Wednesday, April 17, 2024
More
  હોમપેજગુજરાતઇસ્કોન બ્રિજ અકસ્માત: કારચાલક તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો,...

  ઇસ્કોન બ્રિજ અકસ્માત: કારચાલક તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો, બિનઈરાદાપૂર્વકની હત્યા અને ગુનાહિત ધમકીની કલમો લગાવાઈ- વાંચો FIRની તમામ વિગતો

  ઘટના નજરે જોનારે પોલીસને જણાવ્યું કે,કર્ણાવતી ક્લબ ચાર રસ્તા તરફથી એક કારચાલક પૂર ઝડપથી ગફલતભરી રીતે હંકારીને આવીને ટોળા પર કાર ચડાવી દીધી હતી અને 120 ફિટ જેટલે ઘસડી લઇ ગયો હતો.

  - Advertisement -

  ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અમદાવાદ પોલીસે કાર ચલાવનારા તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે FIR દાખલ કરી છે. બીજી તરફ, કારમાં સવાર યુવક-યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી છે. આ તમામને સેટેલાઇટ પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. 

  આ કેસમાં એસજી હાઈ-વે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલનાં નામો લખવામાં આવ્યાં છે. કારમાં સવાર અન્યોનાં નામ FIRમાં સામેલ નથી. તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ સામે બિનઇરાદાપૂર્વકની હત્યા અને ધમકી આપવા મામલની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

  ફરિયાદમાં શું જણાવવામાં આવ્યું?

  ફરિયાદી પોલીસ કર્મચારી જ બન્યા છે. જેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે (19 જુલાઈ, 2023) રાત્રે તેમને પોલીસ મથકેથી ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, ઇસ્કોન બ્રિજ પર કોઈ ફોર વ્હીલર કારે ટક્કર મારવાના કારણે અમુક લોકોનાં મોત થયાં છે. ત્યારબાદ તેઓ અકસ્માતના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં મૃતકો અને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવતાં તેઓ સિવિલ પહોંચ્યા હતા, જ્યાં 9 મૃતદેહો મળી આવ્યા હતા. 

  - Advertisement -

  હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા એક યુવકે પોલીસને જણાવ્યું હતું કે, તે તેના એક મિત્ર સાથે ઇસ્કોન ચાર રસ્તા પર ચા પીવા માટે આવ્યો હતો. દરમ્યાન તેમને જાણવા મળ્યું કે બ્રિજ પર એક થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે, જેથી તેઓ તે જગ્યાએ જઈને મદદ કરી રહ્યા હતા અને પોલીસ કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. આ જ સમયે કર્ણાવતી ક્લબ ચાર રસ્તા તરફથી એક કાર ચાલક પૂર ઝડપથી ગફલતભરી રીતે હંકારીને આવીને ટોળા પર કાર ચડાવી દીધી હતી અને 120 ફિટ જેટલે ઘસડી લઇ ગયો હતો. જેના કારણે ઘણા લોકોને ઇજા પહોંચી હતી.

  પછીથી તપાસમાં જાણવા મળ્યું કે, જે કારે લોકોને કચડ્યા હતા તે તથ્ય પટેલ નામનો યુવક ચલાવી રહ્યો હતો. પ્રજ્ઞેશ પટેલ સામે આરોપો લગાવતાં જણાવવામાં આવ્યું હતું કે, અકસ્માત બાદ તે પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્યાં હાજર લોકો સાથે ઘર્ષણ કરીને ગાળાગાળી કરીને ધમકી આપી તેના પુત્રને ભગાડી લઇ ગયો હતો. જેને ત્યાંથી સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

  આ કલમ હેઠળ નોંધાયો ગુનો

  FIR અનુસાર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે તથ્ય પટેલ સામે બેદરકારીપૂર્વક ગાડી હંકારીને બિનઈરાદાપૂર્વકની હત્યા કરવા બદલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે લોકોને ધમકાવવા બદલ કેસ દાખલ કર્યો છે. બંને સામે IPCની કલમ 279 (જાહેર રસ્તા પર ગફલતભર્યું ડ્રાઇવિંગ), 337 (ઉતાવળ કે ઉપેક્ષાના કારણે કોઈ અન્ય વ્યક્તિને જોખમ સર્જાય તેવું કાર્ય કરવું), 338 (ઉતાવળ કે બેદરકારીથી અન્યોને ઇજા પહોંચાડવી), 304 (બિનઈરાદાપૂર્વકની હત્યા), 504 (શાંતિભંગના ઇરાદે અપમાન) 506(2) (ગુનાહિત ધમકી) 114 (ગુના માટે દુષ્પ્રેરણા, ભલે ઉશ્કેરણી કરનાર વ્યક્તિ ગુના સમયે હાજર ન હોય) તેમજ મોટર વ્હીકલ અધિનિયમની કલમ 177, 184, 134(b) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

  કારમાં સવાર મિત્રોની પણ અટકાયત કરાઈ

  મીડિયા રિપોર્ટ અનુસાર, અકસ્માત સમયે કારમાં તથ્ય પટેલ સાથે તેનાં મિત્રો આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા ધ્વનિ અને માલવિકા હાજર હતાં. આ તમામ મોહમદપુરા પાસે આવેલા કાફેમાં ભેગા થયા હતા. જ્યાંથી રાજપથ ક્લબ જવા માટે નીકળ્યા હતા. કાર તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો જ્યારે તેની બાજુમાં એક યુવતી બેઠી હતી. તમામ સાથે અભ્યાસ કરતા જોવાનું જાણવા મળ્યું છે. 

  પોલીસે તથ્ય સહિત આ તમામ યુવક-યુવતીઓની અટકાયત કરી લીધી છે, ઉપરાંત તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ અટકાયત કરી હતી. કારમાં સવાર યુવક-યુવતીઓ અકસ્માત બાદ ભાગી છૂટ્યાં હતાં જ્યારે તથ્ય લોકોની ઝપટે ચડી ગયો હતો, જેમણે તેને માર માર્યો હતો. ત્યારબાદ પિતા પ્રજ્ઞેશ પટેલે પહોંચીને તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલતી હતી. ગુરૂવારે પોલીસે પહેલાં અન્યોની અટકાયત કરી લીધી હતી, ત્યારબાદ તથ્યને હોસ્પિટલમાંથી રજા અપાતાં તેને પણ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં