હમણાં રક્ષાબંધન (Raksha Bandhan) વિશે અનેકો સમાચારો પ્રકાશિત થઈ રહ્યા છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં રક્ષાબંધનની ઘણી કથાઓ ફરી રહી છે. પરંતુ, તે સાથે અનેક એવી કથાઓ પણ લોકો વચ્ચે ફેલાઈ રહી છે, જેનું કોઈ ઔચિત્ય નથી. ગુજરાત સમાચારના (Gujarat Samachar) એક લેખમાં રક્ષાબંધનની ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ વિશે વાત કરવામાં આવી છે. આ જ લેખમાં કથા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, મેવાડના મહારાણી કર્ણાવતીએ (Maharani Karnavati) હુમાયુને (Humayun) રક્ષાસૂત્ર મોકલાવીને તેને ભાઈ બનાવ્યો હતો અને પોતાના રાજ્યના રક્ષણ માટેની અપીલ કરી હતી.
9 ઑગસ્ટ, 2025ના રોજ પ્રકાશિત થયેલા આ લેખનું શીર્ષક છે- ‘રક્ષાબંધનનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ: શચીથી દ્રૌપદી અને રાણી કર્ણાવતી સુધીની ગાથા’. આ લેખમાં રક્ષાબંધન સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ રજૂ કરવામાં આવી છે. પરંતુ તે સાથે રાણી કર્ણાવતી અને હુમાયુની વાત પણ જોડવામાં આવી છે. ગુજરાત સમાચારે દાવા સાથે લખ્યું છે કે, ઇતિહાસમાં આ એક પ્રસંગ નોંધાયેલો છે.

કોઈપણ સંદર્ભ કે ઐતિહાસિક દસ્તાવેજને ટાંક્યા વગર એવું કહેવામાં આવ્યું છે કે, મેવાડના મહારાણી કર્ણાવતીએ પોતાના રાજ્ય પર થયેલા બહાદુર શાહના આક્રમણ સમયે મુઘલ આક્રાંતા હુમાયુ પાસે મદદ માંગી હતી અને રક્ષાસૂત્ર મોકલાવીને તેને ભાઈ બનાવ્યો હતો. લેખમાં આગળ કહેવાયું છે કે, હુમાયુએ પણ ‘બહેન કર્ણાવતી’ની રક્ષા કરવા માટે સૈન્ય મોકલીને મદદ કરી હતી. આમ તો આ કહેવાતી કથા દર રક્ષાબંધન પર સામે આવતી હોય છે, પરંતુ ગુજરાત સમાચારે તેને ઐતિહાસિક ગણાવી દીધી છે. અહીં આપણે તે કથાનું ઐતિહાસિક તથ્યો સાથે ખંડન કરીશું.
દરેક તહેવારોમાં હિંદુઓ બને છે ‘સેક્યુલર પ્રોપગેન્ડા’નો શિકાર
ગુજરાત સમાચારે પ્રકાશિત કરેલા લેખનું ઐતિહાસિક દ્રષ્ટિએ કોઈ ઔચિત્ય નથી. તેમ છતાં, દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર કે તે પહેલાં આ હુમાયુવાળી કથા જરૂરથી વાયરલ થાય છે. ગત વર્ષે રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ પણ આ ‘સેક્યુલર મૂર્ખતા’નો શિકાર બન્યા હતા અને એવો દાવો કરી બેઠા હતા કે, રાણી કર્ણાવતીએ હુમાયુને રક્ષાસૂત્ર મોકલ્યું હતું. જોકે, તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ પણ થયો હતો. આ એવો જ એક પ્રોપગેન્ડા છે, જે અકબરને મહાન ગણાવે છે અને દિવાળીમાં ‘અલી’ને શોધે છે.
દર વર્ષે કોઈ હિંદુ તહેવાર આવે કે તેમાં ‘સેક્યુલર’ બનવા માટે અનેક પ્રોપગેન્ડા જોડી દેવામાં આવે છે. રાણી કર્ણાવતી અને હુમાયુની કથા માત્ર એટલી જ સત્ય છે, જેટલો અકબર ‘ધર્મનિરપેક્ષ’ હતો. આ કથાની જેમ અનેક વખત એવો પણ દાવો કરવામાં આવે છે કે, મુઘલ બાદશાહ અકબર હિંદુઓના તહેવારો પ્રત્યે સહિષ્ણુ હતો અને પોતાના દરબારમાં હોળી પણ રમતો. જોકે, તેની સાથે ઇતિહાસને પણ કોઈ સંબંધ નથી. અકબર હિંદુ તહેવારો ઉજવતો એ બાબતનો કોઈ ઉલ્લેખ સમકાલીન દસ્તાવેજો કે અકબરનામા જેવા ગ્રંથોમાં નથી મળતો. તો પછી કોઈપણ હિંદુ તહેવારોમાં પરાણે ઇસ્લામી આક્રાંતાઓને ઘૂસાડીને તેને ‘મહાન’ અને ‘દયાળુ’ ચિતરવાનો સ્પષ્ટ પ્રયાસ થયો હોવાનું સાબિત થાય છે.
હોળીના તહેવારમાં પણ આવો જ એક પ્રોપગેન્ડા ઘૂસાડી દેવામાં આવ્યો છે. દાવો કરવામાં આવે છે કે, મુઘલ આક્રાંતાઓ (જહાંગીર, અકબર અને શાહજહાં) હોળીની ઉજવણીમાં સામેલ થતાં હતા. જોકે, આ બાબતના પુરાવા પણ ઐતિહાસિક ગ્રંથો અને તત્કાલીન દસ્તાવેજોમાં નથી. આવી અનેક ઘટનાઓ છે, જેમાં મુસ્લિમ શાસકો અને આક્રાંતાઓને ‘મહાન’ દર્શાવવાની હોડમાં હિંદુ તહેવારોમાં તેને ઘૂસેડી દેવામાં આવે છે. આવી જ એક બનાવટી વાર્તા છે રાણી કર્ણાવતી અને હુમાયુની.
હુમાયુવાળા મિથકની ઉત્પત્તિ ક્યારે થઈ?
બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કર્નલ જેમ્સ ટોડ ઓગણીસમી સદીમાં મેવાડ દરબારમાં હતો. તેણે તેના પુસ્તક ‘એનલ્સ એન્ડ એન્ટિક્વિટીઝ ઑફ રાજસ્થાન’માં રક્ષાબંધનની વાતનો ઉલ્લેખ કર્યો છે. ટોડ રક્ષાબંધનને ‘કંગનનો તહેવાર’ કહે છે. તે લખે છે કે, “રાખડી કન્યાઓ દ્વારા મોકલવામાં આવે છે, તે માત્ર અત્યંત જરૂરિયાત કે સંકટના સમયે જ થાય છે. રાજપૂત સ્ત્રી રાખડી સાથે ભાઈનું બિરુદ આપે છે. રાખડી સ્વીકારવાથી યુવતીના રક્ષણની બધી જવાબદારી તેના ભાઈને મળે છે. ભાઈ પણ યુવતી માટે પોતાનો જીવ જોખમમાં મૂકી શકે છે.”

ટોડ હુમાયુને ‘સાચો યોદ્ધો’ ગણાવે છે, જેમણે પોતાનું વચન નિભાવીને બહાદુર શાહના હુમલાને નિષ્ફળ કર્યો અને વિક્રમાદિત્યને પુનઃસ્થાપિત કર્યો. ટોડે જોધા-અકબરની કથાને પ્રચલિત કરી, જેને પાછળથી બોલિવૂડ ફિલ્મો અને હિન્દી ટીવી સિરિયલોએ લોકપ્રિય બનાવી. આ જ અંગ્રેજે હુમાયુ અને તેની જેવી અનેક કથાઓ કોઈપણ આધાર વગર લખી છે અને પરાણે ઇસ્લામી આક્રાંતાઓને ‘મહાન’ છિતરવાના પ્રયાસો કર્યા છે.
શું ખરેખર રાણી કર્ણાવતીએ હુમાયુને મોકલાવ્યું હતું રક્ષાસૂત્ર?
હવે વાત કરીએ ગુજરાત સમાચારની તે ‘ઐતિહાસિક કથા’ની, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલાવી હતી અને હુમાયુ તેમની મદદ માટે દોડી આવ્યો હતો. ગુજરાત સમાચાર સિવાય પણ અનેક મીડિયા અહેવાલોમાં આ કથાને ઐતિહાસિક ગણાવીને પ્રકાશિત કરવામાં આવતી રહે છે. કથા કઈક એવી છે કે, મેવાડના રાણા સાંગાના પત્ની રાણી કર્ણાવતીએ 16મી સદીમાં ગુજરાતના સુલતાન બહાદુરશાહના હુમલાની સામે રક્ષણ માટે હુમાયુને રાખડી મોકલી હતી. ત્યારબાદ તેમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધની વાતો ઘૂસેડવામાં આવે છે અને અંતે પોતાના નાના ભાઈ કામરાન મિર્ઝાની આંખોમાં ગરમ સળિયા નાખનારો ‘દયાળુ’ હુમાયુ કર્ણાવતીની રક્ષા માટે સેના મોકલાવે છે. (નાના ભાઈની આંખોમાં સળિયા નાખવાની ઘટના અકબરનામા અને તુઝુક-એ-બાબરી જેવા ગ્રંથોમાં જોવા મળે છે.)
આ કથાનું ઐતિહાસિક દ્રષ્ટિએ ખંડન કરનારા ઇતિહાસકારો અનેક છે. આ વાર્તાને કોઈ સમકાલીન ઐતિહાસિક દસ્તાવેજો અથવા સ્ત્રોત દ્વારા સમર્થન મળ્યું નથી. વામપંથી ઇતિહાસકાર સતીશ ચંદ્રે આ કથાને ઉપજાવી કાઢેલી અને પાયાવિહોણી ગણાવી છે. તેમણે પોતાના પુસ્તક ‘હિસ્ટ્રી ઑફ મીડીવલ ઇન્ડિયા’માં પાનાં નંબર 213 પર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, આવી કોઈ ઘટના બની હોય તેના કોઈ પુરાવા નથી. સતીશ ચંદ્ર લખે છે કે, “કોઈપણ સમકાલીન લેખકે આ ઘટનાનો ઉલ્લેખ નથી કર્યો. તેથી આ વાર્તા સાચી હોય શકે તેના કોઈ પુરાવા નથી.” માત્ર એટલું જ નહીં, પરંતુ તત્કાલીન મુઘલ ઇતિહાસમાં પણ આવો કોઈ ઉલ્લેખ નથી.

અર્ચના ગરોડિયા ગુપ્તા અને શ્રુતિ ગરોડિયા તેમના પુસ્તક ‘History of India for Children (Vol 2): From the Mughals to the Present’માં જણાવે છે કે બહાદુર શાહે ચિત્તોડ કબજે કર્યા પછી હુમાયુ થોડા મહિનાઓ બાદ ત્યાં પહોંચ્યો હતો.
જોકે, સત્ય એ છે કે હુમાયુએ પોતાના મજહબી સાથી બહાદુર શાહનું સમર્થન કર્યું હતું. એસ.કે. બેનર્જી તેમના પુસ્તક ‘Humayun Badshah’માં લખે છે કે, “રાણી કર્ણાવતી અને રાણાની માતાએ હુમાયુને મદદ માટે અપીલ કરી હતી, પરંતુ કોઈ જવાબ ન મળ્યો સિવાય કે હુમાયુ ગ્વાલિયર તરફ આગળ વધ્યો અને ત્યાં બે મહિના રોકાયો.” બેનર્જી જણાવે છે કે, કર્ણાવતીએ હુમાયુની મદદ માંગી હોય શકે, પરંતુ તેમણે ‘રાખડી’ મોકલવાનો ઉલ્લેખ નથી કર્યો. આના આધારે એવું કહી શકાય કે, રાણીએ કદાચ અપીલનો પત્ર મોકલ્યો હશે, જેમાં સેક્યુલર ગેંગે ટોડની અસમર્થિત વાતોનો ઉપયોગ કરીને રાખડીની વાર્તા ઉમેરી હશે.

આ ઘટના સૂચવે છે કે હુમાયુંનો ‘કાફિરો’ને મદદ કરવાનો કોઈ ઈરાદો ન હતો. ગ્વાલિયર કિલ્લામાં રોકાણ પછી હુમાયું 4 માર્ચ, 1533ના રોજ આગ્રા પરત ફર્યો. ચિત્તોડનો પ્રથમ ઘેરો 24 માર્ચ, 1533ના રોજ થયેલી સંધિ સાથે સમાપ્ત થયો. હુમાયુના ‘બહેન’ને મદદ ન કરવાના ઇરાદાનો વધુ પુરાવો બેનર્જીએ ઉલ્લેખેલા હુમાયુ અને બહાદુર શાહ વચ્ચેના પત્રોના આદાન-પ્રદાનથી મળે છે.

ઐતિહાસિક વર્ણનો જણાવે છે કે, હુમાયું ગ્વાલિયરમા હતો ત્યારે તેને બહાદુર શાહનો પત્ર મળ્યો હતો. ગુજરાતના સુલતાને મુઘલોને હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું હતું અને કારણ એ આપ્યું હતું કે, તે ઇસ્લામી કાયદા અનુસાર ‘કાફિરો’ સામે જેહાદ ચલાવી રહ્યો છે.
મુઘલ અને રાજપૂત ઇતિહાસમાં નથી કોઈ ઉલ્લેખ
માત્ર એટલું જ નહીં, પરંતુ ઉપજાવેલી કાઢેલી આ વાતનો ઉલ્લેખ કોઈપણ મુઘલ અથવા રાજપૂત ઇતિહાસના પ્રાથમિક સ્ત્રોતોમાં નથી. હુમાયુના સમયના દસ્તાવેજો, ફારસી ગ્રંથો, હુમાયુનામા (હુમાયુની બહેન ગુલબદન બેગમે લખેલ) અથવા રાજપૂત ઇતિહાસના રેકોર્ડમાં પણ આ ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી. જોકે, રાણી કર્ણાવતીની જૌહરની ઘટના 8 માર્ચ, 1534ના રોજ ઐતિહાસિક રીતે નોંધાયેલી છે, પરંતુ તેમાં હુમાયુને રાખડી મોકલી હોવાનો કોઈ પુરાવો નથી. પુરાવો તો દૂર, પણ તે ઇતિહાસમાં હુમાયુનો ક્યાંય ઉલ્લેખ પણ નથી. તે સિવાય પણ અનેક પાસા એવા છે, જેને સમજ્યા બાદ આ સેક્યુલર પ્રોપગેન્ડાનો ભાંડો ફૂટી જાય છે.
વિગતે સમજીએ તો રાણી કર્ણાવતીના પતિ રાણા સાંગા 1527માં ખાનવાના યુદ્ધમાં બાબર સામે રણે ચડ્યા હતા. આ યુદ્ધમાં રાણા સાંગાને ગંભીર ઇજાઓ પણ થઈ હતી. બાદમાં 1528માં તેમનું અવસાન થયું હતું. બાબર અને રાણા સાંગા વચ્ચે માત્ર શત્રુતા હતી, તેવામાં હુમાયુ અને રાણી કર્ણાવતી વચ્ચેના ‘ભાઈ-બહેન’ના સંબંધને કઈ રીતે સ્વીકારી શકાય? આ બાબત એવી છે, જે રાણી કર્ણાવતી અને હુમાયુ વચ્ચેના ભાઈ-બહેનનસ સંબંધની વાર્તાને અસંભવિત બનાવે છે.
સંભવતઃ આ વાર્તા હુમાયુ અને તેની જેવા અન્ય ઇસ્લામી આક્રાંતાઓને વ્હાઇટવોશ કરીને ‘દયાળુ’ તથા ‘મહાન’ છિતરવા માટે જાણીજોઈને ઘડવામાં આવી હોવી જોઈએ. કારણ કે, આવી જ પાયાવિહોણી વાતો કહીને વામપંથી ઇતિહાસકારોએ અકબરને ‘મહાન’ ગણાવી દીધો હતો. દાવો એવો કરવામાં આવતો હતો કે, અકબર હિંદુઓને સન્માન આપતો હતો અને તેના તહેવારો ઉજવતો હતો, પણ વાસ્તવિકતા તો એ છે કે આ જ અકબરે રાજસ્થાનમાં હજારો હિંદુઓનો નરસંહાર કરાવ્યો હતો.
નોંધ- અહીં આપવામાં આવેલી તમામ માહિતીનો આધાર ઐતિહાસિક ગ્રંથો અને તત્કાલીન ઇતિહાસ છે.


