Friday, June 20, 2025
More
    હોમપેજરાજકારણચંદ્રશેખર રાવણને ખુલ્લો પાડનાર વાલ્મિકી સમુદાયની PhD સ્કોલરને મળી રહી છે ધમકીઓ:...

    ચંદ્રશેખર રાવણને ખુલ્લો પાડનાર વાલ્મિકી સમુદાયની PhD સ્કોલરને મળી રહી છે ધમકીઓ: ઑપઇન્ડિયાને જણાવ્યું- વાદળી ગમછાવાળા સાંસદ પર ટૂંક સમયમાં થશે FIR

    રોહિણી, જેમના પિતા ઈન્દોરમાં સફાઈ કામદાર હતા, પરંતુ પુત્રીએ સ્વિટ્ઝરલેન્ડમાં PhD માટે 1 કરોડની સ્કોલરશિપ મેળવી. ‘જનપાવર ફાઉન્ડેશન’ ચલાવતી ડૉ. રોહિણી ઘાવરી વાલ્મિકી એક સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે.

    - Advertisement -

    ભારતમાં ઘણીવાર એક હિંદુ વિરોધી ટોળકી સમાજને વિભાજીત કરવાના ષડયંત્રમાં લાગેલી રહે છે અને તેનું પ્રથમ હથિયાર હોય છે – દલિતોને ઉશ્કેરવું. દલિતોને (Dalit Community) વારંવાર એવું યાદ અપાવવામાં આવે છે કે તેઓ હિંદુ સમાજનો ભાગ નથી. આવા સંજોગોમાં, જો કોઈ દલિત પુત્રી યુએનમાં (United Nations) ‘જય શ્રી રામ’ સાથે પોતાના ઉદબોધનની શરૂઆત કરે, તો પોતાને દલિતોના ઠેકેદાર તરીકે રજૂ કરનારાઓને પોતાની જગ્યા ડગમગતી હોવાનો ડર લાગવો સ્વાભાવિક છે. આવું થયું પણ. તે દલિત પુત્રીનું નામ છે રોહિણી ઘાવરી વાલ્મિકી (Dr Rohini Ghavari).

    રોહિણી, જેમના પિતા ઈન્દોરમાં સફાઈ કામદાર હતા, પરંતુ પુત્રીએ સ્વિટ્ઝરલેન્ડમાં PhD માટે 1 કરોડની સ્કોલરશિપ મેળવી. ‘જનપાવર ફાઉન્ડેશન’ ચલાવતી ડૉ. રોહિણી ઘાવરી વાલ્મિકી એક સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. જોકે, હાલમાં તેની ચર્ચાનું કારણ કંઈક અલગ છે. રોહિણી એક સાંસદની સામે ખૂબ જ આક્રમક છે. આ સાંસદ વાદળી ગમછા માટે જાણીતા છે, ભારતના સૌથી પ્રખ્યાત દલિત આઇકોનના નામે પોતાનો રાજકીય પક્ષ ચલાવે છે અને તેમને Y+ સુરક્ષા પ્રાપ્ત છે. જો તમે ડૉ. રોહિણી ઘાવરી વાલ્મિકીના સોશિયલ મીડિયા હેન્ડલ પર જશો, તો તમને સારી રીતે ખબર પડશે કે આ નવા સાંસદ કોણ છે.

    રોહિણીએ સાંસદના કેટલાક વિડીયો પણ જાહેર કર્યા છે, જેમાં કોઈમાં તેઓ જમીન પર પડીને માફી માંગતા દેખાય છે, તો કોઈમાં રડતા દેખાય છે. કેટલીક ચેટ પણ વાયરલ થઈ છે, જેમાં તેઓ રોહિણીની પ્રશંસા કરતા થાકતા નથી.

    - Advertisement -

    વાદળી ગમછાવાળા સાંસદ પર FIRની તૈયારી

    હવે, તાજા સમાચાર એ છે કે સાંસદ વિરુદ્ધ ઔપચારિક FIR નોંધાવવાની તૈયારી ચાલી રહી છે. આ માહિતી રોહિણીએ ઑપઇન્ડિયા સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં આપી છે. હાલમાં, કાનૂની સલાહને કારણે તે વિડીયો દ્વારા મીડિયા સંસ્થાઓ સાથે જોડાઈ શકતી નથી, પરંતુ FIR નોંધાયા બાદ તે સામે આવીને કેટલાક નવા ખુલાસા કરશે. તે કોર્ટનો દરવાજો પણ ખખડાવવા જઈ રહી છે. ડૉ. રોહિણી ઘાવરીએ આ પહેલાં પણ આ સાંસદ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું હતું અને તેમના પર ઘણી યુવતીઓનું જીવન બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

    રોહિણીએ જણાવ્યું હતું કે કેવી રીતે સાંસદે (ત્યારે તેઓ સાંસદ નહોતા, એક્ટિવિસ્ટ હતા) પોતાના લગ્નની વાત છુપાવીને ઘણી યુવતીઓની ઇજ્જત સાથે રમત રમી છે. ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં ડૉ. રોહિણી ઘાવરીએ જણાવ્યું કે તેમને દલિત સમાજની સામે જુઠ્ઠા સાબિત કરવા માટે તેમની બદનામી કરવાના નાના-મોટા પ્રયાસો થયા અને દબાણ દ્વારા તેમની X પોસ્ટ્સ ડિલીટ કરાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે હજુ પણ તેમને ધમકીઓ આપવામાં આવે છે અને સાંસદ તેમના લોકો સાથે વાતચીતમાં કહે છે કે તેમનું કંઈ બગડશે નહીં, યુવતી પોતાનું જ કરિયર બરબાદ કરશે.

    જોકે, રોહિણી એટલી અડગ છે કે તેમનું કહેવું છે કે જો તેમને જેલમાં જવું પડે તો પણ તેમને કોઈ વાંધો નથી, તે આ દેશની તમામ મહિલાઓની સામે એક ઉદાહરણ બનવા માંગે છે કે તમારે ડર્યા વિના તમારી સાથે થતા અત્યાચાર વિરુદ્ધ લડવું જોઈએ. રોહિણીનું કહેવું છે કે શરૂઆતમાં તેમણે વિચાર્યું કે આ મામલાને વધુ તૂલ ન આપવું જોઈએ, કારણ કે તેમના મનમાં દલિત એકતાની વાત હતી. તેમને ડર હતો કે આનાથી દલિત એકતા ખંડિત થશે. નોંધનીય છે કે આરોપી સાંસદ જાટવ સમાજમાંથી આવે છે, જ્યારે રોહિણી વાલ્મિકી સમુદાયમાંથી છે.

    આરોપો અંગે ફરી આક્રમક થઈ ડૉ. રોહિણી ઘાવરી

    છેલ્લા એક સપ્તાહથી રોહિણી કંઈક વધુ આક્રમક છે. દગાબાજ, ગદ્દાર, કલંકિત, નીચ, નામર્દ, નાલાયક… આવા અનેક શબ્દોનો ઉપયોગ તેમણે સાંસદ માટે કર્યો છે. આનાથી તમે સમજી શકો કે તે કેટલી આક્રમકતાથી પોતાની લડાઈ લડી રહી છે. ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં તે કહે છે કે તે ગુસ્સામાં છે, અને વાલ્મિકી સમાજ તેમની સાથે ઊભું છે. તેમણે કહ્યું કે જનતા દરેકનો ન્યાય કરે છે, શરૂઆતમાં તેમને લાગ્યું કે સમાજ પોતે જ ન્યાય કરશે, તેથી તેમણે કોઈ કાનૂની પ્રક્રિયા અપનાવી નહોતી – પરંતુ, હવે નહીં. આ દરમિયાન તે સમાજ અને જનતા પ્રત્યે પણ નારાજ દેખાય છે, કારણ કે તેમને લાગે છે કે આ સંઘર્ષમાં તેમને અત્યાર સુધી બદનામી, લાંછન અને તેમના વિશે નાની-મોટી વાતો મળી છે.

    ડૉ. રોહિણી ઘાવરીની વિચારધારા શું છે?

    તે પોતાને આંબેડકરવાદી તો કહે છે, પરંતુ સાથે એમ પણ કહે છે કે તે ભારતની જનતાને વિવિધ જાતિઓમાં વહેંચીને નથી જોતી. જ્યારે તે વિદેશની ધરતી પરથી ભારતને જુએ છે, તો દરેક ભારતીય તેમને પોતાનો લાગે છે. તે ‘મનુવાદી’ જેવા શબ્દોથી ચિડાય છે અને બ્રાહ્મણોને સન્માનની નજરે જુએ છે.

    તેમણે એકવાર જણાવ્યું હતું કે સ્વિટ્ઝરલેન્ડવાળી સ્કોલરશિપની માહિતી આપનાર તેમના એક બ્રાહ્મણ શિક્ષક હતા, ત્યાં તે નવી-નવી હતી ત્યારે એક બ્રાહ્મણ સહેલીએ તેમની સાથે મિત્રતા કરી અને યુએનનો રસ્તો બતાવનાર પણ એક બ્રાહ્મણ જ હતા. તે કહે છે કે તેમના માટે સમર્પણ અને એકતા મહત્વપૂર્ણ છે, જ્યારે તે વિદેશમાં વિદેશી મિત્રો સાથે સહજતાથી રહી શકે છે, ખાઈ-પી શકે છે – તો પછી દેશવાસીઓ સાથે કેમ નહીં?

    સાંસદને ‘મોટી પાર્ટીઓ’નું સમર્થન?

    ડૉ. રોહિણી ઘાવરીને લાગે છે કે આ સાંસદને કેટલીક મોટી રાજકીય પાર્ટીઓનું સમર્થન છે. પરંતુ, તેમને વિશ્વાસ છે કે એકવાર તેમના વાસ્તવિક ચરિત્રના ખુલાસા થશે, તો આવા દાગી વ્યક્તિ સાથે જોડાવામાં આ રાજકીય પક્ષોને શરમ આવશે અને તેઓ પોતાને તેમનાથી અલગ કરી લેશે. ભારતમાંથી ઘણા લોકોએ તેમને ફોન કરીને FIR નોંધાવવા માટે કહ્યું છે, જેથી તે ન્યાય માટે અવાજ ઉઠાવી શકે. નીલા ગમછાવાળા સાંસદ પર FIR થતાં જ વિરોધ પ્રદર્શનો શરૂ થશે. બ્રાહ્મણ સમાજના કેટલાક એક્ટિવિસ્ટ્સે પણ તેમને સમર્થનની ખાતરી આપી છે. યુએનની ‘વિશ્વ સંસદ’માં ત્રણ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલી રોહિણીએ રામ મંદિર નિર્માણનો બચાવ કરતાં ઘણા તર્ક આપ્યા હતા.

    હવે ડૉ. રોહિણી ઘાવરીની FIR અને કોર્ટનો દરવાજો ખખડાવ્યા પછી શું થાય છે, એ તો સમય જ બતાવશે. પરંતુ, એટલું સ્પષ્ટ છે કે નીલા ગમછાવાળા નવા-નવા સાંસદના દિવસો સારા નથી ચાલી રહ્યા. રોહિણી અન્ય કેટલીક યુવતીઓની વાતો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે, જેથી તે પોતાના આરોપોની પુષ્ટિ કરી શકે. તે હવે પાછળ હટવાના મૂડમાં નથી. તેમને ભારતીય કાયદાઓ વિશે પણ થોડી નારાજગી છે, કારણ કે તેમનું માનવું છે કે સ્વિટ્ઝરલેન્ડમાં કોઈ ખોટી નજરથી મહિલા સમક્ષ જુએ તો પણ તેની સામે કાર્યવાહી થાય. પરંતુ, પોતાના દેશ વિશે નકારાત્મક વાતો ન કરવાનું કહીને રોહિણી આ વિશે ચર્ચા કરવા નથી માંગતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં