અમેરિકા દુનિયાના વિવાદો-સમસ્યાઓનાં સમાધાનો કાઢવામાં પડ્યું તેમાં ઘરમાં જ એક પછી એક નવી સમસ્યાઓ આવી રહી છે. ટ્રમ્પ સરકાર શટડાઉન થયાને ત્રણ અઠવાડિયા થયા પણ હજુ સુધી તેનો રસ્તો શોધી શકાયો નથી. તેવામાં શટડાઉનથી ઊભી થયેલી સમસ્યાઓ અને ટ્રમ્પની નીતિને મુદ્દો બનાવીને લાખો લોકોએ ‘નો કિંગ’ પ્રદર્શનો કરી આખા અમેરિકાને બાનમાં લીધું તે અલગ.
શનિવારે (18 ઑક્ટોબર) અમેરિકાના મોટા શહેરોથી લઈને નાના કસ્બા સુધી લાખો લોકો રસ્તા પર ઉતર્યા. તેમણે ‘નો કિંગ’ના નારા લગાવીને રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે. આ પ્રદર્શન ટ્રમ્પના બીજા કાર્યકાળના ત્રીજા સૌથી મોટા પ્રદર્શનો પૈકીનું એક હોવાનું કહેવાય છે. આખા દેશમાં લગભગ 2,600થી વધુ શહેરો-કસ્બાઓ પર આવા કાર્યક્રમો યોજાયા છે, જેમાં ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેરથી લઈને શિકાગો, એટલાન્ટા અને પોર્ટલેન્ડ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે.
'No, President Trump, we don't want you or any other king to rule us,' US Senator Bernie Sanders told a roaring crowd at the 'No Kings' rally in Washington, adding 'in America we, the people, will rule' https://t.co/UGId8OmeKG pic.twitter.com/k6NTnxjpnb
— Reuters (@Reuters) October 18, 2025
આ વખતે વિરોધ પ્રદર્શનોમાં લગભગ 7 મિલિયનથી વધુ લોકો સામેલ થયા છે. જે જૂનમાં થયેલાં પ્રદર્શનો કરતાં ઘણા વધુ છે. કેટલાક લોકો સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના પોશાક પહેરીને આવ્યા તો કેટલાકે ઇન્ફલેટેબલ ફ્રોગ પોશાકોમાં વ્હાઇટ હાઉસના ‘અરાજકતા’ના આરોપોની મજાક ઉડાવી. પ્રદર્શનો દરમિયાન ‘લોકશાહીને બચાવવાના’ના નારા પણ લાગ્યા છે.
શું છે ‘નો કિંગ’ પ્રદર્શનો?
‘નો કિંગ’ પ્રદર્શનોનો અર્થ તેના નામમાં જ છુપાયેલો છે. પ્રદર્શનકારીઓ ટ્રમ્પને ‘રાજા’ ગણી રહ્યા છે અને સંદેશ આપી રહ્યા છે કે ‘લોકતાંત્રિક અમેરિકાને રાજા નથી જોઈતો.’ આ પ્રદર્શનોનું મુખ્ય કારણ ટ્રમ્પની નીતિઓ છે. લોકો ટ્રમ્પની નીતિઓને ‘લોકશાહી પર હુમલો’ ગણી રહ્યા છે. જૂનમાં લોસ એન્જલસમાં ઈમિગ્રેશન રેઇડ્સ પછી નેશનલ ગાર્ડને તહેનાત કરવાથી પ્રદર્શનો વધુ વિકરાળ બન્યાં છે. ન્યૂયોર્ક, શિકાગો, વોશિંગ્ટન ડીસી જેવાં શહેરો પ્રદર્શનોના વંટોળમાં આવી ગયાં છે. લોકો બેનરો, અમેરિકન ધ્વજ અને ‘લોકશાહી બચાવો’ જેવા સૂત્રો સાથે ટ્રમ્પ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા છે. જોકે, આ પહેલાં પણ આવા પ્રદર્શનો થતાં રહ્યાં છે.
જૂનમાં ટ્રમ્પના જન્મદિવસ પર મિલીટરી પરેડ વિરુદ્ધ પણ મોટાપાયે પ્રદર્શનો થયાં હતાં અને ત્યારબાદ આ શટડાઉનના કારણે ઊભી થયેલી સમસ્યાઓ પર પણ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે ટ્રમ્પ એક રાજાની જેમ વર્તી રહ્યા છે અને ‘તાનાશાહ’ જેવું વર્તન કરી રહ્યા છે, જેના કારણે લોકશાહી પર ‘જોખમ’ ઊભું થઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓની માંગણી છે કે ટ્રમ્પની સત્તાઓને સીમિત કરીને કોંગ્રેસને વધુ સત્તા આપવામાં આવે.
Let’s gooooooo New York City ‼️
— New York City Kopp (@NYCkopp) October 18, 2025
Times Square…No Kings!#NoKingsDayOct18th #NoKings pic.twitter.com/VCYubeHhOs
તે સિવાય શટડાઉનના કારણે રજા પર મોકલાયેલા કર્મચારીઓ પણ આ પ્રદર્શનોમાં સામેલ થયા છે. આ સમગ્ર પ્રદર્શનોનું મૂળ સરકારી શટડાઉન સાથે જોડાયેલું છે. શટડાઉનના કારણે ફેડરલ કાર્યક્રમો અને સેવાઓ બંધ થઈ ગઈ છે અને ટ્રમ્પ સરકારની સત્તા સંતુલનની કસોટી પણ થઈ રહી છે.
બીજી તરફ રિપબ્લિકન્સ આ પ્રદર્શનોને ‘હેટ અમેરિકા પ્રદર્શનો’ કહી રહ્યા છે. ટ્રમ્પે પણ ફોક્સ ન્યુઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતે રાજા ન હોવાની વાત કહી છે પણ પ્રદર્શનો અટકી રહ્યાં નથી. અમેરિકી પોલીસે આ મામલે કોઈ ધરપકડ કે અટકાયત ન કરી હોવાનું જણાવ્યું છે. અધિકારીઓ અનુસાર, શહેરોમાં લાખો લોકો એકઠા થયા છે, જોકે કોઈ હિંસક પ્રદર્શનના સમાચાર સામે આવ્યા નથી અને તેના કારણે કોઈ ધરપકડ કે અટકાયત પણ થઈ નથી.
સરકારી શટડાઉન મુખ્ય કારણો પૈકીનું એક
આ વખતે વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ ત્રણ અઠવાડિયાથી ચાલતું સરકારી શટડાઉન છે. 1 ઑક્ટોબરથી કોંગ્રેસમાં બજેટ વિવાદને કારણે શટડાઉન શરૂ થયું હતું. રિપબ્લિકન્સ ખર્ચમાં કાપ કરવા માંગે છે અને ડેમોક્રેટ્સ આરોગ્ય-સુરક્ષા માટે વધુ ભંડોળની માંગણી કરી રહ્યા છે. આ બધાં કારણોસર બજેટને લગતાં બિલો અમેરિકાની કોંગ્રેસમાંથી પસાર થઈ શક્યાં નથી અને તેના કારણે શટડાઉન લાંબુ ચાલી રહ્યું છે.
આ શટડાઉનની અસરો પણ અમેરિકામાં દેખાઈ રહી છે. ઘણી સેવાઓ બંધ થઈ છે અને અનેક કર્મચારીઓને પણ રજા પર મોકલી દેવાયા છે. 14 લાખથી વધુ કર્મચારીઓ અનિશ્ચિત વેતન વગર કામ કરી રહ્યા છે અથવા તો રજા પર છે. નેશનલ પાર્ક્સ, મ્યુઝિયમ્સ અને IRS રિફંડ્સમાં વિલંબ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે. WIC (માતા-શિશુ પોષણ) અને SNAP (ભોજન સહાય) જેવી સેવાઓના વિલંબથી ગરીબ પરિવારોને મુશ્કેલી પડી રહી છે. જોકે, મિલીટરી અને મેડિકેર જેવી કેટલીક સેવાઓ ચાલુ છે.
અમેરિકી અર્થતંત્રને પણ ખાસ્સું નુકસાન થઈ રહ્યું છે. માહિતી અનુસાર, દર અઠવાડિયે 15 અબજ ડોકરનું નુકસાન થઈ રહ્યું છે અને GDP વૃદ્ધિ પણ 0.1% ઘટી ગઈ છે. લેબર ડિપાર્ટમેન્ટના 3,100 કર્મચારીઓ પણ મુક્ત થઈ ચૂક્યા છે. આ બધી સમસ્યાઓના કારણે લોકો રસ્તા પર ઉતર્યા છે અને સમસ્યાઓ માટે ટ્રમ્પ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.
આ આખું વિરોધ પ્રદર્શન સરકારી શટડાઉન સાથે જોડાયેલું છે. પ્રદર્શકોનો આરોપ છે કે ટ્રમ્પની કાપ મૂકવાની નીતિના કારણે આ બધુ થઈ રહ્યું છે. બીજી તરફ રિપબ્લિકન્સ ડેમોક્રેટ્સ પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ વૉટર્સ મેળવવા માટે આવું કરી રહ્યા છે.
અન્ય નાનામોટા કારણો અને પ્રદર્શનકારીઓની માંગણીઓ
‘નો કિંગ’નો સંદેશ અમેરિકન સ્વતંત્રતા સંગ્રામ સમયના ‘કિંગ જ્યોર્જ III’ના શાસનને યાદ કરે છે. ટૂંકમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા લોકશાહી દેશ છે અને તેમાં કોઈ રાજાને શાસન આપી શકાશે નહીં. આયોજકોનું કહેવું છે કે ટ્રમ્પનું શાસન અમેરિકાના બંધારણીય સિદ્ધાંતોને ધ્વસ્ત કરી રહ્યું છે. તે સિવાય ટ્રમ્પ પર આરોપ છે કે તેઓ વિદેશ નીતિ, ઈમિગ્રેશન અને સુરક્ષા પર ‘મિલીટરી સ્ટાઈલ’ કાર્યવાહીઓ કરી રહ્યા છે, જેમાં ફેડરલ ટ્રુપ્સને ડેમોક્રેટિક શહેરોમાં તહેનાત કરવા અને વિરોધીઓ પર કાનૂની કાર્યવાહી કરવા જેવા મુદ્દાઓ સામેલ છે.
તે સિવાય ટ્રમ્પની નીતિ હેઠળ વ્યાપક ડિપોર્ટેશન, હેલ્થકેર અને શિક્ષણના ભંડોળમાં કાપ અને ‘જેરિમેન્ડરિંગ’ જેવા આરોપોને કારણે પણ લોકોમાં રોષ વ્યાપ્યો છે. આ પ્રદર્શનો પાછળ ઇંડિવિઝિબલ, મૂવઓન અને ACLU જેવી સંસ્થાઓ છે. આ સંસ્થાઓએ 14 જૂન, 2025ના રોજ ટ્રમ્પના જન્મદિવસે પ્રથમ ‘નો કિંગ ડે’નું આયોજન કર્યું હતું, જેમાં 5 મિલિયનથી વધુ લોકો જોડાયા હતા. હવે ઑક્ટોબરમાં ‘નો કિંગ II’ તરીકેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 મિલિયન લોકો જોડાયા છે. આ પ્રદર્શનને અન્ય 200થી વધુ સંસ્થાઓનું સમર્થન પણ મળ્યું છે.
પ્રદર્શનકારીઓની સ્પષ્ટ માંગણીઓ એવી છે કે ટ્રમ્પની સત્તા પર અંકુશ મૂકવામાં આવે અને તે માટે કોંગ્રેસ તથા જ્યુડિશરીને વધુ શક્તિશાળી બનાવવામાં આવે. આ ઉપરાંત ઈમિગ્રેશન રેઈડ્સ અને શહેરી વિસ્તારોમાંથી સૈન્યની તહેનાતી પર વિરામ લગાવવામાં આવે છે. કોર્ટના આદેશોનું પાલન કરવાની બાબત પણ માંગણીમાં સામેલ કરવામાં આવી છે.
આ ઉપરાંત સરકારી કાપ બંધ કરીને આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ માટે વધુ ભંડોળ પૂરું પાડવામાં આવે અને શટડાઉનને વહેલી તકે બંધ કરવામાં આવે. ભ્રષ્ટાચારની તપાસ માટે વધુ પારદર્શિતા લાવવાની માંગણી પણ કરવામાં આવી છે. ડિપોર્ટરેશન બંધ કરવા માટેની માંગણી પણ સાથે જોડવામાં આવી છે.
આગળ શું?
ટ્રમ્પ શાસન માટે આવા મોટા વિરોધ પ્રદર્શનો એક પડકાર તરીકે સામે આવ્યાં છે. શટડાઉનનો ઉકેલ આવે તોપણ આ પ્રદર્શનો બંધ થઈ શકે તેમ નથી. કારણ કે ટ્રમ્પના જન્મદિવસ પર કોઈ શટડાઉનનો મુદ્દો ન હતો, તેમ છતાં આવા મોટા પ્રદર્શનો થયાં હતાં. મૂળ મુદ્દો ટ્રમ્પની નીતિઓ પર આવીને અટકે છે. નાનીમોટી માંગણીઓ અલગ હોય શકે પણ પ્રદર્શનકારીઓની મૂળ માંગણી ટ્રમ્પની નીતિઓમાં બદલાવ લાવીને તેમની સત્તાને નિયંત્રિત કરવાની છે.
પ્રદર્શનકારીઓ કહી રહ્યા છે કે અમેરિકા અધિકારવાદ તરફ આગળ વધી રહ્યું છે અને તેના માટે જવાબદાર ટ્રમ્પને ગણવામાં આવે છે. એટલે જો કદાચ શટડાઉનનો ઉકેલ પણ આવે તોપણ આ પ્રદર્શનો સંપૂર્ણપણે બંધ થાય તેવી સંભાવના ઘણી ઓછી દેખાઈ રહી છે.


