Friday, November 15, 2024
More
    Home Blog Page 1083

    ડેનમાર્કના સૌથી મોટા મૉલમાં ગોળીબારની ઘટના: ત્રણનાં મોત, 22 વર્ષીય સંદિગ્ધની ધરપકડ 

    ડેનમાર્કમાં સ્થિત કોપનહેગનમાં સૌથી મોટા શોપિંગ મોલમાં રવિવારે મોડી રાત્રે ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી છે. પોલીસે આ મામલે એક 22 વર્ષીય સંદિગ્ધને પકડી લીધો છે. 

    આ ઘટના કોપનહેગનમાં આવેલા શહેરના સૌથી મોટા મોલ ‘ફિલ્ડ્સ શોપિંગ મૉલ’ની છે. રવિવારે રાત્રે અહીં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ લોકો સ્થળ પર જ માર્યા ગયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીડિતોના નામો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. 

    કોપનહેગન પોલીસને સ્થાનિક સમય અનુસાર સાંજે 5:37 કલાકે મૉલમાં ફાયરિંગની જાણકારી મળી હતી. જે બાદ તાત્કાલિક પોલીસની ટીમો પહોંચી ગઈ હતી. પોલીસે મૉલની અંદરના લોકોને સુરક્ષાબળોની રાહ જોવા માટે કહ્યું હતું  તેમજ બહારના લોકોને મૉલથી દૂર ખસેડી દેવામાં આવ્યા હતા અને મકાન ઘેરી લેવામાં આવ્યું હતું. જે બાદ સાંજે 5:48 વાગ્યે સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    પોલીસે પકડાયેલા સંદિગ્ધ વ્યક્તિની ઓળખ હજુ સુધી જાહેર કરી નથી પરંતુ એક ડેનિશ ટીવીએ તેની તસ્વીર જારી કરી છે, જેમાં એક વ્યક્તિ હાથમાં બંદૂક લઈને ફરતો જોવા મળે છે. તેણે હાફ-પેન્ટ પહેરેલું જોવા મળે છે. આ ઉપરાંત, અન્ય એક તસ્વીરમાં એક ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચર પર લઇ જતો જોવા મળે છે. 

    સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં મૉલમાં ગોળીબાર થવાનો અવાજ સંભળાય છે તેમજ લોકોની ચીસો પણ સંભળાય છે તેમજ કેટલાક લોકો નાસભાગ કરતા પણ જોવા મળે છે. ઘટનાના એક સાક્ષીએ કહ્યું કે, મૉલની અંદર લોકો ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે દુકાનોમાં છુપાઈ ગયા હતા. 

    કોપનહેગન પોલીસ ઓપરેશન યુનિટના પ્રમુખ સોરેન થૉમસને ડેનમાર્કમાં શોપિંગ મોલમાં થયેલ ગોળીબાર અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, આ આખી ઘટનામાં આતંકી મનસૂબાની આશંકા નકારી શકાય તેમ નથી. પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ ઘટનામાં સંદિગ્ધ વ્યક્તિ ઉપરાંત અન્ય કોણ-કોણ સામેલ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ડેનમાર્કના પાડોશી દેશ નોર્વેમાં પણ ગોળીબાર થયો હતો. 25 જૂનના રોજ નોર્વેના ઓસ્લોમાં એક ગે બાર અને નાઈટક્લબમાં ગોળીબાર થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી છે.

    શિંદે – ફડણવીસની જોડીએ વિશ્વાસનો મત જીત્યો: વિશ્વાસ મત પહેલાં ઉદ્ધવની સેના વધુ તૂટી

    જેમ અટકળો લગાવવામાં આવી રહી હતી તેમ શિંદે-ફડણવીસની જોડી મહારાષ્ટ્રની વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી ચૂકી છે. ગઈકાલે સ્પિકર તરીકે ભાજપના રાહુલ નાર્વેકરની નિમણુંક થતાં જ ગૃહમાં આ જોડી પાસે પૂરતો બહુમત હોવાનું સાબિત થઇ જતાં આજનો વિશ્વાસનો મત ફક્ત ઔપચારિક જ હોવાનું જણાઈ આવ્યું હતું.

    ગઈકાલે શિંદે-ફડણવીસની જોડી સ્પિકરના ઈલેક્શનમાં 164 ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહી હતી જ્યારે મહા વિકાસ આઘાડીના ઉમેદવારને ફક્ત 104 મત જ મળ્યા હતા.

    આજે સવારે 11 વાગ્યે મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરુ થઇ હતી. સ્પિકર રાહુલ નાર્વેકરે ધ્વનિમત દ્વારા વિશ્વાસનો મત લેવાનું કહ્યું હતું પરંતુ વિપક્ષ દ્વારા આ પ્રસ્તાવનો વિરોધ થતાં, દરેક વિધાનસભ્યોના માથાં ગણવાની પ્રક્રિયા વિધાનસભાના સેક્રેટરીએટના સભ્યો દ્વારા શરુ થઇ હતી. આ દરમ્યાન શિંદે-ફડણવીસની જોડી કુલ 164 મત જીતવામાં સફળ થઇ હતી જ્યારે વિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં 99 મત પડ્યા હતા. મહા વિકાસ આઘાડીને અગાઉ સમર્થન આપનાર પક્ષોના 4 વિધાનસભ્યો તટસ્થ રહ્યા હતા.

    પ્રસ્તાવ પસાર થતા મિલિન્દ નાર્વેકરે તેના પરિણામ જાહેર કર્યા હતા અને શિંદે સરકાર વિશ્વાસ ધરાવતી હોવાનું જાહેર કર્યું હતું.

    મહા વિકાસ આઘાડી સરકારના જેલમાં રહેલા પૂર્વ મંત્રીઓ નવાબ મલિક અને અનિલ દેશમુખ મતદાન સમયે હાજર રહ્યા ન હતા. વિશ્વાસનો મત લેવાય એ અગાઉ ઉદ્ધવ ઠાકરે જૂથના એક અન્ય વિધાનસભ્ય શ્યામસુંદર શિંદે છેલ્લી ઘડીએ શિંદે જૂથમાં જોડાઈ ગયા હતા.

    અગાઉ સ્પિકર રાહુલ નાર્વેકરે શિવસેનાના વિધાનસભા પક્ષના નેતા તરીકે ઉદ્ધવ જૂથ દ્વારા નીમવામાં આવેલા અજય તિવારીને તેમના પદેથી દૂર કરીને એકનાથ શિંદેને શિવસેનાના વિધાનસભા પક્ષના નેતા તરીકે માન્યતા આપી હતી.

    વિશ્વાસનો મત લેવાય એ અગાઉ શિવસેનાના ઉદ્ધવ જુથે ફરીથી સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને પોતાના જૂથના સભ્યો પર થયેલી કાર્યવાહી રોકવાની માંગ કરી હતી, પરંતુ સુપ્રિમ કોર્ટે આ બાબત પણ 11 જુલાઈએ થનાર સુનાવણી દરમ્યાન એકસાથે જ સાંભળવાનું કહીને તેને ફગાવી દીધી હતી.

    આ રીતે જ્યારે શિંદે-ફડણવીસની જોડીએ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લેતા લગભગ બે અઠવાડિયાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા સંકટનો લગભગ અંત આવી ગયો છે. હવે જે બાબત બાકી છે તે 11 જુલાઈએ સુપ્રિમ કોર્ટમાં કયા જૂથના સભ્યોનું સભ્યપદ રદ્દ કરવું તે અને એકનાથ શિંદે જૂથને સાચી શિવસેનાની માન્યતા ભારતનું ચૂંટણી પંચ કરશે.

    ફ્લોર ટેસ્ટ પહેલાં ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ફટકો: શિંદેને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે માન્યતા અપાઈ, આદિત્ય સહિત 16 ધારાસભ્યો પર સસ્પેન્શનની લટકતી તલવાર

    મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાહુલ નાર્વેકરની જીત થયા બાદ હવે આજે શિંદે-ફડણવીસ સરકાર ગૃહમાં બહુમત સાબિત કરવા માટે જઈ રહી છે. તે પહેલાં જ ઉદ્ધવ જૂથને વધુ એક ઝટકો મળ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાએ એકનાથ શિંદેને ગૃહમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે માન્યતા આપી છે તેમજ ભરત ગોગાવાલેને ચીફ વ્હીપ તરીકેની માન્યતા આપવામાં આવી છે. 

    એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ ઉદ્ધવ જૂથ તરફથી એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ અજય ચૌધરીને શિવસેનાના ધારાસભ્ય પક્ષના નેતા ઘોષિત કરી દીધા હતા. જેમની અરજી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલે માન્ય પણ રાખી હતી. પરંતુ હવે શિંદેને ફરી નેતા ઉદ્ધવ જૂથને વધુ એક ઝટકો મળ્યો છે.

    ગઈકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી થઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરને 164 મતો મળ્યા હતા, જ્યારે તેમની વિરુદ્ધમાં 107 મતો મળ્યા હતા. જીત માટે જરૂરી 145 મતોનો આંકડો પાર કરી લેતા રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 

    રાહુલ નાર્વેકર સ્પીકર પદે ચૂંટાયા બાદ ગઈકાલે જ તેમણે એકનાથ શિંદે અને ભરત ગોગાવાલેને અનુક્રમે ધારાસભ્ય પક્ષના નેતા અને ચીફ વ્હીપ તરીકેની માન્યતા આપી હતી. જેની સાથે જ હવે શિંદે જૂથ વ્હીપ જારી કરી શકશે. અને જો આદિત્ય ઠાકરે સહિત ઉદ્ધવ ઠાકરે જૂથના 16 ધારાસભ્યો તેમના સમર્થનમાં મતદાન નહીં કરે તો તેમની વિરુદ્ધ પગલાં પણ લેવાઈ શકે છે. 

    શિવસેનાના એકનાથ શિંદે જૂથના ચીફ વ્હીપ ભરત ગોગાવાલેએ વિધાનસભા સ્પીકરને અરજી કરીને વ્હીપના ઉલ્લંઘન બદલ પાર્ટીના 16 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ 16 ધારાસભ્યોને સસ્પેનશનની નોટીસ ફટકારવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. 

    બીજી તરફ, જાણવા મળ્યું છે કે, ફ્લોર ટેસ્ટ પહેલાં ઉદ્ધવ ઠાકરે જૂથના વધુ એક ધારાસભ્ય બળવાખોર બની ગયા છે. રિપોર્ટ અનુસાર, તેઓ શિંદે જૂથના સમર્થનમાં મતદાન કરી શકે છે. ઉદ્ધવ જૂથના ધારાસભ્યો પર હવે ડિસ-ક્વોલિફિકેશનની તલવાર લટકી રહી છે. બીજી તરફ, ફ્લોર ટેસ્ટ પહેલાં એનસીપી નેતા અને પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અજિત પવારને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે.

    ઉમેશ કોલ્હે હત્યા કેસ: ઉમેશના મિત્ર યુસુફે ઉશ્કેર્યા બાદ હત્યાનો પ્લાન ઘડાયો હતો, માસ્ટરમાઈન્ડના એનજીઓમાં કામ કરતા હતા હત્યારા

    મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે હત્યા કેસમાં NIAએ તપાસ હાથ પર લીધા બાદ હત્યાના માસ્ટરમાઈન્ડ સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જે બાદ કેસની વધુ વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઉમેશ કોલ્હેના હત્યારાઓ એકબીજા સાથે સબંધ ધરાવતા હતા અને તેમાંથી કેટલાક હત્યાના માસ્ટરમાઈન્ડના NGO સાથે કામ કરતા હતા. 

    આરોપીઓ પૈકીના એક ડૉ. યુસુફ ખાને આ તમામ આરોપીઓને હત્યા માટે ઉશ્કેર્યા હતા. યુસુફ ઉમેશ કોલ્હેનો મિત્ર હતો અને તેમણે તેને મદદ પણ કરી હતી. ઉમેશ કોલ્હેએ ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં જે પોસ્ટ મૂકી હતી, તે વોટ્સએપ ગ્રુપનો એડમીન યુસુફ જ હતો. 

    હત્યા માટે ઉશ્કેરનાર ડૉ. યુસુફ ઉમેશનો મિત્ર હતો 

    વેટરનરી ડોક્ટર યુસુફ ખાન અને કેમિસ્ટ ઉમેશ કોલ્હે બંને એક્બીજાને ઘણા સમયથી ઓળખતા હતા. 2016 થી તે બંને સારા મિત્રો હતા. બંને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થતા હતા અને ઉમેશ કોલ્હેએ ઘણીવાર યુસુફને મદદ પણ કરી હતી. યુસુફ ખાનની બહેનના લગ્ન હોય કે તેના સંતાનોઆ એડમિશન, ઉમેશ કોલ્હેએ તેને આર્થિક સહયોગ કર્યો હતો. જોકે, આટલા સારા સબંધો હોવા છતાં યુસુફે જ ઉમેશ કોલ્હેની હત્યા માટે આરોપીઓને ઉશ્કેર્યા હતા. 

    શેખ ઇરફાને પ્લાન ઘડ્યો હતો 

    યુસુફ ખાને ઉમેશ કોલ્હે વિરુદ્ધ ઉશ્કેર્યા બાદ શેખ ઈરફાન એક્શનમાં આવ્યો અને તેણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે મૌલાના મુદસ્સિર અહેમદ ઉર્ફે સોનુ રઝા શેખ ઇબ્રાહિમને રેકી કરવાનું કામ સોંપ્યું હતું. જે બાદ શેખ ઈરફાને અન્ય લોકોને પણ પ્લેનમાં જોડ્યા હતા. જેમાં શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22) અને આતિબ રાશિદ (22)નો સમાવેશ થાય છે. શોએબે ઉમેશ કોલ્હેને પાછળથી ગળામાં હુમલો કર્યો હતો. જોકે, આ ચારમાંથી એકેયનો ક્રિમિનલ રેકોર્ડ નથી.

    ઈરફાન કામેલા વિસ્તારમાં પઠાણ ચોક ખાતે રહે છે. તેના પાડોશીએ જણાવ્યું કે, તે વેલ્ડર હતો પરંતુ કોરોનાના કારણે તેના ધંધા પર અસર પડી હતી. તે એક ‘રાહબર’ નામનું એનજીઓ પણ ચલાવે છે. NGOના ફેસબુક પેજ પર ઉપલબ્ધ વિગતો  અનુસાર, આ સંસ્થા દિવ્યાંગો માટે કામ કરે છે. જે ચાર લોકોને પ્લાનમાં સામેલ કરવામાં આવ્યા હતા તેઓ આ NGO સાથે ભૂતકાળમાં કામ કરી ચૂક્યા હતા. 

    ચરમપંથીઓએ હત્યાને આપ્યો હતો અંજામ 

    ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, શેખ ઈરફાનના પાડોશીઓએ જણાવ્યું કે, તાજેતરમાં તે ‘ચરમપંથી મજહબી’ બની ગયો હતો અને  સાત વર્ષથી સામાજિક ગતિવિધિઓમાં સક્રિય હતો. ઉપરાંત તેણે સીએએ વિરોધી આંદોલનોમાં પણ હિસ્સો લીધો હોવાનો આરોપ છે. ઈરફાન તેની મા, તેનો ભાઈ, પત્ની, બે પુત્રો અને એક પુત્રી સાથે રહે છે. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી તેના ઘરે તાળું લાગ્યું છે.

    પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, “હું તેને સારી રીતે જાણું છું. જાહેર સમસ્યાઓને લઈને તે એઘણીવાર પોલીસ સ્ટેશને આવતો રહ્યો હતો. તેની વિરુદ્ધ મારપીટનો એક કેસ દાખલ થયો હતો અને પૂછપરછ માટે અટકાયત પણ કરવામાં આવી હતી. તેણે તેના એક મિત્રને અન્ય સમુદાયની એક યુવતી સાથે ભાગવામાં મદદ કરી હતી.”

    પ્લાન બનાવનાર, હત્યા કરનાર તમામ મજહબી કટ્ટરપંથીઓ 

    સ્થાનિક સૂત્રો અનુસાર, અન્ય આરોપીઓ મુદસ્સીર શેખ અને તૌફીક તસ્લીમ પણ ચરમપંથી હતા. એક સૂત્રે જણાવ્યું, “અબ્દુલ ગુસ્સાવાળા સ્વભાવનો હતો. અમુક વર્ષો પહેલાં તે એક મધ્યરાત્રીએ નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને એક ફેસબુક પોસ્ટ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવી FIR દાખલ કરવાની માંગ કરી હતી. કેમિસ્ટની હત્યા બાદ તેણે અન્યો સામે ડંફાસો મારી હતી કે તેણે પયગંબરનું અપમાન કરનારને મારી નાંખ્યો હતો. પોલીસને ત્યાંથી જ પહેલી લીડ મળી હતી.”

    સીસીટીવી ફૂટેજમાં રેકી કરતા જોવા મળ્યા હતા આરોપીઓ 

    હત્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી પછી તેમને બનાવ પહેલાંના કેટલાક સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. વિડીયોમાં ત્રણ આરોપીઓ કાળા કપડાંમાં રેકી કરતા જોવા મળે છે. અન્ય એક ફૂટેજમાં ત્રણ આરોપીઓ હત્યા માટે બનાવના સ્થળે જતા દેખાય છે. 

    પોસ્ટમોર્ટમ રિપોર્ટ

    માર્યા ગયેલા ઉમેશ કોલ્હેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ચાકુથી હુમલો થયો હોવાના કારણે તેમના મગજની નસને નુકસાન પહોંચ્યું હતું. ઉપરાંત, તેમની શ્વાસનળી, અન્નનળી અને આંખની નસને પણ  નુકસાન થયું હતું. ઉમેશના ગળા પર વાગેલો ઘા પાંચેક ઇંચ જેટલો પહોળો, સાત ઇંચ લાંબો અને પાંચ ઇંચ ઊંડો હતો.

    પોલીસે ગેરમાર્ગે દોરતા દાવા કર્યા હતા 

    અમરાવતી હત્યા કેસ બાદ પોલીસ પર પણ સવાલો સર્જાયા છે. પોલીસ પર જાણીજોઈને આ કેસને ચોરીમાં ખપાવવાના પ્રયાસ કરવાના આરોપ લાગ્યા છે. આરોપ છે કે મામલાની તપાસ દરમિયાન પોલીસે નૂપુર શર્માના સમર્થનમાં કરવામાં આવેલ પોસ્ટના કારણે હત્યા થઇ હોવા છતાં ચોરીની ઘટના હોવાનું કહ્યું હતું. પોલીસે દાવો કર્યો હતો કે, આરોપીઓ ચોરી કરવા માટે આવ્યા હતા અને ઉમેશે કંઈ પણ આપવાનો ઇનકાર કરતાં તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. પરંતુ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ સહિત અનેક લોકો દ્વારા આ દાવા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કારણ કે આરોપીઓનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ મળ્યો ન હતો તેમજ હત્યા બાદ તેઓ ઉમેશ પાસેથી કંઈ લઇ ગયા ન હતા. ઉમેશ પાસે 3 હજાર રૂપિયા રોકડા અને મોબાઈલ  હતો, જે ક્રાઇમ સીન પાસેથી મળી આવ્યા હતા.

    મામલાની ગંભીરતાને ધ્યાને લેતા ગૃહમંત્રી અમિત શાહે કેસ NIA ને સોંપવાનો નિર્ણય લીધો હતો. જે બાદ એજન્સીની એક ટીમ અમરાવતી પહોંચી હતી અને એફઆઈઆર દાખલ કરી હતી. FIRમાં મુદસ્સીર અહેમદ, શાહરુખ પઠાણ, અબ્દુલ તૌફીક, શોએબ ખાન, અતિબ રશીદ, યુસુફ ખાન અને શેખ ઈરફાન સહિતના લોકોના નામ લખવામાં આવ્યાં છે.

    કેસ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમરાવતી કેસ બહુ ગંભીર છે. હત્યા જઘન્ય છે. માસ્ટરમાઈન્ડ સહિતના આરોપીઓ પકડાઈ ગયા છે. NIAની તપાસ ચાલી રહી છે. તેમજ આંતરરાષ્ટ્રીય કનેક્શનની પણ તપાસ ચાલી રહી છે. પોલીસના દાવાઓ અંગે પણ તેમણે કહ્યું કે, શરૂઆતમાં આ કેસને ચોરીનો કેસ ગણાવવામાં આવી રહ્યો હતો, જે મામલે પણ તપાસ કરવામાં આવશે.

    ફિલ્મના પોસ્ટરમાં મા કાળીને સિગરેટ પીતાં બતાવાયાં, હાથમાં LGBTQ નો ઝંડો: યુઝર્સમાં રોષ, નિર્માતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ

    ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર વિવાદમાં આવી છે. ભારતીય ફિલ્મમેકર લીના મણિમેકલઈની એક ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લઈને વિવાદ સર્જાયો છે અને હિંદુ ધર્મના અપમાનનો આરોપ લાગ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં મા કાળીનું અપમાન કરવામાં આવ્યું હોવાનું કહીને અનેક યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો તો કેટલાકે ગૃહ મંત્રાલયને ટેગ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

    આ વિવાદિત પોસ્ટર 2 જૂન 2022 (શનિવાર)ના રોજ જારી કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર ફિલ્મમેકર લીના મણિમેકલઈએ જ શૅર કર્યું હતું અને સાથે લખ્યું હતું કે તે ખૂબ ઉત્સાહિત છે કારણ કે તેમની ડોક્યુમેન્ટ્રી ‘કાલી’નું કેનેડા ફિલ્મ ફેસ્ટિવલમાં લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. 

    ફિલ્મનું નામ ‘કાલી’ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટરમાં મા કાળીની વેશભૂષામાં એક મહિલાને બતાવવામાં આવી છે. જેના માથે તિલક લગાવવામાં આવ્યું છે અને તેમને સિગરેટ પીતાં બતાવવામાં આવ્યા છે. બીજા હાથમાં ત્રિશુળ છે તો એક હાથમાં LGBTQ નો ઝંડો છે. 

    આ પોસ્ટર વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા ઉપર યુઝરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો એની લોકોએ હિંદુ ધર્મ અને મા કાળીના અપમાન બદલ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેટલાકે લીનાને જેલમાં બંધ કરવાની માંગ કરી હતી તો કેટલાક યુઝરોએ એમ પણ કહ્યું કે, તેઓ અન્ય ધર્મ વિશે આવી ફિલ્મો બનાવવાની હિંમત રાખશે કે કેમ? પોસ્ટરમાં મા કાળીનું અપમાન થતાં યુઝરોએ ગૃહમંત્રી અને પીએમને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.

    ચંદ્ર પ્રકાશ સિંઘ નામના યુઝરે લખ્યું કે, દરરોજ હિંદુ ધર્મની મજાક ઉડાવવામાં આવે છે. સરકાર શું અમારી ધીરજની કસોટી કરી રહી છે? તેમણે ગૃહમંત્રી અમિત શાહ, પીએમઓ અને વિદેશમંત્રીને ટેગ કરીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.

    કમલજીત નામના યુઝરે કહ્યું કે, આમ કરીને નિર્માતાએ મા કાળીનું અપમાન કર્યું છે અને જો તે માફી નહીં માંગે તો તેઓ પોલીસ કાર્યવાહી કરશે. તેમણે પોસ્ટર ડીલીટ કરીને આ કૃત્ય બદલ માફી માંગવા માટે કહ્યું હતું. 

    એક યુઝરે અભિવ્યક્તિની સ્વતંત્રતાના થઇ રહેલા દુરુપયોગને લઈને ટિપ્પણી કરીને સવાલ કર્યો હતો કે શું તેઓ ‘સર તન સે જુદા’ના નારા લગાવતા સમુદાય માટે આ જ પ્રકારે ફિલ્મ બનાવી શકે છે? તેમણે ટોરંટો પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.

    એક યુઝરે કહ્યું હતું કે, આ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો એક ધૃણાસ્પદ પ્રયાસ છે. 

    રાહુલ ચૌધરી નામના યુઝરે ફિલ્મ નિર્માતા લીનાની ધરપકડની માંગ કરી હતી અને કહ્યું હતું કે તેઓ મા કાળીનું અપમાન સહન કરશે નહીં. 

    એક યુઝરે લીના મણિમેકલઈના એક જૂના ટ્વિટનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો, જેમાં તેણે ભગવાન રામને લઈને ટિપ્પણી કરી હતી. 6 ઓગસ્ટ 2020ના રોજ કરેલા ટ્વિટમાં લીનાએ લખ્યું હતું કે, ‘રામ ભગવાન નથી. તેઓ માત્ર ભાજપ દ્વારા શોધવામાં આવેલું ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે.’ આ ટ્વિટ શૅર કરીને યુઝરે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

    લીગલ રાઈટ્સ પ્રોટેક્શન ફોરમે ભારતના રાષ્ટ્રપતિને નૂપુર શર્મા પર જસ્ટિસ સૂર્યકાન્તની ટિપ્પણી અંગે CJI સાથે બેઠક બોલાવવા વિનંતી કરી

    લીગલ રાઈટ્સ પ્રોટેક્શન ફોરમ દ્વારા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને નૂપુર શર્મા પર જસ્ટિસ સૂર્યકાન્તની ટિપ્પણી અંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) N.V. રમના સાથે બેઠક બોલાવવા વિનંતી કરાઇ હતી. ફોરમે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની ટિપ્પણીએ સમગ્ર રાષ્ટ્રની અંતરાત્માને હચમચાવી દીધી છે અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે.

    ફોરમે ટ્વીટ કર્યું, “કાનૂની અધિકાર સંરક્ષણ મંચે ભારતના માનનીય રાષ્ટ્રપતિને જસ્ટિસ સૂર્યકાન્ત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના સંદર્ભમાં માનનીય CJI સાથે બેઠક બોલાવવા વિનંતી કરી, જેણે સમગ્ર રાષ્ટ્રના અંતરાત્માને હચમચાવી નાખ્યું છે અને ભારતીય ન્યાયતંત્રના સર્વોચ્ચ કાર્યાલયની નિષ્પક્ષતા પર તેનો વિશ્વાસ ખતમ કરી દીધો છે.”

    લીગલ રાઈટ્સ પ્રોટેક્શન ફોરમ બીજી ટ્વિટમાં ઉમેરે છે, “CJI ને બિનજરૂરી ટિપ્પણીઓ કાઢી નાખવા અને તેમના મૂલ્યવાન સૂચનને પુનરાવર્તિત કરવા માટે પ્રભાવિત કરવા વિનંતી કરી કે, ન્યાયાધીશોને તેઓ કોર્ટરૂમમાં જે કહે છે તેમાં અત્યંત વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે તે પણ ફરજિયાત છે.”

    1લી જુલાઈ 2022ના રોજ, ભારતના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, જસ્ટિસ સૂર્યકાન્તે, ઉદયપુરની ઘાતકી હત્યા માટે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણીઓને દોષી ઠેરવી હતી. તેમણે કહ્યું કે શર્માની ‘છુટી જીભ’થી આખા દેશને આગ લાગી છે અને તેણે આખા દેશની માફી માંગવી જોઈએ.

    નુપુર શર્માએ SCમાં અરજી કરી હતી અને તેની સામે અનેક રાજ્યોમાં નોંધાયેલી તમામ FIRને વધુ તપાસ માટે દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. શર્માએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે સતત જીવના જોખમનો સામનો કરી રહી છે.

    ગુજરાતની રાજનીતિમાં કેજરીવાલના છબછબિયાં: પંજાબવાળી કરવાનો નિરર્થક પ્રયાસ, પણ સફળતા મળે તેની શક્યતાઓ નહીંવત: આ રહ્યાં કારણો

    પંજાબ વિધાનસભા ચૂંટણી જીત્યા પછી હવે આમ આદમી પાર્ટીનું મુખ્ય લક્ષ્યાંક ગુજરાત છે. આમ તો ગુજરાત સાથે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી છે. આમ આદમી પાર્ટી ત્યાં પણ લડશે ખરી, પરંતુ પાર્ટીનું ધ્યાન હાલ સતત 27 વર્ષથી રાજ્યમાં અજેય ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા ગુજરાત પર વધુ છે. એ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિતના નેતાઓ અવારનવાર કોઈને કોઈ બહાને ગુજરાત આવતા રહે છે. આજથી કેજરીવાલ ફરી ગુજરાતમાં છે. 

    આમ આદમી પાર્ટી કન્વીનર કેજરીવાલે ગુજરાત આવતાવેંત કહ્યું કે, લોકો 27 વર્ષના ભાજપના શાસનથી કંટાળી ગયા છે અને હવે તેમને ‘આપ’ પર આશા બંધાઈ છે. સાથે તેમણે ભાજપ અને કોંગ્રેસ વિશે ટિપ્પણી કરતાં કહ્યું કે, ભાજપ વિચારે છે કે કોંગ્રેસ તેમને પડકાર આપી શકે નહીં અને એટલે તેમનો અહંકાર વધી ગયો છે. 

    કેજરીવાલે આજે પહેલીવાર આવું કહ્યું તેમ નથી, છેલ્લા લગભગ વર્ષેકથી આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યમાં આ એક જ લાઈન પર ચાલી રહી છે. અને એ છે- 27 વર્ષના ભાજપના શાસનથી લોકો કંટાળ્યા છે, કોંગ્રેસમાં ભાજપને પડકાર આપવાની ક્ષમતા રહી નથી, અને એટલે તેઓ હવે આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આમાં બીજી વાત સાચી છે, પણ પહેલી અને ત્રીજી એટ લિસ્ટ જમીની સ્તરે સત્ય સાબિત થાય તેમ નથી. 

    ગુજરાતીઓ ભાજપના શાસનથી નારાજ છે?

    ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનથી લોકો નારાજ છે? ના. નહીં. કારણ કે એવું ક્યાંય દેખાઈ રહ્યું નથી. આજની તારીખે પણ ચૂંટણી થાય તો ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવે તે વાતનો કોઈ ઇનકાર કરી શકે નહીં. 27 વર્ષના શાસન પછી પણ તેમની વિરુદ્ધ એન્ટી-ઈન્ક્મબન્સી નથી. લોકો ભાજપથી નારાજ નથી તેની સાબિતી સમયે-સમયે મળતી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં થયેલી તમામ ચૂંટણીઓનાં પરિણામો જોશો તો આ વાત સમજાશે. 

    ભારતીય જનતા પાર્ટી પાસે ગામેગામ કાર્યકર્તાઓ છે. સ્થાનિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે, આ કાર્યકર્તાઓને સતત દોડતા રાખે તેવું તંત્ર ભાજપે વિકસાવ્યું છે. એક સુવ્યવસ્થિત પ્રણાલીથી પાર્ટી ચાલે છે. 

    નરેન્દ્ર મોદીના રૂપમાં ભારતીય જનતા પાર્ટી પાસે એવું એક વ્યક્તિત્વ છે જે ગુજરાત અને ગુજરાતીઓ સાથે સીધું જોડાણ ધરાવે છે. આજે 21 વર્ષે પણ મોદી અને ગુજરાતીઓ બંને વચ્ચેનો સબંધ અતૂટ રહ્યો છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ 2002નાં રમખાણો પછી રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે કાવતરાં રચી, ખોટા આરોપો લગાવી, કોર્ટ કેસ કરીને મોદીને ખતમ કરી નાંખવાના, મોદીની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ લગાડી દેવાના પ્રયત્નો એક-બે વર્ષો નહીં પણ સતત વીસ વર્ષ સુધી ચાલ્યા. પણ મોદી વિરુદ્ધ આટઆટલા અપપ્રચાર છતાં પણ ગુજરાતીઓએ મોદીનો સાથ ક્યારેય છોડ્યો નથી. 2002 પછી 2007 અને 2012 ની વિધાનસભા ચૂંટણી હોય કે 2014 અને 2019 ની લોકસભા ચૂંટણી, ગુજરાતની જનતાએ હંમેશા બે હાથે મોદી પર આશીર્વાદ વરસાવ્યા છે. 

    કોંગ્રેસ પાસે કાર્યકરો છે, પણ નેતાઓ નથી

    કોંગ્રેસની વાત કરવામાં આવે તો પાર્ટી સતતને સતત પાછળ જતી જાય છે. કોંગ્રેસ પાસે કોઈ ઝુઝારુ નેતા નથી. સંગઠન છે, પરંતુ ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. કોંગ્રેસ પાસે આજની તારીખે પણ ગામેગામ કાર્યકર્તાઓ છે, પરંતુ તેમના મનોબળ હવે તૂટી ગયા છે. એ કાર્યકરોમાં જોમ ભરે તેવો કોઈ નેતા નથી. યુવાનો વચ્ચે જઈને તેમની ઉપર પ્રભાવ પાડી શકે તેવા નેતાનો અભાવ જણાય છે. ઘણા નેતાઓએ ત્રાસીને આખરે ‘કમલમ્’નો રસ્તો પકડવો પડે છે. 

    જોકે, તેમ છતાં કોંગ્રેસની સ્થિતિ આમ આદમી પાર્ટી જેવી નથી. કોંગ્રેસ પાસે જેવા હોય તેવા પરંતુ કાર્યકર્તાઓ છે. પ્લસ, આજે પણ અમુક બેઠકો એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટી આજ સુધી એક પણ ચૂંટણી જીતી શકી નથી. આમ તો ભાજપે સ્થાનિક ચૂંટણીમાં અહીં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ દરેક ચૂંટણી જુદા-જુદા મુદ્દે લડવામાં આવે છે. એટલે આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નવી બેઠકો કદાચ ન જીતી શકે પરંતુ આવી જે બેઠકો પર તેનો હાથ ઉપર છે, ત્યાં સત્તા જાળવી રાખશે. કોંગ્રેસ હજુ નામશેષ થઇ નથી. ભાજપ પણ એ વાત સારી રીતે જાણે છે.

    આમ આદમી પાર્ટી ખરેખર ‘ત્રીજો પક્ષ’ છે?

    આમ આદમી પાર્ટીને ત્રીજો પક્ષ તરીકે જોવામાં આવી રહી છે. આ આખો નરેટિવ બનાવવામાં સૌથી મોટી ભૂમિકા મેઈનસ્ટ્રીમ મીડિયાની છે. બાકી, ભૂતકાળમાં આવી અનેક પાર્ટીઓ આવી છે, ચૂંટણીઓ લડી છે અને કંઈ ઉકાળી શકી નથી. ઇવન શંકરસિંહ અને કેશુભાઈ જેવા દિગ્ગ્જ્જો પણ પાર્ટીઓ ઉતારી ચૂક્યા છે, પરંતુ આજે સ્થિતિ એ છે કે અહીં બે જ રાષ્ટ્રીય પાર્ટીઓ ચાલે છે. તેમાં પણ છેલ્લા 27 વર્ષથી એક જ પાર્ટીનું શાસન રહ્યું છે. 

    આમ આદમી પાર્ટી વર્ષ 2021માં સુરતમાં મહાનગરપાલિકા ચૂંટણી જીતી હતી. તે સિવાય ક્યાંય કોઈ ચૂંટણીમાં સમ ખાવા પૂરતીય જીત મળી નથી. એવું પણ નહતું કે પાર્ટી માત્ર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જ લડી હતી. સુરત સાથે અન્ય પાંચ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી, તેમાં ક્યાંય પાર્ટીનો ગજ વાગ્યો ન હતો. સુરતમાં 27 બેઠકો મળી તે પાછળના પણ ઘણાં કારણો છે. 

    તેથી ખરેખર તો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એવી કોઈ જબરદસ્ત અને જ્વલંત સફળતા મેળવી નથી લીધી કે જેથી તેને ત્રીજો મોરચો કહી શકાય. પરંતુ પહેલે પાને જાહેરાત અપાતી હોય કે ચેનલોમાં દસ-દસ મિનિટે જાહેરાતો આવતી હોય તો હવે આટલું તો સામેપક્ષે થાય એ પણ સ્વાભાવિક વાત છે!

    ‘આપ’ પાસે નેતૃત્વ, સંગઠન તમામનો અભાવ, માત્ર પ્રચારતંત્ર મજબૂત

    ‘આપ’ પાસે ગામેગામ કાર્યકર્તા નથી. (સોશિયલ મીડિયા પર બે પોસ્ટ નીચે જઈને કૉમેન્ટ કરનારને ‘કાર્યકર’ ન કહી શકાય.) તેમની પાસે સરખું સંગઠન પણ નથી. રાજકારણમાં સંગઠન સાચવવું અઘરી બાબત છે. માંડ 10 પદો સામે દાવેદારો પચાસ હોય છે. એ પણ માંડ બેઠી થઇ રહેલી પાર્ટી માટે મહામુશ્કેલ બાબત છે. એટલે જ નવાં સંગઠનો જાહેર કરવા પડે છે, તોપણ આંતરિક વિખવાદનો અંત આવતો નથી.

    આમ આદમી પાર્ટી પાસે કોઈ સબળ નેતૃત્વ પણ દેખાઈ રહ્યું નથી. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીનું પ્રભુત્વ જોઈએ તેવું નથી. ઈસુદાન છેક હમણાં સુધી પત્રકાર હતા. હવે નવા નવા રાજકારણી બન્યા છે. હમણાં ખબર નહીં (લખનાર બ્લૉક છે એટલે) બાકી પહેલાં ઈસુદાન ગઢવીએ ટ્વિટર પર ભાજપ સમર્થકો માટે અભદ્ર શબ્દોમાં ટિપ્પણીઓ કરી હતી. એક સ્તરે પહોંચ્યા પછી આવાં વર્તનની નોંધ લેવાતી હોય છે. ગુજરાત પાર્ટીના સંગઠન સામે તાલમેલ સાધીને કામ કરવામાં હજુ તેમને ઘણો સમય લાગશે.

    ગોપાલ ઇટાલિયાએ પણ શાન ઠેકાણે આવ્યા પછી હમણાં માંડી વાળ્યું પણ પહેલાં તેઓ પણ હિંદુ વિરોધી નિવેદનો આપી ચૂક્યા છે. ગુજરાતમાં તમારે એક સરપંચની ચૂંટણી પણ જીતવી હોય તો હિંદુ વિરોધી બફાટ કરવો બિલકુલ પોસાય નહીં. છતાં તેઓ હજુ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને અન્ય પણ નેતાઓને સીધા ટાર્ગેટ કરીને નિવેદનો આપી દે છે. ઇટાલિયા આ પાછળનો શું મકસદ સમજતા હશે એ ખબર નથી પરંતુ આવાં નિવેદનોનો કોઈ ફાયદો તો થતો નથી પરંતુ ઘણીવાર બૂમરેંગ સાબિત થાય છે.

    આમ આદમી પાર્ટી આ બાકીની બે પાર્ટીઓ સામે એક જ બાબતે ચડી જાય તેમ છે- પ્રચાર તંત્રમાં. ગુજરાતીઓએ છેલ્લા છ મહિનામાં છાપાંના પહેલા પાને જેટલી વખત નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલના ફોટા નથી જોયા એટલી વખત ભગવંત માન અને અરવિંદ કેજરીવાલના ફોટા જોયા છે. પંજાબ સરકારની જાહેરાતો પણ અહીંના છાપાંમાં આવતી થઇ ગઈ છે. 

    આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર પણ ઠીકઠાક કામ કર્યું છે. અનેક ગ્રુપ બનાવી રાખ્યાં છે તો પાર્ટીના લોકો સોશિયલ મીડિયા સાઈટ પર પાર્ટીનો પ્રચાર કરતા રહે છે. બેફામ કાર્યકરો ક્યારેક મોદી-શાહને કે ભાજપના અન્ય નેતાઓને સીધા ટાર્ગેટ કરીને પોસ્ટ કરે છે. પરંતુ ગ્રાઉન્ડ પર જ્યાં સુધી તમે હાજરી ન દેખાડો ત્યાં સુધી આ બધું કંઈ જ કામમાં આવતું નથી.

    સોશિયલ મીડિયા તમને એક પણ ચૂંટણી જીતાડી શકતું નથી. સોશિયલ મીડિયા મદદરૂપ થાય છે, પરંતુ લોકોના મન બદલવા તમારે ગ્રાઉન્ડ પર ઉતરવું પડે છે. લોકો બે પોસ્ટ અને ટ્વિટ વાંચીને મત આપવા જતા નથી. જતા પણ હોય તો તેમની બહુમતી નથી. બહુમતી એવા લોકોની છે જેઓ ખુલ્લી આંખે ચારેતરફ જુએ છે, અભ્યાસ કરે છે, વર્તમાન સરકારનું અને ભૂતકાળની સરકારોનું શાસન જુએ છે, અને પછી મત આપે છે. ભાજપ આ જાણે છે, કોંગ્રેસ પણ જાણે છે પરંતુ હવે તેમનામાં એ તાકાત રહી નથી. આમ આદમી પાર્ટી આ જાણી રહેશે ત્યાં સુધીમાં ચૂંટણી આવીને જતી રહી હશે!

    આમ આદમી પાર્ટી એક તરફ સત્તા મેળવવાના દાવા કરે છે પરંતુ નજીકના ભૂતકાળને જોતાં આ વાતો હવામાં ગોળીબાર કરવા જેવી લાગે છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને તદ્દન નબળો પ્રતિસાદ મળ્યો છે. પાર્ટીએ નવું સંગઠન પણ બનાવી જોયું, પરંતુ પછી પણ વિખવાદો સામે આવ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયાને પણ થોડાક જ મહિના થયા છે, તેમાં પણ આમ આદમી પાર્ટીએ 44માંથી 1 સીટ મેળવી હતી. આ પરથી એક વાત નક્કી છે, આમ આદમી પાર્ટી આ ગુજરાત ચૂંટણીમાં કશું ખાસ પ્રદર્શન કરી શકવાની નથી, ડિપોઝીટ બચાવવાના પણ ફાંફાં પડે તો નવાઈ નહીં!

    હિંદુ યુવતીને મદરેસામાં લઈ જઈને ઈસ્લામ કબૂલ કરાવી, લગ્ન પણ કરાવ્યાઃ પોલીસે ગુમ થયેલી યુવતીને શોધી કાઢી, પરિવારને સોંપી

    ઉત્તર પ્રદેશના કૌશામ્બીના સરાય અકીલમાં ‘લવ જેહાદ’નો એક કિસ્સો સામે આવ્યો છે. ગુમ થયેલી હિંદુ છોકરી (હવે પાછી મેળવાઈ) એક મુસ્લિમ યુવક દ્વારા ઇસ્લામમાં પરિવર્તિત થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તે પછી તેણે તેની સાથે લગ્ન પણ કર્યા હતા. આ આરોપ લગાવતા યુવતીના પિતાએ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. ‘સમાધાન દિવસ’ પર ડીએમને પણ ફરિયાદ કરી હતી.

    વિષય એમ છે કે છોકરી સોમવારે (27 જૂન, 2022) તેના ભાઈ સાથે ઘરની બહાર ગઈ હતી. આ પછી યુવતીએ સ્કૂટી તેના ભાઈને આપી ડિશિ હતી. એણે એમ પણ કહ્યું કે તે તેના દાદાના ઘરે જઈ રહી છે. થોડીવારમાં પાછા આવવાની વાત કરીને તે નીકળી ગઈ હતી. મોડી સાંજ સુધી તે પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કોઈ ભાળ ન મળતાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન તેમને ખબર પડી કે એક મુસ્લિમ યુવક તે યુવતીને ઉપાડી ગયો છે. આ અંગે પરિવારજનોએ પોલીસને પણ જાણ કરી હતી. 29 જૂને મોટી સંખ્યામાં લોકો સાથે તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.

    તેમની માંગણી હતી કે નવી માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ બદલવી જોઈએ અને બાળકીને પાછી મેળવવી જોઈએ. પોલીસે યુવતીના અપહરણનો કેસ નોંધ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ તપાસ અધિકારીની બદલી પણ કરી હતી. ત્યારપછી પોલીસને યુવતીને પાછી મેળવવામાં સફળતા મળી હતી. હાલમાં બાળકીને તેના સંબંધીઓને સોંપવામાં આવી છે. પરિવારનો આરોપ છે કે યુવતીને પ્રયાગરાજના કારેલી સ્થિત એક મદરેસામાં લઈ જઈને ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો હતો અને ત્યાં જ લગ્ન પણ કરાવવામાં આવ્યા હતા.

    પીડિતાના પિતાએ કહ્યું કે પ્રશાસનને ધર્માંતરણ કરતા પહેલા અરજી કરવાની હોય છે, પરંતુ તે અહીં કરવામાં આવ્યું નહોતું. 30 જૂને બાળકી પાછી મેળવવામાં આવી હતી. આ પછી કોર્ટમાં તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. ‘સમાધાન દિવસ’ અવસર પર પિતાએ ડીએમને ફરિયાદ પત્ર આપ્યો, ત્યારબાદ આ મામલો સામે આવ્યો. ઉત્તર પ્રદેશમાં ‘લવ જેહાદ‘ વિરુદ્ધ પણ કાયદો છે. પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    દિલ્હીની અરવિંદ કેજરીવાલની આમ આદમી સરકારના સ્વાસ્થ્ય મોડલનો ફરી ફૂટ્યો પરપોટો: દિલ્હીની સરકારી હોસ્પીટલમાં 2015 બાદ વધ્યા મૃત્યુના આંકડા, RTI દ્વારા ખુલાસો

    ફરી એકવાર ગુજરાતનાં જાગૃત નાગરિક સુજીત પટેલ (સુજીત હિંદુસ્તાની)ની એક આરટીઆઇએ દિલ્હીની આપ સરકારના દાવાઓની પોલ ખોલી દીધી છે. આ વખતે તેમના નિશાના પર છે અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારનું સ્વાસ્થ્ય મોડેલ.

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દેશભરના આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સૌને દિલ્હી સરકારનું સ્વાસ્થ્ય મોડેલ સૌથી શ્રેષ્ઠ છે એ કહેતા થાકતા નથી હોતા. તેમના કહેવા પ્રમાણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ દિલ્હીના સરકારી દવાખાનાઓ અને સ્વાસ્થ્ય વ્યવસ્થાઓમાં ખૂબ મોટો ફરક આવ્યો છે અને કેજરીવાલ પહેલા દિલ્હીની સ્વાસ્થ્ય વ્યવસ્થા ખૂબ ખરાબ સ્તરની હતી.

    દિલ્હીની ચાચા નહેરુ ચિલ્ડ્રન હોસ્પીટલનો વાર્ષિક મૃત્યુઆંક કેજરીવાલ સરકાર દરમિયાન વધ્યો

    આરટીઆઇ એક્ટિવિસ્ટ સુજીત હિંદુસ્તાનીની ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં જાણવા મળ્યું કે તેમણે દિલ્હીના જુદા જુદા સરકારી દવાખાનાઓના મૃત્યુઆંકમાં 2015માં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ શું ફરક આવ્યો છે એ જાણવા અમુક આરટીઆઇ કરી હતી. જેમાંથી કેટલાકના જવાબ પણ આવી ગયા હતા. પટેલના કહેવા પ્રમાણે આરટીઆઇના જે જવાબ આવ્યા એ ખૂબ અચરજ પમાડનારા હતા.

    સુજીત પટેલે પોતાની એક આરટીઆઇમાં પૂછ્યું હતું કે 2012 થી 2021 સુધી દિલ્હીની ચાચા નહેરુ ચિલ્ડ્રન હોસ્પીટલનો વાર્ષિક મૃત્યુઆંક કેટલો રહ્યો હતો. તેના જવાબમાં દિલ્હી માહિતી ખાતાએ દરેક વર્ષના થયેલ દર્દીઓના મૃત્યુના આંકડા આપ્યા હતા.

    માહિતી ખાતાએ આપેલ જવાબ મુજબ વર્ષ 2012-2013, 2013-2014 અને 2014-2015 માટે દિલ્હીની ચાચા નહેરુ ચિલ્ડ્રન હોસ્પીટલનો વાર્ષિક મૃત્યુઆંક અનુક્રમે 811, 784 અને 849 રહ્યો હતો એટ્લે કે તે સરેરાશ 815 રહ્યો હતો.

    2015માં અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. તો માહિતી ખાતાના જવાબ મુજબ 2015થી લઈ 2021 સુંધીના 6 વર્ષ દરમિયાન આ જ હોસ્પિટલનો સરેરાશ વાર્ષિક મૃત્યુઆંક 1008 રહ્યો હતો. એટ્લે કે સરકારી આંકડાઓમાં જ દિલ્હીમાં કેજરીવાલ સરકાર બન્યા બાદ આ હોસ્પીટલમાં વાર્ષિક મૃત્યુઆંક વધેલો જોવા મળ્યો હતો.

    દિલ્હીની શ્રી દાદા દેવ ચિલ્ડ્રન હોસ્પીટલમાં પણ આ જ પરિસ્થિતી

    આ પરિસ્થિતી માત્ર દિલ્હીની ચાચા નહેરુ ચિલ્ડ્રન હોસ્પીટલમાં જ નથી. એ સિવાય પણ દિલ્હીની ઘણી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મૃત્યુઆંકમાં વધારો જોવા મળ્યો હતો.

    સુજીત પટેલે બીજી આવી એક આરટીઆઇ દિલ્હીની શ્રી દાદા દેવ ચિલ્ડ્રન હોસ્પીટલના વાર્ષિક મૃત્યુઆંક જાણવા માટે કરી હતી. દિલ્હી માહિતી ખાતા દ્વારા મળેલ આ આરટીઆઇનો જવાબ પણ જોવા જેવો છે.

    માહિતી ખાતા અનુસાર 2011-2012થી લઈને 2014-2015 સુધીના 4 વર્ષોનો સરેરાશ વાર્ષિક મૃત્યુઆંક 26 રહ્યો હતો. પરંતુ 2015માં દિલ્હીમાં આપની સરકાર બન્યા બાદ 2015-2016થી લઈને 2021-2022 ના 7 વર્ષ દરમિયાન સરેરાશ વાર્ષિક મૃત્યુઆંક 47 રહ્યો હતો.

    એટ્લે કે દિલ્હીની ચાચા નહેરુ ચિલ્ડ્રન હોસ્પીટલની જેમ જ શ્રી દાદા દેવ ચિલ્ડ્રન હોસ્પીટલમાં પણ દિલ્હીમાં આપ સરકાર બન્યા બાદ વાર્ષિક મૃત્યુઆંક પહેલા કરતાં વધેલો જોવા મળ્યો હતો.

    દિલ્હી સરકારનું સ્વાસ્થ્ય મોડેલ ચીંથરેહાલ

    અન્ય એક આરટીઆઇમાં જાણવા મળ્યું હતું કે 2014થી હમણાં સુધી દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યા વધી તો નથી જ પરંતુ તેમાં મોટો ઘટાડો થયો છે. એપ્રિલ 2022 સુધી દિલ્હીમાં પેસન્ટ ટ્રાન્સપોર્ટ એંબ્યુલન્સમાં 9 નો ઘટાડો થયો છે અને એડ્વાન્સ લાઈફ સપોર્ટ એંબ્યુલન્સમાં 20નો ઘટાડો થયો. 29 એમ્બ્યુલન્સના ઘટાડા સામે દિલ્હી સરકારે આ સમયગાળામાં માત્ર 10 નવી એમ્બ્યુલન્સ વસાવી છે.

    આમ આદમી પાર્ટીએ પોતાના 2015 ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આવશે તો 4000 ડોક્ટર અને 15,000 નર્સ અને પેરમેડિકલ સ્ટાફને કાયમી કરશે. પરંતુ એક આરટીઆઇના જવાબમાં માહિતી મળી હતી કે 2015ની ચૂંટણી જીત્યા બાદ પણ 2020 સુધી દિલ્હી સરકારે એમથી એકને પણ કાયમી કર્યા નહોતા.

    આવી અનેક આરટીઆઇ દ્વારા મળી રહેલ સરકારી જાણકારીઓ સાબિત કરે છે કે અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારનું સ્વાસ્થ્ય મોડેલ બસ એક હવા ભરેલો પરપોટો છે અને હકીકતમાં ત્યની સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ નિમ્ન કક્ષાની થતી જઈ રહી છે.

    21 વર્ષીય યુવકની તેના મિત્રો સલમાન, શાહવેજ, અલી અને ઇમરાને જ કરી નાંખી હત્યા, લાશના ટુકડા કરીને નાળામાં ફેંકી દીધી: પોલીસે બ્લેકમેલિંગનો મામલો ગણાવ્યો

    ઉત્તર પ્રદેશના મેરઠમાં એક 21 વર્ષીય યુવાન યશ રસ્તોગીની અપહરણ બાદ હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. યુવક છ દિવસથી લાપતા હતો. પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જે બાદ તેના સમલૈંગિક મિત્રોએ તેનું અપહરણ કરીને હત્યા કરી નાંખી હોવાનું ખૂલ્યું હતું. આ મામલે આરોપીઓ સલમાન, શાહવેજ, અલીજાન અને ઇમરાનની ધરપકડ કરવામાં આવી છે. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, લૉનો અભ્યાસ કરતો યશ રસ્તોગી નામનો યુવાન 26 જૂનની સાંજે સ્કુટી લઈને ઘરેથી નીકળ્યો હતો પરંતુ પરત ફર્યો ન હતો. મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ યશનો કોઈ પત્તો ન લાગતા પરિજનોએ બીજા દિવસે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસને યશની લાશ એક નાળામાંથી મળી આવી હતી. 

    પોલીસે તપાસ દરમિયાન મોબાઈલનું લૉકેશન શોધતા યશનું અંતિમ લૉકેશન ફતેહઉલ્લાપૂર રોડ સ્થિત એક કારખાનામાં મળ્યું હતું. આ કારખાનું શાહવેજ નામના યુવકનું હતું. જે બાદ પોલીસે શાહવેજ ઉપરાંત ઇમરાન, અલી અને સલમાનને હિરાસતમાં લીધા હતા અને કડક પૂછપરછ કરી હતી. 

    પોલીસની પૂછપરછમાં આરોપીઓ શાહવેજ અને અલીએ જણાવ્યું હતું કે તેમની અને યશ વચ્ચે સમલૈંગિક સબંધો હતા. તેમને ત્રણેયને આશંકા હતી કે યશે તેમનો કોઈ અશ્લીલ વિડીયો બનાવ્યો હશે. જેથી તેઓ યશનો મોબાઈલ ફોન ચેક કરવા માંગતા હતા અને તે માટે તેમણે યશનો મોબાઈલ ફોન માંગ્યો હતો, પરંતુ તેણે ફોન આપવાનો ઇનકાર કરી દેતા તેમની વચ્ચે ગાળાગાળી પણ થઇ હતી. જે બાદ તેની ઉપર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો અને ગળું દબાવીને હત્યા કરી નાંખવામાં આવી. 

    રિપોર્ટ અનુસાર આરોપીઓએ કબૂલ્યું હતું કે હત્યા પહેલાં તેમણે તેની સાથે કુકર્મ કર્યું હતું, બાદમાં ચાકુ વડે હુમલો કરીને મારી નાંખ્યો હતો અને પછી લાશના ટુકડા કરીને બાંધીને નાળામાં ફેંકી દીધા હતા. અલી અને શાહવેજે હત્યા કરી હતી જયારે સલમાને મૃતદેહને ઠેકાણે પાડવામાં તેમનો સાથ આપ્યો હતો. 

    મેરઠમાં યશ રસ્તોગીની હત્યા કરનારા આરોપીઓને પકડી લઈને પોલીસે આઈપીસીની કલમ 364 (હત્યાના ઇરાદેથી અપહરણ કરવું) હેઠળ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    મેરઠ પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, “યશ રસ્તોગી સ્કૂટી લઈને ચાલ્યો ગયો હતો. જે બાદ તે ગાયબ થવાની જાણકારી મળતા મેડિકલ થાણા પોલીસે કેસ દાખલ કર્યો હતો. સીસીટીવી અને સર્વેલન્સની મદદથી ત્રણ ધરપકડ કરવામાં આવી છે.” પોલીસે દાવો કર્યો કે આ હત્યા લેવડદેવડ અને બ્લેકમેલના કારણે કરવામાં આવી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ પોલીસે જણાવ્યું છે.