Wednesday, November 6, 2024
More
    હોમપેજમંતવ્યબૉલીવુડને આજીજી નહીં આત્મમંથનની જરૂર: બૉયકૉટ ટ્રેન્ડ બંધ કરાવવાના વ્યર્થ પ્રયત્નો કરવા...

    બૉલીવુડને આજીજી નહીં આત્મમંથનની જરૂર: બૉયકૉટ ટ્રેન્ડ બંધ કરાવવાના વ્યર્થ પ્રયત્નો કરવા કરતાં પોતાની અંદર સુધારો કરે ફિલ્મજગત, હિંદુઓને બદનામ કરીને ધંધો કરવાના દિવસો ગયા

    સુનિલ શેટ્ટીએ જે ચિંતા વ્યક્ત કરી એ વ્યાજબી છે. પણ તેમણે એ વ્યક્ત કરવા માટે માણસ પસંદ કરવામાં તેઓ થાપ ખાઈ ગયા છે. તેમણે યોગી આદિત્યનાથ કે નરેન્દ્ર મોદી પાસે નહીં, પોતાની જ ઇન્ડસ્ટ્રીના માણસો પાસે જઈને આ ચર્ચા કરીને સુધારો લાવવાની જરૂર છે.

    - Advertisement -

    સુનિલ શેટ્ટી હાલ ચર્ચામાં છે. ફિલ્મના કારણે નહીં, એક નિવેદનના કારણે, જે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે આપ્યું હતું. યોગી આદિત્યનાથ હમણાં બે દિવસ માટે મુંબઈના પ્રવાસે હતા અને અહીં તેમણે ફિલ્મ કલાકારો, નિર્માતાઓ અને અન્ય ઉદ્યોગપતિઓ સાથે બેઠકો કરી હતી. આવી જ એક કોન્ફરન્સમાં સુનિલ શેટ્ટીએ યોગીને સંબોધીને કહ્યું કે, તેમના હસ્તક્ષેપથી સોશિયલ મીડિયા ઉપર બૉલીવુડ વિરુદ્ધ ચાલતો પ્રચાર બંધ થઇ શકશે. 

    પહેલાં સુનિલ શેટ્ટીએ શું કહ્યું હતું એ જાણીએ

    તેઓ કહે છે, “ખર્ચ કે સબસિડીની નહીં પણ ઓડિયન્સની તકલીફ થઇ રહી છે. ઓડિયન્સને ફરી થીએટરમાં બોલાવવું બહુ જરૂરી છે. એક હેશટેગ ચાલી રહ્યું છે, #BoycottBollywood, તમારા કહેવાથી તે બંધ પણ થઇ શકે છે.” આગળ સુનિલ શેટ્ટી ઉમેરે છે કે, “લોકો સુધી એ વાત પહોંચાડવી બહુ જરૂરી છે કે અમે સારું કામ પણ કર્યું છે. ખામી તો બધે જ હોય છે, પરંતુ બધાને એવા ન ગણી શકાય. હાલ લોકોના મનમાં એવું છે કે, બૉલીવુડ કે હિન્દી સિનેમા ખરાબ છે. આપણે બધાએ મળીને તેને કેવી રીતે દૂર કરવું અને ટ્વિટર પર ચાલતા ટ્રેન્ડ કઈ રીતે બંધ કરવા તે અંગે વિચારવું જોઈએ. અમારી ઉપર કલંક લાગી ગયું છે, તેને હટાવવું બહુ જરૂરી છે.” છેલ્લે તેઓ આ વાત પીએમ મોદી સુધી પહોંચાડવાની પણ અપીલ કરે છે. 

    એક સમય હતો જ્યારે બૉલીવુડની કરીના કપૂરો અને આલિયા ભટ્ટો બેધડક કહી દેતી હતી કે ‘તમને અમારી ફિલ્મો પસંદ ન હોય તો ન જુઓ.’ આજે એ જ બૉલીવુડનો એક માણસ એક રાજનેતા સામે આજીજી કરીને સ્વીકારે છે કે તેઓ લોકોના મગજમાંથી ઉતરી રહ્યા છે અને સમગ્ર ઇન્ડસ્ટ્રી ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. આ નાની પણ નોંધપાત્ર બાબત છે. ખેર.

    - Advertisement -

    સુનિલ શેટ્ટી ખોટા નથી, પણ તેમણે આ વાતો જ્યાં ખરેખર કહેવી જોઈએ ત્યાં કહી રહ્યા નથી 

    સુનિલ શેટ્ટી જે વાતો કહે છે એ સાચી જ છે. બૉલીવુડ પ્રત્યે હવે લોકોનો અણગમો વધતો જાય છે. સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ પણ ચાલે છે. સફળ પણ થાય છે અને તથાકથિત મોટા સ્ટાર્સની ફિલ્મોને પણ હવે લોકો ગણકારતા નથી. મોટાં બેનરોની મોટી ફિલ્મો પણ ફ્લૉપ જઈ રહી છે. પણ શા માટે આવું થઇ રહ્યું છે? તેનું આત્મમંથન બહુ જરૂરી છે. 

    વર્ષ 2022ની જ વાત કરીએ તો બૉલીવુડ માટે બહુ ખરાબ વર્ષ રહ્યું. જે ફિલ્મોને લઈને વર્ષોથી માહોલ બનાવવામાં આવી રહ્યો હતો તેમાંથી એકેય બોક્સ ઓફિસ પર ચાલી નહીં. આમિર ખાનની લાલ સિંઘ ચઢ્ઢા સૌથી વધુ ચર્ચામાં રહી. ફિલ્મે લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું અને બહુ ખરાબ હાલત થઇ. રણબીર કપૂરની ‘શમશેરા’, અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘રક્ષાબંધન’, હમણાં ડિસેમ્બરમાં આવેલી રણવીર સિંહની ‘સર્કસ’ સહિતની એકેય ફિલ્મો ચાલી નહીં. આ તથાકથિત ફિલ્મી સ્ટારોની ફિલ્મોની શું હાલત થઇ તેની વાત છે. બાકીના નાના-મોટા કલાકારોની ફિલ્મોમાંથી પણ મોટાભાગની ફ્લૉપ ગઈ. 

    બીજી તરફ, દક્ષિણની ઘણી ફિલ્મોએ જબરદસ્ત દેખાવ કર્યો. RRRથી માંડીને, કાંતારા અને પુષ્પા સુધી, તમામ ફિલ્મોને આખા ભારતમાંથી બહુ સારો પ્રતિસાદ મળ્યો. દરેક ફિલ્મે કમાણી પણ બહુ સારી કરી. બીજી તરફ, કાશ્મીરી હિંદુઓના નરસંહારને બયાં કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લોકોએ અભૂતપૂર્વ પ્રેમ આપ્યો અને ફિલ્મે ઇતિહાસ રચી દીધો. 

    લોકોએ ફિલ્મો જોવાની બંધ કરી નથી, ફાલતૂ પ્રોપેગેન્ડાને જાકારો આપી દીધો છે 

    આ માહિતી અને આંકડા પરથી એક વાત બહુ સ્પષ્ટ છે. લોકોએ ફિલ્મો જોવાની બંધ કરી નથી, લોકોએ થીએટરો સુધી જવાનું બંધ કર્યું નથી. કે આર્થિક મંદીના કારણે લોકો થીએટરો સુધી પહોંચી રહ્યા નથી તેમ પણ નથી. વાસ્તવિકતા એ છે કે લોકોએ ફાલતૂ એજન્ડા અને દુષ્પ્રચારને જાકારો આપી દીધો છે. 

    બૉલીવુડની નવી-જૂની ફિલ્મોમાંથી અઢળક ફિલ્મો તમને મળી જશે, જેમાં કોઈકને કોઈક રીતે, ક્યાંકને ક્યાંક હિંદુ આસ્થા સાથે, સંસ્કૃતિ સાથે કે પ્રતીકો સાથે ચેડાં કરવામાં આવ્યાં હોય. ફિલ્મોમાં મુસ્લિમ ગુનેગારોને હિંદુ બનાવવાની વાત હોય કે ઇસ્લામી આક્રાંતાઓના ગુણગાનની, બીજી તરફ હિંદુવાદીઓને ગુંડા બતાવવા, બળાત્કારી બતાવવા, આસ્થા-પરંપરાની મજાક ઉડાવવી- ક્રિએટિવ લિબર્ટી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં આ બધું દાયકાઓથી ચાલતું આવ્યું છે.

    બીજી તરફ, રાજકીય પ્રોપેગેન્ડામાં પણ બૉલીવુડ અભિનેતાઓ કાયમ પોતાનું નાક ઘૂસાડતા રહે છે. ક્યારેક કોઈ JNUમાં જઈને ‘ટુકડે-ટુકડે ગેંગ’ સાથે ઉભું રહી જાય છે તો ક્યારેક કોઈ રેપ કેસને લઈને આખી એક ઇન્ડસ્ટ્રી રાજકીય રંગ આપવા પર ઉતરી આવે છે. ક્યારેક કોઈની પત્નીને ભારતમાં ડર લાગે છે તો હિંદુઓના તહેવારો ઉપર અપાતું જ્ઞાન અન્ય ધર્મ-મઝહબોના તહેવારો ઉપર ગાયબ થઇ જાય છે. 

    સોશિયલ મીડિયા આવ્યા પછી લોકો આ બધી જ બાબતોની ચર્ચા કરતા થયા છે, વિચારતા થયા છે, ચાર દિશાઓમાં જોઈને નિર્ણયો કરતા થયા છે અને સવાલ પૂછતા થયા છે. જેના જવાબો બૉલીવુડ અને તેના અભિનેતાઓ પાસે નથી. 

    આ દુષ્પ્રચાર ફેલાવવાનું, છુપા એજન્ડા હેઠળ હિંદુઓને બદનામ કરવાનું પરિણામ બૉલીવુડ હાલ ભોગવી રહ્યું છે. આ વિરોધ, આ હેશટેગ કે આ ચળવળો એકાએક શરૂ થઇ ગઈ હોય તેમ નથી કે નથી તેને કોઈ રાજકીય બળ મળી રહ્યું. લોકો બધું સમજે છે, જાણે છે. આ વિરોધ કોઈ એક ફિલ્મ કે કલાકાર પૂરતો પણ નથી, વર્ષોથી ચાલતા આવેલા પ્રોપેગેન્ડા સામેનો છે. 

    સુનિલ શેટ્ટીએ જે ચિંતા વ્યક્ત કરી એ વ્યાજબી છે. પણ તેમણે એ વ્યક્ત કરવા માટે માણસ પસંદ કરવામાં તેઓ થાપ ખાઈ ગયા છે. તેમણે યોગી આદિત્યનાથ કે નરેન્દ્ર મોદી પાસે નહીં, પોતાની જ ઇન્ડસ્ટ્રીના માણસો પાસે જઈને આ ચર્ચા કરીને સુધારો લાવવાની જરૂર છે. સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, ‘ખામીઓ તો બધે જ હોય છે.’ તેઓ આ માટે અંગ્રેજી શબ્દસમૂહ ‘રોટન એપ્લ’ શબ્દ વાપરે છે. પણ વાસ્તવિકતા એ છે કે બૉલીવુડમાં આવાં ‘રોટન એપલો’ની ભરમાર છે, અને એ જ હમણાં તેમને નડી રહ્યાં છે. 

    જ્યાં સુધી સુનિલ શેટ્ટી કે આખી ઇન્ડસ્ટ્રી આ બાબતો ઉપર વિચાર કરીને, આત્મમંથન કરીને પોતાનામાં જ ફેરફાર નહીં લાવે ત્યાં સુધી તેમની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં