પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતમાં બે દાયકા બાદ સત્તાવાર રીતે વસંત ઉત્સવ ઉજવાયો. લાહોરનું આકાશ ફરી એકવાર રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. 6થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન શહેરમાં જોરશોરથી પતંગબાજી થઈ અને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે પોતે તેને પ્રોત્સાહન આપ્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ભારતીયોએ સવાલો ઉઠાવ્યા કે પાકિસ્તાન વસંત પંચમીના તહેવારના નામે માત્ર પતંગબાજી કરીને હિંદુ ‘કલ્ચર ચોરી’ (સાંસ્કૃતિક ચોરી) કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પાકિસ્તાને તેને ‘પંજાબી કલ્ચરલ ફેસ્ટિવલ’ તરીકે ઓળખાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દેખરેખ માટે ડ્રોન તૈનાત કરવામાં આવ્યાં હતાં અને QR-કોડવાળા પતંગોનું વેચાણ થયું હતું, પરંતુ પતંગો આકાશમાં પાછા ફર્યા હોવા છતાં ઘણી ખામીઓ જોવા મળી હતી. સોશિયલ મીડિયા X પર અનેક યુઝર્સે કહ્યું કે પાકિસ્તાનમાં મનાવવામાં આવતી વસંત ભારતની વસંત પંચમી કરતાં તદ્દન અલગ છે. યુઝર્સે દાવો કર્યો કે લાહોરમાં અમીર ખુશરોએ પતંગ ઉડાડવાના રિવાજ તરીકે વસંતની શરૂઆત કરી હતી, જેને હિંદુ પરંપરા કે ભારતીય સભ્યતા સાથે કોઈ લેવાદેવા નથી.
ભારતમાં પતંગ ઉડાડવા અને વસંતોત્સવનો લાંબો ઇતિહાસ રહ્યો છે. પરંતુ અમીર ખુશરોની વાર્તા સદીઓ જૂની સભ્યતાના સાતત્યને માત્ર એક સૂફી વાર્તા સુધી મર્યાદિત કરી દે છે. આ જાણીજોઈને સાંસ્કૃતિક ભાગીદારી અને સાંસ્કૃતિક શરૂઆત વચ્ચેની રેખાને ધૂંધળી કરી નાખે છે. આ એક રીતે સાંસ્કૃતિક ચોરી છે. તહેવારો, ઉત્સવો અને તેની પરંપરાઓ સ્થાનિક ઓળખને વ્યક્ત કરે છે.
ઇસ્લામ અને ખુશરો પહેલા થઈ હતી વસંતની શરૂઆત
વસંત (બસંત) એ માત્ર કોઈ એવો ‘મોસમી તહેવાર’ નથી કે જેને માત્ર પંજાબમાં ઉજવવાની પરંપરા હોય. તે વસંતના સ્વાગતની એક સામાન્ય રીત છે, જે મૂળભૂત રીતે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ઇસ્લામના આગમન પહેલાંથી જ આ ઉત્સવ ઉજવવામાં આવતો રહ્યો છે. પરંપરાગત સંસ્કૃત સાહિત્ય, મંદિરના કેલેન્ડર અને જે-તે વિસ્તારની લોકપરંપરાઓ, આ બધું જ વસંતને ખેતર અને પાક સાથે જોડે છે. વસંતનો ખાસ પીળો રંગ એ માત્ર કોઈ સુશોભનનો સંયોગ નથી, પરંતુ તે પાકેલા સરસવના (રાઈ) ખેતરો, બદલાતા ખેતીચક્ર અને સમગ્ર ઉત્તર ભારતની ફળદ્રુપ શક્તિનું પ્રતીક છે.
આ તમામ ચિહ્નો સ્થાનિક સંસ્કૃતિમાં કોઈ પણ સૂફી જોડાણના સદીઓ પહેલાથી અસ્તિત્વમાં હતાં. પંજાબ અને દિલ્હીમાં મુસ્લિમ શાસન આવ્યું ત્યાં સુધીમાં વસંત પહેલેથી જ એક સામાજિક વાસ્તવિકતા બની ચૂકી હતી. પ્રકૃતિ સાથે જોડાયેલું આ પર્વ પોતાનામાં જ એક મજબૂત પરંપરા હતી.
ત્યારબાદ જે કંઈ પણ થયું તે કોઈ નવી શોધ નહોતી પરંતુ એક પરિવર્તન હતું. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. જ્યારે મુસ્લિમ આક્રમણકારો, અમીર વર્ગ કે સામાન્ય લોકોએ વસંતમાં ભાગ લીધો ત્યારે તેઓ પહેલેથી અસ્તિત્વમાં રહેલી પરંપરાનું જ પાલન કરી રહ્યા હતા. તેથી તેમના આગમનથી શરૂઆતમાં તહેવારમાં કોઈ ફેરફાર થયો નહોતો. આ ઉત્સવ પાકચક્ર સાથે જોડાયેલો હોવાથી તેને બદલવો કોઈના માટે શક્ય પણ નહોતું.
અમીર ખુશરો સાથે વસંતનો અલગ પ્રકારનો સંબંધ
વસંત સાથે અમીર ખુશરોનો સંબંધ સમજવા જેવો છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો ખુશરોએ વસંત ઉજવવાની શરૂઆત લાહોરમાં નહીં પરંતુ દિલ્હીની નિઝામુદ્દીન દરગાહમાં કરી હતી. આ ઉજવણી કોઈ તહેવાર તરીકે નહીં પરંતુ એક ચોક્કસ ઘટના સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે પોતાના યુવાન ભત્રીજાના અવસાન બાદ હઝરત નિઝામુદ્દીન ઓલિયા ઊંડા શોકમાં ડૂબી ગયા હતા. તે સમયે અમીર ખુશરો પણ ત્યાં હતા, જેમની શાયરીમાં ફારસી દરબારી સંસ્કૃતિ અને સ્થાનિક બોલી બંનેનો સંગમ હતો.
પરંપરા મુજબ ખુશરોએ પીળાં કપડાં પહેરેલી અને હાથમાં ફૂલો લીધેલી હિંદુ મહિલાઓનું એક જૂથ મળ્યું, જેઓ વસંતની ઉજવણી કરવા માટે કાલકાજી મંદિર જઈ રહી હતી. ખુશરોએ પણ પીળા રંગનો પોશાક ધારણ કર્યો અને દરગાહ પર પાછા આવ્યા. તેમને જોઈને તેમના ગુરુનો શોક ક્ષણભર માટે ઓછો થઈ ગયો. આ ઘટનાની યાદમાં આજે પણ નિઝામુદ્દીન દરગાહમાં એક વિધિ તરીકે વસંતનો તહેવાર ઉજવવામાં આવે છે.
A quarter century on, Basant proved Lahore’s spirit was only paused, never broken.This wasn’t the end of Basant; it was the return of Lahore 🩷 pic.twitter.com/y0wBO49XD5
— Maryam Nawaz Sharif (@MaryamNSharif) February 8, 2026
દિલ્હીમાં એક ચોક્કસ સૂફી દરગાહ પર વસંત ઉજવવાની આ પરંપરાને વસંતના મૂળ મહત્વ કે વસંતોત્સવ સાથે કોઈ સીધી લેવાદેવા નથી. આનાથી એ દાવો પણ ખોટો સાબિત થાય છે કે ખુશરોએ વસંતને એક મુસ્લિમ તહેવાર તરીકે ‘શરૂ’ કર્યો હતો.
લાહોરમાં પતંગ ઉડાડવાની પરંપરા દિલ્હી પછી શરૂ થઈ હતી. આજનો કોઈ પણ ફારસી ઇતિહાસ કે ઐતિહાસિક દસ્તાવેજ એવો દાવો નથી કરતો કે દિલ્હી પહેલા લાહોરમાં પતંગબાજી થતી હતી. આજે જે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ઇતિહાસ નથી પરંતુ ઉપજાવી કાઢેલી વાતો છે.
ઇસ્લામ પહેલાં શરૂ થયો હતો વસંત પંચમી ઉત્સવ
ઇસ્લામ પૂર્વેના ઇતિહાસ સાથે પાકિસ્તાનનો સંબંધ હંમેશા વિચિત્ર રહ્યો છે. હિંદુ મંદિરોને નષ્ટ કરીને ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પાઠ્યપુસ્તકોમાં પણ ભારતીય ઇતિહાસને અવગણવામાં આવ્યો. પરંતુ વસંતોત્સવ પંજાબના સામાજિક જીવનમાં એટલી ઊંડે સુધી જોડાયેલો છે કે તેને સંપૂર્ણપણે ખતમ કરી શકાય તેમ નથી.
તેનો એકમાત્ર ઉપાય એ રહ્યો છે કે તહેવારને ચાલુ રાખવો અને તેની શરૂઆતને પોતાની રીતે રજૂ કરવી. વસંતને ભારતીય તહેવારને બદલે ‘પંજાબી’ તહેવાર, હિંદુ તહેવારને બદલે મુસ્લિમ સાંસ્કૃતિક રિવાજ અને ઇસ્લામ પૂર્વેની પરંપરાને બદલે ખુશરોની પરંપરા તરીકે ગણાવવી, એ તેને નવા સ્વરૂપે વ્યાખ્યાયિત કરવાનો જ એક પ્રયાસ છે. આને જ ‘સાંસ્કૃતિક ચોરી’ કહેવાય—રીત-રિવાજોને જાળવી રાખવા પણ તેનાં મૂળ સ્ત્રોતને ભૂંસી નાખવાં.
This is not just a ‘Heeramandi’ song. Watch till the end to discover the rich history behind Khusrau’s ‘Sakal Ban’.
— Peek TV (@PeekTV_in) January 23, 2026
Centuries ago, on Basant Panchami, when grief silenced a Hazrat Nizamuddin, his disciple chose the colours, rhythms, and beauty of a Hindu festival to heal him. pic.twitter.com/BvNCONRibF
વારસાને નથી ભૂંસી શકાતો
પાકિસ્તાનમાં પંજાબીઓ દ્વારા વસંતની ઉજવણી કરવી એ કોઈ નકલ નથી, કારણ કે સંસ્કૃતિ સરહદોના બંધનથી મુક્ત હોય છે. પરંતુ કોઈ તહેવારની શરૂઆતનો જ ઇનકાર કરીને તેને ઉજવવો એ અપ્રામાણિકતા છે. વસંતને ઇસ્લામિક ઓળખની જરૂર નથી. અમીર ખુશરોએ આ સભ્યતા અને પરંપરાના સર્જક બનાવવાની જરૂર નથી અને પંજાબી સંસ્કૃતિને ઉજવવા માટે ઇતિહાસને ભૂલી જવાની પણ જરૂર નથી.
તમે પતંગ ઉડાડી શકો છો, તમે શહેરને પીળા રંગથી રંગી શકો છો, પરંતુ તમે એ દોરીને કાપી શકતા નથી જે વસંતને તેના ભારતીય, હિંદુ અને ભવ્ય સભ્યતાનાં મૂળિયાં સાથે જોડે છે—પછી ભલે તેની વાર્તા ગમે તેટલી વાર કે નવેસરથી લખવામાં આવે.


