Friday, February 3, 2023
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતની રાજનીતિમાં કેજરીવાલના છબછબિયાં: પંજાબવાળી કરવાનો નિરર્થક પ્રયાસ, પણ સફળતા મળે તેની...

  ગુજરાતની રાજનીતિમાં કેજરીવાલના છબછબિયાં: પંજાબવાળી કરવાનો નિરર્થક પ્રયાસ, પણ સફળતા મળે તેની શક્યતાઓ નહીંવત: આ રહ્યાં કારણો

  કેજરીવાલે ગુજરાતમાં આવતાવેંત કહ્યું કે, લોકો 27 વર્ષના ભાજપના શાસનથી કંટાળી ગયા છે અને હવે તેમને ‘આપ’ પર આશા બંધાઈ છે. સાથે તેમણે ભાજપ અને કોંગ્રેસ વિશે ટિપ્પણી કરતાં કહ્યું કે, ભાજપ વિચારે છે કે કોંગ્રેસ તેમને પડકાર આપી શકે નહીં અને એટલે તેમનો અહંકાર વધી ગયો છે. 

  - Advertisement -

  પંજાબ વિધાનસભા ચૂંટણી જીત્યા પછી હવે આમ આદમી પાર્ટીનું મુખ્ય લક્ષ્યાંક ગુજરાત છે. આમ તો ગુજરાત સાથે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી છે. આમ આદમી પાર્ટી ત્યાં પણ લડશે ખરી, પરંતુ પાર્ટીનું ધ્યાન હાલ સતત 27 વર્ષથી રાજ્યમાં અજેય ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા ગુજરાત પર વધુ છે. એ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિતના નેતાઓ અવારનવાર કોઈને કોઈ બહાને ગુજરાત આવતા રહે છે. આજથી કેજરીવાલ ફરી ગુજરાતમાં છે. 

  આમ આદમી પાર્ટી કન્વીનર કેજરીવાલે ગુજરાત આવતાવેંત કહ્યું કે, લોકો 27 વર્ષના ભાજપના શાસનથી કંટાળી ગયા છે અને હવે તેમને ‘આપ’ પર આશા બંધાઈ છે. સાથે તેમણે ભાજપ અને કોંગ્રેસ વિશે ટિપ્પણી કરતાં કહ્યું કે, ભાજપ વિચારે છે કે કોંગ્રેસ તેમને પડકાર આપી શકે નહીં અને એટલે તેમનો અહંકાર વધી ગયો છે. 

  કેજરીવાલે આજે પહેલીવાર આવું કહ્યું તેમ નથી, છેલ્લા લગભગ વર્ષેકથી આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યમાં આ એક જ લાઈન પર ચાલી રહી છે. અને એ છે- 27 વર્ષના ભાજપના શાસનથી લોકો કંટાળ્યા છે, કોંગ્રેસમાં ભાજપને પડકાર આપવાની ક્ષમતા રહી નથી, અને એટલે તેઓ હવે આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આમાં બીજી વાત સાચી છે, પણ પહેલી અને ત્રીજી એટ લિસ્ટ જમીની સ્તરે સત્ય સાબિત થાય તેમ નથી. 

  ગુજરાતીઓ ભાજપના શાસનથી નારાજ છે?

  - Advertisement -

  ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનથી લોકો નારાજ છે? ના. નહીં. કારણ કે એવું ક્યાંય દેખાઈ રહ્યું નથી. આજની તારીખે પણ ચૂંટણી થાય તો ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવે તે વાતનો કોઈ ઇનકાર કરી શકે નહીં. 27 વર્ષના શાસન પછી પણ તેમની વિરુદ્ધ એન્ટી-ઈન્ક્મબન્સી નથી. લોકો ભાજપથી નારાજ નથી તેની સાબિતી સમયે-સમયે મળતી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં થયેલી તમામ ચૂંટણીઓનાં પરિણામો જોશો તો આ વાત સમજાશે. 

  ભારતીય જનતા પાર્ટી પાસે ગામેગામ કાર્યકર્તાઓ છે. સ્થાનિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે, આ કાર્યકર્તાઓને સતત દોડતા રાખે તેવું તંત્ર ભાજપે વિકસાવ્યું છે. એક સુવ્યવસ્થિત પ્રણાલીથી પાર્ટી ચાલે છે. 

  નરેન્દ્ર મોદીના રૂપમાં ભારતીય જનતા પાર્ટી પાસે એવું એક વ્યક્તિત્વ છે જે ગુજરાત અને ગુજરાતીઓ સાથે સીધું જોડાણ ધરાવે છે. આજે 21 વર્ષે પણ મોદી અને ગુજરાતીઓ બંને વચ્ચેનો સબંધ અતૂટ રહ્યો છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ 2002નાં રમખાણો પછી રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે કાવતરાં રચી, ખોટા આરોપો લગાવી, કોર્ટ કેસ કરીને મોદીને ખતમ કરી નાંખવાના, મોદીની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ લગાડી દેવાના પ્રયત્નો એક-બે વર્ષો નહીં પણ સતત વીસ વર્ષ સુધી ચાલ્યા. પણ મોદી વિરુદ્ધ આટઆટલા અપપ્રચાર છતાં પણ ગુજરાતીઓએ મોદીનો સાથ ક્યારેય છોડ્યો નથી. 2002 પછી 2007 અને 2012 ની વિધાનસભા ચૂંટણી હોય કે 2014 અને 2019 ની લોકસભા ચૂંટણી, ગુજરાતની જનતાએ હંમેશા બે હાથે મોદી પર આશીર્વાદ વરસાવ્યા છે. 

  કોંગ્રેસ પાસે કાર્યકરો છે, પણ નેતાઓ નથી

  કોંગ્રેસની વાત કરવામાં આવે તો પાર્ટી સતતને સતત પાછળ જતી જાય છે. કોંગ્રેસ પાસે કોઈ ઝુઝારુ નેતા નથી. સંગઠન છે, પરંતુ ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. કોંગ્રેસ પાસે આજની તારીખે પણ ગામેગામ કાર્યકર્તાઓ છે, પરંતુ તેમના મનોબળ હવે તૂટી ગયા છે. એ કાર્યકરોમાં જોમ ભરે તેવો કોઈ નેતા નથી. યુવાનો વચ્ચે જઈને તેમની ઉપર પ્રભાવ પાડી શકે તેવા નેતાનો અભાવ જણાય છે. ઘણા નેતાઓએ ત્રાસીને આખરે ‘કમલમ્’નો રસ્તો પકડવો પડે છે. 

  જોકે, તેમ છતાં કોંગ્રેસની સ્થિતિ આમ આદમી પાર્ટી જેવી નથી. કોંગ્રેસ પાસે જેવા હોય તેવા પરંતુ કાર્યકર્તાઓ છે. પ્લસ, આજે પણ અમુક બેઠકો એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટી આજ સુધી એક પણ ચૂંટણી જીતી શકી નથી. આમ તો ભાજપે સ્થાનિક ચૂંટણીમાં અહીં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ દરેક ચૂંટણી જુદા-જુદા મુદ્દે લડવામાં આવે છે. એટલે આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નવી બેઠકો કદાચ ન જીતી શકે પરંતુ આવી જે બેઠકો પર તેનો હાથ ઉપર છે, ત્યાં સત્તા જાળવી રાખશે. કોંગ્રેસ હજુ નામશેષ થઇ નથી. ભાજપ પણ એ વાત સારી રીતે જાણે છે.

  આમ આદમી પાર્ટી ખરેખર ‘ત્રીજો પક્ષ’ છે?

  આમ આદમી પાર્ટીને ત્રીજો પક્ષ તરીકે જોવામાં આવી રહી છે. આ આખો નરેટિવ બનાવવામાં સૌથી મોટી ભૂમિકા મેઈનસ્ટ્રીમ મીડિયાની છે. બાકી, ભૂતકાળમાં આવી અનેક પાર્ટીઓ આવી છે, ચૂંટણીઓ લડી છે અને કંઈ ઉકાળી શકી નથી. ઇવન શંકરસિંહ અને કેશુભાઈ જેવા દિગ્ગ્જ્જો પણ પાર્ટીઓ ઉતારી ચૂક્યા છે, પરંતુ આજે સ્થિતિ એ છે કે અહીં બે જ રાષ્ટ્રીય પાર્ટીઓ ચાલે છે. તેમાં પણ છેલ્લા 27 વર્ષથી એક જ પાર્ટીનું શાસન રહ્યું છે. 

  આમ આદમી પાર્ટી વર્ષ 2021માં સુરતમાં મહાનગરપાલિકા ચૂંટણી જીતી હતી. તે સિવાય ક્યાંય કોઈ ચૂંટણીમાં સમ ખાવા પૂરતીય જીત મળી નથી. એવું પણ નહતું કે પાર્ટી માત્ર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જ લડી હતી. સુરત સાથે અન્ય પાંચ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી, તેમાં ક્યાંય પાર્ટીનો ગજ વાગ્યો ન હતો. સુરતમાં 27 બેઠકો મળી તે પાછળના પણ ઘણાં કારણો છે. 

  તેથી ખરેખર તો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એવી કોઈ જબરદસ્ત અને જ્વલંત સફળતા મેળવી નથી લીધી કે જેથી તેને ત્રીજો મોરચો કહી શકાય. પરંતુ પહેલે પાને જાહેરાત અપાતી હોય કે ચેનલોમાં દસ-દસ મિનિટે જાહેરાતો આવતી હોય તો હવે આટલું તો સામેપક્ષે થાય એ પણ સ્વાભાવિક વાત છે!

  ‘આપ’ પાસે નેતૃત્વ, સંગઠન તમામનો અભાવ, માત્ર પ્રચારતંત્ર મજબૂત

  ‘આપ’ પાસે ગામેગામ કાર્યકર્તા નથી. (સોશિયલ મીડિયા પર બે પોસ્ટ નીચે જઈને કૉમેન્ટ કરનારને ‘કાર્યકર’ ન કહી શકાય.) તેમની પાસે સરખું સંગઠન પણ નથી. રાજકારણમાં સંગઠન સાચવવું અઘરી બાબત છે. માંડ 10 પદો સામે દાવેદારો પચાસ હોય છે. એ પણ માંડ બેઠી થઇ રહેલી પાર્ટી માટે મહામુશ્કેલ બાબત છે. એટલે જ નવાં સંગઠનો જાહેર કરવા પડે છે, તોપણ આંતરિક વિખવાદનો અંત આવતો નથી.

  આમ આદમી પાર્ટી પાસે કોઈ સબળ નેતૃત્વ પણ દેખાઈ રહ્યું નથી. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીનું પ્રભુત્વ જોઈએ તેવું નથી. ઈસુદાન છેક હમણાં સુધી પત્રકાર હતા. હવે નવા નવા રાજકારણી બન્યા છે. હમણાં ખબર નહીં (લખનાર બ્લૉક છે એટલે) બાકી પહેલાં ઈસુદાન ગઢવીએ ટ્વિટર પર ભાજપ સમર્થકો માટે અભદ્ર શબ્દોમાં ટિપ્પણીઓ કરી હતી. એક સ્તરે પહોંચ્યા પછી આવાં વર્તનની નોંધ લેવાતી હોય છે. ગુજરાત પાર્ટીના સંગઠન સામે તાલમેલ સાધીને કામ કરવામાં હજુ તેમને ઘણો સમય લાગશે.

  ગોપાલ ઇટાલિયાએ પણ શાન ઠેકાણે આવ્યા પછી હમણાં માંડી વાળ્યું પણ પહેલાં તેઓ પણ હિંદુ વિરોધી નિવેદનો આપી ચૂક્યા છે. ગુજરાતમાં તમારે એક સરપંચની ચૂંટણી પણ જીતવી હોય તો હિંદુ વિરોધી બફાટ કરવો બિલકુલ પોસાય નહીં. છતાં તેઓ હજુ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને અન્ય પણ નેતાઓને સીધા ટાર્ગેટ કરીને નિવેદનો આપી દે છે. ઇટાલિયા આ પાછળનો શું મકસદ સમજતા હશે એ ખબર નથી પરંતુ આવાં નિવેદનોનો કોઈ ફાયદો તો થતો નથી પરંતુ ઘણીવાર બૂમરેંગ સાબિત થાય છે.

  આમ આદમી પાર્ટી આ બાકીની બે પાર્ટીઓ સામે એક જ બાબતે ચડી જાય તેમ છે- પ્રચાર તંત્રમાં. ગુજરાતીઓએ છેલ્લા છ મહિનામાં છાપાંના પહેલા પાને જેટલી વખત નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલના ફોટા નથી જોયા એટલી વખત ભગવંત માન અને અરવિંદ કેજરીવાલના ફોટા જોયા છે. પંજાબ સરકારની જાહેરાતો પણ અહીંના છાપાંમાં આવતી થઇ ગઈ છે. 

  આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર પણ ઠીકઠાક કામ કર્યું છે. અનેક ગ્રુપ બનાવી રાખ્યાં છે તો પાર્ટીના લોકો સોશિયલ મીડિયા સાઈટ પર પાર્ટીનો પ્રચાર કરતા રહે છે. બેફામ કાર્યકરો ક્યારેક મોદી-શાહને કે ભાજપના અન્ય નેતાઓને સીધા ટાર્ગેટ કરીને પોસ્ટ કરે છે. પરંતુ ગ્રાઉન્ડ પર જ્યાં સુધી તમે હાજરી ન દેખાડો ત્યાં સુધી આ બધું કંઈ જ કામમાં આવતું નથી.

  સોશિયલ મીડિયા તમને એક પણ ચૂંટણી જીતાડી શકતું નથી. સોશિયલ મીડિયા મદદરૂપ થાય છે, પરંતુ લોકોના મન બદલવા તમારે ગ્રાઉન્ડ પર ઉતરવું પડે છે. લોકો બે પોસ્ટ અને ટ્વિટ વાંચીને મત આપવા જતા નથી. જતા પણ હોય તો તેમની બહુમતી નથી. બહુમતી એવા લોકોની છે જેઓ ખુલ્લી આંખે ચારેતરફ જુએ છે, અભ્યાસ કરે છે, વર્તમાન સરકારનું અને ભૂતકાળની સરકારોનું શાસન જુએ છે, અને પછી મત આપે છે. ભાજપ આ જાણે છે, કોંગ્રેસ પણ જાણે છે પરંતુ હવે તેમનામાં એ તાકાત રહી નથી. આમ આદમી પાર્ટી આ જાણી રહેશે ત્યાં સુધીમાં ચૂંટણી આવીને જતી રહી હશે!

  આમ આદમી પાર્ટી એક તરફ સત્તા મેળવવાના દાવા કરે છે પરંતુ નજીકના ભૂતકાળને જોતાં આ વાતો હવામાં ગોળીબાર કરવા જેવી લાગે છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને તદ્દન નબળો પ્રતિસાદ મળ્યો છે. પાર્ટીએ નવું સંગઠન પણ બનાવી જોયું, પરંતુ પછી પણ વિખવાદો સામે આવ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયાને પણ થોડાક જ મહિના થયા છે, તેમાં પણ આમ આદમી પાર્ટીએ 44માંથી 1 સીટ મેળવી હતી. આ પરથી એક વાત નક્કી છે, આમ આદમી પાર્ટી આ ગુજરાત ચૂંટણીમાં કશું ખાસ પ્રદર્શન કરી શકવાની નથી, ડિપોઝીટ બચાવવાના પણ ફાંફાં પડે તો નવાઈ નહીં!

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં