Saturday, May 4, 2024
More
    હોમપેજમંતવ્યઇસ્કોન બ્રિજ અકસ્માત અને દિવ્ય ભાસ્કરનો તંત્રી લેખ: કમનસીબ ઘટનાને વિકાસ સાથે...

    ઇસ્કોન બ્રિજ અકસ્માત અને દિવ્ય ભાસ્કરનો તંત્રી લેખ: કમનસીબ ઘટનાને વિકાસ સાથે જોડી કટાક્ષ કરવાનો બાલિશ પ્રયાસ

    અહીં તંત્ર કે સરકારને જવાબદાર ઠેરવીને તેમને જાગવાની વાત કરવામાં આવી છે, પણ તથ્ય એ છે કે તેઓ પહેલેથી જ જાગૃત અવસ્થામાં છે અને કામ કરી રહ્યા છે.

    - Advertisement -

    કોઈક ઘટના બને જેનાથી સરકાર બેકફૂટ પર આવતી દેખાય ત્યારે પૂર્વગ્રહો મનમાં રાખી કશુંક ક્રાંતિકારી લખાણ લખી નાંખીને પોતાની અગાધ સર્જનાત્મક શક્તિઓનો પરિચય આપવાનો વ્હેમ મનમાં લઈને કોઈ પત્રકાર બોલપેન લઈને કૂદી પડે ત્યારે કેવું બાલિશ અને તથ્યહીન લખાણ લખાય તેનો નમૂનો જોવો હોય તો આજના ‘દિવ્ય ભાસ્કર’ના પહેલા પાને મળશે. 

    અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર બુધવારે (19 જુલાઈ, 2023) મોડી રાત્રે એક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો. વાહનો અથડાયાં એટલે આસપાસના લોકોનું ટોળું એકઠું થઇ ગયું. બરાબર ત્યારે જ કર્ણાવતી ક્લબ તરફથી એક કાર પૂરપાટ ઝડપે આવીને ટોળા પર ચડી ગઈ અને 9 લોકોને કચડી માર્યા. આ કાર તથ્ય પટેલ નામનો એક યુવાન ચલાવતો હતો. સાથે તેના પાંચેક મિત્રો હાજર હતા. તથ્ય અને તેના બાપ પ્રજ્ઞેશ પટેલ બંને સામે FIR દાખલ કરીને પોલીસે ધરપકડ કરી લીધી છે. કાર્યવાહી ચાલી રહી છે. 

    આ જ ઘટનાને લઈને આજે અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના પહેલા પાને તંત્રી લેખ છપાયો છે. ‘બેધડક’ રીતે લખાયેલા આ લેખનું શીર્ષક છે- ‘સરકાર તમારે વિચલિત થવાની જરૂર નથી…’ તેની ચર્ચા કરીએ તે પહેલાં એક બીજી વાત પર ધ્યાન દોરવું જરૂરી છે. આ તંત્રી લેખ જ્યાં છપાયો છે તેની બરાબર બાજુમાં અવારનવાર આવી શબ્દરમતો કરતા રહેતા અખબારનું મુખ્ય શીર્ષક લખાયું છે- ‘ખૌફનાક તથ્ય; 9ની હત્યા.’ આનો અર્થ કાઢીએ તો એવો થાય કે તથ્ય પટેલે જે કર્યું એ ખૌફનાક હતું અને જેના કારણે તેણે 9 જણને મારી નાંખ્યા. એટલે કે આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે. પરંતુ 2 ઇંચ છોડીને બરાબર બાજુમાં લખાયેલા તંત્રી લેખમાં તદ્દન વિરોધી વાત કરવામાં આવી છે. 

    - Advertisement -
    સાભાર- દિવ્ય ભાસ્કર (અમદાવાદ આવૃત્તિ, તા- 21 જુલાઈ, 2023)

    અહીં તંત્ર કે સરકારને જવાબદાર ઠેરવીને તેમને જાગવાની વાત કરવામાં આવી છે, પણ સત્ય એ છે કે તેઓ પહેલેથી જ જાગૃત અવસ્થામાં છે અને કામ કરી રહ્યા છે. લેખમાં સરકારનો કાન અમળાવવાનું તો બાજુ પર રહ્યું પણ ‘વિકાસ’ અને ધોલેરા-ગિફ્ટ સિટી જેવા પ્રોજેક્ટ્સને વચ્ચે લાવવામાં આવ્યા. છેલ્લે જતાં-જતાં સત્તા પક્ષને 156 બેઠકો આપનારા મતદારોને પણ કટાક્ષ કરીને ફટકો મારી દીધો. જેની કોઈ જરૂર ન હતી, સિવાય કે કોઈ પૂર્વગ્રહ રાખીને લખાયું હોય. 

    લેખમાં કટાક્ષ કરીને સરકારને નિશ્ચિંત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ‘તમારી તો કોઈ ભૂલ હોય જ નહીં’, ‘તમે નિરંતર વિકાસ કરતા રહો’ અને ‘લોકોના મરવાથી તમારા વોટ ક્યાં ઓછા થવાના છે’ જેવાં વાક્યો કદાચ સાંભળવામાં કે વાંચવામાં ક્રાંતિકારી લાગતાં હશે પરંતુ વાસ્તવિકતાથી જોજનો દૂર છે. કારણ કે સરકાર આંખ બંધ કરીને જવાબદારીમાંથી છટકી જ નથી. અને આ નરી આંખે દેખાય છે. 

    આવી ઘટના નહતી બનવી જોઈતી, કોઈ ન ઈચ્છે કે આવું કંઈ થાય. ન પત્રકાર, ન છાપાંના માલિક કે ન સરકારમાં બેઠેલા માણસો. પરંતુ બની ગઈ છે તો હાથ પર હાથ ધરીને બેસી રહેવાય નહીં. રસ્તા પર સ્ટ્રીટલાઈટ કેમ ન હતી કે અકસ્માત થયા બાદ બેરિકેડ કેમ મૂકવામાં ન આવ્યાં એ સવાલ ચોક્કસથી પૂછાય પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે ઘટના બન્યા પછી સરકારે તરત કાર્યવાહી કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાબડતોબ બેઠક કરીને 24 કલાકમાં તમામ રિપોર્ટ જમા કરવાના આદેશ આપ્યા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને તેમને તપાસમાં લગાડ્યા, માત્ર 1 અઠવાડિયામાં ચાર્જશીટ દાખલ કરવા કહ્યું અને સતત દેખરેખ રાખતા રહ્યા. સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ ગયા અને મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિજનોને મળ્યા, તેમને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાંજે બેઠક કરીને તમામ જાણકારીઓ મેળવી. સાંજ સુધીમાં FIR પણ દાખલ થઇ ગઈ અને બાપ-દીકરા બંનેની ધરપકડ પણ કરી લેવામાં આવી. આ કાર્યવાહી અસંતોષકારક નથી. અહીં આવું થયું જ ન હોત તો આ કાર્યવાહી કરવાનો પ્રશ્ન જ ન રહ્યો હોત એમ પૂછવું એ નરી મૂર્ખામી છે, કારણ કે વાસ્તવિકતા એ છે કે આવું થઇ ચૂક્યું છે. બીજું કંઈ પણ હોય પણ આને જો સરકારનો દંભ કહેવાતો હોય તો હું ઈચ્છીશ કે દરેક સરકારો આવી દંભી બનવાની ચાલુ થઇ જાય. 

    સાભાર- દિવ્ય ભાસ્કર

    તંત્રી લેખમાં લખાયું છે કે- ‘તમને જવાબદાર ગણવાવાળા તો દેશદ્રોહીઓ છે.’ આપણે ત્યાંના મીડિયા બહાદૂરોની એક ખાસિયત છે કે તેઓ જેઓ ખરેખર ‘ફાસીવાદી’ છે ત્યાં એક અક્ષર મોઢામાંથી કાઢતા નથી પરંતુ જેઓ કશું જ નથી કહેતા ત્યાં પોચું ભાળીને ફાસીવાદની બૂમો પાડતા રહે છે. જો સત્તાધીશો ખરેખર સામા સવાલ કરનારને દેશદ્રોહી ગણતા હોત તો આ લેખ જ પ્રકાશિત થયો ન હોત. એ પ્રકાશિત થયો છે તેનો અર્થ એ થાય કે આ દલીલોમાં કોઈ તથ્ય નથી અને ફરી કશુંક તડકતું ભડકતું લખી નાંખવા માટે લખી નંખાયું હોય તેમ પ્રતીત થાય છે.

    મંત્રીઓ મૃત્યુ પામેલાઓના સ્વજનોને મળવા પહોંચ્યા અને તેમને દિલાસો આપ્યો તેમાં પણ લખનારને વાંધો પડ્યો, વળતરને લઈને પણ ટિપ્પણી કરી નાંખી. પરંતુ જો મંત્રીઓ ન ગયા હોત કે સરકારે વળતર જાહેર ન કર્યું હોત તો તેમને અસંવેદનશીલ જાહેર કરવામાં એક ક્ષણનો પણ સમય બગાડ્યો ન હોત. સરકાર આમ કરે તેમાં પણ વાંધો ઉઠાવવાનો અને પેલું કરે તેમાં પણ, આવા પત્રકારત્વને કેવું પત્રકારત્વ કહેવાય એ નક્કી કરવું વાચકો પર છોડું છું. 

    અકસ્માતને વિકાસ સાથે કશું જ લાગતું-વળગતું નથી એ નાનાં બાળકને સમજાય તેવી વાત છે. પરંતુ આ તંત્રી લેખનો અડધો હિસ્સો વિકાસની વાતો કરીને સરકાર પર કટાક્ષ કરવામાં ખર્ચી નાંખ્યો છે. ગિફ્ટ સિટીમાં રોકાણ આવી રહ્યું છે તો આવે છે, સરકાર કેમ તેનો ઢોલ ન પીટે? ધોલેરામાં નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે તો શું એ સારી બાબત નથી? વિશ્વ બેન્કે પ્રશંસા કરી હોય તો સરકાર શા માટે જશ ન લે? એકાદ અંદરનાં પાનાંમાં ખૂણામાં છપાયેલા એક બે કોલમના સમાચાર પર કશુંક કાર્યવાહી થાય તો અખબારો અડધાં પાનાં ભરીને ‘ઈમ્પૅક્ટ’ બતાવે છે તો આ તો સાડા છ કરોડ લોકોએ ચૂંટેલી સરકાર છે! 

    કમનસીબ ઘટનાને જોડીને સરકારને સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટીને મોકલતા મતદારો પર કટાક્ષનો એક અત્યંત નબળો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક જમાત લાખ પ્રયત્ને પણ ગુજરાતમાં સત્તાપલટો કરવામાં સફળ રહી નથી તેની દાઝ ઘણાને હોય એ સમજી શકાય તેમ છે, પણ આવી ઘટનાઓને મૂકી દેવી જોઈએ. કારણ કે સીધી કે આડકતરી રીતે આવી બાબતોને અકસ્માત સાથે કશું જ લાગતું-વળગતું નથી. સરકારે છટકબારી શોધી હોત કે આ બધા પર ધ્યાન ન આપીને માત્ર વિકાસનું રટણ કર્યે રાખ્યું હોત તો આવી દલીલોને થોડુંઘણું પણ સ્થાન મળે છે. પરંતુ એવું કશું જ દેખાઈ રહ્યું નથી. 

    સરકારને સવાલ કરવાના હોય, સામી છાતીએ કરવાના હોય પણ તેના માટે ઠોસ દલીલો હોવી જોઈએ, અમુક ચોક્કસ કારણો હોવાં જોઈએ. આપણી દલીલોમાં વજન હોવું જોઈએ. માત્ર કશુંક ક્રાંતિકારી લખી નાંખવાનો ચરમાનંદ મેળવીને, સર્જનશક્તિનો પરિચય આપી પત્રકારત્વની ‘નીડરતા’ બતાવવા માટે વાસ્તવિકતાથી જોજનો દૂર હોય તેવું લખાણ લખી નાંખવાથી હાસ્યાસ્પદ ઠેરવાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં