Thursday, April 25, 2024
More
    હોમપેજસંપાદકની પસંદજમ્મુ-કાશ્મીર સીમાંકન રિપોર્ટ અંતિમ તબક્કામાં, પરંતુ POKની 24 બેઠકો ખાલી રાખવાનો નિર્ણય...

    જમ્મુ-કાશ્મીર સીમાંકન રિપોર્ટ અંતિમ તબક્કામાં, પરંતુ POKની 24 બેઠકો ખાલી રાખવાનો નિર્ણય કેટલો યોગ્ય?

    કાશ્મીરમાં ડીલિમીટેશનની પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે. પરંતુ હજી પણ તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની 24 બેઠકો ખાલી રાખવાના નિર્ણયને જાળવી રાખવામાં આવ્યો છે. શું આ સરકારની ભૂલ છે?

    - Advertisement -

    કેન્દ્ર સરકારના નિર્દેશ પર ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સીમાંકન કમિશનનો અહેવાલ અંતિમ તબક્કામાં છે. એક તરફ જમ્મુ-કાશ્મીર સ્થિત ગુપકાર ગઠબંધનના નેતાઓ આ સીમાંકનનો સતત વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સીમાંકનથી જમ્મુ-કાશ્મીર જેવા અત્યાર સુધી અશાંત રહેલા રાજ્યમાં શાંતિ અને લોકતંત્ર પુનઃસ્થાપિત કરી શકાશે તેવી સરકારને દ્રઢ આશા છે. પરંતુ જો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિસ્થાપિત લોકોના સમુદાય દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રશ્નોમાં થોડીઘણી પણ સત્યતા હશે તો આ સીમાંકન પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કાશ્મીર બાબતના ભૂતકાળના તમામ નિર્ણયો અને તેની ઐતિહાસિક અસરોને નાબૂદ કરવા પર્યાપ્ત બની રહેશે.

    પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વસવાટ કરતા ભારતીય સમુદાય દ્વારા વારંવાર વિનંતીઓ કરવામાં આવી હોવા છતાં કમિશને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર માટે 24 બેઠકો ખાલી રાખવા માટેની પ્રથાને બદલીને આ બેઠકો પર વિસ્થાપિત લોકોના સમુદાયમાંથી ઉમેદવારો ઉતારવાની ભલામણ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

    પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર સમુદાયનું કહેવું છે કે, 111 બેઠકો ધરાવતી વિધાનસભાની 24 બેઠકો ખાલી રાખીને બાકીની 87 બેઠકો પર જ ચૂંટણી કરાવીને છેલ્લા 70 વર્ષોથી દેશે જમ્મુ-કાશ્મીરની સમગ્ર વસ્તીનું ભવિષ્ય એવા કાશ્મીરી નેતૃત્વના હાથમાં સોંપી રાખ્યું છે, જેઓ કાશ્મીર ખીણની 46 બેઠકોના જોરે કાશ્મીર અને સાથે દેશને પણ લૂંટી રહ્યા છે. તેમજ જમ્મુ કાશ્મીરની 37 અને લદાખની માત્ર 4 એમ બાકીની 41 બેઠકો સિવાય રાજ્યમાં ક્યાંય શાંતિ નથી અને કાશ્મીર ખીણના નરસંહારના ત્રણ દાયકા બાદ આ સ્થિતિમાં કોઈ પણ સુધારાની આશા રાખવી મૂર્ખામી ગણાશે.

    - Advertisement -

    21 ઓગસ્ટ, 2020 ના રોજ સીમાંકન કમિશનના સચિવે મુઝફ્ફરાબાદ, મિરપુર, કોટલી, ભુમ્બેર, દેવ બટાલા અને અલી બેગ જેવા ભારતીય પરિવારો માટે બનાવવામાં આવેલ પીઓજેકે રેફ્યુજી ફોરમને લખેલા ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 ની ધારા 14 (4) ને ટાંકીને કહ્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પાકિસ્તાન અધિકૃત વિસ્તાર પર કબજો નહીં મેળવી લેવાય અને ત્યાં રહેતા લોકો પોતાના ઉમેદવારોને સીધી રીતે ન ચૂંટી કાઢે ત્યાં સુધી આ 24 બેઠકો ખાલી જ રાખવામાં આવશે અને કાયદાના ભાગ-5 મુજબ મતવિસ્તારોના સીમાંકનમાં તેનો સમાવેશ કરવામાં આવશે નહીં.”

    કમિશનના આ પ્રકારના જવાબ મુદ્દે પ્રતિક્રિયા આપતા ફોરમના સહ-સંયોજક અને મુઝફ્ફરાબાદ સાથે સબંધ ધરાવતા પત્રકાર ઓપી દત્તા કહે છે કે, ચોંકાવનારી વાત છે કે કમિશને ન માત્ર વિસ્થાપિત લોકોના સમુદાયનો 24 વિધાનસભા બેઠકોનો અધિકાર નાબૂદ કરી દીધો પરંતુ તેનાથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે જ્યાં સુધી પીઓકે ભારતનો હિસ્સો નહીં બને ત્યાં સુધી આ મામલાને અનિશ્ચિત મુદત સુધી ટાળી દેવામાં આવ્યો. જેનાથી દુર્ભાગ્યપૂર્ણ રીતે કાશ્મીરની અલગાવવાદી અને ભારત વિરોધી શક્તિઓને બંધારણીય ભેટ તરીકે મળેલ આધિપત્ય ટકાવી રાખવા માટે બળ મળશે.

    અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 1951 માં જ્યારે દેશના બાકીના ભાગોમાં વિધાનસભા અને લોક્સાભા મતવિસ્તારોના સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે જમ્મુ-કાશ્મીરના ‘વડાપ્રધાન’ શેખ અબ્દુલ્લાને રાજ્યની વિધાનસભાનું માળખું તૈયાર કરવા માટે પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી. જે બાદ તેમણે 100 બેઠકોવાળી વિધાનસભામાંથી પીઓકેના નામે 25 બેઠકો ખાલી રાખવાનો તેમજ કાશ્મીર ખીણ માટે 43 બેઠકોનો મોટો હિસ્સો અને જમ્મુ માત્ર 30 બેઠકો અને લદાખ માટે 2 બેઠકો ફાળવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

    રાજ્યની વિધાનસભાની હાલની રચના વર્ષ 1995 માં જમ્મુ-કાશ્મીરના બીજા પુનર્ગઠન બાદ અપનાવવામાં આવી હતી. જે બાદ વર્ષ 2002 માં દેશમાં ચોથી વખત સીમાંકન કરવામાં આવ્યું ત્યારે ડૉ. ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ સરકારે અનુચ્છેદ 370 હેઠળ રાજ્યને મળેલી ‘સ્વાયત્તતા’નું કારણ ધરીને સીમાંકનમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેમણે વિધાનસભામાં પૂર્ણ બહુમતનો લાભ ઉઠાવીને રાજ્યના બંધારણમાં 29મુ સંશોધન કરીને સુનિશ્ચિત કર્યું હતું કે રાજ્યની વિધાનસભાની સંરચના વર્ષ 2031 સુધી બદલી શકાશે નહીં.

    આ ઉપરાંત, કાશ્મીરની રાજ્ય સરકારે 1995 ના સીમાંકન અભ્યાસમાં સોશિયલ એન્જિનિયરીંગ કરીને મુસ્લિમ મતદારોની બહુમતી કરવા માટે રાજૌરી, પંચ હ્વિલી અને કલાકોટ જેવા મતવિસ્તારોમાં ફેરફારો કર્યા હતા. જેનું સૌથી મોટું ઉદાહરણ બૌદ્ધ બહુમતી ધરાવતો પદુમ-ઝંસકાર મતવિસ્તાર હતો, જ્યાં મુસ્લિમોની સંખ્યા 60 ટકાથી વધુ કરવા માટે લંકાર્ચે, બાર્ટો અને કારગિલના વરસો જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારોને એકીકૃત કરી દેવામાં આવ્યા હતા. આ મામલે ઝંસ્કાર બુદ્ધ સંઘ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં મામલો ઉઠાવવામાં આવ્યો ત્યારે કોર્ટે અનુચ્છેદ 370નો હવાલો આપીને સુનાવણીનો ઇનકાર કરી દીધો હતો.

    પીઓજેકેના લોકોના 24 વિધાનસભા બેઠકો ખાલી રાખવાના પ્રાવધાન અંગે વિશેષ ચિંતાનું કારણ એ પણ છે કે કાશ્મીર ખીણના બહુમતનો દુરુપયોગ રાજ્યની આખી વસ્તી પર અતાર્કિક, અમાનવીય અને ભારતના હિતોની વિરુદ્ધના કાયદા લાગુ કરવા માટે થતો રહ્યો છે. ઉદાહરણ તરીકે 1982 માં જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ સરકારે એક કાયદો પસાર કર્યો હતો જેમાં 1947 અને 1954 માં પાકિસ્તાન ગયેલા કાશ્મીરીઓ માટે દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા અને કાયદામાં તેઓ પોતાની પૈતૃક સંપત્તિઓ પર દાવો પણ માંડી શકે તેવી પણ જોગવાઈઓ કાયદામાં કરવામાં આવી હતી.

    આ ઉપરાંત આવા અનેક કાયદાઓ હતા જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં રહેતા વિવિધ સમુદાયોને વિધાનસભા કે સ્થાનિક ચૂંટણીઓમાં પણ મતદાન કરવા કે ઉમેદવારી કરવાના અધિકારો મળતા ન હતા. આ ઉપરાંત આ લોકોને સરકારી નોકરી, બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે સરકારી સંસ્થાઓમાં પ્રવેશ, રાજ્યમાં અચલ સંપત્તિની માલિકી કે રાજ્યની બેંકોમાંથી લોન લેવા વગેરે અધિકારો પણ મળતા ન હતા. આ સમુદાયોમાં એવા શરણાર્થીઓ સામેલ હતા જેઓ પાકિસ્તાનના પંજાબથી આવીને કાશ્મીરમાં સ્થાયી થયા હતા. જેમાં વાલીમીકી સમુદાય તેમજ તત્કાલીન મહારાજાની સેનાના સૈનિકોના ગોરખા પરિવારો તેમજ કાશ્મીરની સિવિલ સેવાઓ અને બેંક અને વૈજ્ઞાનિક સંસ્થાઓમાં કામ કરનાર લોકોના પરિવારો સામેલ હતા.

    આ ઉપરાંત, અન્ય એક કાયદા થકી રાજ્ય બહાર લગ્ન કરનાર મહિલાઓ પાસેથી તેમની સરકારી નોકરી તેમજ પૈતૃક સંપત્તિમાં ભાગીદારીના અધિકારો છીનવી લેવામાં આવ્યા  હતા. વાલ્મિકી સમાજના કિસ્સામાં અગાઉ ભંગી તરીકે ઓળખાતા પરિવારોમાં જન્મ લેતા બાળકના જન્મ પ્રમાણપત્ર પર તે વ્યક્તિ સિવાયની કોઈ પણ સરકારી નોકરી કરી શકશે નહીં તેવી જાહેરાતો ફરજિયાત કરવી પડતી. આ સમુદાયોના અપમાનમાં વધારો કરવા માટે તત્કાલીન રાજ્ય સરકારે 1950ના દાયકાની શરૂઆતમાં ચીન દ્વારા કબજો મેળવી લેવાયા બાદ તિબેટ અને શિનજિયાંગમાંથી આવેલ મુસ્લિમોને તમામ નાગરિક અધિકારો આપ્યા હતા.

    જોકે, સીમાંકન પંચ કેટલાક મતવિસ્તારોમાં એસસી અને એસટી સમુદાયો માટે વધારાની બેઠકો ઉમેરવાનો હવાલો આપીને બચવાના પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ ટીકાકારો તેને માત્ર એક દેખાડાની કવાયત ગણાવી રહ્યા છે.

    એમ કહેવું ખોટું નથી કે પીઓકે ભારતમાં પરત નહીં આવે ત્યાં સુધી 24 બેઠકોને ખાલી રાખવાનો નિર્ણય અનુચ્છેદ 370 અને ખંડ 35A હટાવવામાં આવ્યા બાદનાં પરિણામો અને જમ્મુ-કાશ્મીરને ભારતનું શાંતિપૂર્ણ અને સમુદ્ધ અંગ બનાવવા માટે પીએમ મોદી અને અમિત શાહની જોડીના અત્યાર સુધીના તમામ પ્રયત્નોને શૂન્ય કરી નાંખવા બરાબર હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં