કરનારું પાકિસ્તાન બપોર સુધીમાં ઘૂંટણિયે આવી ગયું અને ભારત સાથે યુદ્ધવિરામની વાતો કરવા લાગ્યું. અચાનક આવું કેમ થયું? શા માટે પાકિસ્તાન આગળ આવીને યુદ્ધવિરામની વિનંતી કરવા લાગ્યું? જે અમેરિકાએ સંઘર્ષમાં વચ્ચે આવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો તે અમેરિકા અચાનક કેમ વચ્ચે કૂદી પડ્યું? આ બધા જ પ્રશ્નોના જવાબ હવે ધીમે-ધીમે મળવાના શરૂ થયા છે.

    યુદ્ધવિરામની ઇનસાઇડ સ્ટોરી

    ઘટના છે 9-10 મેની રાત્રિની. પાકિસ્તાને અચાનક દિલ્હી તરફ બેલેસ્ટિક મિસાઈલ છોડીને ભૂલ કરી નાખી. જોકે, ભારતીય એર ડિફેન્સ યુનિટ્સે સિરસામાં મિસાઈલ તો અટકાવી દીધી પણ પાકિસ્તાનને તે ખ્યાલ નહોતો કે હવે પરિણામ શું આવશે. પાકિસ્તાન દર વખતની જેમ આ વખતે પણ એવું સમજી રહ્યું હતું કે, ભારત શાંત રહીને નાની-મોટી કાર્યવાહી ચાલુ રાખશે. પરંતુ એવું ન થયું. ભારતે મજબૂત કાર્યવાહી હાથ ધરીને સુપર સોનિક બ્રહ્મોસ મિસાઈલથી પ્રહાર કર્યા અને પાકિસ્તાનના 10 મહત્વપૂર્ણ એરબેઝ તબાહ થઈ ગયાં. ભારતની આટલી તીવ્ર કાર્યવાહીનું કારણ એ હતું કે મિસાઈલ દિલ્હી તરફ છોડવામાં આવી હોય તેવી આશંકા હતી. જોકે એ પહોંચી શકી નહીં અને હરિયાણાના સિરસામાં જ તોડી પાડવામાં આવી.

    - Advertisement -

    ઘટના ભયાનક હતી. કારણ કે, પાકિસ્તાનના માટે તમામ એરબેઝ મહત્વપૂર્ણ હતાં અને પાકિસ્તાનની ખૂબ અંદર આવેલાં હતાં. ભારતે આ હુમલાથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો કે ભારત કોઈપણ કૃત્યને સહેજ પણ સહન કરવાના મૂડમાં નથી. માહિતી મળ્યા બાદ US સ્ટેટ સેક્રેટરીએ પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર સાથે વાત કરી હતી.

    ભારત સરકારના શીર્ષ સૂત્રોને ટાંકીને મીડિયામાં કહેવાયું છે કે, પાકિસ્તાનની એક ભૂલના કારણે ભારતે શુક્રવારની રાત્રે બ્રહ્મોસ, હેમર અને સ્કૈલ્પ જેવી શક્તિશાળી મિસાઈલોથી પાકિસ્તાનના 10 એરબેઝ પર તાબડતોબ હુમલા શરૂ કર્યા હતા. આ હુમલા 7 મેના રોજ થયેલા ઑપરેશન સિંદૂરના પ્રથમ તબક્કા કરતાં પણ વધુ ભયાનક અને ઘાતક હતા. પાકિસ્તાનના મોટાભાગનાં એરબેઝોને ઘણુંખરું નુકસાન કરવામાં આવ્યું હતું.

    પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો હતો કે હવે તે વિનાશની અણીએ છે. આ હુમલો પાકિસ્તાના દિલ્હી પર મિસાઈલ છોડવાના દુસ્સાહસનું પરિણામ હતો. ભારતે પાકિસ્તાનના 10 એરબેઝ તબાહ કર્યાં હતાં. જેમાં નૂરખાન, રફીકી, મુરીદ, સુક્કુર, સિયાલકોટ , પસરૂર, ચુનીયાં, સરગોધા, સકરદુ, ભોલારી અને જૈકોબાબાદનો સમાવેશ થતો હતો. આ તમામ એબબેઝમાં નૂરખાન એરબેઝ સૌથી મહત્વપૂર્ણ હતો. કારણ તે તેનાથી થોડે દૂર જ પાકિસ્તાનનો ન્યુક્લિયર ભંડાર હતો.

    ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, પાકિસ્તાનને પોતાના પરમાણુ ભંડાર નષ્ટ થવાનો ભય હતો. આ જ કારણ હતું કે, જે અમેરીકી ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં તેમને કોઈ લેવાદેવા નથી, એ જ ઉપરાષ્ટ્રપતિએ આ વિવાદમાં કૂદવું પડ્યું. અમેરિકાના નવા સ્ટેટ સેક્રેટરી અને NSA માર્કો રૂબિયોનો પણ આ ઘટનામાં મોટો રોલ હતો.

    NYT અનુસાર, “સૌથી મોટી ચિંતાની વાત એ હતી કે, પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત નૂરખાન એરબેઝ પર ધડાકા થયા. રાવલપિંડીને એક મુખ્ય સૈન્ય છાવણી ગણવામાં આવે છે. આ એરબેઝ પાકિસ્તાની સેનાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ હતું. અહીંથી જ સૈન્ય પરિવહન જેવી ગતિવિધિઓનું સંચાલન થતું હતું અને અહીંથી જ હવામાં ઈંધણ ભરવાની વ્યવસ્થા પણ થતી હતી.”

    આ એરબેઝ પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના મુખ્યાલયથી બહુ દૂર નથી. નોંધનીય છે કે, આ એ જ વિભાગ છે જે દેશના પરમાણુ શસ્ત્રોનું નિરીક્ષણ અને રક્ષણ કરે છે. પાકિસ્તાન પાસે હાલમાં લગભગ 170 કે તેથી વધુ પરમાણુ શસ્ત્રો હોવાનું માનવામાં આવે છે, જે દેશભરમાં વિવિધ સ્થળોએ રાખવામાં આવ્યાં છે. એક ભૂતપૂર્વ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનને તેના પરમાણુ કમાન્ડ સેન્ટર અને ભંડારના વિનાશનો ડર હતો.

    પાકિસ્તાનનો ભય અને અમેરિકાની એન્ટ્રી

    નૂરખાન એરબેઝ પર ભારતનો હુમલાને એ સંકેત હતો કે, તે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારને પણ નષ્ટ કરી શકે છે. આ જ કારણ છે કે અમેરિકાએ આ સંઘર્ષમાં હસ્તક્ષેપ કર્યો. સાથે એ પણ સમજવું જરૂરી છે કે, આ સમગ્ર સંઘર્ષમાં પહેલો અને છેલ્લો મોટો હુમલો ભારત દ્વારા કરવામાં આવ્યો હતો. સંઘર્ષની શરૂઆત 9 આતંકવાદી ઠેકાણાંનો નાશ કરીને થઈ હતી અને સંઘર્ષનું સમાપન પણ પાકિસ્તાનના 11 એરબેઝ પર હુમલા થવાથી થયું હતું. ભારતે પહેલાં ક્યારેય પાકિસ્તાનમાં આટલા ઊંડે સુધી ઘૂસીને હુમલો નહોતો કર્યો. આ પહેલી વાર બન્યું હતું.

    જે રીતે ભારતે માત્ર 90 મિનિટમાં પાકિસ્તાનમાં સ્થિત 10 એરબેઝ પર હુમલા કર્યા હતા, તેનાથી પાકિસ્તાન ડરી ગયું હતું. એટલું જ નહીં પણ અમેરિકાની ચિંતા પણ વધી ગઈ હતી. ભારતે પોતાની લાંબા અંતરની મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને દર્શાવ્યું કે તેની પાસે તેની સંપૂર્ણ લશ્કરી ક્ષમતાનો ઉપયોગ કર્યા વિના પાકિસ્તાનની સમગ્ર લશ્કરી ફ્રન્ટલાઇનનો નાશ કરવાની ક્ષમતા છે. આ ઘટના બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું અને અમેરિકાને હસ્તક્ષેપની વિનંતી કરી.

    આ આખા સંઘર્ષ દરમિયાન આ પહેલો એવો કિસ્સો હતો કે પાકિસ્તાનને તેનો વિનાશ નજર સામે દેખાઈ રહ્યો હતો. આ માટે જ તેણે અમેરિકા પાસે હસ્તક્ષેપની માંગણી કરી હતી. CNN અનુસાર, વાઇટ હાઉસને સિક્રેટ અલાર્મિંગ ઇન્ટેલ મળ્યા હતા. જે સંભવતઃ પાકિસ્તાનના પરમાણુ ભંડારના વિનાશના જોખમને લઈને હતા અને પાકિસ્તાન દ્વારા જ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ મામલો મેદાને ચડેલો જોઈને અમેરિકા પણ હરકતમાં આવે છે.

    અહેવાલ મુજબ, જેડી વેન્સ રાષ્ટ્રપતિ ટ્રમ્પને આખી ઘટના વિશેની માહિતી આપી છે. ત્યારબાદ ટ્રમ્પ પ્રશાસન કામે વળગી જાય છે અને વારાફરતી ભારત અને પાકિસ્તાનના સમકક્ષ મંત્રીઓ-અધિકારીઓ સાથે ચર્ચા કરે છે. જેડી વેન્સ પોતે PM મોદી સાથે વાતચીત કરવા આગળ આવે છે. અમેરિકા સ્ટેટ સેક્રેટરીએ આસિમ મુનીર સાથે વાત કર્યા બાદ એ પણ જાણવા મળ્યું હતું કે, મુનીર રાજકીય નેતૃત્વની વાત ન સાંભળીને પોતાની રીતે નિર્ણય લઈ રહ્યો છે.

    જોકે, એકંદરે પાકિસ્તાની સેના અને સરકાર બંને ભયના માહોલ તળે રોંદાઈ રહ્યા હતા અને અમેરિકા તરફ મોટી આશા રાખીને બેઠા હતા. અમેરિકાએ પણ હસ્તક્ષેપ કરીને ભારતના નેતૃત્વ સાથે વાત કરી હતી અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે ભારતને રાજી કર્યું હતું. ત્યારબાદ વળતા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી હતી અને બંને દેશો વચ્ચે પરસ્પર સહમતીથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો હતો.

    સીઝફાયર બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જાહેરમાં આભાર માન્યો હતો. પરંતુ ભારતે ક્યાંય પણ ટ્રમ્પ કે અમેરિકાનો ઉલ્લેખ નથી કર્યો. કારણ એ છે કે, ભારતે સંપૂર્ણપણે પાકિસ્તાનને વિનાશની અણીએ બેસાડી દીધું હતું અને ત્યારબાદ પાકિસ્તાન ભાગતું-ફરતું અમેરિકા પાસે ગયું હતું. આ સમગ્ર ઘટનાક્રમ બાદ અમેરિકાએ ભારત સાથે વાતચીત કરીને એક રીતે પાકિસ્તાનને ‘બક્ષી’ દેવા માટેનો અનુરોધ કર્યો હતો.

    તેથી જ કોઈપણ ભારતીય અધિકારી કે મંત્રીએ અમેરિકાનો આભાર માન્યો નથી. કારણ કે, તેમનો ધ્યેય તો સ્પષ્ટ હતો. પરંતુ પાકિસ્તાને ચોક્કસપણે જાહેરમાં અમેરિકાનો આભાર માન્યો છે. આ આખી ઈન્સાઈડ સ્ટોરી પરથી એ ચોક્કસપણે જાણી શકાય છે કે, યુદ્ધવિરામની પહેલ પાકિસ્તાને કરી હતી, કેમ કે તેને વિનાશ નજર સામે દેખાઈ રહ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં