ઑક્ટોબર 2023માં જ્યારે હમાસે (Hamas) ઇઝરાયેલ (Israel) પર હુમલો કર્યો ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આવતા સવા વર્ષની અંદર સમગ્ર મધ્ય પૂર્વમાં આટલો મોટો બદલાવ આવશે. ઇઝરાયેલે વિવિધ ઓપરેશન કરીને હમાસને લગભગ નષ્ટ કરી નાખ્યું અને લેબનોનમાં તેના સૌથી મોટા દુશ્મન હિઝબુલ્લાહ (Hezbollah) આતંકીઓનો પણ સંપૂર્ણ નાશ કર્યો. દરમિયાન જ્યારે સીરિયામાં (Syria) સત્તા પરિવર્તન થયું ત્યારે તેણે ઈરાનમાં (Iran) ઘૂસીને પોતાના દુશ્મનોને ખતમ કરી નાખ્યા અને ઈરાન પર મિસાઈલ હુમલો પણ કર્યો.
ઇઝરાયેલે જે રીતે આ સમગ્ર ઓપરેશનને હેન્ડલ કર્યું તેનાથી આખી દુનિયાને આશ્ચર્ય થયું, કારણ કે આ સમગ્ર ઓપરેશનમાં માત્ર ઇઝરાયેલની સેનાએ જ નહીં પરંતુ મોસાદે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે જ્યારે આ સમગ્ર યુદ્ધમાં ઇઝરાયલ વિજેતા બનીને ઉભરી આવ્યું છે, ત્યારે એ વાત સામે આવી રહી છે કે ઇઝરાયેલ ઘણા વર્ષોથી આ યુદ્ધોની તૈયારી કરી રહ્યું હતું. આ બાબતો એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ઇઝરાયેલે હિઝબુલ્લાના નેતાઓની નાનામાં નાની નબળાઈઓને પણ પોતાની તાકાત બનાવી હતી.
બે દાયકા સુધી ઓપરેશન ચલાવીને કર્યો ફુઆદ શુક્રને ટ્રેક
આવી જ એક ઘટનામાં ઇઝરાયેલે ખૂબ જ જટિલ અને લાંબા સમય સુધી એક ઓપરેશન ચલાવ્યા બાદ હિઝબુલ્લાહ કો-ફાઉન્ડર અને સિનીયર મેમ્બર ફુઆદ શુક્રને ટ્રેક કર્યો હતો. ઓપરેશન લગભગ બે દાયકા સુધી ચાલ્યું, જેમાં મોસાદ દરેક નાનામાં નાની માહિતીને ધ્યાનમાં લઈને આધુનિક ટેકનીકોનો ઉપયોગ કરીને શુક્ર સુધી પહોંચ્યું.
ફુઆદ શુક્ર હિઝબુલ્લાહની સૈન્ય વિંગનો મહત્વનો સભ્ય હતો. તેણે દક્ષિણ લેબનોનમાં સંગઠનના ઘણા ઓપરેશનનું સંચાલન કર્યું હતું અને ઇઝરાયેલ સામેના અનેક આતંકવાદી હુમલાઓમાં તે સામેલ હતો. શુક્રને ટ્રેક કરવા માટે, મોસાદે તેના અંગત જીવન પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મોસાદે શુક્રની ગતિવિધિઓ પર નજર રાખવા માટે શુક્રની ચાર રખાત અને તેણે કરેલા નિકાહનો પણ ઉપયોગ કર્યો હતો.
ફોન પર જ કરાવ્યા 4 રખાતો સાથે નિકાહ
શુક્રને તેની ચાર રખાત સાથેના તેના સંબંધોને લઈને અસમંજસમાં હતો ત્યારે તેણે હિઝબુલ્લાહના ટોચના મજહબી નેતા હાશિમ સફીઉદ્દીનનો સંપર્ક કર્યો. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, ઓક્ટોબર 2024માં હવાઈ હુમલામાં માર્યા ગયેલા સફીઉદ્દીનએ શુક્રને સલાહ આપી હતી કે તે ફોન પર તેની ચારેય રખાત સાથે નિકાહ કરી લે. જેથી તે આ રાખતો સાથેના અવૈધ સબંધોને લઈને કયારેય વિવાદોમાં ના સપડાય. ત્યારપછી અલગ અલગ 4 ફોન પર ફુઆદ શુક્રના નિકાહ સમારોહ આયોજિત કરવામાં આવ્યા હતા. આ બધી જ માહિતી મોસાદ ટ્રેક કરી રહ્યું હતું.
બીજી તરફ શુક્ર તેના લોકેશન છુપાવવા માટે ઘણી સાવચેતી રાખી રહ્યો હતો. તે માત્ર પેજર અને વૉકી-ટૉકીનો ઉપયોગ કરતો હતો અને હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ સાથે સીધો સંપર્કમાં હતો. તેની સાવચેતી હોવા છતાં, મોસાદે તેની નબળાઈઓ શોધી કાઢી હતી. મોસાદે તેની ચાર બીવીઓ અને તેમના ફોન કોલ્સના માધ્યમથી ધીમે ધીમે શુક્રના લોકેશન વિશે માહિતી મેળવી હતી.
હવાઈ હુમલામાં કર્યો શુક્રનો ખાત્મો
ત્યારપછી ઇઝરાયલે હવાઈ હુમલામાં ફુઆદ શુક્રને મારી નાખ્યો. ફુઆદ શુક્રને માર્યા પછી, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ ઝડપથી વધ્યો. જોકે ઇઝરાયેલ પણ એવું જ ઇચ્છતું હતું. ત્યારપછી, ઇઝરાયેલે હિઝબુલ્લાહનો સંપૂર્ણ સફાયો કરવા સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું, જેમાં હિઝબુલ્લાહના પેજર્સ અને વૉકી-ટૉકી બ્લાસ્ટ કર્યા. ત્યારપછી શુક્રની હત્યા સાથે, ઇઝરાયેલી સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું.
આ ઓપરેશન દરમિયાન લગભગ 2000 હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના સમગ્ર નેતૃત્વને ખતમ કરી નાખ્યું. કારણ કે ઇઝરાયેલ 2 દાયકાથી હિઝબુલ્લાહના ઓપરેટિવ્સની જાસૂસી કરી રહ્યું હતું. શરૂઆતમાં તેણે 200 હાઈપ્રોફાઈલ હિઝબુલ્લાહ નેતાઓને નિશાન બનાવવાની યોજના બનાવી હતી, પરંતુ પેજર અને વૉકી-ટૉકી હુમલાનો ઉપયોગ કરીને તેણે એક સાથે હજારો હિઝબુલ્લાહ આતંકીઓને નિશાન બનાવ્યા હતા.
અમેરિકી એજન્સીઓ પણ હતી સામેલ
ઇઝરાયેલ માટે શુક્રને પકડવો મહત્વપૂર્ણ હતો કારણ કે તે અનેક આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હતો. જેમાં એ હુમલો પણ સામેલ છે જયારે 1983માં યુએસ મરીન બૈરેકને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં 241 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આ કારણે અમેરિકા પણ લાંબા સમયથી શુક્ર પર નજર રાખી રહ્યું હતું. આ ઓપરેશનમાં અમેરિકન ગુપ્તચર એજન્સીઓ પણ અપ્રત્યક્ષ રીતે સામેલ હતી.
ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે હિઝબુલ્લાના સિનીયર મેમ્બર ફુઆદ શુક્રની હત્યા કરીને ન માત્ર એક મોટી સફળતા હાંસલ કરી, પરંતુ હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની એ ધારણાને પણ ખોટી સાબિત કરી કે ઇઝરાયેલ તેની સંપૂર્ણ તાકાતથી હિઝબુલ્લા પર હુમલો કરશે નહીં. નસરાલ્લાહને વિશ્વાસ હતો કે હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલ ઇઝરાયેલ લેબનોનમાં કોઈ મોટી કાર્યવાહી કરી શકશે નહીં.
જોકે ઇઝરાયેલે હસન નસરલ્લાહ સહિત હિઝબુલ્લાહની સમગ્ર તાકાતનો વિનાશ કર્યો. આ સમગ્ર ઓપરેશનથી સ્પષ્ટ થાય છે કે મોસાદની ગુપ્ત વ્યૂહરચના અને ઇઝરાયેલ આર્મીની સુનિયોજિત કાર્યવાહીએ સાબિત કરી દીધું કે ઇઝરાયેલ એકસાથે અનેક મોરચે લડવામાં સક્ષમ છે. આ દરમિયાન ઇઝરાયેલે તેના દુશ્મનોને ગણી ગણીને નિશાન બનાવ્યા હતા.