18 જુલાઈ 2024ના રોજ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રાયબરેલી (Raebareli) જિલ્લામાં હજારો રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરોના જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા હોવાનો વિસ્ફોટક ખુલાસો થયો હતો. ત્યારબાદ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી હતો. ત્યારે હવે તપાસના અંતે સામે આવ્યું છે કે રાયબરેલીના આ રેકેટમાં કુલ 52,000થી વધુ બનાવટી પ્રમાણપત્રો (Fake Id Proof) ઉભા કરવામાં આવ્યા છે. આ આખા રેકેટમાં ભારતના કેટલાક રાજ્યો સહિત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળના લોકોના પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે. સરકારે આ તમામ બનાવટી પ્રમાણપત્રો રદ કરવાની જાહેરાત કરી છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર સલોન બ્લોકના કુલ 11 ગામ નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાના કાંડમાં સપડાયેલા છે. આ 11 ગામોના કુલ 52,594 જન્મ પ્રમાણપત્ર નકલી હોવાનું સામે આવ્યું છે. આ જન્મ પ્રમાણપત્ર બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, કેરળ અને પંજાબના નાગરિકો તેમજ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળના નાગરિકોના નામે બનાવવામાં આવ્યા હતા. નાયબ નિયામક પંચાયતી રાજ સાસ્વત આનંદસિંહે આ તમામ બનાવટી પ્રમાણપત્રો રદ કરવાનો આદેશ આપ્યો છે.
સાથે જ જિલ્લાના DPROને ભવિષ્યમાં જન્મ-મરણના પ્રમાણપત્રો આપવામાં ખાસ કાળજી લેવાની સૂચના આપવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે અનેક ગામોમાં આ રેકેટ ચલાવનારા આરોપીઓએ એક જ દિવસમાં 500થી 1000 નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યા હતા, જ્યારે એક કમ્પ્યુટરથી 24 કલાકમાં 100થી વધુ પ્રમાણપત્રો જનરેટ કરી શકવું શક્ય જ નથી. એવું માનવામાં આવે છે કે અન્ય રાજ્યોમાં બેઠેલા આ ગેંગના અન્ય મેમ્બરોએ એક જ આઈડી અને પાસવર્ડથી એક દિવસમાં આટલા બધા પ્રમાણપત્રો બનાવવા માટે સાથે મળીને કામ કર્યું હોઈ શકે છે.
11 ગામોમાં હજારો નકલી પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા
જે 11 ગામોમાં નકલી જન્મ પ્રમાણપત્ર મળ્યા છે ત્યાં સૌથી વધુ અસર પાલહીપુરને થઇ છે. અહીં કુલ 13,707 નકલી સર્ટિફિકેટ મળી આવ્યા છે. નૂરુદ્દીનપુર 10,151 સર્ટિફિકેટ સાથે બીજા ક્રમે છે. ત્રીજો નંબર પૃથ્વીપુરનો છે જ્યાં કુલ 9,393 નકલી સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આ સિવાય સંદા સૈદનમાં 4897, માધોપુર નિનાયામાં 3746, લહુરેપુરમાં 3780, ગઢી ઈસ્લામનગરમાં 2255, અનનિશમાં 1665, ગોપાલપુર ઉર્ફે અનંતપુરમાં 225 અને દુબહાંમાં 2 નકલી સર્ટિફિકેટ મળી આવ્યા છે.
આ કેસનો મુખ્ય આરોપી રાયબરેલીના સલોનનો રહેવાસી મોહમ્મદ ઝીશાન છે. તેની સાથે આ ષડયંત્રમાં સામેલ રિયાઝ, સુહૈલ ખાન અને VDO વિજય સિંહ યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસમાં ATSની સાથે NIAને પણ સામેલ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ આ છેતરપિંડીમાં સામેલ અન્ય આરોપીઓની મિલીભગતની તપાસ કરી રહી છે.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જુલાઈ 2024માં કેટલાક ગામોની વસ્તી કરતા ક્યાંય વધારે લોકોના જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં કોઈને આ કાંડની ગંધ ન આવી, પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે વિજય યાદવે આ છેતરપિંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં વિજય યાદવે પોતાનો સત્તાવાર સીયુજી નંબર ઝીશાનને આપ્યો હોવાનું સામે આવ્યું હતું. દરેક જન્મના પુરાવાને મંજૂરી આપતો ઓટીપી આ નંબર પર જ આવતો હતો.