Thursday, July 10, 2025
More
    હોમપેજદેશહિંદુઓ દ્વારા દાન કરાયેલી ‘સત્ર ભૂમિ’ પર કબજો... ક્યારેક મળે છે ત્યાં...

    હિંદુઓ દ્વારા દાન કરાયેલી ‘સત્ર ભૂમિ’ પર કબજો… ક્યારેક મળે છે ત્યાં ગૌમાંસ, તો કયારેક સંભળાય છે અઝાન…: હવે આસામની હિમંતા બિસ્વા સરકાર દૂર કરશે અતિક્રમણ, જાણો શું છે મામલો

    સરમાએ કહ્યું કે, "જ્યારે સત્રોની નજીક ગાયનું માંસ ખાવામાં આવે છે અને મસ્જિદમાંથી અઝાનનો અવાજ આવે છે ત્યારે એ સત્રોના કાર્યક્રમોમાં વિક્ષેપ પાડે છે. આવી પ્રવૃત્તિઓ સત્રોથી 10 કિલોમીટર દૂર પણ કરી શકાય છે."

    - Advertisement -

    આસામમાં (Assam) હાલ ‘સત્ર ભૂમિ’ (Satra Lands) પર અતિક્રમણનો મામલો ચર્ચામાં છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) આ મામલે અવૈધ અતિક્રમણ (Unlawful encroachment) કરાયેલ સત્ર ભૂમિને મુક્ત કરાવવાની પહેલ ઉપાડી છે. રાજ્ય સરકારે સત્ર ભૂમિની સુરક્ષા માટે એક ખાસ કમિશનની રચના પણ કરી છે.

    વિસ્તારથી સમજીએ તો 15મી અને 16મી સદીમાં અસમિયા સંત શ્રીમંત શંકરદેવ અને તેમના શિષ્યો માંધાવદેવ, હરિદેવ અને દામોદરદેવ દ્વારા આસામમાં અનેક વૈષ્ણવ મઠ સ્થાપવામાં આવ્યા હતા. આ મઠોને ‘સત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. સંતો દ્વારા સ્થપાયેલા આ સત્ર એક પ્રકારે અધ્યાત્મિક સંસ્થા છે. જે પરંપરાગત સાહિત્ય, સંગીત અને અન્ય સંસ્કૃતિક કાર્યક્રમો માટેનું કેન્દ્ર હોય છે. સત્રની બનાવટમાં મોટાભાગે એક મોટો પ્રાર્થના ખંડ, સ્નાનગૃહ, શયનખંડ અને અતિથિગૃહ હોય છે.

    મળતી માહિતી પ્રમાણે આસામ રાજ્યમાં આ પ્રકારના કુલ 900થી વધુ સત્ર હયાત છે. જે ત્યાંની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલા છે. જેમાં ઔનિયાટી, કમલાબારી, દક્ષિણપટ, ગરમુર, બેંગનાટી, સમાગુરી અને નટુન કમલાબારી વગેરે સત્રોનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    આસામમાં સેંકડો વર્ષોથી, રાજાઓ અને સ્થાનિક હિંદુઓ સાંસ્કૃતિક, આર્થિક અને ધાર્મિક પ્રચાર માટે આ પ્રકારના સત્રોને પોતાની જમીન દાનમાં આપતા આવ્યા છે. દાનમાં અપાયેલી આ જમીનો ‘સત્ર ભૂમિ’ તરીકે ઓળખાય છે. આ બાબતનો ઉલ્લેખ સરકારના અધિકારિત જમીન રેકોર્ડમાં પણ છે. દાનમાં આપવામાં આવેલ આ સત્ર ભૂમિનો ઉપયોગ સાધુઓની સેવા અને ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યો માટે કરવામાં આવતો હતો.

    સત્ર ભૂમિ પર અતિક્રમણનો વિવાદ

    આસામમાં સત્ર ભૂમિનો મોટો ભાગ ગેરકાયદેસર રીતે કબજે કરી લેવામાં આવ્યો છે. સત્ર ભૂમિને લગતી સમસ્યાઓની સમીક્ષા અને તેના મૂલ્યાંકન માટે રચાયેલા સરકારી કમિશને તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, આસામના 11 જિલ્લાઓમાં કુલ 303 સત્રોની આશરે 15,288.52 વિઘા (1,898 હેક્ટરથી વધુ) જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે.

    આ બાબતે આસામ CM હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, ‘આસામના બોંગાઈગાંવ, માજુલી, દિબ્રુગઢ, નાગાંવ, બાજલી, કામરૂપ, લખીમપુર અને ધુબરી જેવા જિલ્લાઓમાં સત્રની જમીન પર મોટા પાયે અતિક્રમણ કરવામાં આવ્યું છે. આસામની રાજધાની દિસપુર કરતા બે ઘણા મોટા વિસ્તારો પર અતિક્રમણ કરવામાં આવ્યું છે.’

    આ અંગે તેમણે પોસ્ટ કરીને કહ્યું કે, “અમારા પાટનગર દિસપુરથી બમણું..! હા, આસામમાં સત્ર ભૂમિ પર અતિક્રમણનું આ પરિણામ છે. સત્રો પર કબજો સીધી રીતે આસામની સંસ્કૃતિ અને ઓળખ પર સીધો હુમલો છે.”  

    તેમણે જણાવ્યું કે, જનસાંખ્યિક પરિવર્તન, ભૂ-માફિયાની સંડોવણી અને રાજકીય સંરક્ષણ જેવા કારણો આ ભયને વધારવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.

    સત્ર ભૂમિને મુક્ત કરી રહી છે હિમંતા સરકાર

    થોડા વર્ષોથી આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે હડપી લેવાયેલી સત્રોની જમીનોને કબજામાંથી મુક્તિ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સરકારે વર્ષ 2021ના નવેમ્બર મહિનામાં આ અંગે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. આ સમિતિને આસામમાં સત્ર ભૂમિની સમસ્યાઓની સમીક્ષા અને મૂલ્યાંકન માટે કમિશન (CRAPSLA) કહેવામાં આવે છે. આ કમિશનમાં આસામના ત્રણ ધારાસભ્યો પ્રદીપ હજારિકા, રૂપક શર્મા અને મૃણાલ સૈકિયાનો સમાવેશ કરાયો હતો.

    આ કમિશનની રચનાના એક વર્ષ બાદ ડિસેમ્બર 2022માં, CRAPSLA કમિશને હિમંતા બિસ્વા સરમાને તેમનો વચગાળાનો રિપોર્ટ સોપ્યો હતો. માહિતી મુજબ, કમિશને આસામમાં કુલ 62 સત્રોની મુલાકાત લઇ તેના પર કરાયેલા ગેરકાયદેસર અતિક્રમણની તપાસ કરી હતી. આ રિપોર્ટ બાદ કમિશનનો કાર્યકાળ પણ લંબાવી દેવામાં આવ્યો જેથી વધુ અસરગ્રસ્ત સત્રોની તપાસ થઇ શકે.

    આ જ મામલે 9 જૂન 2023ના રોજ, CRAPSLA એ તેનો અંતિમ રિપોર્ટ CM હિમંતા બિસ્વાને સોપ્યો. આ વખતે કમિશને કુલ 126 સત્રોની મુલાકાત લઇ તેનું વિગતવાર મૂલ્યાંકન આપ્યું અને નીતિગત કાર્યવાહી માટે ભલામણો કરી હતી.

    રિપોર્ટ મળ્યા બાદ આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, “આ રિપોર્ટ સત્રોની જમીન પર કરાયેલ તમામ અતિક્રમણની પુરેપુરી જાણકારી આપે છે. સરકાર અપાયેલા તારણોની સંપૂર્ણપણે તપાસ કરશે અને કમિશન દ્વારા કરાયેલ ભલામણો ઉપર પણ કાર્યવાહી કરશે.” આ ઉપરાંત CM બિસ્વાએ એક વર્ષની અંદર કાયમી સત્ર કમિશનની રચના કરવાની જાહેરાત પણ કરી હતી. કમિશન પાસે રાજ્યમાં સત્રોને મદદ કરવા માટે વહીવટી સત્તા, કાયદાકીય અધિકાર અને આર્થિક અનુદાન પણ હશે.

    સીએમ શર્માએ કહ્યું, “કમિશનને સંસ્થાકીય બનાવવા માટે સપ્ટેમ્બર અથવા ફેબ્રુઆરી વિધાનસભા સત્રમાં એક કાયદો રજૂ કરવામાં આવશે. આ સત્ર સંસ્થાઓની સુરક્ષા આધુનિકીકરણ માટે 25 વર્ષનું વિઝન તૈયાર કરશે.”

    અતિક્રમણ કરનારાઓ થશે કાર્યવાહી

    વર્ષ 2020માં CRAPSLA કમિશનની રિપોર્ટ બાદ તરત જ આસામ સરકાર કાર્યવાહીમાં શરૂ કરી હતી. સરકારે નાગાંવ જિલ્લામાં શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ પાસેની 1000 વિઘા જમીન અતિક્રમણમાંથી મુક્ત કરાવી હતી. આ ઉપરાંત સરકારે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં ગોપાલ અતા સત્ર નજીક આવેલી 55 વિઘા ગેરકાયદેસર કબજો કરાયેલી જમીન પાછી મેળવી હતી. જુલાઈ 2024માં પણ આ જ પ્રકારના અતિક્રમણવાળી 34 વિઘા જમીન સત્રને પછી મેળવી આપવામાં આવી હતી.

    ઓગસ્ટ 2024માં, હિમંતા સરકારે 250 વર્ષથી વધુ જૂની વારસાગત સંસ્થાઓના 5 કિ.મી.ની ત્રિજ્યામાં બહારના લોકોને જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માટે, ‘આસામ જમીન અને મહેસૂલ નિયમન (બીજો સુધારો) બિલ’ પસાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સત્રોને નાણાકીય સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી. આસામ સરકારે વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં સત્રોને જમીન આપવા અને સત્રને લગતી કોઈપણ કાનૂની સમસ્યાઓને ટાળવા માટે ‘મિશન બસુંધરા 3.0’ હેઠળ ઘણા પગલાં લીધાં હતા.

    આ અંગે CM હિમંતા બિસ્વા સરમાએ ધ્યાન દોરતા કહ્યું કે, “સત્રોની જમીન પર મસ્જિદો બનાવવામાં આવી રહી છે અને સત્ર સંસ્કૃતિને નુકસાન પહોંચાડવા માટે ત્યાં ગોમાંસ ખાવામાં આવી રહ્યું છે.” વધુમાં તેમણે કહ્યું કે,” જ્યારે સત્રોની નજીક ગાયનું માંસ ખાવામાં આવે છે અને મસ્જિદમાંથી અઝાનનો અવાજ આવે છે ત્યારે એ સત્રોના કાર્યક્રમોમાં વિક્ષેપ પાડે છે.” તેમણે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ સત્રોથી 10 કિલોમીટર દૂર પણ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી વર્ષ 2016ની શરૂઆતથી સત્રની જમીન પરના અતિક્રમણનો મુદ્દો ઉઠાવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ શાસને તેને ‘સરકારી કાવતરું’ ગણાવ્યું છે. છેલ્લા 9 વર્ષોમાં, ભાજપ સરકાર સત્રોને તેમની જમીન પાછી મેળવી આપવા સતત કામ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં