25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડા પ્રધાન ટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ અને સુશાસન દિવસના અવસરે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ત્રણ મહત્વાકાંક્ષી ક્લીન એનર્જી પોલિસીનું લૉન્ચિંગ કર્યું હતું. આ પોલિસીઓમાં ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025, ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી 2025 અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2025નો સમાવેશ થાય છે. આ પોલિસીઓ ગુજરાતને આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરતા ટકાઉ વિકાસ અને ઊર્જા સ્વાવલંબન તરફ લઈ જવાનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ નીતિઓને રાજ્યના ગ્રીન વિઝનનો આધારસ્તંભ ગણાવી હતી.
આ નીતિઓના મુખ્ય લક્ષ્યાંકોમાં 2030 સુધીમાં 100 ગીગાવોટથી (GW) વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. જેનાથી રાજ્યમાં ₹5.75 લાખ કરોડથી વધુનું રોકાણ આકર્ષિત થવાની અપેક્ષા છે. આ ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં અલગથી ₹5 લાખ કરોડનું રોકાણ અને લગભગ 6 લાખ રોજગારીની તકો સર્જાશે. વર્તમાનમાં ગુજરાત પાસે 41.66 GWની રિન્યુએબલ એનર્જી ક્ષમતા છે, જેમાં સોલારમાંથી 24.79 GW, વિન્ડમાંથી 14.64 GW અને રૂફટોપ સોલારમાંથી 6.31 GW એનર્જી ઉદ્ભવે છે. આ નવી પોલિસીઓ આ મજબૂત આધારને વધુ વિસ્તાર આપીને ભારતના 2030 સુધી 500 GW નોન-ફોસિલ ફ્યુઅલ ક્ષમતાના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં ગુજરાતનું યોગદાન વધારશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં ગુજરાત સરકારે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-2023 અમલમાં મૂકી હતી. તેમાં ગુજરાતને એનર્જી હબ બનાવવા માટે મહત્વપૂર્ણ લક્ષ્યાંકો રાખવામાં આવ્યા હતા. હવે આ જ પોલિસીને સમાંતર આ નવી પોલિસીઓ અમલમાં મૂકવામાં આવી છે. જે 2023માં રાખવામાં આવેલા લક્ષ્યાંકોને આગળ વધારે છે.
2023માં આવેલ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી
2023માં અમલમાં આવેલી ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી રાજ્યને ક્લીન એનર્જીમાં મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ પગલું હતું. આ પોલિસી 30 સપ્ટેમ્બર 2028 સુધી અમલમાં રહેશે અને તેમાં મુખ્યત્વે વિન્ડ, સોલાર અને વિન્ડ-સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેના મુખ્ય લક્ષ્યાંકોમાં 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 50% વધારવાનો અને કુલ 100 ગીગાવોટ (GW) ક્ષમતા સ્થાપિત કરવાનો સમાવેશ હતો.
આ પોલિસી હેઠળ અંદાજે ₹5 લાખ કરોડના રોકાણની અપેક્ષા હતી, જેમાં લગભગ 4 લાખ એકર જમીનનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક હતો. રાજ્યની સોલાર ક્ષમતા 36 GW અને વિન્ડ ક્ષમતા 143 GWની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ પોલિસી તૈયાર કરવામાં આવી હતી. 2023ની પોલિસીમાં આવરી લેવામાં આવેલી મુખ્ય ટેક્નોલોજીઓમાં ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટિંગ સોલાર, કેનાલ-ટોપ સોલાર, વિન્ડ, રૂફટોપ વિન્ડ અને વિન્ડ-સોલાર હાઇબ્રિડનો સમાવેશ થતો હતો.
તેમાં રોકાણકારો અને વપરાશકારો માટે વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા, જેમ કે કેપ્ટિવ યુઝ અને થર્ડ-પાર્ટી સેલ માટે કોઈ કેપેસિટી પ્રતિબંધ નહીં, બિલિંગ સાયકલ આધારિત એનર્જી બેન્કિંગ, કેપ્ટિવ પ્રોજેક્ટ્સ માટે ક્રોસ-સબ્સિડી અને એડિશનલ સરચાર્જમાં છૂટ, રેસિડેન્શિયલ સોલાર માટે બેન્કિંગ ચાર્જમાં છૂટ અને નેટ અથવા ગ્રોસ મીટરિંગના વિકલ્પો.
વધુમાં, વિન્ડ ટર્બાઇન્સના રીપાવરિંગને પ્રોત્સાહન આપવું, હાઇબ્રિડ પ્લાન્ટ્સમાં કન્વર્ઝન અને પ્રોટોટાઇપ વિન્ડ ટર્બાઇન્સની સ્થાપના જેવા ફીચર્સ પણ સામેલ હતા. પાવર પુચેઝ માટે કોમ્પિટિટિવ બિડિંગ અને નાના પ્રોજેક્ટ્સ માટે ફિક્સ્ડ ટેરિફની વ્યવસ્થા હતી. આ પોલિસીમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીને (GEDA) નોડલ એજન્સી તરીકે અને GUVNLને અમલીકરણ માટે જવાબદાર બનાવવામાં આવી હતી. હવે ગુજરાત સરકારે આ પોલિસીના લક્ષ્યાંકોને આગળ વધારવા વધુ બાબતોનો સમાવેશ કર્યો છે.
ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025: વધુ વ્યાપક અને નવીન અભિગમ
હવે, 25 ડિસેમ્બર 2025ના રોજ સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 એ 2023ની પોલિસીને વધુ વિસ્તૃત અને ઇન્ટિગ્રેટેડ બનાવીને આગળ વધારે છે. આ પોલિસીમાં પણ 2030 સુધીમાં 100 GWથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો લક્ષ્યાંક છે, પરંતુ તેમાં ત્રણ અલગ પોલિસીના સ્વરૂપે વિસ્તાર કરવામાં આવ્યો છે: ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી, પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી.
આ પોલિસી અંતર્ગત કુલ ₹5.75 લાખ કરોડ રોકાણની અપેક્ષા છે, જે 2023ની પોલિસી કરતાં વધુ છે અને તેમાંથી ગ્રીન હાઇડ્રોજન માટે અલગ ₹5 લાખ કરોડનું રોકાણ અને 6 લાખ રોજગારીની તકો સર્જાશે. આ પોલિસી ભારતના પંચામૃત સંકલ્પ, NDCs અને વિકસિત ગુજરાત @2047સાથે સંરેખિત છે, જેમાં આબોહવા કાર્યવાહી, ઇનોવેશન, ટકાઉ વિકાસ, ગ્રીડ સ્થિરતા અને રોજગાર પર ભાર મૂકવામાં આવ્યો છે.

2025ની પોલિસીમાં 2023 કરતાં મુખ્ય નવી વસ્તુઓમાં એનર્જી સ્ટોરેજનું ઇન્ટિગ્રેશન છે. ઉદાહરણ તરીકે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સને (BESS) પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જે ગ્રીડ સ્થિરતા અને રિન્યુએબલ એનર્જીના વધુ સારા ઇન્ટિગ્રેશન માટે જરૂરી છે. GEDA, GETCO, SLDC અને DISCOMs દ્વારા BESS માટે વ્યૂહાત્મક સ્થળોની ઓળખ કરવામાં આવશે. વધુમાં, વિન્ડ રીપાવરિંગ અને રિફર્બિશમેન્ટ માટે વધુ મજબૂત ફ્રેમવર્ક છે, જેમાં જૂના વિન્ડમિલ્સને દૂર કર્યા વિના અપગ્રેડ કરવાની પરવાનગી, 24 મહિના સુધીનો વિસ્તાર, પાવર પરચેઝ એગ્રીમેન્ટનો (PPA) વિસ્તાર, ટ્રાન્સમિશન ચાર્જમાં છૂટ અને કનેક્ટિવિટીમાં પ્રાયોરિટી જેવા નવા પ્રોત્સાહનો સામેલ છે.
ઉલ્લેખનીય છે કે 2023ની પોલિસીમાં રીપાવરિંગને પ્રોત્સાહન તો હતું પરંતુ આટલું વિસ્તૃત નહોતું. ટેક્નોલોજીના ક્ષેત્રે પણ નવીનતા જોવા મળે છે. 2023માં મુખ્યત્વે વિન્ડ, સોલાર અને હાઇબ્રિડ પર ફોકસ હતું, જ્યારે 2025માં ઓશન એનર્જી (ટાઇડલ અને વેવ), જીઓથર્મલ એનર્જી, કન્સન્ટ્રેટેડ સોલાર થર્મલ (CST), બિલ્ડિંગ-ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક (BIPV), રોડ અને રેલ-ઇન્ટિગ્રેટેડ PV, એગ્રીવોલ્ટેઇક્સ અને વર્ટિકલ-એક્સિસ વિન્ડ ટર્બાઇન્સ જેવી ઇમર્જિંગ ટેક્નોલોજીઓ માટે પાઇલટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રૂફટોપ વિન્ડ પ્રોજેક્ટ્સ માટે 50 kW સુધીના નાના વિન્ડ ટર્બાઇન્સને વર્ચ્યુઅલ અને ગ્રુપ નેટ મીટરિંગ સાથે જોડવામાં આવ્યા છે, જે 2023માં નાના સ્કેલ વિન્ડને મંજૂરી તો હતી પરંતુ તેનો વિસ્તાર આટલો બહોળો નહોતો. પ્રોત્સાહનોની દ્રષ્ટિએ 2025માં કેપ્ટિવ અને થર્ડ-પાર્ટી પ્રોજેક્ટ્સ માટે વોલ્ટેજ લેવલ આધારિત રેશનલાઇઝ્ડ કમિશનિંગ ટાઇમલાઇન, ઇવેક્યુએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધુ છૂટછાટ અને પ્રાઇવેટ સેક્ટર તથા સ્ટાર્ટ-અપ્સને વધુ પ્રોત્સાહન જેવા નવા તત્વો છે. આ પોલિસીમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવા પર ભાર છે, જે 2023માં પણ હતો, પરંતુ હવે વધુ પારદર્શક અને એકીકૃત છે.
આ ઉપરાંત સરકારે 2025માં અલગ પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી અને અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2025નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી ગુજરાતને એનર્જી ક્ષેત્રે મોટું હબ બનાવી શકાય અને લક્ષ્યાંકોને સરળતાથી હાંસલ કરી શકાય.
ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી 2025: ગ્રીડ સ્થિરતાનો મજબૂત આધાર
રિન્યુએબલ એનર્જીના વધતા ઉપયોગ સાથે ગ્રીડમાં વોલ્ટેજ અને ફ્રિકવન્સીની સ્થિરતા જાળવવી અત્યંત જરૂરી છે. પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ એ વિશ્વની સૌથી મોટી અને વ્યાજબી એનર્જી સ્ટોરેજ ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજીને ‘વિશ્વની સૌથી મોટી બેટરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિસ્ટમ પાણી અને ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને વીજળીને સ્ટોર કરે છે અને જરૂર પડે ત્યારે તેને ઉત્પન્ન કરે છે.
કેવી રીતે થાય છે પમ્પ્ડ સ્ટોરેજ: પમ્પ્ડ સ્ટોરેજમાં બે જળાશયો બનાવવામાં આવે છે – એક ઉપરનું (ઉચ્ચ સ્તરે) અને એક નીચેનું (નીચા સ્તરે). જ્યારે વીજળીની માંગ ઓછી હોય અથવા સોલાર/વિન્ડ જેવા રિન્યુએબલ સ્ત્રોતોમાંથી વધારાની વીજળી ઉત્પન્ન થાય, ત્યારે તે વીજળીનો ઉપયોગ કરીને નીચેના જળાશયમાંથી પાણીને પમ્પ વડે ઉપરના જળાશયમાં ખેંચવામાં આવે છે. આમ પાણીને ઉંચાઈએ સ્ટોર કરીને વીજળીને ‘પોટેન્શિયલ એનર્જી’ના (સંભવિત ઊર્જા) રૂપમાં સ્ટોર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ચાર્જીંગ મોડ પણ કહે છે.

જ્યારે વીજળીની માંગ વધારે હોય (પીક આવર્સમાં), ત્યારે ઉપરના જળાશયમાંથી પાણીને ટર્બાઇનમાંથી પસાર કરીને નીચે છોડવામાં આવે છે. પાણીના પ્રવાહથી ટર્બાઇન ફરે છે અને જનરેટર વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયાને ડિસ્ચાર્જ મોડ કહે છે. આ પ્રક્રિયામાં પાણીનો ક્લોઝ્ડ લૂપમાં ફરીથી ઉપયોગ થાય છે, તેથી તેને રિસાયકલ કરી શકાય છે.
આ ઉપરાંત આ પ્રક્રિયા સોલાર અને વિન્ડ જેવી અનિયમિત રિન્યુએબલ એનર્જીને સપોર્ટ કરે છે. વધારાની વીજળી સ્ટોર કરીને ગ્રીડને સ્થિર રાખે છે. તેથી ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025ના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને સરકારે ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી 2025 પણ લૉન્ચ કરી છે. આ પોલિસી હેઠળ 2035 સુધીમાં 75 GWhની પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતા વિકસાવવાનો લક્ષ્યાંક છે.
આ સિવાય 2047 સુધીમાં 100 પમ્પ્ડ સ્ટોરેજ યુનિટ્સ વિકસાવવાનું લક્ષ્ય છે. જેના માટે અંદાજે ₹75,000 કરોડનું રોકાણ આવશે. પ્રોજેક્ટ્સને 40 વર્ષ સુધીના પ્રોત્સાહનો મળશે, જેમાં ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં છૂટ અને પાણીના ચાર્જમાં રાહતનો સમાવેશ થાય છે. મહત્વની બાબત એ છે કે આ ટેક્નોલોજી બેટરી કરતાં વધુ વ્યાજબી અને લાંબા સમય સુધી (કલાકોથી દિવસો સુધી) વીજળી સપ્લાય કરી શકે છે. આ સિવાય તે કાર્બન ઉત્સર્જન પણ નહીંવત પ્રમાણમાં કરે છે અને પાણીના પુન:ઉપયોગને શક્ય બનાવે છે તેથી તે પર્યાવરણ મૈત્રીપૂર્ણ છે.
ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2025: ભવિષ્યના ક્લીન ઇંધણનું કેન્દ્ર
આ પોલિસી અંગે જાણતા પહેલાં એ જાણવું આવશ્યક છે કે ગ્રીન હાઈડ્રોજન એટલે શું? ગ્રીન હાઇડ્રોજન (Green Hydrogen) એ હાઇડ્રોજન ગેસનું એક સ્વચ્છ અને ટકાઉ સ્વરૂપ છે, જેને ઉત્પાદન કરતી વખતે કોઈ કાર્બન ડાયોક્સાઇડ (CO₂) અથવા અન્ય ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થતું નથી. તેને ‘ભવિષ્યનાં ક્લીન ઇંધણ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે ફોસિલ ફ્યુઅલ્સ જેમ કે કોલસો, તેલ અથવા નેચરલ ગેસના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે અને આબોહવા પરિવર્તનનો સામનો કરવામાં મદદ કરે છે.
ગ્રીન હાઇડ્રોજન કેવી રીતે બને છે?: ગ્રીન હાઇડ્રોજનનું મુખ્ય ઉત્પાદન ઇલેક્ટ્રોલિસિસ (Electrolysis) પ્રક્રિયા દ્વારા થાય છે. પાણીને (H₂O) ઇલેક્ટ્રોલાઇઝર મશીનમાં વીજળી વડે વિભાજિત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પાણી હાઇડ્રોજન (H₂) અને ઓક્સિજનમાં (O₂) વિભાજિત થાય છે. મહત્વની વાત એ છે કે આ વીજળી રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી (જેમ કે સોલાર, વિન્ડ અથવા હાઇડ્રો પાવર) આવે છે, તેથી ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે કાર્બન-ફ્રી હોય છે.

ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થઈ શકે છે, જેમાં હાર્ડ-ટુ-ડીકાર્બોનાઇઝ (મુશ્કેલીથી કાર્બન-ફ્રી બનાવી શકાય તેવા) સેક્ટર્સનો સમાવેશ થાય છે. જેમકે સ્ટીલ ઉત્પાદન, રિફાઇનરીઝ, ફર્ટિલાઇઝર (અમોનિયા) અને કેમિકલ્સ જેવી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં, હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વાહનો (ટ્રક્સ, બસો, ટ્રેન્સ, શિપ્સ અને વિમાનો) જેવા પરિવહન માધ્યમોમાં, વધારાની રિન્યુએબલ એનર્જીને હાઇડ્રોજનમાં સ્ટોર કરીને જરૂર પડે વીજળી અથવા હીટ ઉત્પન્ન કરવા માટે તથા ઘરો અને ઇન્ડસ્ટ્રીમાં નેચરલ ગેસના વિકલ્પ તરીકે તેનો ઉપયોગ થાય છે.
તેથી ગુજરાત સરકારે આ દરેક ક્ષેત્રને આવરી લેવા માટે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2025 અમલમાં મૂકી છે. આ પોલિસી ગુજરાતને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનના મુખ્ય હબ તરીકે સ્થાપિત કરવા માટે છે. આ પોલિસી હેઠળ 2035 સુધીમાં વાર્ષિક 3 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક છે, જેનાથી 2 મિલિયન ટન નેચરલ ગેસનો વપરાશ ઘટશે અને 5 મિલિયન ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે.
આ ઉપરાંત ₹5 લાખ કરોડથી વધુ રોકાણ અને 6 લાખ રોજગારીની તકો સર્જાશે. આ ત્રણેય પોલિસીઓ આગામી 10 વર્ષ માટે અમલમાં રહેશે અને તેના લાભ આગામી 40 વર્ષ સુધી મળશે. ત્રણેય પોલિસીઓમાં સામાન્ય રીતે ઇનપુટ ઊર્જા પર વીજળી ડ્યુટીમાં છૂટ, 20 ટકા સુધી કેપિટલ સબસિડી, વ્હીલિંગ અને ટ્રાન્સમિશન ચાર્જમાં 50 ટકા સુધી રિઇમ્બર્સમેન્ટ તથા જમીન ફાળવણીમાં સરળતા જેવા પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. વર્તમાનમાં ગુજરાતની રિફાઇનરીઝ, સ્ટીલ અને ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝમાં 1.3 મિલિયન ટનની ગ્રે હાઇડ્રોજનની માંગ છે, જેને ગ્રીન હાઇડ્રોજનથી બદલીને ડીકાર્બોનાઇઝેશન કરી શકાશે.
ગુજરાત સરકારના આ પગલાં પાછળના મુખ્ય ઉદ્દેશ્યો
નોંધનીય છે કે ભારત સરકારે 2070 સુધી ‘નેટ ઝીરો’ કાર્બન ઉત્સર્જનનું લક્ષ્યાંક રાખ્યું છે. આ લક્ષ્યાંક હાંસલ કરવામાં ગુજરાત અગ્રેસર રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે આ પોલિસીઓ લૉન્ચ કરી છે. આ સિવાય તેના કારણે રિન્યુએબલ એનર્જીના વધારા સાથે લાંબાગાળે સામાન્ય ગ્રાહકો અને ઉદ્યોગો માટે વીજળીના ભાવમાં સ્થિરતા અને ઘટાડો આવશે.
આ ઉપરાંત MSME જેવા કે ગ્રીન એનર્જી સેક્ટરમાં સોલર પેનલ ઉત્પાદન, પવનચક્કીના સ્પેરપાર્ટ્સ અને ઇલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગમાં સ્થાનિક MSME એકમોને મોટું પ્રોત્સાહન મળશે. કચ્છના રણ વિસ્તારને ‘વર્લ્ડ લાર્જેસ્ટ રિન્યુએબલ એનર્જી પાર્ક’ તરીકે વિકસાવવાની કામગીરીને આ નીતિઓથી વધુ વેગ મળશે. નોંધનીય છે કે આ પોલિસીઓના કારણે ₹5.75 લાખ કરોડનું રોકાણ આવવાની સંભાવના છે જેનાથી રાજ્યની જીડીપીમાં (GSDP) નોંધપાત્ર ઉછાળો જોવા મળશે.
આ સિવાય ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન દ્વારા ગુજરાત વિશ્વના દેશોને ઊર્જા નિકાસ કરી શકશે. ખેડૂતો પોતાની પડતર જમીન સોલાર પ્રોજેક્ટ માટે આપીને વધારાની આવક મેળવી શકશે. વળી, દિવસ દરમિયાન ખેતી માટે વીજળી ઉપલબ્ધ કરાવવામાં પણ સરળતા રહેશે. આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ પહેલાં આ નીતિઓની જાહેરાત કરીને સરકારે વૈશ્વિક રોકાણકારોને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુજરાત હવે ગ્રીન ઇકોનોમી બનવા માટે તૈયાર છે.
આ ત્રણ પોલિસી સાથે ગુજરાત ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડીને ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનમાં અગ્રેસર બનશે. રાજ્યના વિશાળ પોર્ટ્સ, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્તમાન રિન્યુએબલ ક્ષમતા આ નીતિઓને વધુ અસરકારક બનાવશે. આ પગલું માત્ર રાજ્યના આર્થિક વિકાસ અને રોજગાર સર્જન માટે જ નહીં, પરંતુ ભારતના નેટ-ઝીરો ઉત્સર્જન લક્ષ્યાંકો અને વૈશ્વિક આબોહવા પ્રતિબદ્ધતાઓ માટે પણ માઇલસ્ટોન સાબિત થશે. ગુજરાત ફરી એકવાર દેશને ક્લીન એનર્જીનું મોડેલ આપીને વિકસિત ભારતની દ્રષ્ટિને સાકાર કરશે.


