Monday, July 15, 2024
More
  હોમપેજમંતવ્યરાહુલ ગાંધી, કોંગ્રેસ અને ભારત જોડો યાત્રા: ખાયા પીયા કુછ નહીં, ગિલાસ...

  રાહુલ ગાંધી, કોંગ્રેસ અને ભારત જોડો યાત્રા: ખાયા પીયા કુછ નહીં, ગિલાસ તોડા બાર આના

  જેમ-જેમ યાત્રા આગળ વધતી ગઈ તેમ રાહુલ ગાંધીએ પાણી ફેરવવાનું ચાલુ કરી દીધું અને યાત્રા પૂર્ણ થતાં સુધીમાં ગોળ કુંડાળું ફરીને એ જ સ્થાન પર ફરી આવી ગયા, જ્યાં યાત્રા શરૂ થવા પહેલાં હતા. 

  - Advertisement -

  છેલ્લા લગભગ ચારેક મહિનાથી ચાલતી કોંગ્રેસની ભારત જોડો યાત્રા આખરે આજે પૂરી થઇ. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં યાત્રાનું સમાપન થયું અને સમાપનમાં પણ રાહુલ ગાંધીએ એ જ ‘પ્રેમ ફેલાવવાની’ અને ‘ભારત જોડવાની’ વાતો કરી જેનું રટણ યાત્રા શરૂ થઇ ત્યારથી ચાલતું આવ્યું છે. 

  આ યાત્રા શરૂ થઇ તેના પહેલા દિવસથી લઈને આજે પૂરી થઇ ત્યાં સુધી, આખી એક કોંગ્રેસ ઇકોસિસ્ટમ તેના પ્રચાર-પ્રસારમાં લાગેલી રહી. સતત યાત્રાને હાઈલાઈટ કરવી, સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવવી, મીડિયામાં રહેવું, રાહુલ ગાંધીની છબી ચમકાવવી, તેમને તપસ્વી ગણાવવા, ભાજપ-RSSને નફરત ફેલાવનારાઓ કહેવા- આ બધું સતત ચાલતું રહ્યું, તેની ચર્ચાઓ પણ થતી રહી.

  પરંતુ હવે યાત્રા પૂરી થઇ છે ત્યારે એક ઊડતી નજર કરીએ તો સમજાય છે કે કોંગ્રેસને આ યાત્રામાંથી પણ નિરાશા જ સાંપડી છે. ચર્ચાઓ ભલે થઇ હોય પણ આ યાત્રાએ જનમાનસ પર કોઈ અસર કરી હોય, કશુંક બદલાયું હોય, તેમની વિચારવાની દ્રષ્ટિ બદલાઈ હોય તેવું લાગી રહ્યું નથી. યાત્રા ચાલતી ગઈ, ચર્ચાઓ થતી ગઈ, લોકો ભૂલીને આગળ વધવા માંડ્યા. 

  - Advertisement -

  ભારત જોડો યાત્રા શરૂ થઇ ત્યારના શરૂઆતના એક-બે અઠવાડિયામાં ભાજપ સમર્થકોના મોઢે પણ એવી વાતો સાંભળવા મળી હતી કે હવે રાહુલ ગાંધીએ કશુંક સારું કામ હાથ પર લીધું છે. વિરોધીઓને (અથવા તો જેઓ સમર્થકો નથી તેઓને) પણ એવું હતું કે આ યાત્રા કદાચ રાહુલ ગાંધીની ‘પપ્પુ’ તરીકેની છબી બદલી નાંખશે. પરંતુ જેમ-જેમ યાત્રા આગળ વધતી ગઈ તેમ રાહુલ ગાંધીએ પાણી ફેરવવાનું ચાલુ કરી દીધું અને યાત્રા પૂર્ણ થતાં સુધીમાં ગોળ કુંડાળું ફરીને એ જ સ્થાન પર ફરી આવી ગયા, જ્યાં યાત્રા શરૂ થવા પહેલાં હતા. 

  હિંદુવિરોધી પાદરી સાથે રાહુલની મુલાકાત 

  યાત્રા શરૂ થયાના થોડા દિવસમાં જ રાહુલ એક ખ્રિસ્તી પાદરીને મળ્યા હતા. જ્યોર્જ પોનૈયા નામના આ પાદરી સાથે રાહુલ ગાંધીની વાતચીતનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ પાદરી પાસેથી ઈસુ ખ્રિસ્ત વિશે જાણકારી મેળવતા દેખાય હતા. તેઓ પૂછે છે કે, શું તેઓ (ઈસુ ખ્રિસ્ત) ભગવાન છે? જેના જવાબમાં એક વ્યક્તિ રાહુલ ગાંધીને પાણીનું ઉદાહરણ આપીને સમજાવી રહ્યા હતા ત્યારે તેમને વચ્ચેથી અટકાવીને પાદરીએ કહ્યું કે, જીસસ જ ‘સાચા ભગવાન’ છે નહીં કે ‘શક્તિ અને અન્ય હિંદુ ભગવાનો.’ 

  રાહુલ ગાંધી આમ તો પોતાને જનેઉધારી બ્રાહ્મણ અને ચુસ્ત હિંદુ ગણાવતા રહે છે પરંતુ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતા ખ્રિસ્તી પાદરી વિરુદ્ધ એક શબ્દ કેમ ન ઉચ્ચાર્યો એ સવાલ થવો સ્વભાવિક છે.

  સરાજાહેર ગાય કાપનાર કોંગી નેતા ભારત જોડો યાત્રામાં 

  યાત્રા આગળ વધતી ગઈ અને 26 સપ્ટેમ્બર 2022ના દિવસે રાહુલ ગાંધી સાથે યાત્રામાં એ કોંગ્રેસ નેતા જોડાયા જેમણે 2017માં ધોળા દહાડે સરાજાહેર ગાયની હત્યા કરી હતી. 2017માં કેન્દ્ર સરકારના ગૌહત્યા વિરુદ્ધ કડક પગલાં લેવાના કાયદાને વધુ મજબૂત કરવાના નિર્ણયનો વિરોધ કરવા માટે આ કોંગી નેતાએ સાથીદારો સાથે મળીને વાછરડાની હત્યા કરી હતી. ત્યારે તો રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ટીકા કરી હતી પરંતુ એ જ નેતા તેમની યાત્રામાં જોવા મળવા છતાં તેમણે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. 

  ગુજરાત-મહારાષ્ટ્રના સબંધો બગાડવાનો પ્રયાસ 

  નવેમ્બરમાં ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશી અને ત્યાં રાહુલ ગાંધીએ એક નિવેદન આપીને ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવાં નિવેદનો આપી દીધાં હતાં. રાહુલે જાહેરમંચ પરથી કહ્યું હતું કે, મોટા-મોટા પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્રથી ખસેડીને ગુજરાતમાં લઇ જવામાં આવી રહ્યા છે અને મહારાષ્ટ્રને નુકસાન થઇ રહ્યું છે. બે રાજ્યો વચ્ચે આ પ્રકારના વિવાદો સર્જવાના પ્રયાસો કરવા પાછળ શું ગણિત હશે એ આજે પણ લોકોને પ્રશ્ન છે. 

  આ મુખ્ય કિસ્સાઓ છે. યાત્રા દરમિયાન અનેક એવા લોકો રાહુલ ગાંધી સાથે જોડાતા રહ્યા જેમણે ક્યારેક આંદોલનોના નામે વિકાસના પ્રોજેક્ટ્સ અટકાવ્યા હોય કે જેઓ જીવતા જ આંદોલનો પર હોય કે જેમણે આતંકવાદીઓની સજા ઓછી કરાવવા માટે અડધી રાત્રે કોર્ટના દરવાજા ખોલાવ્યા હોય. 

  એક તરફ ભારત જોડવાની અને નફરતના બજારમાં પ્રેમ ફેલાવવાની વાતો કરવી અને બીજી તરફ આ પ્રકારની ગતિવિધિઓ પણ ચાલુ રાખવી- આ કોંગ્રેસીઓ સિવાય કોઈના ગળે ઉતરતું નથી.

  કોંગ્રેસીઓએ છબી ચમકાવી, રાહુલ ગાંધીએ પાણી ફેરવી મૂક્યું 

  આ સંપૂર્ણ યાત્રા દરમિયાન મોટાભાગના સમયે એવું થયું કે આખો દિવસ કોંગ્રેસીઓ, તેમના સમર્થકો, અમુક તથાકથિત પત્રકારોએ ભરપૂર મહેનત કરીને રાહુલ ગાંધીની છબી ચમકાવવાના પ્રયાસો કર્યા હોય અને સાંજે એક જ પ્રેસ કોન્ફરન્સ કરીને કે એક જ ભાષણ આપીને રાહુલ ગાંધીએ તેની ઉપર પાણી ફેરવી મૂક્યું હોય. 

  બોલવામાં લોચા મારવા એ રાહુલ ગાંધીની જૂની આદત છે. ઘણી વખત તો તેઓ કહેવા શું માંગે છે એ જ સમજાતું હોતું નથી. આ યાત્રા દરમિયાન પણ એવું ઘણી વખત થયું. 

  ‘તમે સ્વેટર પહેર્યું છે કારણ કે તમે ઠંડીથી ડરો છો’

  શરૂઆત રાહુલ ગાંધીએ સ્વેટરથી કરી હતી. યાત્રા શરૂ થઇ અને શિયાળો પણ આવ્યો. ઠંડી પડવાની શરૂ થઇ પણ રાહુલ ગાંધીએ સ્વેટર જે જેકેટ પહેરવાનું શરૂ કર્યું ન હતું અને કોંગ્રેસીઓએ આ મુદ્દો ઉપાડી લીધો. આને એટલું મોટું સ્વરૂપ આપવામાં આવ્યું કે મીડિયા સુધી પહોંચ્યું અને એક પત્રકારે રાહુલ ગાંધીને સવાલ પૂછી નાંખ્યો કે કેમ તેઓ સ્વેટર પહેરતા નથી. એનો જે જવાબ હતો એ ઇતિહાસમાં અંકિત થઇ ગયો છે. 

  રાહુલે પત્રકારને સામો પ્રશ્ન કર્યો કે તેમણે સ્વેટર કેમ પહેર્યું છે અને પોતે જ જવાબ આપીને કહ્યું કે, કારણ કે તેમને (પત્રકારને) ઠંડીથી ડર લાગે છે. પરંતુ તેઓ પોતે ઠંડીથી ડરતા નથી એટલે સ્વેટર પહેર્યું નથી. 

  ‘મૈંને રાહુલ ગાંધી કો માર દિયા’

  થોડા દિવસો થયા અને રાહુલ ગાંધી નવું લાવ્યા. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, આપણે જેમને જોઈ રહ્યા છીએ એ રાહુલ ગાંધી નથી અને રાહુલ ગાંધીને રાહુલ ગાંધીએ મારી નાંખ્યા છે! આ વાત પણ લોકોને ઉપરથી જ ગઈ અને માત્ર સોશિયલ મીડિયાની મજાક બનીને રહી ગઈ. કારણ કે લોકોને સમજાવવા માટે પહેલાં તો સમજાય તેવી વાતો કરવી જરૂરી છે. રાહુલ ગાંધી પાસેથી આવી અપેક્ષાઓ રાખવી વધુ પડતી છે. 

  ગીતાજ્ઞાન આપવામાં ગડબડ કરી, યાત્રાને દ્રૌપદીના સ્વયંવર સાથે સરખાવી 

  રાહુલ ગાંધી આટલેથી ન અટક્યા. 8 જાન્યુઆરીએ તેમણે ‘મહાભારત’નું જ્ઞાન વહેંચ્યું અને અર્જુનનો ઉલ્લેખ કરીને યાત્રાને દ્રૌપદીના સ્વયંવર સાથે જોડી દીધી હતી. મજાની વાત એ છે કે આ વાતનો વિડીયો કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. પાર્ટીએ સાથે રાહુલ ગાંધીના કથનને ટાંક્યું હતું જેમાં રાહુલે કહ્યું હતું કે અર્જુન માછલીની આંખ પર નિશાન લગાવી રહ્યા હતા ત્યારે તેમણે એ નહતું કહ્યું કે નિશાન લગાવ્યા પછી તેઓ શું કરશે. 

  અહીં હિંદુ શાસ્ત્રો પરથી જ્ઞાન આપવા જતાં રાહુલ ગાંધીએ ગડબડ કરી નાંખી હતી. વાસ્તવમાં, અર્જુન પાંચાલ નરેશ દ્રુપદની પુત્રી દ્રૌપદીના સ્વયંવર માટે ગયા હતા અને જ્યાં તેમણે માછલીની આંખ વીંધી હતી. અર્જુને માછલીની આંખ વીંધી તો તે પાછળ એક ચોક્કસ મકસદ હતો, તેમને તેમનું લક્ષ્ય પહેલેથી ખબર હતું. 

  કોંગ્રેસી નેતાઓ અને સમર્થકો આ યાત્રા થકી ભારતને એક કરવાની કે નફરતના બજારમાં પ્રેમની વહેંચવાની વાતો ભલે કરતા હોય પરંતુ જેમણે આંખ-કાન ખુલ્લાં રાખીને આ યાત્રાને જોઈ હશે, અભ્યાસ કર્યો હશે તેઓ જાણે છે કે આખી યાત્રા રાહુલ ગાંધીની આસપાસ ફરતી રહી, તેમની છબી ચમકાવવાના ભરપૂર પ્રયાસો થયા, કોંગ્રેસ પર લાગી ગયેલું હિંદુવિરોધીનું ટેગ દૂર કરવાના પ્રયાસો થયા અને 2024 ની ચૂંટણી પહેલાં દેશમાં કોંગ્રેસ તરફી કે ભાજપ વિરોધી માહોલ બનાવવા માટેના પણ એટલા જ પ્રયાસો થયા.  

  પરંતુ આજે યાત્રા પૂરી થઇ રહી છે છતાં આમાંનું કશું ફળીભૂત થતું દેખાઈ રહ્યું નથી. લોકોને માત્ર યાદ છે તો રાહુલ ગાંધીની એવી કેટલીક ‘દાર્શનિક’ વાતો જે ચૂંટણીઓમાં કોંગ્રેસને ફાયદો ઓછો ને નુકસાન વધુ કરાવશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં