વર્ષ 2026માં અનેક સ્થળોએ હિંદુ તહેવાર સરસ્વતી પૂજા વિવાદો, હિંસા અને અવરોધોનો ભોગ બન્યો છે. વિવિધ રાજ્યોના અહેવાલો મુજબ સરસ્વતી પૂજાના આયોજનો પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલા અને પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેના કારણે શ્રદ્ધાળુઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દેશ અને વિદેશમાંથી આવી 24 ઘટનાઓ સામે આવી છે.
કેટલીક જગ્યાએ હિંદુ બાળકોને પૂજામાં ભાગ લેતાં રોકવામાં આવ્યાં, તો ક્યાંક દેવી સરસ્વતીની મૂર્તિઓનું અપમાન કરવામાં આવ્યું. અનેક પંડાલોમાં તોડફોડ કરવામાં આવી, શણગારને નુકસાન પહોંચાડાયું અને આયોજકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘણી જગ્યાએ ભક્તો પર ધારદાર હથિયારોથી હુમલા કરવામાં આવ્યા, જ્યારે કેટલીક શોભાયાત્રા પર પથ્થરમારો અને બૉમ્બ ફેંકવા જેવી ગંભીર ઘટનાઓ પણ સામે આવી છે.
આ ઘટનાઓ સવાલ ઊભો કરે છે કે શું હિંદુ તહેવારોને નિશાન બનાવીને વ્યવસ્થિત રીતે અવરોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આવી સતત બનતી ઘટનાઓ ધાર્મિક સ્વતંત્રતા, કાયદો અને વ્યવસ્થા તથા સામાજિક સૌહાર્દ સામે ગંભીર ચિંતા પેદા કરે છે. આવી જ 24 ઘટનાઓની વિગત નીચે મુજબ છે:
1. બિહારના વૈશાલીમાં હિંદુ શ્રદ્ધાળુ પર હુમલો
બિહારના વૈશાલીના નવાગઢ વિસ્તારમાં સરસ્વતી મૂર્તિ વિસર્જન બાદ પરત ફરી રહેલા હિંદુ શ્રદ્ધાળુઓ પર કથિત રીતે એક મુસ્લિમ ટોળાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અહીં સરસ્વતી પૂજા બાદ શ્રદ્ધાળુઓ મૂર્તિ વિસર્જન માટે સરઘસ કાઢી રહ્યા હતા.
આ દરમિયાન નવાગઢ બજાર વિસ્તારમાં મુસ્લિમોએ સરઘસનો માર્ગ બદલવા માટે દબાણ કર્યું હતું. આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને થોડીવાર માટે ઝપાઝપી પણ થઈ હતી. જોકે, બાદમાં સરઘસ આગળ વધી ગયું હતું. પરંતુ વિસર્જન કરીને જ્યારે શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે મસ્જિદ પાસે ફરીથી વિવાદ વકર્યો હતો.
આક્ષેપ છે કે રિતેશ કુમાર ઉર્ફે રામચંદ્રને રસ્તામાં રોકીને કેટલાક લોકોએ નિર્દયતાથી માર માર્યો હતો. જ્યારે અન્ય શ્રદ્ધાળુઓ તેમને બચાવવા આગળ આવ્યા ત્યારે કથિત રીતે લાકડીઓ અને તલવારોથી સજ્જ ટોળાએ તેમનો પીછો કર્યો હતો. તે જ સમયે આસપાસની છતો પરથી પથ્થરમારો કરવામાં આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા.
2. ઝારખંડ: લોહરદગામાં સરસ્વતી પૂજા યાત્રા પર હુમલો
ઝારખંડના લોહરદગા જિલ્લાના કુડુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બારીડીહ ગામમાં 25 જાન્યુઆરી 2026ના રોજ સરસ્વતી પૂજા વિસર્જન દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ગામમાં માતા સરસ્વતીની ઝાંખી કાઢવામાં આવી રહી હતી અને શ્રદ્ધાળુઓ વિસર્જન માટે મૂર્તિ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મૂર્તિ લઈ જતું વાહન એક મુસ્લિમ પરિવારના ઘરની છત સાથે સહેજ અથડાયું હતું.
આ ઘટના બાદ સંબંધિત મુસ્લિમ પરિવાર અને આસપાસના કેટલાક લોકો એકઠા થઈ ગયા અને વાહન ચાલક સાથે મારપીટ કરી હતી. મોડી રાત્રે શરૂ થયેલો વિવાદ સવાર સુધીમાં વકર્યો અને જોતજોતામાં પરિસ્થિતિ હિંસક બની ગઈ. આરોપ છે કે ત્યારબાદ એક ટોળાએ હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
3. ‘જય શ્રીરામ’ ભજન વગાડવા બદલ પથ્થરમારો
બિહારના દરભંગા જિલ્લાના અલીનગર વિસ્તારમાં સરસ્વતી પૂજાની મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે વિસર્જન સરઘસ પર કથિત રીતે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અનેક હિંદુ શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચી હતી અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક હિંદુ સમુદાયનું કહેવું છે કે વિવાદની શરૂઆત રવિવારે (25 જાન્યુઆરી 2026) થઈ હતી, જ્યારે ડીજે પર ‘જય શ્રીરામ’ના ભજન વગાડવામાં આવી રહ્યા હતા. આ બાબતે બોલાચાલી થઈ હતી, જે પાછળથી હિંસામાં ફેરવાઈ ગઈ હતી.
4. ત્રિપુરા: કૈલાશહરમાં સરસ્વતી પૂજા દરમિયાન હિંસા
ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના કૈલાશહરમાં સરસ્વતી પૂજા દરમિયાન કથિત રીતે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આરોપ છે કે આશરે 16 મુસ્લિમ યુવકોએ હથિયારો અને લાકડીઓ સાથે પૂજા આયોજનમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ વિસ્તારમાં અથડામણ શરૂ થઈ ગઈ હતી.
ભાજપ મંડળ અધ્યક્ષ પ્રીતમ ઘોષે આરોપ લગાવ્યો કે આશરે 16 યુવકો તલવાર (માચેતી) અને દંડાઓ સાથે સરસ્વતી પૂજા સ્થળ પર પહોંચ્યા અને હિંદુઓ પર હુમલો કરવા લાગ્યા. તેમણે કહ્યું, “જેવી અમને માહિતી મળી અને અમે ઘટનાસ્થળે પહોંચ્યા, અમારા પર અંધાધૂંધ હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ સ્થિતિ વધુ હિંસક બની ગઈ. આ અસામાજિક તત્વો અહીં બાંગ્લાદેશ જેવી જોખમી સ્થિતિ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે એક થઈને આવી તાકતો સામે લડવું પડશે.”
5. બિહારના હાજીપુરમાં આરતી દરમિયાન જબરદસ્તી ડીજે કરાવ્યું બંધ
બિહારના હાજીપુરની ટેકનારી પંચાયતના વોર્ડ નંબર 7માં જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આરતી દરમિયાન પંડાલમાં પહોંચ્યા અને ડીજે બંધ કરાવવાનો નિર્દેશ આપ્યો ત્યારે સરસ્વતી પૂજા દરમિયાન ધાર્મિક વિધિમાં અવરોધ ઊભો થયો હતો.
સમિતિના સભ્યો અને શ્રદ્ધાળુઓનું કહેવું છે કે તે સમયે કોઈ ડીજે વાગી રહ્યું નહોતું, તેમ છતાં પોલીસ કાર્યવાહીને કારણે આરતી રોકવી પડી, જેનાથી લોકોમાં રોષ ફેલાયો હતો. ઘટના બાદ સેંકડો ગ્રામજનો પંડાલમાં એકઠા થયા અને વિરોધ દર્શાવતા પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા. ગ્રામજનોએ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પર બિનજરૂરી હસ્તક્ષેપ કરીને માહોલ બગાડવાનો આરોપ લગાવ્યો હતો.
6. બિહારના કટિહારમાં શાળાએ સરસ્વતી પૂજા પર મૂક્યો પ્રતિબંધ
બિહારના કટિહાર જિલ્લાના બિંદટોલી ગામમાં આવેલી ઉન્નત મધ્ય વિદ્યાલયમાં સરસ્વતી પૂજાના આયોજન પર રોક લગાવવાને કારણે વિવાદ સર્જાયો હતો. વર્ષોથી શાળાનાં પરિસરમાં સરસ્વતી પૂજાનું આયોજન નિયમિતપણે થતું હતું, પરંતુ વર્ષ 2026માં શાળા વહીવટીતંત્રે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2025માં સરસ્વતી મૂર્તિ વિસર્જન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક શાહિલ કુમારને અબીલ લગાવવામાં આવતા તેમણે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમની માંગ પર શાળાના સ્ટાફ અને આચાર્ય લક્ષ્મણ મંડલે શાળામાં સરસ્વતી પૂજાના આયોજન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.
આ પ્રતિબંધને કારણે હિંદુ શ્રદ્ધાળુઓને માતા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં મુશ્કેલી પડી અને અનેક લોકોને આસપાસના અન્ય સ્થળોએ જઈને પૂજા કરવી પડી. મામલો વધતા શાળા પરિસર પાસે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. બાદમાં આચાર્ય લક્ષ્મણ મંડલે સમગ્ર મામલામાં થયેલી ભૂલનો સ્વીકાર કર્યો અને ખાતરી આપી કે આવતા વર્ષથી શાળામાં નિયમિત રીતે માતા સરસ્વતીની પૂજાનું આયોજન ફરી શરૂ કરવામાં આવશે. આચાર્યની ખાતરી બાદ સ્થિતિ સામાન્ય થઈ હતી.
7. ઝારખંડના હજારીબાગમાં વિસર્જન યાત્રા પર કટ્ટરપંથીઓનો પથ્થરમારો
ઝારખંડના હજારીબાગમાં સરસ્વતી પૂજા વિસર્જન યાત્રા દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. 24 જાન્યુઆરી 2026ના રોજ કેરેડારી પ્રખંડના બેલ્ટુ ગામમાં માતા સરસ્વતીની મૂર્તિ વિસર્જન માટે કાઢવામાં આવેલ યાત્રા પર અચાનક મુસ્લિમ ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ અણધાર્યા હુમલા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને અનેક લોકો ઘાયલ થયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસર્જન યાત્રા શાંતિપૂર્વક આગળ વધી રહી હતી, ત્યારે અચાનક કેટલાક લોકોએ પથ્થર ફેંકવાનું શરૂ કર્યું. ત્યારબાદ યાત્રામાં સામેલ કેટલાક લોકોએ પણ વળતી પ્રતિક્રિયા આપી, જેનાથી બંને પક્ષો વચ્ચે તણાવ વધી ગયો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિવાદની શરૂઆત યાત્રા દરમિયાન વગાડવામાં આવતા ગીતોને લઈને થઈ હતી. મુસ્લિમ પક્ષે કેટલાક ગીતોને ‘ઉશ્કેરણીજનક’ ગણાવી વાંધો ઉઠાવ્યો હતો અને જોતજોતામાં મામલો હિંસામાં ફેરવાઈ ગયો હતો. પથ્થરમારાને કારણે અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા અને ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
8. ઝારખંડમાં વિસર્જન યાત્રા પર બૉમ્બમારો
ઝારખંડમાં સરસ્વતી પૂજા દરમિયાન વિસર્જન યાત્રામાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે અસામાજિક તત્વોએ બૉમ્બમારો કર્યો હતો. આ ઘટના 24 જાન્યુઆરી 2026ની મોડી રાત્રે લોધીપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોહરિયો ગામના વોર્ડ નંબર 14માં બની હતી.
સરસ્વતી મૂર્તિ વિસર્જન દરમિયાન ડીજે પર સંગીત વગાડવા બાબતે બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. આ દરમિયાન અચાનક બે બૉમ્બ ફેંકવામાં આવ્યા, જેનાથી ઘટનાસ્થળે ભય ફેલાઈ ગયો અને લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા.
આ બૉમ્બમારામાં નીરજ કુમાર, ગૌતમ કુમાર, મેઘુ મંડલ અને છોટુ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામ ઘાયલોને માયાગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
9. આસામના ડિબ્રુગઢમાં માતા સરસ્વતીની મૂર્તિ તોડી નખાઈ
આસામના દિબ્રુગઢમાં સરસ્વતી પૂજાના બીજા દિવસે દેવી સરસ્વતીની મૂર્તિને કેટલાક અજ્ઞાત અસામાજિક તત્વોએ ક્ષતિગ્રસ્ત કરીને અપમાનિત કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના 24 જાન્યુઆરી 2026ના રોજ દિબ્રુગઢના દિબ્રુજન જાલાન નગર લેબર લાઇન વિસ્તારમાં બની હતી.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં અગાઉ ક્યારેય આવી ઘટના બની નહોતી. લોકોએ પ્રશાસન પાસે માંગ કરી છે કે દોષિતોની ઓળખ કરી તેમને સખત સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહે.
10. બંગાળમાં TMC નેતા દાઉદ આલમ મોલ્લા પર વિદ્યાર્થીઓને પૂજા કરતા રોકવાનો આરોપ
પશ્ચિમ બંગાળની સરકારી અનુદાનિત જોગેશ ચંદ્ર ચૌધરી કોલેજમાં સરસ્વતી પૂજાના આયોજનને લઈને હિંદુ વિદ્યાર્થીઓને કથિત રીતે ધમકાવવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર ઑલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના (TMC) મુસ્લિમ નેતા દાઉદ આલમ મોલ્લા પર વિદ્યાર્થીઓને પૂજા ન યોજવા માટે ચેતવણી આપવાનો આરોપ છે.
આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે કોલેજની એક હિંદુ વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે મોલ્લાએ વિધાર્થીઓને ડરાવ્યા અને ધમકાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું કે આરોપી નેતા કોલેજની બહાર ઊભો હતો અને તેણે ગાળાગાળી કરીને ધમકી આપી હતી.
નોંધનીય છે કે આ કોલેજ મુખ્યમંત્રી મમતા બેનર્જીની ‘અલ્મા મેટર’ (જ્યાંથી તેઓ ભણ્યા છે) પણ છે. આ અગાઉ જાન્યુઆરી 2025માં પણ એક વિદ્યાર્થી સંગઠનના નેતા દ્વારા સરસ્વતી પૂજા કરવા બદલ ધમકી આપવાનો કિસ્સો નોંધાયો હતો.
11. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ મૂર્તિ તોડી
બાંગ્લાદેશના ગોપાલગંજ જિલ્લાના મુક્ષુદપુર ઉપજિલ્લાના પશ્ચિમ ઉજાની કંદનીપારા ગામમાં એક સાર્વજનિક પૂજા પંડાલમાં આયોજિત સરસ્વતી પૂજા બાદ મુસ્લિમ હુમલાખોરોએ મૂર્તિની તોડફોડ કરી, તેની ગરદન મરોડી નાખી અને માથું લટકાવીને જાણીજોઈને અપવિત્ર કરવાનું કૃત્ય કર્યું હતું. મુક્ષુદપુર પોલીસ સ્ટેશનના અધિકારી અબ્દુલ્લા અલ મામુને જણાવ્યું હતું કે પૂજા પૂર્ણ થયા બાદ જ્યારે ભક્તો પંડાલમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.
12. બિહારના છપરામાં હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી
બિહારના છપરા જિલ્લાના સોનપુર ખાતે સરસ્વતી પૂજા સમારોહ દરમિયાન એક શરમજનક ઘટના સામે આવી હતી. અહેવાલો અનુસાર 23 જાન્યુઆરી 2026ના રોજ બાબા હરિહરનાથ મંદિર પાસે સરસ્વતી પૂજા પંડાલની નજીક દેવ નારાયણ પાંડે નામના વ્યક્તિએ દેવી સરસ્વતી અને અન્ય હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.
જણાવવામાં આવ્યું છે કે આરોપી નશાની હાલતમાં હતો અને પૂજા સ્થળ પાસે ધૂમ્રપાન પણ કરી રહ્યો હતો. આ ઘટના સ્થાનિક પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટરના અંતરે બની હતી. વાયરલ વિડીયોમાં આરોપી લોકો સામે દલીલ કરતો અને દેવી-દેવતાઓ માટે અપમાનજનક ટિપ્પણી કરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે વાંધાજનક નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું હતું. વિડીયો વાયરલ થયા બાદ બીજા દિવસે આરોપીએ હાથ જોડીને માફી માંગી હતી.
13. ગુજરાતના સુરતમાં પૂજા પંડાલમાં અશ્લીલ ગીતો પર ડાન્સ કરાવ્યો
ગુજરાતના સુરતમાં સરસ્વતી પૂજા દરમિયાન એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, 23 જાન્યુઆરી 2026ના રોજ કતારગામ વડ રોડ સ્થિત આનંદ પાર્ક સોસાયટીમાં આયોજિત પૂજા પંડાલમાં મહિલાઓ પાસે અશ્લીલ ભોજપુરી અને હિન્દી ફિલ્મી ગીતો પર ડાન્સ કરાવવામાં આવ્યો હતો.
આ દ્રશ્યથી કાર્યક્રમમાં હાજર હિંદુ પરિવારો, વડીલો અને મહિલાઓ અસ્વસ્થતા અને શરમ અનુભવવાં લાગ્યાં હતાં. ખાસ કરીને મોટી સંખ્યામાં નાના બાળકોની હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે સરસ્વતી પૂજા જેવા પવિત્ર અવસર પર આ પ્રકારની અશ્લીલતા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. કેટલાક હિંદુ સંગઠનોએ આયોજકો પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લગાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.
14. બંગાળમાં TMC જૂથોએ મંદિર પર તાળું લગાવ્યું
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના કમરહાટી શહેરમાં સરસ્વતી પૂજા સમારોહ દરમિયાન TMCના આંતરિક જૂથવાદે અડચણ ઉભી કરી હતી. અહેવાલો અનુસાર આ ઘટના શુક્રવાર, 23 જાન્યુઆરી 2026ના રોજ બની હતી. એવું જણાવવામાં આવ્યું છે કે બેલઘરિયા સાર્વજનિક શ્રી દુર્ગા ચોક સોસાયટી મંદિરને TMCના એક જૂથ દ્વારા તાળું મારીને બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક હિંદુ મહિલાઓ માતા સરસ્વતીની પૂજા કરી શકી નહોતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે કાઉન્સિલર (પાર્ષદ) આ વિવાદનો ઉકેલ લાવી શક્યા નથી. બીજી તરફ, પોલીસે પણ જ્યાં સુધી બંને જૂથો પરસ્પર સહમતિ ન સાધે ત્યાં સુધી હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
15. બંગાળના કૂચબિહારમાં TMC જૂથોએ હિંસક માહોલ સર્જ્યો
પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાની દિનહાટા કોલેજમાં સરસ્વતી પૂજા સમારોહ દરમિયાન TMCના બે જૂથો વચ્ચે પરસ્પર અથડામણ થઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના 23 જાન્યુઆરી 2026ના રોજ બની હતી. કોલેજ પરિસરમાં સ્થાપિત સરસ્વતી પૂજા મંડપ પાસે અચાનક રાજકીય જૂથવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું, જેનાથી માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો.
પૂજામાં સામેલ થવા આવેલા હિંદુ શ્રદ્ધાળુઓએ પોતાની સુરક્ષા માટે જીવ બચાવીને ભાગવું પડ્યું અને સમગ્ર પરિસર રણમેદાનમાં ફેરવાઈ ગયું. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે ઝઘડાને કારણે પૂજાની પવિત્રતા પર પણ અસર પડી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસને બોલાવવામાં આવી હતી. દિનહાટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને સબ-ડિવિઝનલ પોલીસ અધિકારીએ કોલેજ પહોંચીને સ્થિતિને નિયંત્રિત કરી હતી.
16. છત્તીસગઢમાં દારૂના નશામાં પૂજા કાર્યક્રમમાં પહોંચ્યા શિક્ષક
છત્તીસગઢના સરગુજા જિલ્લામાં વસંતપંચમીના અવસરે આયોજિત સરસ્વતી પૂજા દરમિયાન એક સરકારી શિક્ષક નશાની હાલતમાં શાળાએ પહોંચ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ગુમગરાની જુનાપારા પ્રાથમિક શાળામાં શિક્ષક બુદ્ધેશ્વર દાસ કથિત રીતે દારૂના નશામાં પૂજા કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
પૂજામાં હાજર ગ્રામજનો અને વાલીઓએ શિક્ષકની હાલત જોઈને વિડીયો રેકોર્ડ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે શિક્ષક નિયમિતપણે નશાની હાલતમાં શાળાએ આવતા હતા. ઘટના બાદ ગ્રામસભામાં ઠરાવ પસાર કરીને શિક્ષકને હટાવવાની માંગ કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગે તપાસ બાદ રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલીને સસ્પેન્શનની (નિલંબન) ભલામણ કરી છે.
17. બંગાળની મુસ્લિમ બહુમતીવાળી શાળામાં હિંદુ વિદ્યાર્થીઓને પ્રવેશતા રોક્યા
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાની મોયનાગાદી ફ્રી પ્રાઈમરી સ્કૂલમાં વસંતપંચમીના દિવસે સરસ્વતી પૂજાને લઈને વિવાદ સામે આવ્યો હતો. અહેવાલો અનુસાર મુસ્લિમ બહુમતી ધરાવતી આ શાળામાં માત્ર હિંદુ વિદ્યાર્થીઓને પ્રવેશતા રોકવામાં આવ્યા હતા અને શાળાના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.
જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ અગાઉ પૂજાના આયોજન માટે પરવાનગી લીધી હતી, જેને શાળા વહીવટીતંત્રે મંજૂરી પણ આપી હતી. પરંતુ બીજા જ દિવસે આ પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી હતી. વહીવટીતંત્ર તરફથી તર્ક આપવામાં આવ્યો કે શાળામાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ મુસ્લિમ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં પોલીસ અધિકારીઓ વિદ્યાર્થીઓને પૂજા કરતા રોકતા જોવા મળ્યા હતા. મજબૂર થઈને હિંદુ વિદ્યાર્થીઓએ શાળાની બહાર ફૂટપાથ પર પૂજાનું આયોજન કર્યું હતું.
18. ત્રિપુરામાં શાળા વહીવટીતંત્રે સરસ્વતી પૂજા કરવાથી રોક્યા
ત્રિપુરાના ધર્મનગર સ્થિત સખાઈબારીમાં હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલ દ્વારા સરસ્વતી પૂજા સાથે જોડાયેલા હિંદુ ધાર્મિક અનુષ્ઠાનોની પરવાનગી ન આપવામાં આવતા વિવાદ ઊભો થયો છે. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ 16 જાન્યુઆરી 2026ના રોજ શાળા વ્યવસ્થાપન પાસે વસંતપંચમીના અવસરે પરિસરમાં પૂજા આયોજનની પરવાનગી માંગી હતી.
ત્યારબાદ 22 જાન્યુઆરીએ પણ પરિષદે ફરીથી વિનંતી કરી હતી. જણાવવામાં આવ્યું કે શાળામાં 70 ટકાથી વધુ વિદ્યાર્થીઓ હિંદુ છે અને તેઓ પોતાની સાંસ્કૃતિક પરંપરા મુજબ પૂજા કરવા માંગતા હતા. જોકે, શાળા વહીવટીતંત્રે પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેના વિરોધમાં VHPએ શાળાની બહાર પ્રદર્શન કર્યું હતું, જેમાં અનેક વાલીઓ પણ જોડાયા હતા. પ્રદર્શન દરમિયાન વાલીઓએ આચાર્યને ઘેરીને પૂજાની મંજૂરી આપવાની માંગ કરી હતી. સ્થિતિ તણાવપૂર્ણ બનતા પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો.
19. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 15 મુસ્લિમ યુવકોનો જીવલેણ હુમલો
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 22 જાન્યુઆરી 2026ના રોજ બજરંગદળના સભ્ય અને વિશ્વ હિંદુ પરિષદના પૂર્ણકાલીન કાર્યકર્તા સોહેલ ઠાકુર પર 10થી 15 મુસ્લિમ યુવકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના માલીપુરા વિસ્તારમાં સંઘ કાર્યાલય પાસે આવેલી એક હોટલની બહાર બની હતી.
અહેવાલ મુજબ મદરગઢ અને કાઝી મોહલ્લાના યુવકોએ ઠાકુરને રોકીને દલીલ કરી અને પછી અચાનક લોખંડના સળિયા તથા અન્ય હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સોહેલ ઠાકુરના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને નાજુક હાલતમાં ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઠાકુરે જણાવ્યું કે તેઓ અગાઉ પણ વિસ્તારમાં ‘લવ જેહાદ’ના કિસ્સાઓ સામે અવાજ ઉઠાવી ચૂક્યા છે, જેના કારણે તેઓ આરોપીઓના નિશાના પર હતા. તેમણે વધુમાં જણાવ્યું કે એક દિવસ પહેલાં યોજાયેલા વસંતપંચમી સરસ્વતી પૂજા કાર્યક્રમમાં તેમની સક્રિય ભાગીદારી પણ હુમલાનું કારણ બની હતી.
20. બાંગ્લાદેશમાં મધરાતે પૂજા પંડાલમાં ઘૂસીને મૂર્તિ તોડી નાખી
બાંગ્લાદેશના સતખીરા જિલ્લામાં સરસ્વતી પૂજાના એક દિવસ પહેલાં દેવી સરસ્વતીની મૂર્તિ સાથે તોડફોડની ઘટના સામે આવી હતી. આ ઘટના 22 જાન્યુઆરી 2026ની રાત્રે ટેટુલિયા વિસ્તારમાં બની હતી, જ્યાં અજ્ઞાત તોફાની તત્વોએ મધરાતે છૂપી રીતે પૂજા પંડાલમાં પ્રવેશીને મૂર્તિને ક્ષતિગ્રસ્ત કરી દીધી હતી.
હુમલાખોરોએ દેવીની મૂર્તિ તોડીને ટુકડા કરી નાખ્યા હતા. બીજા દિવસે સવારે સ્થાનિક લોકોને ઘટનાની જાણ થઈ, જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દોષિતો સામે કાર્યવાહીની ખાતરી આપતા તપાસ શરૂ કરી હતી.
21. ઓડિશામાં સરસ્વતી પૂજાના થોડા દિવસો પહેલાં તોડફોડ અને મૂર્તિઓનું અપમાન
ઓડિશાના રાયગઢા જિલ્લાના અંબાડોલા વિસ્તારમાં સરસ્વતી પૂજાના થોડા દિવસો પહેલા એક શિક્ષક પર હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓનું અપમાન અને તોડફોડ કરવાનો આરોપ લાગ્યો હતો. અહેવાલ અનુસાર એક આદિવાસી વિસ્તારની શાળામાં ગણેશ અને સરસ્વતીની મૂર્તિઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 1999 અને 1997ની બેચ વતી દાનમાં આપવામાં આવી હતી.
આરોપ છે કે શિક્ષક એમ. કૃષ્ણરાજૂ અવારનવાર દારૂના નશામાં મૂર્તિઓની મજાક ઉડાવતો હતો અને કહેતો હતો કે આ મૂર્તિઓ અંગ્રેજી જાણતી નથી અને તેમની પાસે કોઈ શૈક્ષણિક લાયકાત નથી. ઘટનાની રાત્રે પણ તે નશાની હાલતમાં શાળાએ પહોંચ્યો અને મૂર્તિઓને અપમાનજનક શબ્દો કહીને તોડી નાખી હતી.
બીજી સવારે અન્ય શિક્ષકોએ મૂર્તિઓના તૂટેલા ટુકડા જોયા અને તેને ઠીક કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાથી સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. હિંદુ ધર્મરક્ષા સમિતિ સહિત અનેક સંગઠનોએ આને ધાર્મિક લાગણીઓ પર હુમલો ગણાવી આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી હતી.
22. બંગાળમાં દેવી સરસ્વતી અને દેવી કાલીની તૂટેલી હાલતમાં મળી 70થી 80 મૂર્તિઓ
પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના શાંતિપુરમાં 7 જાન્યુઆરી 2026ના રોજ મૂર્તિ તોડફોડની એક ગંભીર ઘટના સામે આવી છે. લોકનાથ મંદિર પાસે સ્થિત સ્થાનિક મૂર્તિકાર જયંત દાસની વર્કશોપની બહાર દેવી સરસ્વતી અને દેવી કાલીની આશરે 70થી 80 મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત હાલતમાં પડેલી મળી આવી હતી.
આ મૂર્તિઓ અનેક અઠવાડિયાની મહેનતથી તૈયાર કરવામાં આવી હતી, જે 23 જાન્યુઆરીની સરસ્વતી પૂજા અને 21 જાન્યુઆરીની કાલી પૂજા માટે બનાવવામાં આવી રહી હતી. સવારે સ્થાનિક લોકોએ કાર્યશાળાની બહાર તૂટેલી મૂર્તિઓ જોઈ હતી. આ ઘટનાથી મૂર્તિકારોની આજીવિકા પર પણ ઊંડી અસર પડી છે, કારણ કે તહેવારોની મોસમ તેમના માટે સૌથી મહત્વનો સમય હોય છે.
23. વસંતપંચમી પહેલાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડવામાં આવી
પૂર્વ મિદનાપુર જિલ્લાના મહિષાદલ વિસ્તારમાં 4 જાન્યુઆરી 2026ની રાત્રે અજ્ઞાત તોફાની તત્વો દ્વારા હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને ક્ષતિગ્રસ્ત કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના સરસ્વતી પૂજાના પર્વના થોડા જ અઠવાડિયા પહેલાં બની હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચિંતા વ્યાપેલી છે.
અહેવાલ મુજબ ગારકમાલપુર પંચાયત હેઠળના કાંથાલ પોટ્ટી વિસ્તારમાં નિર્માણાધીન માતા બસંતી અને દેવી સરસ્વતીની અનેક મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી. 5 જાન્યુઆરીની સવારે ગ્રામજનોએ જોયું કે કેટલીક મૂર્તિઓ આંશિક રીતે અને કેટલીક સંપૂર્ણ રીતે તૂટેલી હતી. મૂર્તિઓના કેટલાક ખાસ ભાગોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેનાથી આ ઘટના અકસ્માત નહીં પણ આયોજનબદ્ધ તોડફોડ હોવાનું જણાય છે. સ્થાનિક રહેવાસીઓએ તેને ધાર્મિક આસ્થા પર હુમલો ગણાવતા કહ્યું કે આ માત્ર મૂર્તિઓનું નુકસાન નથી, પરંતુ વિશ્વાસ અને સાંપ્રદાયિક સૌહાર્દ પર સીધો પ્રહાર છે.
24. ત્રિપુરા: દર વર્ષે સરસ્વતી પૂજા થતી હતી, આ વખતે જાહેર કરી દેવાઈ રજા
ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના કુમારઘાટ સબ-ડિવિઝન હેઠળ પેચારથલ સ્થિત નલકાટા હાઈસ્કૂલમાં આ વર્ષે (2026) સરસ્વતી પૂજાનું આયોજન ન થવાને કારણે વિવાદ અને તણાવની સ્થિતિ સર્જાઈ હતી. શાળામાં વર્ષોથી પરંપરાગત રીતે વસંતપંચમીના અવસરે સરસ્વતી પૂજા થતી આવી છે, પરંતુ 23 જાન્યુઆરી 2026ના રોજ શાળા વ્યવસ્થાપન સમિતિએ રજા જાહેર કરી શાળા બંધ રાખી હતી.
સ્થાનિક હિંદુ વિદ્યાર્થીઓ અને વાલીઓના જણાવ્યા અનુસાર અનેક વિદ્યાર્થીઓ સવારે શાળાએ પહોંચ્યા તો મેઈન ગેટ પર તાળું મારેલું જોવા મળ્યું હતું. આનાથી વિદ્યાર્થીઓમાં નિરાશા અને રોષ ફેલાયો હતો. આરોપ છે કે શાળા વ્યવસ્થાપન સમિતિ અને શિક્ષકોએ પૂજાના આયોજન માટે કોઈ પહેલ કરી નથી. હિંદુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે સમિતિમાં ખ્રિસ્તી, ચકમા (બૌદ્ધ) અને મુસ્લિમ સભ્યો બહુમતીમાં છે, જેના કારણે આ વખતે પૂજા થઈ શકી નથી.
આ લેખ મૂળ હિન્દીમાં લખાયો છે, જે વાંચવા અહીં ક્લિક કરો.


