પાટીદાર અનામત આંદોલનના જોરે ગુજરાતના રાજકારણ સુધી પહોંચેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. એક તરફ હાર્દિક ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને જુદી-જુદી રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટીમાંથી રાજીનામું આપવાને લઈને સતત ઇનકાર કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલાં અખબાર દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપના વખાણ કરીને ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી હતી, જે બાદથી અટકળો વહેતી થઇ હતી કે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. જે બાદ હાર્દિકે અન્ય માધ્યમો પર પણ આ જ સૂરમાં વાત કહી હતી અને પાર્ટી છોડવાના સંકેતો પણ આપ્યા હતા. પરંતુ ઘણા દિવસોથી હાર્દિક માત્ર નિવેદનો જ આપી રહ્યા છે અને પાર્ટી છોડી રહ્યા નથી.
હાર્દિક પટેલ હાલ ભલે ભાજપના અને ભાજપ સરકારના નિર્ણયોનાં વખાણ કરી રહ્યા હોય પરંતુ ભૂતકાળમાં રામમંદિર અને અન્ય મુદ્દાઓને લઈને તેમણે આપેલા નિવેદનોનાં કારણે ભાજપના મોટાભાગના સમર્થકો તેમનાથી નારાજ છે અને હાર્દિક પાર્ટીમાં નહીં જોડાય તેવું ઈચ્છી રહ્યા છે. ઉપરાંત, ભાજપના નેતાઓ પણ સોય ઝાટકીને કહી ચૂક્યા છે કે હાર્દિક ભાજપમાં નહીં જોડાય અને આ એકમાત્ર અફવા છે. જે પરથી જણાઈ રહ્યું છે કે હાલ પૂરતા હાર્દિકની ભાજપમાં જોડાવાની વાતો પણ અટકળો માત્ર છે.
ભાજપ ઉપરાંત હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ શકે તેવી ચર્ચા હતી. જોકે, હાલના તબક્કે ‘આપ’માં પણ તેમના જોડવાની શક્યતાઓ નહીંવત જણાઈ રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ તો આપ્યું છે પરંતુ ત્યારબાદ વાત આગળ વધી નથી.
એક તરફ હાર્દિક પટેલ પાર્ટી સાથેની નારાજગીના કારણે પક્ષ છોડવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ બાકીની ભાજપ અને આપ બંનેમાં વાત ન બની શકવાના કારણે હાર્દિક હવે હાઈકમાન્ડને વચ્ચે પાડી રહ્યા છે અને મામલો ઉકેલવા માટે કહી રહ્યા છે.
I am in Congress currently. I hope the central leaders find a way so that I continue to remain in the Congress. There are others who want Hardik to leave the Congress. They want to break my morale. @NewIndianXpress pic.twitter.com/zW1oHf5m52
— Hardik Patel (@HardikPatel_) April 26, 2022
હાર્દિક પટેલે આજે એક ટ્વીટ કરતાં કહ્યું છે કે, “હું હાલ કોંગ્રેસમાં છું. આશા રાખું છું કે કોંગ્રેસ નેતાઓ કોઈ રસ્તો શોધે જેથી હું પાર્ટીમાં રહીને કામ કરી શકું. કેટલાક લોકો ઈચ્છી રહ્યા છે કે હાર્દિક કોંગ્રેસ છોડી દે. તેઓ મારો આત્મવિશ્વાસ તોડવા માંગે છે.” આ ટ્વીટ સાથે હાર્દિક પટેલે પોતે અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલ ઇન્ટરવ્યૂ પણ ટાંક્યું છે.
ઇન્ટરવ્યૂમાં હાર્દિક ‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ને કહે છે કે, મારી નારાજગી કેન્દ્રીય નેતૃત્વ સાથે નહીં પણ સ્થાનિક નેતૃત્વ સામે છે. હું જો કાર્યકારી અધ્યક્ષ હોઉં તો રાજ્યના નેતૃત્વએ મને જવાબદારી સોંપવી જોઈએ. જેમકે, જેમ કોંગ્રેસ બીજા રાજ્યોમાં કરે છે તેમ મને ગુજરાતના કોઈ ઝોનની જવાબદારી સોંપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલાં હાર્દિક પટેલ તેમની હાલત લગ્ન બાદ નસબંદી કરાવેલ યુવાન જેવી થઇ ગઈ છે તેવું નિવેદન આપી ચૂક્યા છે.
તેમણે કહ્યું કે, મેં આ મામલે રાહુલ ગાંધી સાથે પણ વાત કરી હતી. તેમણે મને કે.સી વેણુગોપાલનો સંપર્ક કરવા કહ્યું હતું. જે બાદ મેં તેમનો પણ સંપર્ક કરતા તેઓ સહમત થયા હતા અને મને જવાબદારી સોંપવા માટે કહ્યું હતું. પરંતુ રાજ્યનું નેતૃત્વ કંઈ કરી રહ્યું નથી.
હાર્દિકે ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાને લઈને ફરીથી ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે ભાજપમાં નિર્ણયો લેવા માટેની સૂઝબૂઝ છે. તેનાથી એવો સંદેશ ગયો કે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. કેટલાકે આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે પણ અટકળો કરી. પરંતુ આ અફવાઓ છે.