23 ઑક્ટોબર 2025ના રોજ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ઘોષણા કરી છે કે તેમની સરકાર 1983ના નેલ્લી નરસંહાર અંગેનો તિવારી કમિશનનો રિપોર્ટ આગામી શિયાળુ સત્ર દરમિયાન રાજ્ય વિધાનસભામાં રજૂ કરશે. આ પ્રથમ પ્રસંગ હશે જ્યારે લગભગ ચાર દાયકા બાદ નેલ્લી નરસંહારની સાચી હકીકતો સામે આવશે.
ગુરુવારે (23 ઑક્ટોબર) યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું કે, “1983માં નેલ્લીમાં એક નરસંહાર થયો હતો. તે સમયે રાજ્ય સરકારે તિવારી કમિશનની રચના કરી હતી. જોકે, આજ સુધી આ કમિશનનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો નથી. આગામી 25 નવેમ્બરના વિધાનસભાના સત્રમાં અમે નેલ્લી નરસંહારના સંદર્ભમાં રચાયેલ તિવારી કમિશનનો રિપોર્ટ ઔપચારિક રીતે રજૂ કરવાનો નિર્ણય લીધો છે.”
In 1985 the Tiwari Commission submitted its findings to the then government on the 1983 Nellie Massacre.
— Himanta Biswa Sarma (@himantabiswa) October 23, 2025
Today the Assam Cabinet has decided to place this report on the floor of the Assam Assembly, so its facts can be made available to the public. pic.twitter.com/MW3rbttV8a
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ આસામના ઇતિહાસનો એક ભાગ છે, વૈજ્ઞાનિકો, ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓએ અલગ-અલગ રીતે અભ્યાસ કરીને આ રિપોર્ટ રજૂ કર્યો છે. આ અહેવાલને જાહેર કરવાથી લોકોને તે સમયે બનેલી ઘટનાઓ વિશે સચોટ માહિતી મળી શકશે.”
નેલ્લી નરસંહાર અને સત્ય બહાર લાવવામાં 40 વર્ષથી વધુનો વિલંબ
નેલ્લી નરસંહાર 18 ફેબ્રુઆરી 1983ના રોજ આસામના મધ્ય ભાગમાં આવેલા નેલ્લી વિસ્તારમાં થયો હતો, જે આસામ આંદોલન અથવા વિદેશીવિરોધી આંદોલનના સમય દરમિયાન થયો હતો. આ નરસંહારમાં 2,000થી 3,000 લોકોનાં મોત થયાં હતાં. નજીકના વિસ્તારોના સેંકડો મૂળનિવાસી લોકોએ બંગાળી મુસ્લિમોના કબજાવાળા ગામો પર હુમલો કર્યો હતો. તલવાર, ભાલા અને લાકડીઓથી સજ્જ લોકોએ ઘરોને આગ લગાડી અને રસ્તાઓ અટકાવી દીધા હતા, જેથી ભાગવાનો પ્રયાસ કરનાર કોઈ પણ વ્યક્તિની બચી શકી નહોતી. મૃતકોમાં મોટાભાગની સ્ત્રીઓ અને બાળકો હતા.
સરકારી આંકડાઓ અનુસાર, મૃત્યુઆંક 1,819 હતો, જેમાં 1,327 સ્ત્રીઓ અને 253 બાળકોનો સમાવેશ થાય છે, પરંતુ માનવાધિકાર સંગઠનો અને નિષ્ણાતોનું માનવું છે કે વાસ્તવિક આંકડો તેનાથી ઘણો વધારે હતો. સ્થાનિક પોલીસ પર આરોપ છે કે તેઓ પીડિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા અને સ્થિતિ ત્યારે જ કાબૂમાં આવી જ્યારે CRPF (કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ) ઘટનાસ્થળે પહોંચી.

નોંધનીય છે કે , 980થી અસમની 14 લોકસભા બેઠકોમાંથી 12 બેઠકો ખાલી હતી, જે વિદેશી વિરોધી આંદોલનની શરૂઆતના એક વર્ષ પછીની સ્થિતિ હતી. વિધાનસભા પણ 1982માં ભંગ કરવામાં આવી હતી. ચૂંટણીઓ યોજવી જરૂરી હતી અને 6 જાન્યુઆરી 1983ના રોજ જાહેરાત કરવામાં આવી કે વિધાનસભા અને લોકસભા બેઠકો માટે ચાર તબક્કામાં મતદાન થશે.
જોકે, અસમ આંદોલનના સમર્થકોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને ઘણી રાજકીય પાર્ટીઓએ તેમાં ભાગ પણ ન લીધો. તેમ છતાં, હિંસા અને અરાજકતા વચ્ચે ચૂંટણીઓ યોજાઈ અને આખરે કોંગ્રેસે (I) જીત મેળવીને હિતેશ્વર સૈકિયાના નેતૃત્વ હેઠળ સરકાર રચી.
નેલ્લીમાં હિંસા ત્યારે ભડકી જ્યારે અસમ આંદોલન ચરમસીમાએ હતું, જે ઓલ અસમ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) દ્વારા ચલાવવામાં આવતું હતું. આ આંદોલન બાંગ્લાદેશના ગેરકાયદેસર ઘૂસણખોરોને શોધી કાઢવા, દેશનિકાલ કરવા અને તેમના નામ મતદાર યાદીમાંથી હટાવવાની માગણી સાથે શરૂ થયું હતું. આંદોલનકારીઓને ભય હતો કે બાંગ્લાદેશીઓના અનિયંત્રિત પ્રવેશથી રાજ્યની ડેમોગ્રાફી બદલાઈ જશે.
18 ફેબ્રુઆરી 1983ના રોજ નેલ્લીમાં હુમલા શરૂ થયા, જે હવે નાગાંવ જિલ્લામાં આવે છે. આ હુમલા આસામ આંદોલનના ચરમ પર શરૂ થયા હતા. થોડા કલાકોમાં સ્થાનિક તિવા સમુદાય, બોડો અને અન્ય સ્થાનિક લોકોના સમુદાયોએ નેલ્લીની આસપાસના 14 ગામોમાં રહેતા બંગાળીભાષી મુસ્લિમો પર હુમલો કરી દીધો હતો. આ હત્યાકાંડ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હતું.
એવો પણ આરોપ છે કે આસામ પોલીસના કર્મચારીઓએ CRPFના સૈનિકોને હત્યાકાંડના સ્થળથી દૂર રાખ્યા હતા, જેના કારણે હત્યાઓ ચાલુ રહી હતી. જોકે, આ દાવો હજુ સુધી ચકાસાયો નથી અને આ તિવારી કમિશનના અહેવાલમાં મુખ્ય નિષ્કર્ષોમાંથી એક હોય શકે છે.
હિંસા વિધાનસભાની ચૂંટણીના મતદાનના દિવસે ભડકી હતી. આ ચૂંટણીઓ ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કેન્દ્રની કોંગ્રેસ સરકારે આગળ ધપાવી હતી. કેન્દ્રની કોંગ્રેસ સરકારે AASU અને ઓલ અસમ ગણ સંગ્રામ પરિષદની (AAGSP) મતદાર યાદીની સુધારણાની માગણીઓને અવગણીને ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો, જેનાથી ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોના નામ હટાવી શકાયા નહીં. એવું કહેવાય છે કે આ ચૂંટણીઓ ઉતાવળમાં યોજાઈ હતી, જ્યારે મતદાર યાદીના સુધારાની માગણીઓ ચાલુ હતી.
હત્યાકાંડ બાદ બીજી આંદોલનપૂર્ણ ચૂંટણીમાં 1984માં કોંગ્રેસ સરકાર સત્તામાં આવી, જેમાં મોટાભાગે બંગાળી બહુમતીવાળા વિસ્તારોએ મતદાન કર્યું હતું.
નેલ્લી નરસંહારમાં હજારો લોકો મૃત્યુ પામ્યા બાદ હિતેશ્વર સૈકિયાના નેતૃત્વ હેઠળની રાજ્યની કોંગ્રેસ સરકારે IAS અધિકારી ત્રિભુવન પ્રસાદ તિવારીના નેતૃત્વમાં તિવારી કમિશનની રચના કરી, જેનો ઉદ્દેશ હિંસાના કારણો, ગુનેગારોની ઓળખ અને આગળની કાર્યવાહીની ભલામણો કરવાનો હતો. કમિશને 1984માં 600 પાનાંનો અહેવાલ તત્કાલીન મુખ્યમંત્રી હિતેશ્વર સૈકિયાને સોંપ્યો હતો. જોકે, આ અહેવાલ ક્યારેય વિધાનસભામાં રજૂ થયો નહીં કે જાહેર કરવામાં આવ્યો નહીં. રિપોર્ટ્સ અનુસાર, સરકારી આર્કાઇવમાં માત્ર ત્રણ ગુપ્ત નકલો જ રાખવામાં આવી હતી.

આસામ સમજૂતી પર હસ્તાક્ષરની પૂર્વ શરત તરીકે કોંગ્રેસ (I) સરકારને અકાળે ભંગ કરવામાં આવી. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ઉભી થયેલી સહાનુભૂતિની લહેર પર સવાર થઈને તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા. તેમણે 1985માં આસામ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા, જેમાં 1 જાન્યુઆરી 1966ને વિદેશીઓને શોધવા માટેનું આધાર વર્ષ નક્કી કરવામાં આવ્યું અને 24 માર્ચ 1971ને ગેરકાયદેસર ઘૂસણખોરોને શોધીને મતદાર યાદીમાંથી હટાવવાની અંતિમ તારીખ તરીકે નક્કી કરવામાં આવી.
આસામ સમજૂતીની વાટાઘાટ કરનારા કેન્દ્રીય ગૃહ સચિવ રામ પ્રધાને જણાવ્યું હતું કે રાજીવ ગાંધીએ આસામ સમજૂતીનો અમલ કરવામાં રસ ન બતાવ્યો કારણ કે, “તેનાથી કોંગ્રેસના (મુસ્લિમ) વૉટબેંકને અસર થાત”. ગેરકાયદેસર ઘૂસણખોરોને શોધવા માટેના સરવે અંગે રામ પ્રધાને કહ્યું કે, “આ સમજૂતીનો ભાગ હતો, પરંતુ તેમને લાગ્યું કે સરવે કોંગ્રેસની વૉટબેંકને ગંભીર રીતે નુકસાન પહોંચાડશે.”
ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં આસામ સમજૂતી પછી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ અને વિદેશીવિરોધી આંદોલનના નેતાઓએ બહુમતી મેળવી. અસમ ગણ પરિષદે (AGP) સરકાર રચી અને પ્રફુલ્લ કુમાર મહંતા રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા.
રસપ્રદ વાત એ છે કે ભાજપ સરકારે આસામના વિદેશીવિરોધી આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા 885 AASU સભ્યોને ‘શહીદ’ તરીકેનો દરજ્જો આપ્યો છે. કોંગ્રેસ સરકાર, આસામ ગણ પરિષદ (AGP) સરકાર અને સર્બાનંદ સોનોવાલની ભાજપ સરકારે પણ તેમને આર્થિક વળતર આપ્યું હતું.
નેલ્લી નરસંહાર અને તિવારી કમિશનના રિપોર્ટ પર પાછા ફરીએ તો કમિશને 1984માં પોતાનો અહેવાલ સોંપ્યો હોવા છતાં હિતેશ્વર સૈકિયાની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે તેને જાહેર ન કરવાનો નિર્ણય લીધો. ત્યારથી તે અહેવાલ ક્યારેય જાહેર થયો નથી, કારણ કે પછીની સરકારોએ પણ આ જ નીતિ અપનાવી.
અહેવાલને ચાર દાયકા સુધી જાહેર ન કરવાનું કારણ અસ્પષ્ટ રહ્યું અને ઘણા લોકોએ કોંગ્રેસ પર જાણીજોઈને ઢાંકપિછોડો કરવાનો આરોપ લગાવ્યો, જ્યારે AGP અને ભાજપ પર સત્ય બહાર લાવવામાં ઉદાસીનતાનો આરોપ લાગ્યો.
જોકે, હવે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અહેવાલ જાહેર ન કરવાનું મુખ્ય કારણ જાહેર કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, અહેવાલની સત્યતા ચકાસી શકાઈ ન હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આસામ સરકાર પાસે ઉપલબ્ધ 600 પાનાંના તિવારી કમિશનના અહેવાલ પર કમિશનના અધ્યક્ષ, નિવૃત્ત IAS અધિકારી ત્રિભુવન પ્રસાદ તિવારીની સહી નહોતી, જેના કારણે અહેવાલની અધિકૃતતા અંગે પ્રશ્નો ઉભા થયા હતા.
ત્રિભુવન પ્રસાદ તિવારી, જેઓ પાછળથી પુડુચેરીના રાજ્યપાલ બન્યા હતા, તેમનું 2015માં 93 વર્ષની વયે અવસાન થયું, જેનાથી અહેવાલની સત્યતા ચકાસવી વધુ મુશ્કેલ બની. જોકે, હિમંતા બિસ્વા સરમા સરકારે કમિશન હેઠળ કામ કરનારા અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમણે પુષ્ટિ કરી કે સરકાર પાસે ઉપલબ્ધ અહેવાલની નકલ અધિકૃત છે.
મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે, “અમે તે સમયના વિવિધ ક્લાર્ક સાથે વાતચીત કરી અને ફોરેન્સિક તપાસ પણ કરી અને જાણવા મળ્યું કે અહેવાલ અધિકૃત છે. પાછલી સરકાર આ અંગે હિંમતભર્યું પગલું લેવામાં ડરતી હતી. કોઈક સરકારે આ અહેવાલ રજૂ કરવો જોઈએ, આ આપણા ઇતિહાસનું એક પ્રકરણ છે.”
600થી વધુ FIR દાખલ કરવામાં આવી, લગભગ 300 કેસોમાં તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી, પરંતુ મોટાભાગના કેસો આખરે રદ કરવામાં આવ્યા. 2000ના દાયકાની શરૂઆતમાં નેલ્લી નરસંહારના પીડિતોના પરિવારો માટે વધુ સારા વળતરની માગણી સાથે ગુવાહાટી હાઇકોર્ટમાં થોડા કેસો દાખલ થયા, પરંતુ આ કેસો પણ રદ કરવામાં આવ્યા.
1985ની આસામ સમજૂતીએ વિદેશીવિરોધી આંદોલનનો અંત આણ્યો, પરંતુ ન તો નેલ્લી નરસંહારનું સંપૂર્ણ સત્ય બહાર આવ્યું અને ન તો બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓના ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દો આસામમાં સંપૂર્ણપણે ઉકેલાયો. જોકે, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે ભૂતકાળના અન્યાયનું સત્ય બહાર આવે અને આસામની ડેમોગ્રાફીને જાણીજોઈને બદલવાના પ્રયાસોનો મુદ્દો પણ અવગણવામાં ન આવે.


