Saturday, December 7, 2024
More
    હોમપેજદેશસંભલમાં ઇસ્લામી હિંસા બાદ દોષ હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈન પર નખવાનું...

    સંભલમાં ઇસ્લામી હિંસા બાદ દોષ હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈન પર નખવાનું કાવતરું: ‘જય શ્રીરામ’ના નારાને લઈને જે દાવા કરી રહી છે વામપંથી ટોળકી, તેની પાછળનું સત્ય જાણો

    અખિલેશ યાદવે શરમ નેવે મૂકીને સીધી રીતે તમામ તોફાનોનો દોષ વિષ્ણુશંકર જૈન અને તેમની ટીમ પર નાખી દીધો અને એવું સાબિત કરવાના પ્રયાસ કર્યા કે હિંદુઓએ મસ્જિદમાં જઈને ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા, એટલે મુસ્લિમો ઉશ્કેરાયા અને ત્યારબાદ હિંસા થઈ.

    - Advertisement -

    દેશમાં ક્યાંય પણ ઇસ્લામી ટોળું હિંસા આચરે અને ઉત્પાત મચાવે એટલે લેફ્ટિસ્ટ-ઇસ્લામિસ્ટ ઇકોસિસ્ટમ ધમાલ મચાવનારાઓને નિર્દોષ ચીતરીને દોષ હિંદુ પક્ષ પર જ નાખી દેવા માટે સક્રિય થઈ જાય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના સંભલમાં કોર્ટના આદેશ બાદ મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ અને પોલીસ પર મુસ્લિમ ટોળાંએ હુમલો કર્યો ત્યારપછી પણ આવું જ તૂત ઉભું કરવામાં આવી રહ્યું છે અને દોષ નાખવામાં આવી રહ્યો છે હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈન ઉપર. 

    દાવો એવો થઈ રહ્યો છે કે વિષ્ણુશંકર જૈન અને તેમની ટીમ જ્યારે મસ્જિદના સરવે માટે પહોંચ્યાં ત્યારે તેમણે ‘જય શ્રીરામ’ના નારા લગાવીને મુસ્લિમોને ઉશ્કેર્યા હતા અને ત્યારબાદ હિંસા થઈ. આ નરેટિવને પૂરેપૂરું બળ આપીને ફેલાવવામાં આવી રહ્યો છે અને અખિલેશ યાદવ જેવા નેતાઓ પણ રાજકારણ રમવા માટે તેમાં કૂદી પડ્યા છે. 

    સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ કરવામાં આવી, જેમાં દાવો કરવામાં આવ્યો કે, સરવે ટીમે મસ્જિદમાં દાખલ થતી વખતે ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા અને મુસ્લિમોને ઉશ્કેર્યા હતા. 

    - Advertisement -

    સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ઝિયા ઉર રહમાન બર્કે પણ પછીથી આવું જ ચલાવ્યું અને ‘જય શ્રીરામ’ને દોષ આપ્યો. 

    સપાના જ એક સાંસદ રામગોપાલ યાદવે પણ ‘જય શ્રીરામ’ના નારાને અને પ્રશાસનને દોષ આપ્યો. આવા બીજા ઘણા છે. 

    સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના X અકાઉન્ટ પરથી વિષ્ણુ શંકર જૈનનો એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં નીચે લખવામાં આવ્યું હતું- ‘એક તરફ હિંસા, બીજી તરફ જય શ્રીરામના નારા.’ સાથે અખિલેશે લખ્યું- ‘જેમણે બબાલ શરૂ કરી અને જેઓ સૌથી પહેલાં ફસાદનું કારણ બન્યા, તેમની તસવીર ક્યારે લાગશે?’

    અહીં અખિલેશ યાદવે શરમ નેવે મૂકીને સીધી રીતે તમામ તોફાનોનો દોષ વિષ્ણુશંકર જૈન અને તેમની ટીમ પર નાખી દીધો અને એવું સાબિત કરવાના પ્રયાસ કર્યા કે હિંદુઓએ મસ્જિદમાં જઈને ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા, એટલે મુસ્લિમો ઉશ્કેરાયા અને ત્યારબાદ હિંસા થઈ. હિંસામાં પણ આ ટોળકી મુસ્લિમોને નહીં પણ પ્રશાસનને દોષ આપી રહી છે અને કહે છે કે તેમણે શાંતિથી કામ લેવું જોઈતું હતું અને ગોળીબાર કરવો જોઈતો ન હતો, જ્યારે હકીકત એ છે કે જેઓ મર્યા છે તેઓ પોલીસની નહીં પણ ઉપદ્રવીઓની ગોળીથી જ મર્યા છે. 

    હવે આ બધામાં હકીકત શું છે? સ્વયં વિષ્ણુશંકર જૈને જ જાણકારી આપી છે. 

    તેમણે વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “આ વિડીયોથી સ્પષ્ટ થાય છે કે હું 24 નવેમ્બરના રોજ સવારે 7:30 વાગ્યે વકીલો અને જિલ્લા પ્રશાસન સાથે સ્થળ પર જઈ રહ્યો છું અને આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા પણ દેખાય છે અને આખો વિસ્તાર કોર્ડન પણ કરવામાં આવ્યો છે. રાજકીય કારણોસર બિનજવાબદાર વ્યક્તિઓ દ્વારા તથ્યો ચકાસ્યા વગર બિનજવાબદાર નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. આમાં દોષીઓ છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.”

    વિષ્ણુશંકર જૈને જે વિડીયો પોસ્ટ કર્યો છે તેમાં સ્પષ્ટ જોવા મળે છે કે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે તેઓ સ્થળ પર પ્રવેશ કરી રહ્યા છે અને ક્યાંય કોઈ નારા લગાવવામાં આવી રહ્યા નથી. ત્યાં સુધી સ્થિતિ શાંત છે. પરંતુ તેમ છતાં એક ટોળકી ઉપદ્રવી મુસ્લિમ ટોળાંને બચાવવા માટે દોષ જૈન પર નાખી રહી છે. યાદ રહે કે વિષ્ણુશંકર જૈન અને તેમના પિતા હરિશંકર જૈન જ્ઞાનવાપી કેસમાં પણ વકીલો છે. અવારનવાર તેમને ઈસ્લામીઓ તરફથી ધમકીઓ પણ મળી ચૂકી છે. 

    જે નારાની વાત થઈ રહી છે, તે ખરેખર તો ટીમ રવાના થઈ ત્યારબાદ લગાવવામાં આવ્યા હતા અને એ સરવે ટીમ કે વકીલોએ નહીં પણ આસપાસના સ્થાનિક હિંદુઓએ લગાવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં મુસ્લિમ ટોળાએ ઉત્પાત મચાવવાનો શરૂ કરી દીધો હતો અને હિંસા શરૂ થઈ ચૂકી હતી. એટલે એમ કહેવા માટે કોઈ કારણ નથી કે નારા લાગ્યા એટલે હિંસા થઈ. વધુમાં નારા પરિસરની બહાર જાહેર માર્ગ પર લગાવવામાં આવ્યા હતા, મસ્જિદ પરિસરમાં કે સરવે દરમિયાન નહીં. 

    વિષ્ણુશંકર જૈને તેનો પણ વિડીયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું કે, સોશિયલ મીડિયા પર જે વિડીયો ફરી રહ્યો છે, જેમાં હું વિવાદિત જગ્યાએથી પરત ફરી રહ્યો છું, તે સરવે પૂર્ણ થયો ત્યારપછીનો છે. આ અમારા પ્રવેશ દરમિયાનનો વિડીયો નથી. અમે જિલ્લા તંત્ર અને મસ્જિદ સમિતિના વકીલો સાથે સરવે સાઇટ પર ગયા હતા. ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. 

    એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન પણ વિષ્ણુશંકર જૈને જણાવ્યું હતું કે, “મારા પરત ફરવાનો જે વિડીયો હતો, તેને પ્રવેશ દરમિયાનનો બતાવીને આખા દેશમાં ભ્રમ ફેલાવવામાં આવ્યો અને દાવો કરવામાં આવ્યો કે વિષ્ણુશંકર ‘જય શ્રીરામ’ના નારા લગાવીને ગયા હતા એટલે તોફાનો થયાં. ત્યાં સાડા આઠથી અગિયાર વાગ્યા સુધી અલ્લાહુ અકબરના નારા લાગતા રહ્યા, પોલીસ પર હુમલો થયો, અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા, મીડિયાકર્મીઓને ઈજા પહોંચી, આગચંપી થઈ, ટીયરગેસના સેલ છોડાયા અને આ દરમિયાન અમે ત્યાં કમિશનનું કામ કરી રહ્યા હતા.

    તેમણે આગળ કહ્યું, “ચારેતરફ હિંસા વચ્ચે કે ગલી હતી, જે સેફ પેસેજ હતો, ત્યાંથી SHOએ મને બહાર મોકલ્યો, તો ત્યાં લોકોએ મને જોઈને ભાવુક થઈને ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. પણ આખા દેશમાં એવું ફેલાવવામાં આવ્યું કે તેના કારણે તોફાનો થઈ ગયાં. 

    આટલી વિગતોથી સ્પષ્ટ છે કે વિષ્ણુશંકર જૈન અને તેમની ટીમ સવારે 7:30 કલાકે જ્યારે મસ્જિદ ખાતે પહોંચી હતી ત્યારે માહોલ શાંત હતો અને તેમણે માત્ર પોતાનું કામ કરવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ મુસ્લિમોએ એકઠા થઈને નારાબાજી કરી, હિંસા આચરી, પોલીસ પર હુમલો કર્યો અને તોફાન મચાવ્યું. પછીથી 11 વાગ્યે સરવે પૂર્ણ કરીને જ્યારે જૈનની ટીમ પરત ફરી રહી હતી ત્યારે સ્થાનિક હિંદુઓએ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. પણ ત્યાં સુધીમાં હિંસા થઈ ચૂકી હતી. પરંતુ સાબિત એવું કરવામાં આવી રહ્યું છે કે નારાના કારણે હિંસા થઈ, જે હકીકતથી વિપરીત છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં