Friday, June 20, 2025
More
    હોમપેજદેશ‘વિકાસ ભી, વિરાસત ભી’નો પીએમ મોદીનો સંકલ્પ સશસ્ત્રબળોએ કર્યો સાકાર: ઑપરેશન સિંદૂર...

    ‘વિકાસ ભી, વિરાસત ભી’નો પીએમ મોદીનો સંકલ્પ સશસ્ત્રબળોએ કર્યો સાકાર: ઑપરેશન સિંદૂર જ નહીં, અભેદ્ય શસ્ત્રો અને કઠિન રેસ્ક્યુ અભિયાનોનાં નામોમાં પણ જોવા મળે છે સનાતન સંસ્કૃતિની ઝલક

    ઘટનાઓમાં, ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓમાં પરસેપ્શનનું મહત્ત્વ છે. તેને તમે કઈ રીતે રજૂ કરો છો, તેની સાથે સંદેશા શું આપો છો તે બહુ અગત્યનું છે. ઑપરેશન સિંદૂર આ બધા દૃષ્ટિકોણથી જોઈએ તોપણ ઘણુંખરું સફળ રહ્યું.

    - Advertisement -

    પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી આકાઓને ઠેકાણે પાડવા માટે ભારતીય સશસ્ત્રબળોએ જે ઑપરેશન શરૂ કર્યું તેને ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) નામ અપાયું. સંદેશ બહુ સ્પષ્ટ હતો. જે હિંદુ સ્ત્રીઓનાં સિંદૂર આતંકવાદીઓએ ઉજાડ્યાં હતાં, તેનો પ્રતિશોધ લેવાનો હતો. પ્રતિશોધ લેવાયો, જબરદસ્ત લેવાયો અને દુનિયાએ જોયું કે ભારત પર જ્યારે પ્રહાર થાય, નારીશક્તિનું સન્માન જોખમાય ત્યારે દેશ શું કરી શકે છે. 

    ઑપરેશનોમાં નામકરણ મહત્ત્વનાં છે. ઑપરેશન સિંદૂર તો વિશ્વમાં ચર્ચાનો વિષય બનવાનું હતું એ જ્યારે તેનું માળખું ઘડવામાં આવી રહ્યું હશે ત્યારે તે ઘડનારાઓને પણ ખ્યાલ હશે. નામથી ભારતે એક સંદેશ મોકલવાનો હતો અને તે મોકલ્યો પણ ખરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં આ નામ સૂચવ્યું હોવાનું કહેવાય છે, પછીથી ત્રણેય સેનાઓએ તેને અમલમાં પણ મૂક્યું. 

    ઘટનાઓમાં, ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓમાં પરસેપ્શનનું મહત્ત્વ છે. તેને તમે કઈ રીતે રજૂ કરો છો, તેની સાથે સંદેશા શું આપો છો તે બહુ અગત્યનું છે. ઑપરેશન સિંદૂર આ બધા દૃષ્ટિકોણથી જોઈએ તોપણ ઘણુંખરું સફળ રહ્યું. ભારતની સંસ્કૃતિ, ભારતનો ધર્મ નારીશક્તિનું સન્માન શીખવે છે. આ નારીશક્તિના સન્માન પર ઘા થાય ત્યારે દેશનું, દેશની સેનાઓનું રૌદ્ર સ્વરૂપ શું હોય શકે એ વિશ્વએ આ ઑપરેશન થકી જોયું. 

    - Advertisement -

    સિંદૂરને અત્યાર સુધી એક રૂઢિવાદી, પિતૃસત્તાક સમાજની નિશાની તરીકે પણ જોવામાં આવતું હતું. છદ્મવેશી નારીવાદીઓએ તેને સ્ત્રીઓ પર બળજબરીથી ઠોકી બેસાડેલી પરંપરા ગણી કાઢી હતી. ઘણી વખત મજાક પણ બનાવવામાં આવતી. પણ એક ઘા સાથે સેનાએ તેનું મહત્ત્વ પણ દુનિયા સામે મૂકી દીધું. એ સાબિત કર્યું કે આપણી પરંપરાઓ પર હીન ભાવના અનુભવવાની, છોછ રાખવાની કોઈ જરૂર નથી. એ આપણી પરંપરા છે. આપણે તેનું પાલન કરીશું અને તેને ઉજાડવાના પ્રયાસો કર્યા તો એવો જડબેસલાક દાખલો બેસાડીશું કે ભવિષ્યમાં કોઈની હિંમત ન થાય.

    આ માત્ર એક કિસ્સો નથી. 2014માં એવા માણસો સત્તામાં બેઠા, જેમના માટે ધર્મ, સંસ્કૃતિ હીન ભાવના અનુભવવાના નહીં પણ ગર્વ લેવાના વિષયો બન્યા, ત્યારપછી આ એક જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. પહેલાંની સરકારો આપણાં ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓનું પાલન કરવામાં, તેની વાત કરવામાં છોછ અનુભવતી હતી. વડાપ્રધાનોને મંદિરોમાં જવામાં સેક્યુલરિઝમ નડતું હતું. સંસ્કૃત વિશે વાત કરવામાં, પુરાણો-ગ્રંથો વિશે વાત કરવામાં પણ કથિત પંથનિરપેક્ષતા નડતી હતી. પણ હવે સમય બદલાયો છે. 

    ભૂતકાળનાં અનેક ઓપરેશનોનાં નામ સનાતન પરંપરાથી પ્રેરિત

    સૈન્ય ક્ષેત્રમાં જોશો તોપણ આનાં અનેક ઉદાહરણો મળશે. ભારતીય સેનાએ ભૂતકાળમાં અનેક ઓપરેશનો હાથ ધર્યાં, જેનું નામકરણ સનાતન સંસ્કૃતિ કે ઐતિહાસિક વારસાથી પ્રેરિત હતું. એવાં હથિયારો, જે હવે બહુ પ્રચલિત બન્યાં છે, તેમનાં નામ પણ સંસ્કૃતિ અને સનાતન પરંપરાઓથી પ્રેરિત છે. થોડાં ઉદાહરણો જોઈએ. 

    બ્રહ્મોસ મિસાઈલ: આ મિસાઈલ બહુ ચર્ચામાં રહી. આ લોંગ રેન્જ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ પિનપોઈન્ટ સ્ટ્રાઈક કરવામાં આશીર્વાદ બની રહે. પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંનો ખાતમો બોલાવવામાં આ મિસાઈલ બહુ ઉપયોગી બની રહી. મિસાઈલનું નામ ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મોસ્કો નદીના નામ પરથી (બ્રહ્મ+મોસ) રાખવામાં આવ્યું છે. 

    બીજું, રશિયાની S400 ડિફેન્સ સિસ્ટમ પણ પાકિસ્તાની અવળચંડાઇ સામે બહુ કામ આવી. તેને ભારતીય રક્ષા પ્રણાલીનું સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે. સુદર્શન ચક્રનું ભારતીય સંસ્કૃતિમાં શું મહત્ત્વ છે તેનો અલગથી ઉલ્લેખ જરૂરી નથી. 

    આ સિવાય ભારતની બીજી મિસાઈલોનાં નામ છે અગ્નિ, પૃથ્વી, ત્રિશૂલ, નાગ, અસ્ત્ર, શૌર્ય, નિર્ભય, વરુણાસ્ત્ર, ધ્રુવાસ્ત્ર, રુદ્રમ. દરેકેદરેક નામ ભારતીય સંસ્કૃતિ, વારસો ઉજાગર કરે છે. 

    આ સિવાય સ્વદેશી લડાકુ વિમાનનું નામ તેજસ છે. ભારતીય વાયુસેનાના કમાન્ડો ફોર્સનું નામ છે ગરુડ. સમુદ્રમાર્ગે રાષ્ટ્રરક્ષા કરતી પ્રણાલી કહેવાય છે શક્તિ. એ જ શક્તિ, જે સ્ત્રીની પર્યાય માનવામાં આવે છે. 

    નૌસેના પણ પાછળ નથી. વિક્રમાદિત્ય, વિક્રાંત, સુરત– આ બધાં જહાજોનાં નામો છે. વાયુસેનાનાં હેલિકોપ્ટર જોઈએ તો પ્રચંડ, રુદ્ર, ચેતક, ચિતા, ધ્રુવ વગેરે. તોપોનાં નામ ગ્રીષ્મ, અર્જુન, વિજયન્ત, અજય, સારથ

    ભારતીય સૈન્ય વાહનોમાં— કલ્યાણી, આદિત્ય, રક્ષક, પ્રહાર, ઐરાવત

    શસ્ત્ર આપણી સંસ્કૃતિનો ભાગ છે. આપણે શસ્ત્રોની પૂજા કરીએ છીએ. દુનિયાની કોઈ સભ્યતા આ રીતે શસ્ત્રોને પૂજતી નથી. દેવી-દેવતાઓ સાથે પણ શસ્ત્રો જોડાયેલાં છે. હવે આવી સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતા દેશમાં શસ્ત્રોનાં નામો પરંપરાઓ, ધર્મગ્રંથો, પરક્રમી દેવતાઓ પર આધારિત ન હોય તો બીજું શું હોય? પણ આ અમલમાં મૂકતાં પણ આપણને વર્ષો લાગ્યાં. 

    રેસ્ક્યુ ઑપરેશનોમાં પણ દેખાઈ આ જ ઝલક

    આ જ બાબત આપણે અમુક અગત્યનાં ઑપરેશનોમાં પણ જોઈ છે. 2014 પછી એક મોટો ફેરફાર આપણે એ જોયો કે દુનિયાના કોઈ પણ દેશમાં, કોઈ પણ ખૂણામાં ભારતીય નાગરિકો કોઈ સમસ્યામાં ફસાયા હોય તો સરકાર, સરકારી સિસ્ટમ પૂરેપૂરું જોર લગાવીને તેમને હેમખેમ સ્વદેશ પરત લઈ આવે છે. સરકાર યુદ્ધોમાંથી પણ નાગરિકોને પરત લાવી છે. આ તમામ ઑપરેશનોનાં નામો પર પણ નજર કરવી જોઈએ. 

    ઑપરેશન સંકટમોચન/કાવેરી: 2016માં જ્યારે સુદાનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું તો સરકારે વાયુસેનાને કામે લગાડી અને ઑપરેશન સંકટમોચન હેઠળ ભારતીયોને પરત લાવવામાં આવ્યા. 

    આ જ રીતે 2023માં જ્યારે સુદાનમાં ફરીથી સ્થિતિ બગડી તો ઑપરેશન કાવેરી લૉન્ચ કરવામાં આવ્યું. 

    સંકટમોચન નામ સીધું ભગવાન હનુમાનજી સંબંધિત છે. કાવેરી ભારતની મોટી નદીઓ પૈકીની એક છે. 

    ઑપરેશન દેવીશક્તિ: વર્ષ 2021માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તાપલટો કર્યો ત્યારે હજારો-લાખોની સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું. ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સરકારે ઑપરેશન દેવીશક્તિ લૉન્ચ કર્યું અને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. 

    ઑપરેશન ગંગા: 2022માં જ્યારે રશિયા યુક્રેનમાં ઘૂસી ગયું અને સૈન્ય કાર્યવાહી શરૂ કરી તો આ ઑપરેશન લૉન્ચ કરીને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા. અમુક વખત સ્થિતિ એવી બની હતી કે બંને તરફે યુદ્ધ ખેલાતું હતું અને બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સુરક્ષિત કૉરિડોર બનાવીને તેમને યુક્રેનમાંથી સકુશળ બહાર મોકલવામાં આવી રહ્યા હતા. આ ઑપરેશન ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત સફળતાઓ પૈકીનું એક છે. 

    ભારતનો વારસો ઉજ્જવળ છે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષોનો છે. સનાતન સંસ્કૃતિ કેટલાય સૈકાઓ જૂની છે. છતાં આ બાબતોને અત્યાર સુધી તેને મિથક, જુનવાણી બાબતો અને રૂઢિવાદીમાં ખપાવી દેવામાં આવતી હતી. પણ આજે આ જ વારસો, આ જ સંસ્કૃતિ ભારત માટે, ભારતની સુરક્ષા કરતાં સશસ્ત્રબળો માટે પ્રેરણા બની ગયાં છે. જ્યારે સરકાર સ્તરેથી આ બાબતો પર ધ્યાન આપવાનું શરૂ થાય તો તફાવત સ્પષ્ટ નજરે પડે છે. અત્યારે એ જ થઈ રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં