Wednesday, April 1, 2026
More
    હોમપેજરાજકારણલેફ્ટના 100% દાગી ઉમેદવારો, RJD-કોંગ્રેસ પણ હરોળમાં: દર ત્રીજા પર નોંધાયેલા છે...

    લેફ્ટના 100% દાગી ઉમેદવારો, RJD-કોંગ્રેસ પણ હરોળમાં: દર ત્રીજા પર નોંધાયેલા છે ક્રિમિનલ કેસ, કેમ બિહારીઓ ત્રસ્ત છે ‘જંગલરાજ’ના ભયથી

    હવે બિહારના વૉટર્સએ વિચારવું રહ્યું કે શું આવા નેતા તેમના જીવનમાં બદલાવ લાવી શકશે કે સ્વચ્છ છબીવાળી સરકાર. હવે 6 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં બિહારના મતદાતા પોતાની પસંદ-નાપસંદ EVM દ્વારા નક્કી કરી લેશે.

    - Advertisement -

    બિહાર વિધાનસભા ચૂંટણી 2025નો પ્રથમ તબક્કો જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ રાજકીય પક્ષોના દાવાઓ અને હકીકત વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાવા લાગ્યો છે. દરેક પક્ષ કાયદો અને વ્યવસ્થા તથા ભ્રષ્ટાચારમુક્ત બિહારનું વચન આપી રહ્યો છે, પરંતુ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને બિહાર ઇલેક્શન વોચનો તાજેતરનો રિપોર્ટ આ દાવાઓ પર પાણી ફેરવી રહ્યો છે.

    આ રિપોર્ટ મુજબ ચૂંટણી લડી રહેલા કુલ 1303 ઉમેદવારોમાંથી 32 ટકા પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા (દાગી) ઉમેદવારોને ટિકિટ આપનાર પક્ષો છે- રાષ્ટ્રીય જનતા દળ (RJD), કમ્યુનિસ્ટ પાર્ટીઓ (CPI, CPI-M, CPI-ML) અને કોંગ્રેસ. તેની સામે, જનતા દળ યુનાઇટેડ (JDU) આ યાદીમાં સૌથી નીચે છે, જે દર્શાવે છે કે NDA અને નીતીશ કુમારની પાર્ટી JDU અપરાધી છબીવાળા ઉમેદવારોથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ પણ તુલનાત્મક રીતે વધુ સારી સ્થિતિમાં છે.

    આ રિપોર્ટે RJD સહિત વિપક્ષને અરીસો બતાવી દીધો છે. RDJના લાલુ અને તેમના પરિવારના નજીકના લોકો પર કેસ નોંધાયેલા છે. આ રિપોર્ટને વિગતવાર સમજીએ અને જોઈએ કે રાજનીતિમાં આવા લોકોનું કેવું વર્ચસ્વ છે.

    - Advertisement -

    બિહાર વિધાનસભા ચૂંટણીમાં દર ત્રીજો ઉમેદવાર દાગી

    ADR અને બિહાર ઇલેક્શન વોચે બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કાની 121 વિધાનસભા બેઠકો પર લડી રહેલા 1,314 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. આ એફિડેવિટ ચૂંટણી પંચમાં જમા કરાવેલી છે, જ્યાં ઉમેદવારોએ પોતાની સંપત્તિ, શિક્ષણ અને ક્રિમિનલ રેકોર્ડની માહિતી આપવી પડે છે. પરંતુ 11 ઉમેદવારોના એફિડેવિટ સ્પષ્ટ ન હતા, તેથી વિશ્લેષણ 1,303 ઉમેદવારો પર આધારિત છે.

    રિપોર્ટની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે 423 ઉમેદવારોએ (32%) પોતે કબૂલ્યું છે કે તેમના પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 354 (27%) પર તો ગંભીર અપરાધોના કેસ છે, જેમ કે હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કાર.

    આંકડાઓ અનુસાર…

    હત્યા સાથે સંબંધિત કેસ: 33 ઉમેદવારો પર IPCની કલમ 302-303 અને BNSની કલમ 103(1) હેઠળ કેસ નોંધાયેલ છે.

    હત્યાનો પ્રયાસ: 86 ઉમેદવારો પર IPC 307 અને BNS 109ના કેસ નોંધાયેલા છે.

    મહિલાઓ પર અત્યાચાર: 42 ઉમેદવારો પર મહિલાઓ સાથે અત્યાચાર, જેમાં 2 પર બળાત્કારના (IPC 376) આરોપ છે.

    આ ઉપરાંત ઘણા પર ભ્રષ્ટાચાર, ચૂંટણી અપરાધ, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું અને હત્યા-બળાત્કાર જેવા ગંભીર અપરાધોના કેસ છે.

    આ આંકડા દર્શાવે છે કે બિહારની રાજનીતિમાં અપરાધીકરણ કેટલું ઊંડું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ જ્યાં પક્ષોએ આવા ઉમેદવારોને ટિકિટ આપવા પર સ્પષ્ટીકરણ આપવું પડે છે. પરંતુ ઘણા પક્ષો નિઃશંકપણે આવા લોકોને મેદાનમાં ઉતારી રહ્યા છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે ચૂંટણી પંચે પક્ષોને વેબસાઇટ પર આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની માહિતી મૂકવાનો આદેશ આપ્યો છે, પરંતુ ઘણા પક્ષો તેનું પાલન નથી કરી રહ્યા.

    પાર્ટીઓના આધારે કેસ નોંધાયેલ ઉમેદવારોની માહિતી

    પક્ષોના હિસાબે વાત કરીએ તો RJD, કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓવાળું વિપક્ષી ગઠબંધન આવા ઉમેદવારોને ટિકિટ આપવામાં સૌથી આગળ છે. તેની સામે, NDAના પક્ષોએ (BJP અને JDU) તુલનાત્મક રીતે કેસ નોંધાયેલ હોય એવા ઉમેદવારોને ઓછી માત્રામાં ટિકિટ આપી છે.

    CPI(ML)(L): 14 ઉમેદવારોમાંથી 13 (93%) પર ક્રિમિનલ કેસ. જેમાંથી 9 (64%) પર ગંભીર કેસ. આ વામપંથી પાર્ટી હંમેશા ગરીબો અને મજૂરોની વાત કરે છે, પરંતુ તેના ઉમેદવારો પર હત્યા, રમખાણ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના કેસ નોંધાયેલા છે.

    CPI(M): CPI(M)ના 3માંથી 3 (100%) ઉમેદવારો પર ક્રિમિનલ કેસ અને બધા પર ગંભીર કેસ નોંધાયેલ છે. પ્રથમ તબક્કામાં CPI(M)એ માત્ર 3 ઉમેદવાર ઉતાર્યા છે, પરંતુ ત્રણેય વિરુદ્ધ કેસ નોંધાયેલ છે.

    CPI: CPIના 5માંથી 5 (100%) પર ક્રિમિનલ કેસ અને 4 (80%) પર ગંભીર કેસ નોંધાયેલ છે.

    (ફોટો: ADR)

    RJD: 70 ઉમેદવારોમાંથી 53 (76%) પર ક્રિમિનલ કેસ છે. તેમાંથી પણ 42 (60%) પર ગંભીર કેસ છે. આવા લોકોને ટિકિટ આપવામાં RJD  સૌથી આગળ છે. પોતે ચારા કૌભાંડમાં દોષિત લાલુ પ્રસાદ યાદવની પાર્ટીને હજુ પણ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓ પર વિશ્વાસ છે.

    કોંગ્રેસ: પાર્ટીના કુલ 23 ઉમેદવારોમાંથી 15 (65%) પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. આ 15માંથી પણ 12 (52%) પર ગંભીર કેસ નોંધાયેલા છે.

    જન સુરાજ પાર્ટી: પ્રશાંત કિશોરની નવી પાર્ટી તો ‘સુરાજ’નું વચન આપે છે. પરંતુ 114 ઉમેદવારોમાંથી 50 (44%) પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેમાંથી પણ 49 (43%) પર ગંભીર કેસ નોંધાયેલા છે. આ પાર્ટી ભલે નવી હોય, પરંતુ ઉમેદવાર લાંબા સમયથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય એવા છે.

    LJP (રામ વિલાસ): ચિરાગ પાસવાનની પાર્ટી પણ આ યાદીમાં છે. ચિરાગી પાર્ટીના 13માંથી 7 (54%) ઉમેદવારો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે, જેમાંથી (38%) પર ગંભીર કેસ છે.

    AAP: અરવિંદ કેજરીવાલની પાર્ટી બિહારમાં નવી છે, પરંતુ તેના ઉમેદવારોમાં પણ આવા લોકો સામેલ છે. AAPના 44માંથી 12 (27%) ઉમેદવારો પર ક્રિમિનલ કેસ છે, જેમાંથી 9 (20%) પર ગંભીર કેસ છે.

    BSP: બહુજન સમાજ પાર્ટીએ પ્રથમ તબક્કામાં 89 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી 18 (20%) પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. 16 (18%) પર ગંભીર કેસ છે.

    BJP: બીજેપીના 48માંથી 31 (65%) પર ક્રિમિનલ કેસ છે, જેમાં 27 (56%) પર ગંભીર કેસ છે. બીજેપી NDAની મુખ્ય પાર્ટી છે, જોકે ક્રિમિનલ કેસ ધરાવતા ઉમેદવારોના મામલે તે મુખ્ય વિપક્ષી પાર્ટીઓથી પાછળ છે.

    JDU: આ પાર્ટીના 57માંથી માત્ર 22 (39%) ઉમેદવારો પર ક્રિમિનલ કેસ છે. આમાંથી 15 (26%) પર ગંભીર કેસ નોંધાયેલા છે. આંકડાઓ જોઈએ તો દાગીઓના મામલે INDI ગઠબંધનની પાર્ટીઓની તુલનામાં નીતીશ કુમારની પાર્ટી આ યાદીમાં સૌથી પાછળ છે. આ આંકડા દર્શાવે છે કે JDU અપરાધી છબીવાળાઓથી દૂર રહેવાની નીતિ પર ચાલી રહી છે.

    (ફોટો: ADR)

    RJDના મુખ્ય દાગી નેતાઓમાં લાલુ પરિવાર અને તેમના નજીકના સામેલ

    RJD પર સૌથી વધુ સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે તેના 76% ઉમેદવાર પર ક્રિમિનલ કેસ છે. લાલુ પ્રસાદ યાદવ પોતે ચારા કૌભાંડમાં સજા ભોગવી ચૂક્યા છે અને તેમની પાર્ટી હજુ પણ આવા લોકોને ટિકિટ આપી રહી છે.

    તેજસ્વી યાદવ (રઘોપુરથી): RJDના સ્ટાર કેન્ડિડેટ અને પૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવ પર IRCTC કૌભાંડમાં CBI તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ચૂંટણી હિંસા અને સંપત્તિ સાથે સંબંધિત ઘણા કેસ નોંધાયેલા છે. તેજસ્વી હંમેશા દાવો કરે છે કે આ રાજકીય ષડયંત્ર છે, પરંતુ કોર્ટથી લઈને તેમની વિરુદ્ધ દાખલ ચાર્જશીટમાં તે નિર્દોષ છે એવું નથી કહેવાયું. ADR દ્વારા જાહેર કરાયેલા આંકડામાં આ અંગે માહિતી છે, જે તેમણે એફિડેવિટમાં આપી છે. તેજસ્વી યાદવ પર કુલ 22 કેસ નોંધાયેલા છે, જેમાં IPC હેઠળ 13 અને BNS હેઠળ 4 કલમોમાં કેસ નોંધાયેલા છે. 17 ગંભીર મામલા નોંધાયેલ છે.

    (ફોટો: ADR)

    રવીન્દ્ર પ્રસાદ યાદવ (મહનારથી): વૈશાલીની મહનાર વિધાનસભા બેઠકથી ઉતરેલા RJDના વરિષ્ઠ નેતા રવીન્દ્ર પ્રસાદ યાદવ પર 26 કલમોમાં કેસ છે. તેમના પર હત્યાના પ્રયાસથી (IPC 307) લઈને મહિલા વિરોધી અપરાધ સુધીના કેસ છે.

    રિપોર્ટ કહે છે કે RJDના 60% ઉમેદવારો પર ગંભીર કેસ છે, જે હત્યા, બળાત્કાર અને ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. પાર્ટીના મુખિયા લાલુ હંમેશા કહે છે કે આ કેન્દ્ર સરકારનું ષડયંત્ર છે. જોકે મતદારોનો પ્રશ્ન છે કે શું RJD સાચે જ બદલાવ લાવી શકે છે? કારણ કે જ્યારે આ સરકાર એટલે કે NDAની સરકાર ન હતી, ત્યારે પણ લાલુ યાદવ સામે કેસ ચાલી રહ્યા હતા.

    હવે મતદાતાઓ કરશે નિણર્ય, જંગલરાજ કે સુશાસન: 6 નવેમ્બરે મતથી નિર્ણય

    આ રિપોર્ટ બિહાર ચૂંટણીને નવી દિશા આપી શકે છે. વિપક્ષ આવા ઉમેદવારોથી ભરેલો છે, જ્યારે NDAએ આવા ઉમેદવારોને ઓછી માત્રામાં ટિકિટ આપી છે, તેથી તે વિશ્વાસ જીતી શકે છે. આ તો હવે બિહારના વૉટર્સએ વિચારવું રહ્યું કે શું આવા નેતા તેમના જીવનમાં બદલાવ લાવી શકશે કે સ્વચ્છ છબીવાળી સરકાર. હવે 6 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં બિહારના મતદાતા પોતાની પસંદ-નાપસંદ EVM દ્વારા નક્કી કરી લેશે. 14 નવેમ્બર 2025ના રોજ પરિણામો સામે આવી જશે કે બિહારના લોકોએ શું નિણર્ય કર્યો છે.

    આ લેખ મૂળ હિન્દીમાં લખાયેલ છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં