શુક્રવાર (29 નવેમ્બર)ના રોજ જાણીતી સમાચાર ચેનલ ‘ન્યૂઝ24’એ (News24) ભારતીય અર્થતંત્રને લઈને ભ્રામક દાવો (Misleading Claim) કર્યો હતો. ન્યૂઝ24એ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ભારતની કુલ GDPમાં (Gross Domestic Product) વર્ષના બીજા ક્વાર્ટરમાં ઘટાડો થયો અને 5.4% પર પહોંચી છે. ન્યૂઝ ચેનલના આ ખોટા સમાચારને (Fake News) લઈને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ ઊભો થયો હતો. જોકે, વિવાદ વધતાં ન્યૂઝ24એ ફેરવી તોળ્યું હતું અને વિવાદિત પોસ્ટ પણ ડિલીટ કરી દીધી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘ન્યૂઝ24’એ એક પોસ્ટ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, “બીજા ક્વાર્ટરમાં દેશની GDPમાં થયો ઘટાડો, ઘટીને 5.4% થઈ GDP.” અહીં એ પણ નોંધવા જેવું છે કે, GDP એ ચોક્કસ સમયગાળામાં દેશમાં ઉત્પાદિત થતાં પદાર્થ અને સેવાઓનું કુલ મૂલ્ય છે. તેને દેશના આર્થિક સ્વાસ્થ્યમાં ખૂબ મહત્વપૂર્ણ માપન તરીકે ગણવામાં આવે છે.
ન્યૂઝ24એ પોસ્ટ કરીને કહી દીધું હતું કે, નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતની GDPમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ, તેની મૂળ હકીકત કંઇક અલગ છે. વાસ્તવમાં દેશની GDPમાં 5.4% ઘટાડો નથી થયો, પરંતુ 5.4%નો વધારો થયો છે. એકમાત્ર વસ્તુ જે ઘટી છે, તે છે GDP દર. વર્તમાન GDP વૃદ્ધિ દર 5.4% છે, જે 7 ક્વાર્ટરમાં સૌથી ધીમો વૃદ્ધિ દર છે. પરંતુ, તેનો અર્થ એ નથી કે, દેશની GDPમાં ઘટાડો થયો છે. તેનાથી બીજા ક્વાર્ટરમાં GDPમાં ઘટાડો કે નકારાત્મક અસર પણ થઈ શકશે નહીં.
Nothing just @news24tvchannel being FakeNews factory again #deleted pic.twitter.com/pMR0bAFhsy
— Lala (@FabulasGuy) November 29, 2024
સાથે એ પણ નોંધવું ખૂબ જરૂરી છે કે, ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની રાહ પર છે. થોડા જ સમયમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. વડાપ્રધાન મોદીએ પણ દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો વાયદો કર્યો છે. અર્થવ્યવસ્થાની આટલી સદ્ધર સ્થિતિમાં પણ ‘ન્યૂઝ24’એ દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે જ સમાચાર ચેનલની હવા કાઢી નાખી છે.
ઉલ્લેખનીય છે કે, આ કોઈ પહેલી ઘટના નથી કે, ન્યૂઝ ચેનલે ભ્રામક દાવા કરીને સમાચાર ફેલાવ્યા હોય. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં પણ ‘ન્યૂઝ24’એ ભાજપ નેતા માધવી લતાને લઈને ભ્રામક દાવો કર્યો હતો. ન્યૂઝ24એ કહ્યું હતું કે, ભાજપ નેતા માધવી લતાએ ‘તમામ મુસલમાનો માટે અનામત’ની માંગણી કરી છે. જોકે, તેનો આ દાવો પણ ખોટો ઠર્યો હતો.