ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત કરીને સ્વદેશી ભાર્ગવાસ્ત્ર (Bhargavastra) નામની કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું (Counter Drone System) સફળ પરીક્ષણ કર્યું છે. સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ (SDAL) દ્વારા નિર્મિત આ ઓછા ખર્ચ ધરાવતી સિસ્ટમ ડ્રોન સ્વાર્મના (ઝુંડ) જોખમને રોકવા માટેનું એક ક્રાંતિકારી પગલું છે. આધુનિક યુદ્ધના નવા પડકારો, ખાસ કરીને ડ્રોન હુમલાઓનો સામનો કરવા માટે આ સ્વદેશી સિસ્ટમની રચના કરવામાં આવી છે.
14 મે, 2025ના રોજ ઓડિશાના ગોપાલપુર સિવર્ડ ફાયરિંગ રેન્જમાં આ સિસ્ટમના માઇક્રો રોકેટ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ રોકેટ્સે નિર્ધારિત ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ સિદ્ધિ ભારતની ‘આત્મનિર્ભર’ રક્ષા નીતિ અને ‘મેક ઇન ઇન્ડિયા’ મિશનની વધુ એક સફળતાને દર્શાવે છે. આ ઉપરાંત આ સિસ્ટમનું નામ પણ દેશને આપણા ભવ્ય વારસા સાથે જોડે છે.
કઈ રીતે થયું પરીક્ષણ?
ગોપાલપુરમાં સેના વાયુ રક્ષાના (AAD) વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ‘ભાર્ગવાસ્ત્ર’નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પહેલા બે પરીક્ષણમાં પ્રત્યેકમાં એક-એક રોકેટથી પરીક્ષણ થયું હતું. ત્યારબાદ ત્રીજા પરીક્ષણમાં સેલ્વો મોડમાં બે સેકન્ડના ગાળામાં બે રોકેટથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચારેય રોકેટે યોગ્ય અને સટીક નિશાન લગાવ્યાં હતાં અને પરીક્ષણ 100% સફળ રહ્યું હતું. આ પરીક્ષણે ડ્રોન હુમલા વિરુદ્ધ સિસ્ટમની વિશ્વસનીયતાને સાબિત કરી દીધી અને તમામ લૉન્ચ પેરામીટર હાંસલ કર્યા હતા.
#WATCH | A new low-cost Counter Drone System in Hard Kill mode 'Bhargavastra', has been designed and developed by Solar Defence and Aerospace Limited (SDAL), signifying a substantial leap in countering the escalating threat of drone swarms. The micro rockets used in this… pic.twitter.com/qM4FWtEF43
— ANI (@ANI) May 14, 2025
શું છે ભાર્ગવાસ્ત્ર?
ભાર્ગવાસ્ત્ર એ એક બહુસ્તરીય કાઉન્ટર ડ્રોન સિસ્ટમ છે, જે શત્રુના ડ્રોન અથવા અનઅથોરાઈઝ્ડ ડ્રોનને નિષ્ક્રિય કરવા અથવા નાશ કરવા માટે રચાયેલ છે. આધુનિક યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ ઝડપથી વધ્યો છે, જેનો ઉપયોગ નજર રાખવા, હુમલા કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે. આવાં ડ્રોનનો સામનો કરવા માટે ભાર્ગવાસ્ત્ર એક અદ્યતન, ખર્ચ-અસરકારક અને સ્વદેશી સમાધાન પૂરું પાડે છે. તે ડ્રોનમાં વિશાળ ઝુંડને પણ પળભરમાં ભસ્મ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ સિસ્ટમનું નામ પ્રાચીન ભારતના ઋષિ ભૃગુના વંશજ ભાર્ગવ ઋષિ (ભગવાન પરશુરામ) પર રાખવામાં આવ્યું છે, જે ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન અને શક્તિનું પ્રતીક છે. ભાર્ગવાસ્ત્ર નામ ભારતની સ્વદેશી ટેકનોલોજી અને પરંપરાગત મૂલ્યોના સંગમને દર્શાવે છે. ઋષિ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા અને પોતાના ક્રોધ માટે જાણીતા હતા. તેઓ કોઈપણને ભસ્મ કરવાની અસીમિત શક્તિ ધરાવતા હતા.
શું છે તેની વિશેષતાઓ?
ભાર્ગવાસ્ત્રની ડિઝાઇન અને કાર્યક્ષમતા તેને આધુનિક યુદ્ધની જરૂરિયાતો માટે અનુકૂળ બનાવે છે. તેની કેટલીક મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
ઝડપી પ્રતિક્રિયા ક્ષમતા: ભાર્ગવાસ્ત્ર 2 સેકન્ડના અંતરે 2-2 રોકેટ છોડી શકે છે, જે તેને મોટાપાયે ડ્રોન હુમલાઓનો સામનો કરવામાં સક્ષમ બનાવે છે.
ખર્ચ-અસરકારક ડિઝાઇન: આ સિસ્ટમ વિદેશી કાઉન્ટર ડ્રોન સિસ્ટમની સરખામણીમાં ઓછા ખર્ચે વિકસાવવામાં આવી છે, જે ભારતના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને અનુરૂપ છે. તે સિવાય તેના ઉપયોગમાં પણ ખર્ચ ઓછો આવે છે.
અદ્યતન ટેકનોલોજી: ભાર્ગવાસ્ત્રમાં રડાર આધારિત શોધ, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર્સ અને ચોકસાઈથી લક્ષ્ય ટાર્ગેટ કરવાની ક્ષમતા સામેલ છે. આ ટેકનોલોજી ડ્રોનને શોધીને તેને નિષ્ક્રિય કરવામાં અસરકારક ભૂમિકા ભજપે છે. આ સિસ્ટમ 6થી 10 કિમી દૂર નાના ડ્રોનને પણ શોધી શકે છે. ત્યારબાદ 2.5 કિમી દૂરી પર તે ડ્રોનને ભસ્મ કરી શકે છે અને 20 મીટર સુધીનો તેનો ઘાતક દાયરો હોય છે.
અનગાઈડેડ માઇક્રો રોકેટ્સ અને ગાઈડેડ માઇક્રો-મિસાઈલ: અનગાઈડેડ માઇક્રો રોકેટ્સ આ સિસ્ટમની પહેલી પરત છે, જે હેઠળ તે કોઈપણ પ્રકારના ડ્રોનનો નાશ કરે છે અને નજર રાખે છે. ત્યારબાદ ગાઈડેડ માઇક્રો-મિસાઈલ (સિસ્ટમનું બીજું લેયર) સટીક હુમલા માટે મિસાઈલો છોડી શકવા સક્ષમ છે. તે સિવાય વધુ એક પરત સોફ્ટ-કિલ તરીકે ઓળખાય છે. એટલે કે, જેમિંગ અને સ્પૂફિંગની વૈકલ્પિક સુવિધા. આ સુવિધા ડ્રોનના ઝૂંટને નષ્ટ કર્યા વિના તેને સોફ્ટ કિલિંગ આપી દે છે, એટલે કે તેને નિષ્ક્રિય કરી નાખે છે.
મોડ્યૂલર ડિઝાઇન: સિસ્ટમને ઉપયોગકર્તાની જરૂરિયાતો અનુસાર કસ્ટમાઈઝ કરી શકાય છે. સેન્સર અને શૂટર્સને એકીકૃત કરીને લાંબા અંતર પર ટાર્ગેટને હિટ કરવા માટે સ્તરીય હવાઈ સંરક્ષણ કવર પૂરું પાડી શકાય છે. આ સિસ્ટમ કોઈપણ જગ્યાએ કામ કરી શકે છે. તે ભારતીય સશસ્ત્રબળોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઈ છે, તે જમીનના સૌથી નીચેના ભાગ કે પર્વત અથવા તો હિમખડકો પર પણ કામ કરી શકે છે અને તેને લઈ જવી પણ ખૂબ સહેલી છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર: આ સિસ્ટમ C4I (કમાન્ડ, કંટ્રોલ, કોમ્યુનિકેશન, કોમ્યુટર્સ અને ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીથી સજ્જ છે. આ સિસ્ટમ એકલ ડ્રોન અથવા સમગ્ર ટોળાંનું મૂલ્યાંકન કરવા અને તેનો સામનો કરવા માટે વ્યાપક પરિસ્થિતિગત જાગૃતિ પ્રદાન કરે છે. EO/IR સેન્સર કમ રડાર ક્રોસ-સેકશન (LRCS) ટાર્ગેટની સચોટ ઓળખ સુનિશ્ચિત કરે છે.
વૈશ્વિક સ્તર પર અનોખી સિસ્ટમ: ‘ભાર્ગવાસ્ત્ર’ને તેના ડેવલપર્સે વૈશ્વિક સ્તર પર એક અનોખી સિસ્ટમ ગણાવી છે. જોકે, ઘણા વિકસિત દેશો માઇક્રો-મિસાઈલ સિસ્ટમ્સ પર કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી વિશ્વમાં એવી કોઈ સ્વદેશી સિસ્ટમ તહેનાત કરવામાં નથી આવી કે જે બહુસ્તરીય, ખર્ચ-અસરકારક અને ડ્રોન ટોળાંનો નાશ કરવા સક્ષમ હોય.
વિવિધ ડ્રોન સામે અસરકારક સ્વદેશી સિસ્ટમ: આ સિસ્ટમ નાનાં, મધ્યમ અને મોટાં કદના ડ્રોનને નિશાન બનાવી શકે છે, જેમાં શત્રુના હથિયારબંધ ડ્રોન અને ગેરકાયદેસર ઉડ્ડયનોનો સમાવેશ પણ થાય છે. તે એક સાથે 64 ગાઈડેડ માઇક્રો-મિસાઈલ ફાયર કરવામાં સક્ષમ છે. ભાર્ગવાસ્ત્ર સંપૂર્ણપણે ભારતમાં વિકસિત અને ઉત્પાદિત છે, જે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે અને વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડે છે.
ભાર્ગવાસ્ત્ર એ ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું એક શક્તિશાળી પ્રતીક છે. તેનું સફળ પરીક્ષણ દેશની ટેકનોલોજીકલ પ્રગતિ અને આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને મજબૂત કરે છે. આ સિસ્ટમ ન માત્ર ડ્રોન જોખમો સામે રક્ષણ પૂરું પાડશે, પરંતુ ભારતને વૈશ્વિક સંરક્ષણ બજારમાં એક મજબૂત ખેલાડી તરીકે સ્થાપિત કરશે. ભાર્ગવાસ્ત્ર એ ભારતની નવીનતા, દ્રઢતા અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સાક્ષાત્કાર છે.