Friday, November 15, 2024
More
    Home Blog Page 1084

    અયોધ્યા: હનુમાન મંદિરમાં સૂતેલા યુવકની ગળું કાપીને હત્યા, પોલીસે શરૂ કરી તપાસ 

    ઉત્તર પ્રદેશના અયોધ્યામાં (Ayodhya) સ્થિત એક હનુમાન મંદિરમાં ઊંઘેલા યુવકની ગળું કાપીને હત્યા કરી નાંખવાનો મામલો સામે આવ્યો છે. યુવક મૂળ અમેઠીનો રહેવાસી હતો અને અયોધ્યા તેના મામાના ઘરે આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તો બીજી તરફ મોટી સંખ્યામાં સુરક્ષાબળો તહેનાત કરી દીધા છે. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, 35 વર્ષીય યુવક પંકજ શુક્લા રાત્રે વીજળી ગુલ થઇ જવાના કારણે ગરમી લાગવાથી ઘરની બહાર સ્થિત હનુમાન મંદિરના પ્રાંગણમાં જઈને ઊંઘી ગયો હતો. જ્યારે સવાર થઇ તો પરિજનોએ તેનું લોહીથી લથબથ શરીર જોયું હતું. તેનું ગળું કાપીને હત્યા કરી નાંખવામાં આવી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 

    એક વિડીયો સામે આવ્યો છે જેમાં મંદિરની બહાર એક મૃતદેહ પડેલો દેખાય છે અને તેના ગળામાંથી લોહી નીકળતું પણ જોઈ શકાય છે. ઘટના બાદ તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ અમુક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. 

    રિપોર્ટ અનુસાર, મૃતક યુવકના પરિજનોમાં જમીન મામલે વિવાદ ચાલતો હતો અને તે તેની માતાને લઈને આવનજાવન કરતો રહેતો હતો. મૃતકના પરિવારના અન્ય સભ્યો મુંબઈ રહે છે. યુવક છેલ્લા 2 મહિનાથી અયોધ્યા તેના મામાના ઘરે રહેતો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

    હનુમાન મંદિરમાં યુવકની હત્યા (Murder) મામલે અયોધ્યા પોલીસે જણાવ્યું કે, તેમને સવારે 6 વાગ્યે ગામના મંદિરમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જાણકારી બાદ પોલીસ સ્થળે પહોંચી હતી. તેના ગળા પર ઘાના નિશાન હતા. જાણકારી મળી કે મૃતકની ઉંમર લગભગ 35 વર્ષ હતી અને તે અહીં મામાના ઘરે છેલ્લા લગભગ 2 મહિનાથી રહેતો હતો. ઘટનાની પોલીસ દ્વારા ફોટો-વીડિયોગ્રાફી કરીને તમામ પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ મામલે મૃતકના પરિજનો પાસેથી વધુ વિગતો મેળવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ ઘટનાની તપાસ માટે ટિમ પણ બનાવી હોવાનું અહેવાલો પરથી જાણવા મળ્યું છે.

    તાજા સમાચાર અનુસાર, યુવકની હત્યા કરનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તેનું નામ ગુલ્લુ મિશ્રા હોવાનું જણાવવામાં આવ્યું છે. જે મૃતક યુવકના મામાનો છોકરો છે. પોલીસે જણાવ્યું કે ગત રાત્રિએ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ તેણે હત્યાને અંજામ આપ્યો હતો.

    મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડીને વધુ એક ઝટકો, ભાજપના રાહુલ નાર્વેકર સ્પીકર તરીકે ચૂંટાયા, 164 મતો મળ્યા

    મહારાષ્ટ્ર રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ આજથી શરૂ થયેલા વિધાનસભાના વિશેષ સત્રની શરૂઆતમાં સ્પીકરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાહુલ નાર્વેકરની જીત થઇ છે. વિધાનસભામાં ચૂંટણી દરમિયાન રાહુલ નાર્વેકરને કુલ 288 માંથી 164 મતો મળ્યા છે. જ્યારે 107 ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું હતું. જે બાદ તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

    મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી બેલેટ વોટિંગથી નહીં પરંતુ બીજી રીતે કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના તમામ સભ્યોએ ઉભા થઈને તેમનું નામ અને જે-તે ઉમેદવારને સમર્થન આપવું હોય તેમનું નામ બોલ્યા હતા. મતદાનની કાર્યવાહી ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલે કરી હતી. 

    વિધાનસભામાં મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીએ ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન કર્યું ન હતું અને તેમના બંને ધારાસભ્યો મતદાન દરમિયાન બેસી રહ્યા હતા. બીજી તરફ, AIMIM ના બંને ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન રેકોર્ડિંગ માટે 9 કેમેરા લગાવવામાં આવ્યા હતા તેમજ મતદાન સુધી ગૃહના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. 

    રાહુલ નાર્વેકરે 2 જુલાઈના રોજ સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે મહાવિકાસ આઘાડીએ શિવસેના ધારાસભ્ય રાજન સાલ્વીને ઉમેદવારી કરાવી હતી. જોકે, તેમને માત્ર 107 મતો મળ્યા હતા, જ્યારે ભાજપ ઉમેદવારને 164 મતો મળતા તેઓ સ્પીકર પડે ચૂંટાયા હતા. સ્પીકર તરીકે ચૂંટાવા માટે કોઈ પણ ઉમેદવારને 145 મતોની જરૂર હતી. મતદાન પૂર્ણ થયા બાદ ગૃહમાં ભાજપ-શિવસેનાના ધારાસભ્યોએ ‘જય ભવાની, જયશ્રી રામ અને જય શિવાજી’ના નારા લગાવ્યા હતા. 

    અહીં નોંધવું જોઈએ કે ગત ફેબ્રુઆરીમાં કોંગ્રેસ નેતા નાના પાટોલેએ સ્પીકર પદેથી રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી હતું અને ત્યારથી ડેપ્યુટી સ્પીકર એનસીપીના નરહરિ ઝીરવાલ સ્પીકરનું કામકાજ સંભાળતા હતા. 

    રાહુલ નાર્વેકર ચૂંટાયા બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના જ નહીં પરંતુ આખા દેશમાં સૌથી ઓછી ઉંમરના વિધાનસભા અધ્યક્ષ છે. તેમણે કહ્યું કે, રાહુલ નાર્વેકરનું વિધાનસભા અધ્યક્ષ બનવું એ સન્માન અને સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે, ન્યાય અપાવવો જ સ્પીકરનું કર્તવ્ય છે. ફડણવીસે કહ્યું કે, દરેકનો પોતાનો પક્ષ હોય છે, જેને સાંભળવામાં આવવો જોઈએ અને તેને તક આપવામાં આવવી જોઈએ. મને વિશ્વાસ છે કે રાહુલ નાર્વેકર એમ જ કરશે. 

    રાહુલ નાર્વેકર રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા કાઉન્સિલર રહી ચૂક્યા છે. 2014 માં રાહુલ નાર્વેકર શિવસેનામાં હતા, તે દરમિયાન તેમણે લોકસભા ચૂંટણી લડવા દાવેદારી કરી હતી, પરંતુ ટિકિટ મળી ન હતી. જે બાદ તેઓ એનસીપીમાં સામેલ થયા હતા. જે બાદ લોકસભા ચૂંટણીમાં હાર થયા બાદ ભાજપમાં સામેલ થયા હતા. 2019 ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ ઉમેદવારને 15 હજાર મતોથી હરાવ્યા હતા. 

    મહારાષ્ટ્ર વિધાનસભાના બે દિવસીય સત્રના પહેલા દિવસે સ્પીકરની ચૂંટણી થયા બાદ આવતીકાલે શિંદે સરકાર ગૃહમાં બહુમત સાબિત કરશે. જે બાદ સત્ર પૂર્ણ કરવામાં આવશે. 

    ફેક્ટ ચેક: મુસ્લિમો પાસેથી સામાન ખરીદવા બદલ રૂ. 5100 દંડ, રકમ ગૌશાળાને દાન અપાશે, કન્હૈયા લાલની હત્યા સામેનો પંચાયતનો પત્ર થયો વાયરલ

    ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મુસ્લિમ ફેરિયાઓનો બહિષ્કાર કરવાનો પત્ર વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર કેટલાક લોકો દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ વાયરલ પત્રમાં મુસ્લિમ ફેરિયાઓ પાસેથી કોઈપણ સામાન ખરીદનારા પર 5100 રૂપિયાનો દંડ ફટકારવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉદયપુરમાં કન્હૈયા લાલની ઘાતકી હત્યાના વિરોધમાં આ પત્ર રજૂ કરવામાં આવ્યો છે.

    વાયરલ પત્ર પર 30 જૂન 2022ની તારીખ જોવા મળી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ પત્ર પર પૂર્વ સરપંચ મફીબેન પટેલની સહી અને સ્ટેમ્પ છે. પત્રના નીચેના ભાગમાં અન્ય કેટલાક લોકોની પણ સહી છે. પત્રની ટોચ પર ‘સત્યમેવ જયતે’ લખેલું છે. પત્ર મુજબ દંડના રૂ. 5100 ગૌશાળાને દાનમાં આપવામાં આવશે એવું કહેવાયું છે.

    વાયરલ પત્ર રાજકીય હાથો બની ગયો

    આ મામલાએ તરત જ વેગ પકડ્યો અને તેના પર રાજકારણ શરૂ થયું. કોંગ્રેસના અનુસૂચિત વિભાગ, ગુજરાતના અધ્યક્ષ હિતેન્દ્રએ આ પત્રને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર નિશાન સાધવાનું શરૂ કર્યું. પરંતુ ટિપ્પણી કરતાં પહેલા કોંગ્રેસીઓએ એ જાણવાનો પ્રયાસ પણ કર્યો નથી કે મુસ્લિમ ફેરિયાઓનો બહિષ્કાર કરવાનો વાયરલ થઈ રહેલો પત્ર નકલી છે કે સત્તાવાર.

    પ્રશાસને આ પત્રને અનધિકૃત ગણાવ્યો

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ આ પત્રને અનધિકૃત ગણાવ્યો છે. તેમણે કહ્યું, “જેના દ્વારા આ પત્ર જારી કરવામાં આવ્યો છે તેને આ રજૂ કરવાનો અધિકાર નથી. હાલમાં પંચાયત સંચાલક દ્વારા ચલાવવામાં આવે છે અને સરપંચની ચૂંટણી થવાની બાકી છે.”

    તે જ સમયે, પંચાયત પ્રશાસકે પણ આ પત્રને નકારી કાઢ્યો છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “વાઘાસણ પંચાયતના વર્તમાન વહીવટકર્તા આર.આર. ચૌધરી છે. આ પત્ર મુખ્ય સંચાલકે લખ્યો નથી. સંચાલકો પણ આ પત્રને સમર્થન આપતા નથી અને આવું કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

    સ્થાનિક પ્રશાસને પણ આ પત્રને લઈને અફવા ફેલાવનારાઓ સામે નિયમો મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. સત્તાવાર રીતે વેરિફિકેશન બાદ આ પત્ર નકલી હોવાનું જાણવા મળ્યું છે. પ્રધાનના પતિનું કહેવું છે કે તેમની પત્ની નવેમ્બર 2021થી સરપંચ નથી. તેમના જણાવ્યા અનુસાર, તેઓ શોધી રહ્યા છે કે વાયરલ પત્ર કોણે લખ્યો હતો, કોણે સહી કરી હતી અને તેની પર સ્ટેમ્પ લગાવ્યો હતો.

    એવું માનવામાં આવે છે કે ઉદયપુરવાળા પ્રસંગને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોની લાગણી ભડકાવવા માટે આવું કામ કરવામાં આવ્યું છે. વાયરલ થયેલા આ પત્રની સત્યતા અને સત્યતાની કોઈ સત્તાવાર સ્તરે પુષ્ટિ કરવામાં આવી નથી. આ એક નકલી પત્ર છે, જે કોઈ પ્રોપગેંડા હેઠળ રજૂ કરાઈને વાયરલ થઈ રહ્યો છે.

    ‘તારા જેવાની પણ એવી જ હાલત થશે’: કન્હૈયાલાલની હત્યાને વખોડવા બદલ પાદરા તાલુકાના ભાજપ ઉપપ્રમુખને ધમકી અપાઈ

    ઉદયપુરમાં એક હિંદુ ટેલર કન્હૈયાલાલની હત્યા કરવામાં આવ્યા બાદ આ ઘટનાની ટીકા કરનારાઓને પણ કટ્ટરપંથીઓની ધમકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ઘટનામાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભાજપના ઉપપ્રમુખને ઉદયપુર ઘટનાને વખોડવા બદલ ધમકી આપવામાં આવી હતી. આ મામલે તેમણે વડુ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. 

    બનાવની વધુ વિગતો એવી છે કે, પાદરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવે ગત 29 જૂન 2022 ના રોજ ફેસબુક ઉપર એક પોસ્ટ નીચે કૉમેન્ટ કરી હતી. ‘સૌરવ કુમાર ખીચાર’ નામના આઈડી દ્વારા પોસ્ટ કરીને હિંદીમાં લખવામાં આવ્યું હતું કે, “ઉદેપુર જૈસી ઘટના ભારત દેશ મેં? અફઘાનિસ્તાન/તાલિબાન/પાકિસ્તાન જૈસી ઘટના! ભયાવહ હૈ, માનવતા કો શર્મસાર કરીને વાલી. આજ પહેલી ઘટના પર હી ઐસા સબક મિલે કી દુબારા કોઈ ઐસા સોચે ભી નહીં. કાનૂન આપણા કામ જરૂર કરેગા, શાંતિ બનાયે રખેં.”

    આ પોસ્ટ નીચે ભાજપ નેતા નિલેશસિંહે કન્હૈયાલાલની હત્યાની ટીકા કરતા લખ્યું હતું કે, ‘હત્યા કરને વાલા જાનતા થા ઇસકે લિયે વો જેલ જાએગા, હો શકે વો ઉમ્ર કેદ કે લિએ અંદર હો જાએ. ઇસ ઘટના કો અંજામ દેને કે એવજ મેં ઉસકે ખાનદાન કો કરોડો રુપયે મિલે હોંગે. ઔર એ સબ પૈસે કતર, કુવૈત, સાઉદી કે હોંગે.” તેમણે માંગ કરી હતી કે, NIA તેના પરિવાર અને આસપાસના લોકોની પણ ધરપકડ કરે જેથી કોઈ આ પૈસાનો ઉપયોગ ન કરી શકે. તેમણે એમ પણ લખ્યું હતું કે, કોઈ પત્રકાર કે નેતા તેના બચાવમાં આવે તો તેને પણ દોષી બનાવવામાં આવે. 

    પાદરા ભાજપ ઉપપ્રમુખને ધમકી
    પાદરા તાલુકાના ભાજપ ઉપપ્રમુખને ફેસબુક પર ધમકી મળી (તસ્વીર સાભાર: Nileshsinh Jadav)

    નિલેશસિંહ જાદવે આ કૉમેન્ટ કર્યા બાદ અબ્દુલ સુબુર ચૌધરીએ તેમની કૉમેન્ટ નીચે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી અપશબ્દો કહ્યા હતા અને તેમની હાલત પણ ઉદયપુરના ટેલર જેવી કરવાની ધમકી આપી હતી. 

    નિલેશસિંહને પોલીસ રક્ષણ અપાયું 

    આ મામલે, નિલેશસિંહ જાદવે ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, મેં એક રાજસ્થાનના એક વ્યક્તિની પોસ્ટ પર કૉમેન્ટ કરી હતી અને માંગ કરી હતી કે આ કૃત્ય કરનાર આરોપીઓને કડક સજા થવી જોઈએ અને તેમની સંપત્તિ જપ્ત થવી જોઈએ. જે બાદ અબ્દુલ સુબુર ચૌધરી નામના આઈડી પરથી ગાળો લખીને મને ધમકીઓ આપવામાં આવી અને મારી હાલત પણ ઉદયપુરના ટેલર જેવી જ થશે તેમ કહ્યું હતું. જે બાદ મેં ફરિયાદ પણ નોંધાવી છે. તેમણે કહ્યું કે તેમને પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું છે.

    આ મામલે નિલેશસિંહ જાદવે વડુ પોલીસ મથક ખાતે કાયદેસરની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આઈપીસીની કલમ 507 (ધમકી) અને 294 (B) (જાહેર સ્થળો કે માધ્યમોએ અભદ્ર ભાષાનો ઉપયોગ) હેઠળ અબ્દુલ સુબુર ચૌધરી આઈડી ધારક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 

    અકાઉન્ટ ડીલીટ થઇ ગયું છે, અમે વધુ તપાસ કરી રહ્યા છીએ: પોલીસ 

    પાદરા તાલુકા ભાજપના ઉપપ્રમુખને ધમકી આપવાના મામલે વડુ પોલીસ મથકના પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસર તપાસ હાથ ધરી છે. પરંતુ અબ્દુલ સુબુર નામના વ્યક્તિએ અકાઉન્ટ ડીલીટ કરી દીધું છે. જેથી ફેસબુક પાસેથી વધુ વિગતો મંગાવવામાં આવી છે. જે બાદ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ધમકી મળ્યા બાદ નિલેશસિંહ જાદવને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે.

    ‘કોઈ હિંદુએ ક્યારેય શિવજીના નામે હત્યા કરી?’: ઉદયપુર ઘટનાની ટીકા કરતા અભિનેત્રીએ કહ્યું, મળવા માંડી કટ્ટરપંથીઓની ધમકી

    તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી નૂપુર શર્માનું સમર્થન કરવા માત્રથી થયેલી હિંદુઓની હત્યાનો વિરોધ કરનારાને પણ હવે ધમકી મળવાની શરૂ થઇ ગઈ છે. ‘રોડીઝ’ની કન્ટેસ્ટન્ટ્ રહી ચૂકેલી અભિનેત્રી નિહારિકા તિવારીને ઇસ્લામી કટ્ટરવાદીઓ ધમકી આપવા માંડ્યા છે. નિહારિકાએ ઉદયપુરમાં હિંદુની હત્યાની ટીકા કરી હતી. 

    નિહારિકા હાલ ઇન્ડોનેશિયામાં છે અને શૂટિંગ કરી રહી છે. તેમને મળી રહેલી ધમકીઓ વિશે તેણે સ્વયં ઇન્સ્ટાગ્રામ ઉપર જાણકારી આપી છે. તેણે કહ્યું કે, ઉદયપુરની ઘટના નિંદા કરવાને લાયક જ હતી અને તેઓ પોતાનાં નિવેદનથી પાછળ હટશે નહીં. તેમણે કહ્યું કે, મેં કશું ખોટું નથી કહ્યું અને નૂપુર શર્માનો પક્ષ નથી લીધો. માત્ર ઉદયપુરની ઘટનાની ટીકા કરી હતી. 

    નિહારિકા તિવારીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલ એક વીડિયોમાં કહ્યું હતું કે, ખુલ્લેઆમ હત્યા થઇ રહી છે અને આપણા વડાપ્રધાનને પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. જે બાદ તેમણે પૂછ્યું કે શું આ યોગ્ય છે? તેમણે કહ્યું કે, હિંદુઓ ભગવાન શિવનું નામ લઈને કોઈનું ગળું નથી કાપતા અને એવું ક્યાંય જોવા નથી મળ્યું કી કોઈ હિંદુએ શિવજી માટે હત્યા કરી નાંખી હોય. શિવલિંગના અપમાનની ઘટનાઓ યાદ કરતા તેમણે કહ્યું કે, તેનાથી અમને પણ ગુસ્સો આવશે. નિહારિકાએ કહ્યું કે, નૂપુર શર્માને તો ભાજપે સસ્પેન્ડ કરી દીધાં, પરંતુ શિવલિંગની મજાક ઉડાવનારાઓનું શું?

    આ નિવેદન બાદ કટ્ટરપંથીઓએ નિહારિકા તિવારીને ધમકી આપવાની શરૂ કરી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર કટ્ટરવાદીઓએ ધમકી આપતા કહ્યું કે, તારું ગળું પણ કાપવામાં આવશે. અન્ય એકે અભિનેત્રીને મોતની ધમકી આપી તો કોઈએ સલાહ આપતા કહ્યું કે, તેણે આ વિવાદોમાં પડવું ન જોઈએ અને પોતાના કામથી મતલબ રાખવો જોઈએ. 

    નિહારિકા તિવારીએ કહ્યું કે, કોઈ કંઈ પણ કહે પરંતુ તેઓ  ડરશે નહીં અને પોતાનું નિવેદન પરત લેશે નહીં.

    ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં કન્હૈયાલાલની હત્યા કરી નાંખવામાં આવ્યા બાદ દેશમાં અનેક ઠેકાણે ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા આ ઘટનાની નિંદા કરનારાને કે નૂપુર શર્માનું સમર્થન કરનારાને ધમકી આપવામાં આવી હતી. તો કેટલાકે આ ઘટનાની ઉજવણી પણ કરી હતી. જેમાંથી ઘણાને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    ગોધરા હિંદુ હત્યાકાંડના ગુનેગાર રફીક હુસૈન ભટુકને આજીવન કેદ: ટ્રેન સળગાવવા પેટ્રોલની વ્યવસ્થા કરી હતી, 19 વર્ષ બાદ થઇ હતી ધરપકડ

    27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરામાં થયેલા હિંદુ હત્યાકાંડના મુખ્ય ગુનેગારો પૈકીના એક રફીક હુસૈન ભટુક ગત ફેબ્રુઆરી 2021 માં પકડાયા બાદ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. રફીક છેલ્લા 19 વર્ષથી નાસતો ફરતો હતો, જે બાદ ગત વર્ષે ગોધરામાં તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો. તેની ઉપર ટ્રેન સળગાવવા માટે પેટ્રોલ ભરી આપવા સહિતના આરોપો હતા. 

    રફીક ગોધરાકાંડનું પૂર્વ નિયોજિત ષડ્યંત્ર રચનાર ગેંગનો સભ્ય હતો અને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં આગ લગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરવી, ભીડ ઉશ્કેરવી સહિતના કાવતરાં રચવામાં તેનો મોટો હાથ હતો. રફીકનાં ગુનાઓને જોતાં તેની વિરુદ્ધ હત્યા અને હિંસા ભડકાવવા સહિતની કલમો સહિત કેસ નોંધવામાં આવ્યો હતો.

    રફીક સ્ટેશન ઉપર ફેરિયાનું કામ કરતો હતો અને તેણે ટ્રેન સળગાવવા માટે પેટ્રોલ ભરી આપ્યું હતું. આ ઉપરાંત પણ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી જોતા તેનો સમાવેશ મુખ્ય આરોપીઓમાં કરવામાં આવ્યો હતો. 

    જે બાદ રફીક હુસૈન ધરપકડથી બચવા માટે ભાગી છૂટ્યો હતો અને દાહોદથી ટ્રેન મારફતે દિલ્હી પહોંચી ગયો હતો. જે બાદ પોલીસ અને તપાસ કરતી ટીમો દ્વારા તેની શોધખોળના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ હાથ લાગ્યો ન હતો. જેના કારણે તેની વિરુદ્ધ વોરંટ પર જારી કરવામાં આવ્યું હતું. રફીક ઓળખ છુપાવીને દિલ્હીમાં છૂટક મજૂરી કરતો હતો. 

    આખરે 19 વર્ષ બાદ ફેબ્રુઆરી 2021 માં તે ગોધરા ખાતે સિગ્નલ ફળીયાના તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા ગોધરા એસઓજીએ સ્પેશિયલ ઓપરેશન હેઠળ રફિકને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને એસઆઈટીને સોંપી દીધો હતો. જે બાદ તેની વિરુદ્ધ ગોધરા સેશન્સ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. ગોધરા હિંદુ હત્યાકાંડ સમયે રફીકની ઉંમર 33 વર્ષની હતી, અને જ્યારે તે પકડાયો ત્યારે તે 51 વર્ષનો હતો. 

    રફીક વિરુદ્ધ પૂરતા પુરાવાઓ મળતા તપાસ અધિકારી આર.એમ પટેલે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ તેમજ તેમજ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને ગોધરા સેશન્સ કોર્ટે રફીક હુસૈન ભટુકને આજીવન કેદની સજા ફટકારી હતી. 

    રિપોર્ટ અનુસાર, ગોધરામાં ટ્રેન સળગાવવાના કેસમાં હજુ પણ સાત આરોપીઓ વોન્ટેડ છે. જે પૈકીના બે પાકિસ્તાન કે અન્યત્ર સ્થળે ભાગી છૂટ્યા હોવાની શક્યતાઓ હોઈ તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ઉપર અયોધ્યા રામમંદિરની કારસેવા કરીને પરત ફરેલા હિંદુ કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં પૂર્વનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત 59 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

    જાણો શા માટે સીએમ એકનાથ શિંદેના સમર્થકો પહોચ્યાં અયોધ્યા, પૂજા-અર્ચના અને આતશબાજી પણ: લગાવ્યા રામ લલ્લાના જયજયકારના નારા

    મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ હવે તેમના સમર્થકો રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી ગયા છે. વાસ્તવમાં, શિંદેના સમર્થકોનું કહેવું છે કે તેમણે માનતા રાખી હતી કે જો એકનાથ શિંદે રાજ્યના સીએમ બનશે તો તેઓ ફરીથી રામલલાના દર્શન કરવા આવશે. હવે જ્યારે શિંદે મુખ્યમંત્રી બન્યા છે ત્યારે તેઓ અયોધ્યા પહોંચી ગયા છે.

    અહેવાલો અનુસાર અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કર્યા બાદ જયજયકાર કરતી વખતે શિંદે સમર્થકોએ ફટાકડા ફોડ્યા હતા. એકનાથના સમર્થકોનું કહેવું છે કે જે દિવસે તેઓ સીએમ બનવાની જાહેરાત કરવામાં આવી હતી, તે જ રાત્રે તેઓ અયોધ્યા જવા રવાના થઈ ગયા હતા. એ જ રીતે શિંદેના સમર્થક નીતિન વાડેકર કહે છે કે હિંદુ સમાજ ઇચ્છતો હતો કે શિંદે મુખ્યમંત્રી બને, હવે જ્યારે રામ લલ્લાએ તેમના આશીર્વાદ પૂરા કર્યા છે, ત્યારે તેઓ અહીં આવીને ઉજવણી કરી રહ્યા છે.

    ખાકી અખાડાના મહંત પરશુરામ દાસે કહ્યું, “જ્યારથી મહારાષ્ટ્ર સરકારમાં ગરબડ શરૂ થઈ છે, અમે પહેલેથી જ પ્રતિજ્ઞા લીધી હતી કે બાળાસાહેબ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના જ્યારે કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધનની સરકાર રચાઇ ત્યારે જ ખતમ થઈ ગઈ હતી. એકનાથ શિંદેએ ફરીથી બાળાસાહેબ ઠાકરેના નામને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. 8-10 દિવસ પહેલા પણ મેં કહ્યું હતું અને આજે પણ કહું છું કે મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ એકનાથ શિંદેએ આપ સૌની વચ્ચે અયોધ્યા આવવું પડશે.

    નોંધપાત્ર રીતે, મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટીની સૌથી તાજેતરની ઘટના 30 જૂન, 2022 ના રોજ બની હતી, જ્યારે ભાજપે ઓછી સંખ્યામાં ધારાસભ્યો હોવા છતાં શિંદેને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. અગાઉ શિંદે વિશે એવી ધારણા હતી કે તેમને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે, પરંતુ અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શિંદેના સીએમ બનવા અંગે શરદ પવારે એમ પણ કહ્યું હતું કે આવું થશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી.

    કપિલ મિશ્રા કન્હૈયા લાલના પરિવારને સાંત્વના આપવા ઉદયપુર પહોચ્યાં: પરિવારની સહાયતા માટે 1 કરોડ ભેગા કરવાના ટાર્ગેટ સામે લોકોએ આપ્યા 1.7 કરોડ

    આજે બપોરના સમયે ભાજપા નેતા કપિલ મિશ્રા કન્હૈયા લાલના પરિવારને મળવા માટે ઉદયપુર તેમના ઘરે પહોચ્યાં હતા. નોંધનીય છે કે કપિલ મિશ્રાએ થોડા દિવસ પહેલા કન્હૈયા લાલના પરિવારની મદદ માટે એક કરોડ રૂપિયા ભેગા કરવાનો સંકલ્પ લીધો હતો.

    કન્હૈયા લાલની છબીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અને તેમના નિવાસસ્થાને તેમના પરિવારને મળ્યા બાદ મિશ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે ભંડોળ એકત્ર કરવા માટે 1 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ 1 કરોડ 70 લાખ રૂપિયા પહેલેથી જ એકઠા થઈ ગયા છે અને લોકો હજુ પણ યોગદાન આપી રહ્યા છે.

    ઈસ્લામના અપમાનનો બદલો લઈ રહ્યા હોવાનું કહીને ઓનલાઈન વીડિયો પોસ્ટ કરતા પહેલા બે મુસ્લિમ આરોપીઓએ કન્હૈયા લાલને તેમની જ દુકાનમાં છરી વડે માથું કાપીને મારી નાખ્યા હતા.

    ભેગા થયેલ 1.70 કરોડનું શું કરાશે?

    નોંધનીય છે કે કન્હૈયા લાલના પરિવારની આર્થિક મદદ કરવા માટે ભાજપા નેતા કપિલ મિશ્રા અને તેમના મિત્રોએ 1 કરોડ રૂપિયા ભેગા કરવાના લક્ષ્ય સાથે એક કેમ્પેન ચલાવ્યું હતું. પરંતુ દેશના નાગરિકોએ એટલો સરસ પ્રતીભાવ આપ્યો કે 1 કરોડ રૂપિયા માત્ર 24 કલાકમાં જમા થઈ ગયા હતા અને હાલ 1.70 કરોડ કરતાં વધુ રકમ જમા થઈ છે અને હજુ પણ બીજી રકમ જમા થવાનું ચાલુ જ છે.

    આ વિષયમાં જાણકારી આપતા કપિલ મિશ્રાએ કહ્યું કે કન્હૈયા લાલના પરિવારને 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જેનો ઉપયોગ તેમની હોમ લોન ચૂકવવા અને તેમના પુત્રોના અભ્યાસના ખર્ચ માટે કરવામાં આવશે.

    મિશ્રાએ કહ્યું કે ઈશ્વરને 25 લાખ રૂપિયા આપવામાં આવશે, જે કન્હૈયા લાલની દુકાનમાં પણ હાજર હતા અને ઈજાગ્રસ્ત થયા હતા.

    આ સિવાય કોન્સ્ટેબલ સંદીપને 5 લાખ રૂપિયા આપવામાં આવશે, જે બુધવારે રાજસમંદ જિલ્લામાં ટોળા દ્વારા થયેલ હુમલામાં ઘાયલ થયા હતા જ્યારે પોલીસે હુમલાના ઇરાદા સાથે ધાર્મિક સ્થળ તરફ આગળ વધી રહેલા ઉશ્કેરાયેલા ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

    બીજેપી નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રના અમરાવતીમાં માર્યા ગયેલા ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેના પરિવારને 30 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે.

    ઉપરાંત આ બાદ પણ કોઈ રકમ વધશે તો તે પણ કન્હૈયા લાલના પરિવારને આપવામાં આવશે.

    દલિત યુવતી સાથે ગેંગરેપ અને મારપીટ, ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયું: જાવેદ, મહેમૂદ અને ઇબરાર સામે ગુનો દાખલ

    યુપીના ગોંડા જિલ્લામાં એક દલિત યુવતી સાથે અપહરણ તેમજ ગેંગરેપ અને ધર્મ પરિવર્તનનું દબાણ કરવામાં આવ્યું હોવાના સમાચાર છે. આરોપીઓની ઓળખ જાવેદ, બહાદુર, મહેમૂદ અને ઇબરાર તરીકે થઇ છે. પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરી છે. પીડિતાના પરિવારનો આરોપ છે કે તેમને ધમકી પણ આપવામાં આવી હતી અને જાતિવાદી શબ્દો કહેવામાં આવ્યા હતા. યુવતીના ગુમ થયાની ફરિયાદ 14 જૂને નોંધાઈ હતી.

    પીડિતાના પરિવારે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, પીડિતાના ગામમાં રહેતો જાવેદ મુંબઈમાં નોકરી કરે છે. તે યુવતી સાથે અવારનવાર વાત કરતો હતો અને તેને મુંબઈ લઈ જવાનું કહેતો હતો. પરંતુ યુવતીએ ઇનકાર કર્યો હતો. 14 જૂન 2022ના રોજ જાવેદ યુવતીને કંઈક સૂંઘવીને બેભાન કરીને એ જ હાલતમાં મુંબઈ લઇ ગયો હતો. એફઆઈઆરમાં લગાવેલ આરોપ અનુસાર, મુંબઈમાં તેણે યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું. પરંતુ યુવતીએ ના પાડ્યા બાદ તેને માર મારવામાં આવ્યો હતો. 

    ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જે બાદ જાવેદે મુંબઈમાં યુવતીનો મહેમૂદ અને ઇબરાર પાસે રેપ કરાવ્યા બાદ પોતે પણ બળાત્કાર કર્યો હતો. બાદમાં પકડાઈ જવાના ડરથી 21 જૂન 2022ના રોજ જાવેદે યુવતીને ગોંડા લાવીને કરનૈલજંગ રેલવે સ્ટેશન પર તરછોડી દીધી હતી. આ દરમિયાન જાવેદે યુવતીને જાતિસૂચક અપશબ્દો કહીને કહ્યું હતું કે, “મા$^%* જો અમારું નામ આવ્યું તો ઠીક નહીં થાય.” ફરિયાદને અંતે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 

    ગોંડાના પારસપુર પોલીસ સ્ટેશને 30 જૂને આ ઘટનાની એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆરમાં જાવેદ, તફઝુલના પુત્રો બહાદુર, મહેમૂદ અને ઈબ્રારનું નામ લેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SHO પારસપુર ઈન્સ્પેક્ટર શમશેર બહાદુર સિંહે પણ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. આરોપીઓ પર આઈપીસીની કલમ 366, 376-ડી, 323, 328, 504, 506 સાથે એસસી/એસટી એક્ટ અને ધર્માંતરણ વિરોધી કલમો લગાવવામાં આવી છે. હાલ પોલીસ આરોપીઓને શોધી રહી છે.

    દલિત યુવતી સાથે ગેંગરેપ મામલે પીડિતાના પિતાએ ઑપઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે, અત્યારે મારી પુત્રીનું નિવેદન કોર્ટમાં નોંધવામાં આવી રહ્યું છે. જાવેદે મારી દીકરી સાથે ખૂબ જ ખોટું કર્યું છે. તેની સાથે લગ્ન કરવા માટે જાવેદ તેને ધર્મ બદલવા માટે કહેતો હતો. જાવેદને આજીવન કેદ મળે તે જ અમારા માટે ન્યાય હશે.

    મહારાષ્ટ્ર: ઉમેશ કોલ્હે હત્યા કેસની તપાસ NIA કરશે: ગૃહમંત્રીનો આદેશ, નૂપુર શર્માના સમર્થન બદલ હત્યા થઇ હોવાની આશંકા

    મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની હત્યા મામલેના કેસની તપાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશથી નેશનલ એજન્સી NIA ને સોંપવામાં આવી છે. આ માટે NIA ની એક ટીમ તપાસ માટે પહોંચી છે. ઉમેશ કોલ્હેની હત્યા પણ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકવાના કારણે જ કરવામાં આવી હોવાની આશંકા છે. 

    કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ આ બાબતની જાણકારી આપી છે. મંત્રાલયના અકાઉન્ટ પરથી ટ્વિટ કરતાં જણાવવામાં આવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ મહારાષ્ટ્રના અમરાવતીમાં 21 જૂનના રોજ ઉમેશ કોલ્હેની થયેલી જઘન્ય હત્યા મામલેના કેસની તપાસ NIA ને સોંપી છે. ગૃહમંત્રાલયે એમ પણ જણાવ્યું કે આ હત્યા પાછળના કાવતરા, સંસ્થાઓની સંડોવણી તેમજ આંતરરાષ્ટ્રીય લિંકની પણ તપાસ કરવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની ઓળખ મુદસ્સિર, શાહરૂખ, અબ્દુલ, શોએબ અને આતિબ તરીકે થઇ છે. સ્થાનિક કોર્ટે આ તમામની પોલીસ કસ્ટડી 5 જુલાઈ સુધી લંબાવી છે. અમરાવતીના ડીસીપીએ જણાવ્યું કે આ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 (હત્યા), 120 B (ગુનાહિત કાવતરું) અને 34 (સામેલ તમામ લોકોએ સમાન ઈરાદાથી કરેલ કૃત્ય) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નૂપુર શર્માના સમર્થન બદલ હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના અમરાવતીમાં એક મેડિકલ શૉપ ચલાવતા 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ કોલ્હેની 21 જૂનની રાત્રિએ હત્યા કરી નાંખવામાં આવી હતી. ઉમેશ તેમના પુત્ર અને પુત્રવધુ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના ગળા પર પાછળથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. 

    આ મામલે અમરાવતી પોલીસે જણાવ્યું હતું કે, “કોલ્હે અમરાવતીમાં એક મેડિકલ શૉપ ચલાવતા હતા. કથિત રીતે તેમણે નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ પોતાના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં મૂકી હતી. જેમાંથી એક ગ્રુપમાં કેટલાક મુસ્લિમો પણ સામેલ હતા. જેમાંથી કેટલાક તેમના ગ્રાહકો હતા.”

    આ પહેલાં રાજસ્થાનના ઉદયપુરમાં પણ 28 જૂન 2022ના રોજ એક હિંદુ ટેલર કન્હૈયાલાલની જઘન્ય હત્યા કરી નાંખવામાં આવી હતી. કન્હૈયાલાલના હત્યારાઓ રિયાઝ અન્સારી અને ગૌસ મોહમ્મદે હત્યાનો વિડીયો પણ બનાવ્યો હતો અને તેમાં પીએમ મોદીને પણ ધમકી આપી હતી. જે બાદ બંને ભાગી છૂટ્યા હતા, પરંતુ તે જ સાંજે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. આ કેસની તપાસ પણ NIA કરી રહી છે. 

    આ ઉપરાંત, NIA ગુજરાતના કિશન ભરવાડ હત્યા કેસ, મહારાષ્ટ્રમાં ઉમેશ કોલ્હે હત્યા કેસ અને રાજસ્થાનના કન્હૈયાકુમાર હત્યા કેસ વચ્ચે કોઈ લિંક હોવા અંગે હાલ તપાસ કરી રહી છે. આ તમામની કટ્ટર ઇસ્લામીઓએ ‘ઇશનિંદા’ના આરોપસર હત્યા કરી નાંખી હતી.