જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનનું કામ પૂર્ણ થઇ ગયું છે અને ત્રણ સભ્યોવાળા સીમાંકન કમિશને તેના અંતિમ રિપોર્ટ ઉપર હસ્તાક્ષર પણ કરી દીધા છે. સીમાંકન બાદ જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 બેઠકોનો પ્રાવધાન છે. ઉપરાંત અનુસૂચિત જનજાતિઓ માટે 9 બેઠકો અનામત રાખવામાં આવી છે. અનુમાન છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી સાથે જ જમ્મુ-કાશ્મીરમાં પણ ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી શકે છે.
સીમાંકન કમિશને પોતાનો કાર્યકાળ પૂર્ણ થવાના એક દિવસ પહેલાં એટલે કે ગુરુવારે (5 મે 2022) સીમાંકન મામલે પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો હતો. જે મુજબ જમ્મુ વિભાગમાં વિધાનસભાની 43 બેઠકો અને કાશ્મીરમાં 47 બેઠકો હશે. વિધાનસભાની 90 બેઠકો હશે જ્યારે લોકસભાની પાંચ બેઠકો રહેશે. આ ઉપરાંત, બંને ક્ષેત્રોમાં લોકસભાની અઢી-અઢી બેઠકો રહેશે, એટલે કે એક લોકસભા બેઠકનો અડધો ભાગ જમ્મુમાં હશે અને અડધો હિસ્સો કાશ્મીર ક્ષેત્રમાં. દરેક લોકસભામાં વિધાનસભાની 18 બેઠકો હશે. પ્રદેશમાં પ્રથમ વખત ST માટે નવ બેઠકો અનામત રાખવામાં આવી છે. જ્યારે અનુસૂચિત જાતિ (SC) માટે સાત બેઠકો અનામત રહેશે.
ઉલ્લેખનીય છે કે સીમાંકન પહેલાં વિધાનસભા બેઠકોની સંખ્યા 87 હતી. જેમાંથી જમ્મુમાં 37, કાશ્મીરમાં 46 અને લદાખમાં ચાર બેઠકો હતો. લદાખ અલગ થયા બાદ જમ્મુ-કાશ્મીરના હિસ્સામાં 83 બેઠકો રહી હતી. પરંતુ હવે 7 બેઠકો વધારવામાં આવ્યા બાદ વિધાનસભાની કુલ 90 બેઠકો થઇ છે.
સીમાંકન માટે સરકારે માર્ચ 2020 માં એક પેનલ બનાવી હતી. જેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ હતાં. આ ઉપરાંત પેનલમાં ચીફ ઇલેકશન ઓફિસર સુશીલ ચંદ્રા અને ડેપ્યુટી ઈલેક્શન કમિશ્નર ચંદ્ર ભૂષણ કુમાર સામેલ હતા.
અહીં નોંધવું અગત્યનું છે કે આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 1995 માં સીમાંકન થયું હતું. તે સમયે રાજ્યમાં 12 જિલ્લાઓ અને 58 તાલુકાઓ હતા. હાલમાં 20 જિલ્લાઓ અને 270 તાલુકાઓ છે. બેઠકોના સીમાંકનનો મુખ્ય આધાર વસ્તી રહે છે. તે ઉપરાંત ક્ષેત્રફળ અને ભૌગોલિક સ્થિતિનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
રાજ્યની વિધાનસભાની હાલની રચના વર્ષ 1995 માં જમ્મુ-કાશ્મીરના બીજા પુનર્ગઠન બાદ અપનાવવામાં આવી હતી. જે બાદ વર્ષ 2002 માં દેશમાં ચોથી વખત સીમાંકન કરવામાં આવ્યું ત્યારે ડૉ. ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ સરકારે અનુચ્છેદ 370 હેઠળ રાજ્યને મળેલી ‘સ્વાયત્તતા’નું કારણ ધરીને સીમાંકનમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેમણે વિધાનસભામાં પૂર્ણ બહુમતનો લાભ ઉઠાવીને રાજ્યના બંધારણમાં 29મુ સંશોધન કરીને સુનિશ્ચિત કર્યું હતું કે રાજ્યની વિધાનસભાની સંરચના વર્ષ 2031 સુધી બદલી શકાશે નહીં.
જોકે, વર્ષ 2019 માં કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી નાંખી હતી અને જમ્મુ-કાશ્મીર અને લદાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવી દીધા હતા. જોકે, હવે સરકાર ફરીથી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટેનું આયોજન કરી રહી છે.