9 નવેમ્બર, 2019ના રોજ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટનો (Supreme Court) રૂમ ખીચોખીચ ભરેલો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ (Ex CJI Ranjan Gogoi) સહિત પાંચ ન્યાયાધીશોએ હિંદુઓના 500 વર્ષના સંઘર્ષનું પરિણામ નક્કી કર્યું. તથા અયોધ્યામાં હિંદુઓના આરાધ્ય રામલલાના મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી તે જગ્યા હિંદુઓને પરત કરવામાં આવી. જ્યાં હિંદુઓને ભવ્ય રામમંદિરનું (Ayodhya Ram Mandir) નિર્માણ કર્યું. પરંતુ આ માત્ર એક જ ધાર્મિક સ્થળની વાત છે. કર્ણાટકમાં ભાજપ સરકારમાં ગૃહમંત્રી રહેલા કેએસ ઇશ્વરપ્પાએ 2022માં કહ્યું હતું કે દેશમાં ઓછામાં ઓછા 36,000 સ્થળોએ હિંદુ મંદિરો તોડીને મસ્જિદો (Mosque) બનાવવામાં આવી છે.
આવા 1800 સ્થળોની યાદી ઑપઇન્ડિયાએ પ્રકાશિત પણ કરી હતી. અયોધ્યા તેમજ કાશી અને મથુરામાં મંદિરો પર ઇસ્લામિક હુમલા દરમિયાન થયેલા અત્યાચારો વિરુદ્ધની લડાઈ સ્વતંત્રતા પછી જ શરૂ થઈ હતી. જોકે, હજી સુધી તેનું પરિણામ આવી શક્યું નથી. સંભલ-બદાયું પરના તાજેતરના હોબાળા પછી, એવા ઘણા સ્થળો ચર્ચામાં આવ્યા હતા જ્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે. આવા 10 મામલાઓ પર એક નજર મારીએ જ્યાં હિંદુ મંદિરો પર મસ્જિદો ઉભી કરવાના દાવા છે અને વર્તમાનમાં પણ કોર્ટમાં લડત ચાલી રહી છે.
કમલ મૌલા મઝાર VS ભોજશાળા
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ ભોજશાળા વિવાદ ઘણો જૂનો વિવાદ છે. હિંદુ પક્ષનો મત છે કે આ માતા સરસ્વતીનું મંદિર છે જ્યાં દેવી-દેવતાઓના ચિત્રો અને સંસ્કૃતમાં લખેલા શ્લોકો હજુ પણ છે. સદીઓ પહેલા મુસ્લિમોએ તેની પવિત્રતાનું ઉલ્લંઘન કરીને અહીં મૌલાના કમાલુદ્દીનની મઝાર બનાવી હતી, ત્યારપછી મુસ્લિમો અહીં આવવા લાગ્યા અને હવે તેનો ઉપયોગ નમાજ માટે થાય છે. આ મામલે હિંદુઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હિંદુ પક્ષની અરજી પર સુનાવણી કરતી વખતે મધ્યપ્રદેશ હાઇકોર્ટે માર્ચ 2024માં ASI સરવેનો આદેશ આપ્યો હતો.
ASIએ અહીં સરવે કર્યો હતો. રિપોર્ટમાં ASIએ કહ્યું હતું કે ભોજશાળાનું હાલનું સંકુલ અહીં તત્કાલીન સમયના મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવ્યું હતું. ASIએ મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં રજૂ કરેલા તેના અહેવાલમાં કહ્યું હતું કે, “સ્તંભોના સ્થાપત્ય અને તેના પરના શણગાર અને ભીંતચિત્રો પરથી એવું કહી શકાય કે તે પહેલા મંદિરનો એક ભાગ હતા. બેસાલ્ટના ઉંચા પરિસર પર મસ્જિદના થાંભલા બનાવતી વખતે આનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક સ્તંભ, જેમાં ચારેય બાજુ ખાના બનાવેલા છે, તેમાં દેવતાઓની નષ્ટ કરવામાં આવેલી મૂર્તિઓ પણ છે.”
અટાલા મસ્જિદ VS અટાલા દેવી
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બનેલી અટાલા મસ્જિદ મામલે પણ હિંદુઓ કોર્ટમાં પહોંચ્યા હતા. મે 2024માં, વકીલ અજય પ્રતાપ સિંઘે આ સંદર્ભમાં એક અરજી દાખલ કરી હતી. તેમણે તેમના દાવામાં અનેક પુસ્તકોમાં ઉલ્લેખિત સંદર્ભો ટાંક્યા હતા. આ ઉપરાંત પુરાતત્વ વિભાગના નિયામકના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો.
એવું માનવામાં આવે છે કે અટાલા માતાનું મંદિર કન્નૌજના રાજા જયચંદ્ર રાઠોડે બનાવ્યું હતું. અજય પ્રતાપ સિંઘે કહ્યું હતું કે આ મંદિરને તોડવાનો પહેલો આદેશ ફિરોઝ શાહે આપ્યો હતો. બાદમાં ઇબ્રાહિમ શાહે તેને કબજે કરી તેને મસ્જિદ બનાવી દીધી. વકીલ અજય પ્રતાપ સિંઘની આ અરજી હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.
ટીલે વાલી મસ્જિદ VS શેષનાગ મંદિર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ટીલે વાલી મસ્જિદ મામલે હિંદુઓ કોર્ટમાં પહોંચ્યા હતા. 2013માં, લખનૌ સ્થિત ભગવાન શેષનાગ ટીલેશ્વર મહાદેવ વિરાજમાન, લક્ષ્મણ ટીલા શેષનાગ તીર્થ ભૂમિ સહિતના લોકોએ નીચલી સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુઘલ આક્રમણકારી ઔરંગઝેબના શાસન દરમિયાન મસ્જિદ બનાવવા માટે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું.
હિંદુ અરજીકર્તાઓએ દાવો કર્યો હતો કે સંપત્તિના એક ભાગમાં જ્યાં મસ્જિદ સ્થિત છે તે હિંદુઓનો છે અને તેમને પરત સોંપવો જોઈએ. આ કેસમાં હિંદુ પક્ષની અરજી સામે મુસ્લિમ પક્ષે પણ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. હાલમાં આ મામલો પણ કોર્ટમાં પેન્ડિંગ છે.
અજમેર દરગાહ VS શિવ મંદિર
અજમેર શરીફની દરગાહ મામલે પણ હિંદુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે આ સ્થાનની વર્તમાન પરિસ્થિતિ જાણવા માટે સરવેની માંગ કરી છે. હિંદુ પક્ષે એવો પણ દાવો કર્યો હતો કે દરગાહની પાસે આવેલ ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદ પણ મંદિર ધ્વસ્ત કરીને બનાવવામાં આવી હતી.
હિંદુ પક્ષની અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીં ભગવાન શિવની પૂજા અને જળાભિષેક પણ કરવામાં આવતો હતો. હિંદુ પક્ષે પોતાની માંગના સમર્થનમાં 1911માં લખાયેલ પુસ્તકોનો હવાલો આપ્યો છે. ઉપરાંત તેમણે દરગાહમાં સ્થિત ઢાંચાને પણ મંદિરનો ભાગ ગણાવ્યો હતો અને દાવો કર્યો છે કે દરગાહના ભોંયરામાં મંદિરનું ગર્ભગૃહ છે.
સંભલ જામા મસ્જિદ VS હરિ હર મંદિર
સંભલમાં આવેલ જામા મસ્જિદનો સરવે કરવા પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંભલ સ્થિત જામા મસ્જિદ સદીઓ જૂના ભગવાન કલ્કીને સમર્પિત શ્રી હરિ હર મંદિર પર બનાવવામાં આવી હતી. આ મંદિર બાબરે નષ્ટ કર્યું હતું.
અરજીકર્તાઓએ કહ્યું છે કે આ સ્થળ હિંદુઓ માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને મુઘલ કાળ દરમિયાન તેને બળજબરીથી મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. અરજદારોએ કોર્ટને કહ્યું કે હાલમાં તે એક સંરક્ષિત સ્મારક છે. આ સંદર્ભમાં કોર્ટે 19 નવેમ્બરે સરવે કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી 24મી નવેમ્બરે પણ સરવે થવાનો હતો પરંતુ આ દિવસે મુસ્લિમ ટોળાએ હોબાળો કરતા સરવે અટકી ગયો હતો.
આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ અને એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના પિતા હરિ શંકર જૈન, નોઈડાના પાર્થ યાદવ અને અન્ય અરજીકર્તાઓએ દાખલ કરી છે. અરજીમાં અન્ય લોકો પણ સામેલ છે. તેમણે કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના ભક્ત હોવાના કારણે તેમને પૂજા માટે મંદિરમાં જવાનો અધિકાર છે.
બદાયું જામા મસ્જિદ VS નીલકંઠ મહાદેવ
હિંદુ પક્ષે યુપીના બદાયુંમાં સ્થિત શાહી જામા મસ્જિદ પર દાવો કર્યો છે. હિંદુ પક્ષે કહ્યું છે કે બદાયુંની જામા મસ્જિદ વાસ્તવમાં પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર છે. હિંદુ પક્ષે આ અંગે જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસની આગામી સુનાવણી 10 ડિસેમ્બર 2024ના રોજ થશે.
હિંદુ પક્ષ વતી મુકેશ પટેલે વર્ષ 2022માં કોર્ટમાં પુરાવા રજૂ કરતાં દાવો કર્યો હતો કે આ મસ્જિદના સ્થાને અગાઉ નીલકંઠ મહાદેવ મંદિર હતું. તેમની અરજીમાં હિંદુઓને જામા મસ્જિદની અંદર પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મુસ્લિમો આ અરજીને ફગાવી દેવાની માંગ કરી રહ્યા છે.
ફતેહપુર જામા મસ્જિદ VS કામાખ્યા મંદિર
ઉત્તર પ્રદેશના ફતેહપુર સીકરીમાં આવેલી સલીમ ચિશ્તીની દરગાહ સામે હિંદુઓએ કોર્ટમાં અરજી કરી છે. હિંદુઓએ દાવો કર્યો છે કે ફતેહપુરમાં આજે જ્યાં જામા મસ્જિદ બનેલી છે, ત્યાં એક સમયે મા કામાખ્યાનું મંદિર હતું. હિંદુ પક્ષ મુજબ અહીં બનેલી જામા મસ્જિદ હિંદુ મંદિરના પરિસરમાં છે.
આ અરજી હિંદુ પક્ષ તરફથી વકીલ અજય પ્રતાપ સિંઘે દાખલ કરી છે. તેમણે પોતાની અરજીમાં ASI અધિકારીના પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ પુસ્તક અનુસાર અહીંની મસ્જિદ હિંદુઅને જૈન મંદિરોના અવશેષોમાંથી બનાવવામાં આવી છે.
શાહી ઈદગાહ VS કૃષ્ણ જન્મભૂમિ
મથુરામાં સ્થિત શાહી ઇદગાહ હાલમાં વિવાદિત છે અને તેના સંબંધમાં ઘણી અરજીઓ કોર્ટમાં પેન્ડિંગ છે. હિંદુ પક્ષનું કહેવું છે કે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની સમાંતર બનેલી શાહી ઈદગાહનું માળખું બળજબરીથી એ જ જગ્યાએ બનાવવામાં આવ્યું હતું જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ જગ્યા પર કબજો કરીને ઢાંચો ઉભો કરવામાં આવ્યો હતો. અહીં હજુ પણ ઘણા પુરાવા છે જે સાબિત કરે છે કે પહેલા અહીં મંદિર હતું.
હિંદુ પક્ષનો દાવો છે કે ભગવાન કૃષ્ણનો જન્મ રાજા કંસની જેલમાં થયો હતો અને આ જન્મસ્થળ શાહી ઈદગાહના વર્તમાન માળખાની નીચે છે. 1670માં, મુઘલ આક્રમણખોર ઔરંગઝેબે મથુરા પર હુમલો કર્યો અને કેશવદેવ મંદિરને ધ્વસ્ત નાખ્યું અને તેની ઉપર જ શાહી ઇદગાહનું માળખું બનાવીને તેને મસ્જિદનું નામ આપી દીધું. 13.37 એકર જમીનનો દાવો કરીને હિંદુઓ અહીંથી શાહી ઈદગાહનું માળખું હટાવવાની માંગ કરી રહ્યા છે. આ મામલામાં નીચલી અદાલતે સરવે કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હતો.
જ્ઞાનવાપી મસ્જિદ VS કાશી વિશ્વનાથ
વારાણસીમાં કાશી વિશ્વનાથની પાસે આવેલી વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિંદુ પક્ષને પ્રારંભિક સફળતા મળી છે. આ મામલે હિંદુ પક્ષે ASI સરવેની માંગણી કરી હતી. કોર્ટે ASIને અહીં સરવે કરવાનો આદેશ પણ આપ્યો હતો. ASI રિપોર્ટ મુજબ મંદિરના અસ્તિત્વને સાબિત કરતી અનેક કલાકૃતિઓ ઈરાદાપૂર્વક માળખાની અંદર છુપાવવામાં આવી હતી. આ તમામ કલાકૃતિઓ (મૂર્તિઓ, પત્થરો, શિલાલેખો) તે ભોંયરાઓની તપાસમાં મળી આવી હતી, જે જાણીજોઈને દિવાલો અને કાટમાળની મદદથી બંધ કરવામાં આવી હતી.
31 જાન્યુઆરી, 2024 ના રોજના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે હિંદુઓ જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા કરી શકે છે, તેમને ઝરોખાના દર્શન કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ પ્રશાસને રાત્રે જ પૂજા અને આરતી શરૂ કરી હતી. આની સામે મસ્જિદ કમિટી અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી, જ્યાં કોર્ટે તેની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ VS હિંદુ-જૈન મંદિર
2020માં, દિલ્હીની એક કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કુતુબમિનારની અંદર એક મંદિર છે તેથી હિંદુઓને ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કુતુબ મિનારની અંદર હિંદુ અને જૈન મંદિરનું પરિસર આવેલું છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કુતુબ મિનારમાં 27 મંદિરો હતા, જેમાં મુખ્યત્વે જૈન તીર્થંકર ઋષભદેવ અને ભગવાન વિષ્ણુની સ્થાપના કરવામાં આવી હતી. આ જ મંદિરોને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. આ અરજી નીચલી અદાલતે ફગાવી દીધી હતી, જેને ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી.