ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સહારનપુરમાં (Saharanpur) મોહમ્મદ મુબારિકે બેંક લોન ચૂકવવાથી બચવા માટે પોતાના જ મોત નાટક રચ્યું. આ માટે તેણે પોતાની જ કદ કાઠીના એક યુવકને ગાડીમાં બેસાડી તેને દારુ પીવડાવીને જીવતો સળગાવી દીધો હતો. તેણે ટીવી સીરીયલ ક્રાઇમ પેટ્રોલનો (Crime Petrol) એપિસોડ જોઇને આ આખું ષડયંત્ર રચ્યું હતું. હાલ પોલીસે મુબારિકની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતક યુવકનું નામ સોનું હતું અને તે હરિયાણાના યમુનાનગરથી સહારનપુર આવીને રહી રહ્યો હતો. સોનુ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો. તેના મામાએ તેની ગુમશુદગીની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. તેવામાં સહારનપુરમાં પોલીસને વાહનની અંદર એક સળગેલી લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન દાવો કરવામાં આવ્યો હતો કે તેની પાછળ યૂનાનીનો તથાકથિત ડોક્ટર મુબારિકનો હાથ હોવાનું સામે આવ્યું હતું.
એક પછી એક લોન લેતો ગયો અને દેવું વધતું ગયું
પોલીસે જ્યારે મુબારિકને શોધીને તેની પૂછપરછ કરી તો આ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો. મુબારિકે કબુલ્યું હતું કે તેણે થોડા મહિના પહેલા લોન/ફાઇનાન્સ પર બે બાઇક અને એક કાર ખરીદી હતી અને આ કારણે તેના પર લાખોનું દેવું થઈ ગયું હતું. તેણે જમીન અપાવવાના બહાને અન્ય એક વ્યક્તિ પાસેથી ₹9 લાખ પણ લીધા હતા.
મુબારિકે પર્સનલ લોનના નામે બેન્કમાંથી ₹10 લાખ પણ લીધા હતા. હવે તેના માટે દેવું ચૂકવવાનું મુશ્કેલ બની રહ્યું હતું. અંતે તેણે પોતાના જ મોતનું તરકટ રચવાનો વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે જો તે સાબિત કરી દે કે તે મરી ગયો છે, તો તેનું દેવું માફ થઇ જશે અને તેની બીવીને વીમાના રૂપિયા પણ મળશે. તેને આ આઇડિયા ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલના એક એપિસોડથી મળ્યો હતો.
કારસો પાર પાડવા જૂની ગાડી ખરીદી
મુબરીકે ગાડીમાં કોઈ લાશને સળગાવીને તે પોતે હોવાનું સાબિત કરવાની તૈયારીઓ કરી. આ માટે તેણે ₹26000માં મારુતિ 800 ખરીદી હતી. જોકે મુબારિકને એક મહિના સુધી કોઈ લાશ મળી ન હતી. ત્યાર બાદ તેણે પોતાના સાળાની ફેક્ટરીમાં કામ કરતા સોનુને ટાર્ગેટ કર્યો હતો.
તેણે પહેલા સોનુ સાથે મિત્રતા કરી, ત્યારબાદ 22 ડિસેમ્બર 2024ના રોજ મુબારિકે તેને દારૂ પીવડાવ્યો હતો. તેણે દારૂમાં દવા ભેળવી હતી, જેના કારણે તે બેભાન થઈ ગયો. આ પછી મુબારિક કારને સહારનપુરના બિજોપુરમાં એક નહેર પાસે એક નિર્જન સ્થળે લઈ ગયો અને આગ ચાંપી દીધી હતી. આ કાંડ કરીને તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
પોલીસને લાશ મળી આવતા શરૂ થઈ તપાસ અને ફૂટ્યો ભાંડો
પોલીસને સળગેલી ગાડીમાંથી લાશ મળી આવી અને તપાસનો ધમધમાટ શરૂ થયો. આ દરમિયાન સોનુના ગુમ થયાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. એક-બે દિવસ બાદ મુબારિક સોનુ યોગ્ય રીતે સળગી ગયો છે કે નહીં તે જોવા ગયો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
ઉત્તર પ્રદેશ પોલીસે ગાડીની ખરીદી અને CCTVના માધ્યમથી આ આખા કેસમાં મુબારિકનો હાથ હોવાનું શોધી કાઢ્યું હતું. મુબારિક પોતાને યૂનાની ડોક્ટર કહીને એક ક્લિનિક ચલાવી રહ્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો છે.