Monday, April 29, 2024
More
    હોમપેજમંતવ્યબૉલીવુડને ફટકાર, એજન્ડાધારીઓને તેમની જ ભાષામાં જવાબ, મોહનદાસ ગાંધીના મૌન પર સવાલ:...

    બૉલીવુડને ફટકાર, એજન્ડાધારીઓને તેમની જ ભાષામાં જવાબ, મોહનદાસ ગાંધીના મૌન પર સવાલ: 2023નાં ટોપ-10 મંતવ્યો, જેને મળ્યો વાચકોનો અપાર પ્રેમ

    આનંદ એ વાતનો છે કે આવા દરેક લેખોને વાચકોનો અપાર પ્રેમ મળ્યો. અનેક લેખોને વાચકોએ આવકાર્યા. વાચકો જ અમારું પીઠબળ છે. તમારા આ પ્રેમને જોરે આવનારા વર્ષમાં વધુને વધુ અવાજ ઉઠાવી શકીએ તેવી અપેક્ષા.

    - Advertisement -

    ઑપઇન્ડિયાને માત્ર ન્યૂઝ પૂરતી સીમિત વેબસાઈટ રહેવા દીધી નથી, પરંતુ સમયે-સમયે વ્યૂઝ પણ પીરસતા રહ્યા છીએ. આમ તો જાતે જ વ્યાખ્યાઓ ઘડતા પત્રકારત્વના અમુક ઝંડાધારીઓએ ‘વ્યૂઝ’, ’વિશ્લેષણ’ કે ‘મંતવ્ય’ની વ્યાખ્યા એવી કરી નાખી છે કે આ પ્રકારનું લખતા પત્રકારો પોલિટિકલી કરેક્ટ રહીને કે તટસ્થ રહીને લખતા હોય છે. પરંતુ ઑપઇન્ડિયાનો જન્મ જ આ વ્યાખ્યાઓ તોડવા માટે થયો છે અને અમે તેને તોડતા રહ્યા છીએ. 

    ઑપઇન્ડિયાએ ક્યારેય ‘મંતવ્ય’ આપતી વખતે પોલિટિકલી કરેક્ટ રહેવાનો કે પછી તટસ્થતાનો અંચળો ઓઢીને દહીં અને દૂધ બંનેમાં પગ રાખીને ડાહી-ડાહી વાત કરવાનો શોખ પાળ્યો નથી. પોતાને જે લાગે, પોતાનો જે મત છે તે છેડેચોક, કોઇ પણ સાડાબારી રાખ્યા વગર કહેવું એ અમારો મંત્ર રહ્યો છે. તેને અનુસરીને જ ચાલ્યા છીએ અને આવનારા સમયમાં પણ તેને વળગી રહેવાના.

    2023 પર નજર નાખીએ તો ન્યૂઝ સાથે વ્યૂઝ પણ ઠીકઠાક પ્રમાણમાં વાચકો સમક્ષ મૂક્યા. તેમાંથી અનેક લેખોને વાચકોનો અપાર પ્રેમ મળ્યો અને એ જ એમને વધુ લખવા માટે પ્રેરણા આપે છે. બૉલીવુડનો હિંદુદ્વેષ હોય કે પછી રાજકીય કે સામાજિક સમસ્યાઓ, અમે બધા જ વિષયો પર લખ્યું. જે વિષયને કોઇ ગુજરાતી મીડિયા અડકતું પણ નથી તેવા મોહનદાસ ગાંધીની બીજી બાજુ દર્શાવતા વિષય પર પણ લખ્યું તો એ વ્યાખ્યા પણ તોડી કે પત્રકારત્વ હંમેશા એન્ટી એસ્ટાબ્લિશ હોવું જોઈએ અને સરકારે જ્યાં સારું કામ કર્યું ત્યાં શાબાશી પણ આપી. હિંદુઓને જ્યાં બદનામ કરવામાં આવ્યા ત્યાં કાઉન્ટર દલીલો પણ આપી અને રાજકારણીઓ વિરુદ્ધ પણ અવાજ બુલંદ કર્યો. 

    - Advertisement -

    અહીં બધા જ મંતવ્યો સમાવવાં શક્ય નથી, પરંતુ અમુક એવા લેખો પર નજર નાંખીએ, જેને તમે ખૂબ પ્રેમ આપ્યો છે. 

    1. બૉલીવુડને આજીજી નહીં આત્મમંથનની જરૂર

    સુનિલ શેટ્ટી બોયકોટ બૉલીવુડ
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    શરૂઆત બૉલીવુડથી કરીએ. જાન્યુઆરી, 2022માં જ્યારે બૉલીવુડ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઉઠતો અવાજ વધુ બુલંદ થયો તો અભિનેતાઓને ચિંતા પેઠી. આ જ સમય દરમિયાન UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની એક મુલાકાતમાં અભિનેતા સુનિલ શેટ્ટીએ તેમને વિનંતી કરી કે ઈન્ડસ્ટ્રી વિરૂદ્ધ ચાલતો અપપ્રચાર બંધ કરવો જરૂરી છે અને તેમાં CM યોગીના હસ્તક્ષેપથી ખાસ્સો ફેર પડી શકે તેમ છે. 

    આ સમયે ઑપઇન્ડિયાએ અમુક હિટ અને ફ્લૉપ ફિલ્મોના કલેક્શનના આંકડાઓ સરખાવીને પક્ષ લીધો કે લોકોએ ફિલ્મો જોવાની બંધ પણ કરી નથી કે જાકારો પણ આપ્યો નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમણે ફાલતુ પ્રોપગેન્ડાને નકારી દીધો છે. 

    હિન્દી ફિલ્મોમાં ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ના નામે ચાલતા હિંદુદ્વેષ તરફ અને અમુક અભિનેતાઓના રાજકીય પ્રોપગેન્ડા તરફ ધ્યાન દોરીને અમે લખ્યું કે, ‘સોશિયલ મીડિયા આવ્યા પછી લોકો આ બધી જ બાબતોની ચર્ચા કરતા થયા છે, વિચારતા થયા છે, ચાર દિશાઓમાં જોઈને નિર્ણયો કરતા થયા છે અને સવાલ પૂછતા થયા છે. જેના જવાબો બૉલીવુડ અને તેના અભિનેતાઓ પાસે નથી. આ દુષ્પ્રચાર ફેલાવવાનું, છુપા એજન્ડા હેઠળ હિંદુઓને બદનામ કરવાનું પરિણામ બૉલીવુડ હાલ ભોગવી રહ્યું છે. આ વિરોધ, આ હેશટેગ કે આ ચળવળો એકાએક શરૂ થઇ ગઈ હોય તેમ નથી કે નથી તેને કોઈ રાજકીય બળ મળી રહ્યું. લોકો બધું સમજે છે, જાણે છે. આ વિરોધ કોઈ એક ફિલ્મ કે કલાકાર પૂરતો પણ નથી, વર્ષોથી ચાલતા આવેલા પ્રોપેગેન્ડા સામેનો છે.’ 

    2. રાહુલ ગાંધી, કોંગ્રેસ અને ભારત જોડો યાત્રા: ખાયા પીયા કુછ નહીં, ગિલાસ તોડા બાર આના

    રાહુલ ગાંધી યાત્રા
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    હવે વાત રાજકારણની. જાન્યુઆરી 30 જ એ દિવસ હતો, જ્યારે ચાર મહિના ચાલેલી રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પૂર્ણ થઈ હતી. આ યાત્રા ફરી ચર્ચામાં છે, કારણ કે હમણાં જ કૉંગ્રેસે જાહેર કર્યું કે તેઓ 14 જાન્યુઆરી, 2023થી ‘ભારત ન્યાય યાત્રા’ કરશે, જે મણિપુરથી નીકળીને મુંબઇ સુધી જશે. 

    ‘ભારત જોડો યાત્રા’થી રાહુલ ગાંધીની ઇમેજ સુધારવાના કોંગ્રેસે તમામ શક્ય પ્રયાસો કર્યા. યાત્રા શરૂ થઇ તેના પહેલા દિવસથી લઈને આજે પૂરી થઇ ત્યાં સુધી, આખી એક કોંગ્રેસ ઇકોસિસ્ટમ તેના પ્રચાર-પ્રસારમાં લાગેલી રહી. સતત યાત્રાને હાઈલાઈટ કરવી, સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવવી, મીડિયામાં રહેવું, રાહુલ ગાંધીની છબી ચમકાવવી, તેમને તપસ્વી ગણાવવા, ભાજપ-RSSને નફરત ફેલાવનારાઓ કહેવા- આ બધું સતત ચાલતું રહ્યું, તેની ચર્ચાઓ પણ થતી રહી. પરંતુ તેનાથી કોઇ ફેર કેમ નહીં પડે તે અમે એક લેખ દ્વારા સમજાવ્યું. 

    આ લેખમાં રાહુલ ગાંધીનાં યાત્રા દરમિયાનનાં કારસ્તાનો પણ ટાંક્યાં, જેમાં તેમણે હિંદુવિરોધી પાદરી સાથે મુલાકાત કરી હતી તો અમુક વિવાદિત નેતાઓને યાત્રામાં જોડ્યા હતા. યાત્રા દરમિયાન જ સામી ગુજરાત ચૂંટણીએ તેમણે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેના સંબંધો બગડવાના પણ પ્રયાસ કર્યા. અન્ય કેટલીક વાતો કરી જે માત્ર રાહુલ ગાંધી જ કરી શકે તેમ છે. આ બધું જ આવરી લઈને અમે લખ્યું કે, આજે યાત્રા પૂરી થઇ રહી છે છતાં આમાંનું કશું ફળીભૂત થતું દેખાઈ રહ્યું નથી. લોકોને માત્ર યાદ છે તો રાહુલ ગાંધીની એવી કેટલીક ‘દાર્શનિક’ વાતો જે ચૂંટણીઓમાં કોંગ્રેસને ફાયદો ઓછો ને નુકસાન વધુ કરાવશે.

    જે આખરે સાચું પણ સાબિત થયું. રાહુલ ગાંધીની યાત્રા બાદ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભલે જીતી હોય, પણ પછી નવેમ્બરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ, તેમાં કોંગ્રેસ માત્ર તેલંગાણામાં જ જીતી શકી, જ્યાં ભાજપ હજુ સ્થાન બનાવી રહી છે. બાકી છત્તીસગઢ અને રાજસ્થાન જેવાં 2 મોટાં રાજ્ય ગુમાવવા પડ્યાં તો મધ્ય પ્રદેશમાં પણ ભાજપને સત્તા પરથી દૂર ન કરી શકી. 

    3. પહેલાં સોશિયલ મીડિયા પર અપમાનિત કરાતા, હવે ખુલ્લેઆમ ધમકી: નવું સ્વરૂપ ધારણ કરતો ગુજરાતદ્વેષ, ક્યાં સુધી નેતાઓની નફરતનો ભોગ બનતા રહેશે ગુજરાતીઓ?

    PM મોદી ગુજરાત પ્રવાસ
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    સોશિયલ મીડિયા પર કોંગ્રેસ-લેફ્ટ ઈકોસિસ્ટમનો એક પ્રિય ધંધો ગુજરાતીઓને ગાળો દેવાનો છે. વારેતહેવારે તેઓ આવું કરતા રહે છે. આ વર્ષમાં પણ એવા થોડા કિસ્સાઓ બન્યા, જ્યારે વગર વાંકે ગુજરાતીઓને ગાળો દેવાઇ. ઑપઇન્ડિયાએ ત્યાં પણ અવાજ ઉઠાવ્યો. 

    અમે લખ્યું કે, ગુજરાતીઓને સતત મોદીની પડખે ઉભા રહેવાની આ ‘સજા’ મળી રહી છે. નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા ત્યારથી લઈને આજ દિન સુધી એક ઈકોસિસ્ટમ તેમને પાડી દેવા માટે અને સત્તા પરથી ઉખાડી ફેંકવા માટે બધું જ કરી ચૂકી છે, પરંતુ મોદી આ તમામમાંથી બહાર આવ્યા અને આ 2 દાયકા દરમિયાન ગુજરાતીઓએ ક્યારેય મોદીનો સાથ છોડ્યો નથી. મોદી 13 વર્ષ સીએમ રહ્યા અને દિલ્હી ગયા તો બંને ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો પણ આપી. 

    રાહુલ ગાંધી અને અન્ય રાજકારણીઓનાં નિવેદનો ટાંકીને લેખમાં લખવામાં આવ્યું છે કે, માત્ર મોદી સમર્થકો તરીકે ઓળખાવા બદલ અને સતત તેમની પડખે રહેવા બદલ ગુજરાતીઓએ આ ભોગવવું પડી રહ્યું છે. પહેલાં માત્ર રાજકારણીઓ તેમનાં નિવેદનોમાં ગુજરાતીઓને અપમાનિત કરતા હતા અને હવે ખુલ્લેઆમ તેમને ધમકાવવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓને માત્ર ગુજરાતી હોવાના કારણે નફરતનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓ સામેની આ નફરતનો વહેલામાં વહેલી તકે અંત આવે તે જરૂરી છે.

    4. ’માત્ર પુરુષો જ નહીં, કેટલીક જવાબદારીઓ સ્ત્રીઓની પણ હોય છે’

    સ્ત્રી-પુરુષ સમાનતાની સોનાલી કુલકર્ણીએ
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    ઑપઇન્ડિયાએ અમુક સામાજિક બાબતો પર પણ ઠીકઠાક લખ્યું. માર્ચ, 2023માં અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ પતિ-પત્નીના સંબંધો વિશે અમુક વાતો કહી હતી, જેને લઈને પછી ચર્ચા પણ સારી એવી થઈ. તેમણે ‘સ્ત્રી-પુરુષ સમાનતા’ની વાતોની બીજી બાજુ રજૂ કરી, જે સાંભળવામાં કડવી લાગી શકે પણ હતી મહદઅંશે સત્ય. 

    અમે સ્પષ્ટ લખ્યું કે, સમાજમાં સ્ત્રીઓ મજબૂત થશે તો આપણી અગામી પેઢી આપોઆપ મજબૂત થઈ જશે. પરંતુ સશક્તિકરણના નામે માત્ર ‘નેરેટીવ’ ફેલાવતા લોકોની વાતોમાં આવતા પહેલાં આપણે તે ન ભૂલવું જોઈએ કે આપણે એ દેશના નાગરિક છીએ જ્યાં સ્ત્રીની ‘દેવી’ તરીકે પૂજા થાય છે. ભારત ભૂમિ પર સ્ત્રીઓ આદિ-અનાદિ કાળથી સ્વતંત્ર અને સશક્ત છે, સ્વયંવર પ્રથા તેનો ઉત્તમ દાખલો માની શકાય. આ સિવાય તે પણ ન ભૂલવું જોઈએ કે ભારતની નારી જો દુર્બળ હોત તો મહારાણા પ્રતાપ, છત્રપતી શિવાજી જેવા વીરવર યોદ્ધાઓ આ દેશમાં થયા જ ન હોત. હક ભોગવવા, તે તમામનો હક છે. પણ સાથે જવાબદારીઓ નિભાવવી તે પણ જરૂરી છે. સમાજના સ્ત્રી અને પુરુષોએ બસ ‘સ્વતંત્રતા’ અને ‘સ્વછંદતા’ વચ્ચેની પાતળી ભેદરેખા સમજવાની જરૂર છે.   

    5. આર્થિક વિકાસ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, વૈશ્વિક સ્તરે વધતું કદ..: મોદી સરકાર 2.0નાં ચાર વર્ષ અને બદલાતા ભારતની તસ્વીર

    મોદી સરકાર 2.0
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    આગળ જે પત્રકારત્વની કથિત વ્યાખ્યાઓની વાત કરી, તેમાં એક વ્યાખ્યા એવી પણ કરી દેવામાં આવી છે કે પત્રકારત્વ હંમેશા ‘એન્ટી એસ્ટાબ્લિશ્ડ’ જ હોવાનું. આવી ફાલતુ વાતો કરીને અમારી (એટલે કે નવી) પેઢીને ઊંધા જ માર્ગે ચડાવીને હાથમાં પત્રકારત્વનો ઝંડો પકડાવી દેવામાં આવે છે, જેને લઈને સાવ ફાલતુ વિષયમાં પણ અમુક ‘પત્રકારો’ સરકારો સામે બાંયો ચડાવ્યા કરે છે અને પોતાને બહુ બહાદુર સમજે છે. હશે એ તો, એ બહાને ખુશ રહેતા. પણ વાત આ વ્યાખ્યા તોડવાની છે. 

    અમારો મત સ્પષ્ટ છે કે સરકારે જ્યાં બિરદાવવાલાયક કામ કર્યું હશે ત્યાં તેની પીઠ થાબડવી. મીડિયા બારેમાસ સરકારના વાંક કાઢવાનો ધંધો નથી. લખનાર સ્પષ્ટપણે માને છે કે ભારતને નરેન્દ્ર દામોદરદાસ મોદી જેવો પ્રખર રાષ્ટ્રભક્ત, નિષ્કામ કર્મયોગી વડાપ્રધાન આવતા એક હજાર વર્ષે પણ મળવાનો નથી. મોદીએ જે કામ કર્યું છે તે અભૂતપૂર્વ છે. અમે મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે પણ લખ્યું છે. 

    30 મે, 2023ના રોજ જ્યારે મોદી સરકારનાં 4 વર્ષ પૂર્ણ થયાં ત્યારે આર્થિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક સ્તરે મોદી અને તેમની સરકારે શું ઉપલબ્ધિઓ મેળવી તેના વિશે અમે લખ્યું. એ લખ્યું કે કઈ રીતે કોરોનાના સમયે પણ ભારત ક્યાંય પાછળ ન પડ્યું. એ પણ નોંધ્યું કે આર્થિક સ્તરે વિકાસ સતત થઈ રહ્યો છે. સાંસ્કૃતિક ઓળખ કઈ રીતે પાછી મળી રહી છે તેની ઉપર પ્રકાશ પાડ્યો તો નરેન્દ્ર મોદીની વ્યક્તિગત ઉપલબ્ધિઓ વિશે પણ લખ્યું.  

    6. જ્યારે ધર્મના અપમાન પર મૌન રહ્યા હતા ‘મહાત્મા’, મઝહબ માટે દુભાઈ હતી લાગણી…

    રંગીલા રસૂલ રાજપાલ ગાંધી
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    હવે જે વિષય છે તેના વિશે ગુજરાતી મીડિયામાં કોઈએ ખાસ લખ્યું હોય તેવું ધ્યાને નથી. પણ તેનો અર્થ એ નથી કે લોકોમાં તેની ચર્ચા નથી હોતી. મોહનદાસ ગાંધીનાં ગુણગાન ગાનારા અનેક છે, ગાવા પણ જોઈએ, શા માટે નહીં ગાવા જોઈએ? પણ મોહનદાસ ગાંધી કોઈ પયગંબર નથી. તેઓ એક રાજકારણી હતા, તેમનાં કામોનું મૂલ્યાંકન કરવું જોઈએ. તેમની ભૂલો હોય તો તેના વિશે પણ લખવું એ જવાબદાર મીડિયાનું કામ છે. 

    અમે ગુજરાતમાં ઓછા જાણીતા ‘રંગીલા રસૂલ’નો વિષય પસંદ કર્યો અને છેડેચોક મોહનદાસનાં બેવડાં ધોરણો વિશે લખ્યું. ‘રંગીલા રસૂલ’ તેના વિશે ગાંધીજીના વિચારો અને મહાશય રાજપાલની થયેલી હત્યા- આ વિષયોને આવરી લઈને લખ્યું કે, ‘મહાપુરૂષો’ની ઉપલબ્ધિઓ વિશે તો આપણે ચર્ચાઓ કરતા રહેતા હોઈએ છીએ, કરવી પણ જોઈએ પરંતુ સિક્કાની બીજી બાજુ હંમેશા હોવાની, તેની ચર્ચા અને મૂલ્યાંકન પણ એટલાં જ જરૂરી છે. 

    7. માત્ર રાજકીય-કૂટનીતિક પરિવર્તનો જ નહીં લાવે, ભારતની સાંસ્કૃતિક ઓળખને પણ ઉજાગર કરશે G-20 સમિટ

    ભારત G-20 સમિટ
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    સપ્ટેમ્બર મહિનામાં G-20 સમિટ યોજાઈ ગઈ. આ સમિટ અનેક રીતે ભારત માટે મહત્વની હતી અને ખરા અર્થમાં ઐતિહાસિક હતી. આ સમિટથી અનેક સમીકરણો બદલાયાં અને વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન જ્યાં હતું ત્યાંથી અનેકગણું ઉપર આવી ગયું. નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિ જ કહેવાય. આ સમિટ માત્ર રાજનીતિક કે કૂટનીતિક પરિવર્તનો નહીં લાવે પણ ભારતની સાંસ્કૃતિક ઓળખને પણ કઈ રીતે ઉજાગર કરશે તે અમે લખ્યું. 

    આ પરિવર્તનો પર પ્રકાશ પાડીને લેખ જણાવે છે કે, કોઇ પણ સ્વતંત્ર અને સ્વમાની રાષ્ટ્ર માટે ગુલામીનાં પ્રતીકો દૂર કરીને પોતાની સાંસ્કૃતિક અને મૂળ ઓળખ પરત મેળવવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. એક કે બીજાં કારણોસર આજ સુધી આ દિશામાં જે થવું જોઈએ તેટલું કામ થયું ન હતું અને ભારતની ભારતીયતા ઉજાગર થઈ શકતી ન હતી. પોતાના જ દેશમાં, પોતાની જ ઓળખને લઈને, સંસ્કૃતિને લઈને, ધર્મને લઈને હીન ભાવના રાખવામાં આવતી અને તેના કારણે દુનિયા પણ ભારતને એ જ ભાવથી જોતી. આજે સમયનું ચક્ર ફેરવાયું છે, આજે ભારત એક પછી એક ન માત્ર ગુલામીની સાંકળો તોડી રહ્યું છે પણ સાથોસાથ પોતાની ઓળખ ઉજાગર કરી રહ્યું છે. એ જ કારણ છે કે વિશ્વ પણ આજે ભારત તરફ એક આશાથી જોઈ રહ્યું છે.   

    8. ’મુસ્લિમ વિસ્તારોમાં યાત્રા લઈને જવાનું કામ જ શું?’: વામપંથી દલીલોનો જવાબ

    હિંદુ શોભાયાત્રા
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    સપ્ટેમ્બરમાં જ શ્રાવણ મહિનો આવે છે. હિંદુઓનો પવિત્ર મહિનો કહેવાય. આ જ સમયગાળામાં ગુજરાતમાં અનેક હિંદુ યાત્રાઓ પર કટ્ટરપંથી મુસ્લિમોએ હુમલા કર્યા. નૈતિક હિંમતવાળો કોઇ પણ માણસ આમ કરનારા મુસ્લિમોને પૂછે કે આખરે તેની શું જરૂર હતી? પરંતુ આપણે ત્યાંના બહાદુર પત્રકારો અને લંપટ વામપંથીઓ હિંદુઓને પૂછે છે કે આખરે તેમણે મુસ્લિમ વિસ્તારોમાં જવાની જરૂર શું હતી? 

    અમે તેનો જવાબ આપ્યો. અમે પૂછ્યું કે જ્યારે ઇસ્લામી હિંસાની વાત આવે છે ત્યારે મીડિયાની તટસ્થતા ક્યાં જાય છે? ત્યારે કેમ સવાલો થતા નથી? જેઓ ‘મુસ્લિમ વિસ્તારો’ની વ્યાખ્યા કરે છે તેને પણ પૂછ્યું કે આખરે એક ‘સેક્યુલર’ દેશમાં આવા વિસ્તારો ક્યાં હોય છે અને કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? તેમનાં બેવડાં ધોરણો વિશે પણ લખ્યું અને પૂછ્યું કે આખરે તેઓ ક્યારે મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા થતા હુમલાઓ સામે બોલશે? 

    સાથે હિંદુઓને પણ અપીલ કરી અને લખ્યું કે, આ સમય અપરાધ અનુભવવાનો કે આવા એજન્ડાબાજોની વાતોમાં આવી જવાનો નથી, કારણ કે તમે તમારા અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છો. તેમને પૂછો કે આખરે શા માટે તેમનામાં હિંદુઓ વિરુદ્ધ થતા હેટ ક્રાઇમ વિરુદ્ધ બોલવાની ત્રેવડ નથી કે આખરે શા માટે દરેક વખતે સેક્યુલરિઝ્મનો ઠેકો હિંદુઓએ જ લઇ રાખવાનો હોય છે? કે આખરે શાંતિપૂર્ણ યાત્રાઓ પથ્થરમારો કરવાની જરૂર શું છે? કારણ કે તમે હમણાં નહીં બોલો તો કાલે ઉઠીને તેઓ કહેશે કે કાફિરો આખરે અસ્તિત્વ જ શા માટે ધરાવે છે? કે મંદિરોમાં પૂજા કરવા જ શા માટે જાય છે? ત્યારે તમારી પાસે શરણાગતિ વહોરી લેવા સિવાયનો કોઈ વિકલ્પ નહીં બચે.  

    9. દિલ્હીમાં શાહીન બાગ અને પંજાબમાં ખાલિસ્તાન એક્ટીવ કર્યા બાદ હવે ગુજરાતમાં AAPની ભાગલા પાડો રાજનીતિ?

    ચૈતર વસાવાની ભીલીસ્તાનની માંગ
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ચર્ચામાં છે. વનકર્મીઓને માર મારવાના કેસમાં મહિનો દહાડો ફરાર રહ્યા બાદ હવે તેઓ જેલમાં છે. ગત એપ્રિલમાં તેઓ જુદાં કારણોસર ચર્ચામાં આવ્યા હતા. તેમણે કરી હતી ભીલીસ્તાનની માંગ. આ માંગ એવી કે ગુજરાતનો પૂર્વ પટ્ટો અલગ કરીને એક અલગ રાજ્ય સ્થાપવું અને નામ ભીલીસ્તાન આપવું. 

    ઑપઇન્ડિયાએ રિપોર્ટિંગ તો કર્યું જ, પણ આમ આદમી પાર્ટીની આ ઘાતક નીતિઓ સામે પણ સવાલ ઉઠાવ્યા. દિલ્હીમાં તેમની સરકાર રહેતાં શાહીનબાગ દેશ જોઈ ચુક્યો છે, પંજાબમાં તેમની સરકાર આવ્યા બાદ ખાલિસ્તાનનો મુદ્દો પણ ચગ્યો. ગુજરાતમાં હવે આ નવું તૂત ઉભું કર્યું. અમે આ બધા વિશે વિગતવાર લખ્યું અને પૂછ્યું કે આખરે AAP કરવા શું માંગે છે?  

    10. અમદાવાદનો ઇસ્કોન બ્રિજ અકસ્માત અને દિવ્ય ભાસ્કરનો તંત્રી લેખ

    અમદાવાદ અકસ્માત ભાસ્કર
    લેખ સંપૂર્ણ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો

    જુલાઈ મહિનામાં અમદાવાદમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જે ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો અને હજુ પણ અવારનવાર મીડિયામાં ચર્ચામાં રહ્યા કરે છે. એક તથ્ય પટેલ નામના જુવાને મોડી રાત્રે કાર વડે અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે 9 લોકોનાં મોત થયાં હતાં. 

    બીજા દિવસે ગુજરાતના ‘અગ્રણી’ ગણતા અખબાર દિવ્ય ભાસ્કરે સમાચાર આપ્યા ત્યારે બાજુમાં પહેલા પાને એક તંત્રી લેખ પણ છાપ્યો. જેમાં આ કમનસીબ ઘટનાને ગુજરાતના વિકાસ સાથે જોડીને કટાક્ષ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઑપઇન્ડિયાએ સ્પષ્ટ સ્ટેન્ડ લઈને આ લેખની એક-એક દલીલનો જવાબ આપ્યો અને જણાવ્યું કે કેમ તે ખોટો છે. 

    સરકારને સવાલો કરવાને લઈને પણ અમે લખ્યું કે, ‘સરકારને સવાલ કરવાના હોય, સામી છાતીએ કરવાના હોય પણ તેના માટે ઠોસ દલીલો હોવી જોઈએ, અમુક ચોક્કસ કારણો હોવાં જોઈએ. આપણી દલીલોમાં વજન હોવું જોઈએ. માત્ર કશુંક ક્રાંતિકારી લખી નાંખવાનો ચરમાનંદ મેળવીને, સર્જનશક્તિનો પરિચય આપી પત્રકારત્વની ‘નીડરતા’ બતાવવા માટે વાસ્તવિકતાથી જોજનો દૂર હોય તેવું લખાણ લખી નાંખવાથી હાસ્યાસ્પદ ઠેરવાય છે.’ 

    રાજકીય, સામાજિક, ઓછા લખાયેલા, ઓછા ચર્ચાયેલા- તમામ વિષયો પર આ વિશે ઑપઇન્ડિયાએ લખ્યું અને સ્પષ્ટ અભિપ્રાય સાથે લખ્યું. આનંદ એ વાતનો છે કે આવા દરેક લેખોને વાચકોનો અપાર પ્રેમ મળ્યો. અનેક લેખોને વાચકોએ આવકાર્યા. વાચકો જ અમારું પીઠબળ છે. તમારા આ પ્રેમને જોરે આવનારા વર્ષમાં વધુને વધુ અવાજ ઉઠાવી શકીએ તેવી અપેક્ષા સાથે…

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં