Friday, September 20, 2024
More
    Home Blog Page 1036

    કથિત અદાકારા સ્વરા ભાસ્કર મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમની ટીકા કરવા બાબતે કેમ અઢી વર્ષ મોડી પડી છે?

    મહારાષ્ટ્રમાં દિવસથી ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે લેફ્ટ લિબરલ્સે પોતાની પ્રતિક્રિયાઓ સાથે ઝંપલાવ્યું છે. રોદણા રડવાની શરૂઆત થઈ છે કથિત એક્ટ્રેસ સ્વરા ભાસ્કર દ્વારા.

    ગઈ કાલે (22 જૂન 2022) રાતના 11 વાગ્યા આસપાસ કથિત એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાની ટ્વિટર પ્રોફાઇલ પર ટ્વિટ કરીને પોતાનો બળાપો કાઢે છે. પોતાની ટ્વિટમાં તે કહે છે કે, ” અમે વોટ આપીએ જ કેમ છીએ? દર 5 વર્ષે ચૂંટણીની જગ્યાએ સેલ લગાવી દેતા હોય તો સારું.”

    અહિયાં નોંધનીય તો એ છે કે તેની આ ટ્વિટ સૈદ્ધાંતિક અને ભાવાત્મક બંને રીતે ખોટી સાબિત થાય છે. સ્વરા પોતે દિલ્હીની મતદાતા છે તો તેણે મહારાષ્ટ્ર ચુંટણીમાં કઈ રીતે વોટ કર્યો હોઇ શકે? તો એની વાત કે ‘હમ વોટ દેતે હી ક્યૂ હૈ ?’ તદ્દન ખોટી સાબિત થાય છે.

    અને બીજી બાજુ જો એ બતાવવા માંગતી હોય કે મહારાષ્ટ્ર રાજકારણમાં હમણાં જે થઈ રહ્યું છે તેનાથી તેનો લોકશાહી પ્રત્યેની ભાવનાને ઠેષ પહોચે છે, તો એ તો સૌથી મોટું અસત્ય છે.

    ભાજપ-શિવસેના 2019માં ચૂંટણી પહેલા ગઠબંધનમાં હતા અને તેઓએ સ્પષ્ટ બહુમતી તરીકે 169/288 બેઠકો જીતી હતી. તેથી જાહેર જનતા જનાદેશ ભાજપ-SS ગઠબંધન માટે હતો. પરંતુ ત્યારે શિવસેનાએ પોતાના ચૂંટણી પહેલાના ગઠબંધનને તોડીને વિરોધીઓ સાથે સરકાર બનાવી હતીખરેખર તો એ ઘટના સાચા અર્થમાં લોકતંત્રની હત્યા હતી. પરંતુ ત્યારે કથિત એક્ટ્રેસ સ્વરા ભાસ્કર તેમાં કાઇ બોલી ના હતી અને તેની લોકતંત્ર માટેની ભાવનાને દુખ નહોતું પહોચ્યું.

    નોંધવા જેવી વાત તો એ છે કે 2019માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ થયેલી લોકતંત્રની હત્યા બાદ સ્વરા સહિત લગભગ દરેક લિબરલ ખૂબ ખુશ હતા. ઉપરાંત બાદમાં તેમણે અવાર નવાર CM ઉદ્ધવ ઠાકરેની વાહવાહી કરતાં જોવા મળ્યા હતા.

    મહારાષ્ટ્રના મતદારોએ જે ગઠબંધનને બહુમતી આપીને સરકાર બનાવવા આગળ કર્યા એ તોડીને વિરોધીઓ સાથે સરકાર બનાવીને મુખ્યમંત્રી બનનાર ઉદ્ધવ ઠાકરેની આમ વાહવાહી કરતી વખતે કથિત એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ક્યારેય ઉણી ન ઉતરી કે ન ક્યારેય તેને ત્યારે લોકતંત્રની કે પોતાના વોટની ચિંતા થઈ.

    શિવસેનાના કોંગ્રેસ અને NCP સાથે થ્યેલ ગઠબંધન વખતે તેને ‘બંપર સેલ’ યાદ નહોતો આવ્યો. પણ આજે જ્યારે એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 40થી વધુ ધારાસભ્યો 2019માં જનતાએ જે મેંડેટ આપ્યું હતું તે પ્રમાણે ભાજપના સહયોગથી સરકાર બનાવીને મતદારોનું બહુમાન કરવાની વાત કરે છે ત્યારે આ રીતની ટ્વિટ કરીને સ્વરાએ માત્ર પોતાના ડબલ સ્ટાન્ડર્ડને ફરી એક વાર ખુલ્લુ પડ્યું છે અને તે માટે હાલ સોશિયલ મીડિયામાં તે ટ્રોલ પણ થઈ રહી છે.

    આર્થિક સંકટ સામે ઝઝુમતું શ્રીલંકા, વડાપ્રધાને કહ્યું- અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી, ભારત પણ ક્યાં સુધી મદદ કરશે?

    આર્થિક સંકટોનો સામનો કરતા પાડોશી દેશ શ્રીલંકામાં હજુ પરિસ્થિતિ સુધરી નથી અને લોકો પ્રાથમિક સુવિધાઓ માટે પણ ઝઝૂમી રહ્યા છે. તેની વચ્ચે શ્રીલંકામાં આર્થિક સંકટ અંગે અહીંના વડાપ્રધાને કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ ગઈ છે અને હવે દેશને ફરી બેઠો કરવો ખૂબ મુશ્કેલ છે. તેમણે શ્રીલંકાની સંસદમાં આ વાત કહી હતી. 

    શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે જાણકારી આપતી વખતે શ્રીલંકન સંસદને કહ્યું હતું કે, “હવે એ સમય આવ્યો છે કે દેશમાં વીજળી, ઇંધણ, ગેસ કે ખોરાક જેવી સમસ્યાઓ કરતાં પણ મોટી સમસ્યા સર્જાઈ છે. અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાંગી છે અને તે ફરીથી પુનર્જીવિત નહીં થાય તો આ સમસ્યાઓનું કોઈ સમાધાન લાવી શકાશે નહીં.” તેમણે કહ્યું કે, સંપૂર્ણ ધ્વસ્ત થયેલી અર્થવ્યવસ્થા સાથે દેશને ફરીથી બેઠો કરવો અત્યંત કઠિન છે. 

    શ્રીલંકાના વડાપ્રધાને કહ્યું કે, તેમના પેટ્રોલિયમ કોર્પોરેશનના માથે દેવું એટલું વધી ગયું છે કે તેઓ ઇંધણ પણ આયાત કરી શકવા સક્ષમ નથી. સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન પર 700 મિલિયન ડોલરનું દેવું છે. જેના કારણે દુનિયાની કોઈ સંસ્થા કે કોઈ દેશ તેમને ઇંધણ આપવા માટે તૈયાર નથી. 

    તેમણે કહ્યું કે, “શરૂઆતમાં જ જો દેશની અર્થવ્યવસ્થાને ભંગ થતી બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હોત તો આપણે આજે આ પરિસ્થિતિમાં ન હોત. પરંતુ હવે આ તક જતી રહી છે અને હવે દેશ સંપૂર્ણ પતન તરફ જઈ રહ્યો છે.  

    શ્રીલંકાના વડાપ્રધાને કહ્યું કે હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ચર્ચા કરવી એ જ એક વિકલ્પ બચ્યો છે. તેમણે કહ્યું કે, અમે IMF સાથે વાતચીત કરી રહ્યા છીએ અને વધારાની ક્રેડિટ સુવિધા મળે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. જે માટે IMF ની એક ટીમ ટૂંક સમયમાં શ્રીલંકા પણ આવી રહી છે. 

    તેમણે એમ પણ કહ્યું કે, “ભારત પાસેથી ક્રેડિટ લાઈન હેઠળ 4 બિલિયન ડોલરની સહાય મળી છે. તેમજ અમે ભારત સરકાર પાસે વધુ સહાયની માંગ પણ કરી છે. પરંતુ ભારત પણ આ રીતે કાયમ મદદ કરી શકે નહીં કારણ કે તેમની પણ એક મર્યાદા છે. તેમણે એમ પણ કહ્યું કે, શ્રીલંકાએ ભારતને લૉન પણ ચૂકવવી પડશે કારણ કે તે દાનની રકમ નથી.”

    ઉલ્લેખનીય છે કે શ્રીલંકા તેની આઝાદી પછીના સૌથી વિકટ કાળમાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં આજે એ સ્થિતિ છે કે લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ, ઇંધણ, ગેસ, દવાઓ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહી નથી. કોરોના મહામારી બાદ અને ખાસ કરીને ટૂરિઝમ બંધ થઇ જવાથી અને પાયાની વસ્તુઓનો ભાવવધારો થવાથી શ્રીલંકામાં આર્થિક સંકટ સર્જાયું છે અને દેશ દેવામાં ડૂબ્યો છે.

    દેશને માથે દેવું વધી જતાં શ્રીલંકામાં વિરોધ પ્રદર્શનો પણ ખૂબ થયાં હતાં અને સરકારનો વિરોધ થયો હતો. જે બાદ રાનિલ વિક્રમસિંઘે દેશના નવા વડાપ્રધાન બન્યા હતા. જોકે, તેઓ પણ દેશની સ્થિતિ અંગે નિરાશાવાદી જણાઈ રહ્યા છે.

    શિવસેનાના બળવાખોર ધારાસભ્યોનો પત્ર: અયોધ્યા જતાં રોક્યા, વર્ષા ખાતે અપમાનજનક વ્યવહાર થતો, પવાર પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું- શિંદે સાથે જ રહીશું

    મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. તેમના નેતા એકનાથ શિંદેએ ટ્વિટ કરીને આ પત્ર જાહેર કર્યો છે. ટ્વિટમાં તેમણે પત્ર જોડીને તેમણે આ ધારાસભ્યોની ભાવનાઓ હોવાનું કહ્યું છે. 

    શિવસેના ધારાસભ્ય સંજય શિરસાટના હસ્તાક્ષરમાં લખવામાં આવેલ પત્રમાં ધારાસભ્યોએ કહ્યું કે, અઢી વર્ષથી માતોશ્રીના દરવાજા શિવસેનાના ધારાસભ્યો માટે બંધ હતા અને મંત્રાલયમાં પણ મુખ્યમંત્રી મળતા ન હતા. તેમજ આદિત્ય ઠાકરે અયોધ્યા ગયા ત્યારે પણ તેમને રોકવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. 

    પત્રમાં ધારાસભ્યોએ કહ્યું કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેમને પ્રવેશ મળતો ન હતો પરંતુ કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ સીએમ સાથે સંપર્ક કરી શકતા હતા. તેમણે એમ પણ કહ્યું કે, જેઓ સીધી રીતે નથી ચૂંટાતા તેવા રાજ્યસભા અને વિધાન પરિષદના સાંસદો-ધારાસભ્યો પાસેથી સીએમને મળવા માટે સમય માંગવો પડતો હતો અને લોકો દ્વારા સીધા ચૂંટાયેલા ધારાસભ્યોનું અપમાન કરવામાં આવતું હતું. 

    શિવસેનાના ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને એમ પણ કહ્યું કે, સામાન્ય રીતે મુખ્યમંત્રી મંત્રાલયના છઠ્ઠા માળે બધાને મળે છે પરંતુ તેમના માટે એ પણ કોઈ પ્રશ્ન ન હતો કારણ કે સીએમ ક્યારેય મંત્રાલય ગયા જ નથી. તેમણે લોકોમાંથી ચૂંટાઈ આવેલા ધારાસભ્યો સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ એનસીપી અને શરદ પવારના વધુ પડતા હસ્તક્ષેપ અંગે પણ જણાવ્યું છે.

    પત્રમાં ધારાસભ્યોએ કહ્યું છે કે, આદિત્ય ઠાકરે તાજેતરમાં અયોધ્યા ગયા હતા ત્યારે અન્ય ધારાસભ્યોને જતા રોકવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીએ સ્વયં અનેક ધારાસભ્યોને ફોન કરીને જવાની મનાઈ ફરમાવી હતી. ધારાસભ્યોએ દાવો કર્યો કે મુખ્યમંત્રી ઠાકરેએ એકનાથ શિંદેને ફોન કરીને એરપોર્ટ પરથી તમામ ધારાસભ્યોને પરત બોલાવી લેવા માટે કહ્યું હતું. 

    પત્રમાં ગઈકાલના મુખ્યમંત્રીના સંબોધનને લઈને કહેવામાં આવ્યું કે, સંબોધનમાં ભાવુક વાતો તો બહુ થઇ પરંતુ તેમના પાયાના પ્રશ્નોના જવાબો તેમને મળ્યા જ નહીં. ધારાસભ્યોએ એમ પણ કહ્યું કે, આ કઠિન સમયમાં એકનાથ શિંદેએ તેમને સમર્થન આપ્યું અને તેમના માટે પોતાના ઘરના દરવાજા ખોલ્યા હતા. તેથી તેઓ ભવિષ્યમાં પણ એકનાથ શિંદે સાથે જ રહેશે. 

    આ પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યાં ગુવાહાટીમાં શિંદે જૂથ વધુને વધુ મજબૂત બની રહ્યું છે. સતત ધારાસભ્યોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એકનાથ શિંદે પાસે હાલ 40 થી વધુ શિવસેના ધારાસભ્યો હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના હાલ 55 ધારાસભ્યો છે. તેમાંથી 42-43 ધારાસભ્યો ગુવાહાટીમાં હોય તો ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે માંડ 10-12 ધારાસભ્યો બચ્યા છે. તેમાંથી પણ એક આદિત્ય ઠાકરે છે. 

    બીજી તરફ, જાણવા મળી રહ્યું છે કે શિવસેનાના કેટલાક સાંસદો પણ એકનાથ શિંદેના સંપર્કમાં છે. ઉપરાંત એકનાથ શિંદેનો પુત્ર શ્રીકાંત શિંદે પણ સાંસદ છે, જે પણ પિતાના જૂથના સંપર્કમાં છે. જેથી સાંસદોમાંથી પણ અમુક શિંદે જૂથ સાથે જોડાઈ જાય તેવી પ્રબળ સંભાવનાઓ છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ આજે ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી, પરંતુ હવે તે રદ કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.

    હવે દિલ્હીમાં ‘આપ’ના ભારે દિવસો: એક બાજુ NDMCમાંથી કેજરીવાલને હટાવવા માટે ઠરાવ, બીજી બાજુ દિલ્હીના LGએ CM ઓફિસના કર્મચારીઓને ભ્રષ્ટાચાર બદલ કર્યા સસ્પેન્ડ

    મહારાષ્ટ્રમાં જેમ શિવસેનાના ખરાબ દિવસો ચાલી રહ્યા છે એવા જ દિવસો હવે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આપ સરકારના શરૂ થવાના હોય એવા ઘટનાક્રમો બની રહ્યા છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) માં કેજરીવાલની સીટ ખાલી કરવાનો મુસદ્દો તૈયાર થઈ ચૂક્યો છે અને કેજરીવાલની જ ઓફિસના 3 કર્મચારીઓને દિલ્હીના લેફટનન્ટ ગવર્નર (LG) દ્વારા સસ્પેન્ડ કરાયા છે.

    NDMCમાં કેજરીવાલ વિરુદ્ધ ઠરાવ રજૂ

    નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) માં નાગરિક સંસ્થામાં કાઉન્સિલની સળંગ ચાર બેઠકોમાં ગેરહાજરીને પગલે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની બેઠક “ખાલી” તરીકે જાહેર કરવા માટે ઠરાવ ખસેડવામાં આવ્યો છે.

    NDMCના સભ્ય કુલજીત ચહલે બુધવારે નાગરિક સંસ્થાની બેઠક દરમિયાન ઠરાવ રજૂ કર્યો હતો. તેમણે ડિસેમ્બર 2021 અને આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ચાર બેઠકો દરમિયાન પૂર્વ પરવાનગી વિના મુખ્ય પ્રધાનની ગેરહાજરીનો ઉલ્લેખ કર્યો હતો.

    CM કેજરીવાલ નવી દિલ્હી મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય (એમએલએ) હોવાના પરિણામે એનડીએમસીના સભ્ય છે. એનડીએમસી એક્ટની કલમ 8 જણાવે છે કે, “જો સતત ત્રણ મહિના દરમિયાન, કોઈ સભ્ય, કાઉન્સિલની પરવાનગી વિના, તમામ બેઠકોમાં ગેરહાજર રહે છે, તો કાઉન્સિલ કેન્દ્ર સરકારને ભલામણ કરી શકે છે કે સભ્યની બેઠક ખાલી જાહેર કરવામાં આવે.” .

    દિલ્હીની CM ઓફિસના 3 અધિકારીઓ LG દ્વારા સસ્પેન્ડ

    દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ બુધવારે “નાણાકીય અનિયમિતતા”ના કેસમાં ત્રણ અધિકારીઓ – બે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયમાં નિયુક્ત નાયબ સચિવને સસ્પેન્ડ કર્યા હતા.

    લેફ્ટનન્ટ ગવર્નરે બુધવારે પોતાની કાર્યવાહીમાં મુખ્યમંત્રી કાર્યાલયના નાયબ સચિવ પ્રકાશ ચંદ્ર ઠાકુર, વસંત વિહારના એસડીએમ હર્ષિત જૈન અને વિવેક વિહારના એસડીએમ દેવેન્દ્ર શર્મા સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. એક સત્તાવાર નિવેદન અનુસાર, અધિકારીઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો.

    કાલકાજી એક્સ્ટેંશનમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે બાંધવામાં આવેલા ફ્લેટના બાંધકામમાં LGને ભૂલો મળ્યા પછી દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) ના બે સહાયક ઇજનેરોને સસ્પેન્ડ કર્યાના થોડા દિવસો બાદ જ આ વાત સામે આવી છે.

    અત્રે નોંધનીય છે કે હાલમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ ઉથલપાથલ ચાલી રહી છે. અને બીજી બાજુ પોતાને ભ્રષ્ટાચારવિરોધી સરકાર તરીકે ચીતરતા કેજરીવાલની ઓફિસમાંથી જ ભ્રષ્ટાચારના આરોપમાં અધિકારીઓએ સસ્પેન્ડ થવા એ ઘણી ચર્ચાઓને જન્મ આપે છે.

    દરેક બોલિવુડ નિર્માતાને જરૂર આકર્ષે તેવી શિવસેનાના વિધાનસભ્ય ગુલાબરાવ પાટીલની મુંબઈથી ભાગીને ગુવાહાટી પહોંચવાની કથા!

    મહારાષ્ટ્રનો રાજકીય ખેલ ક્ષણે-ક્ષણે રોમાંચક બની રહ્યો છે. પોતાની સાથે ધારાસભ્યોને લઈને સુરત અને ત્યાંથી ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે પાસે સંખ્યાબળ વધુ મજબૂત થતું જાય છે ત્યાં બીજી તરફ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેનાના ગણ્યાગાંઠ્યા નેતાઓ-ધારાસભ્યો બચ્યા છે. મહારાષ્ટ્ર સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના કાર્યકરોને જે નેતાઓ હજુ પણ મુંબઈમાં છે તેમની ઉપર નજર રાખવા માટેના આદેશ આપ્યા છે. દરમ્યાન, ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા ગુલાબરાવ પાટીલ પણ ગુવાહાટી પહોંચી ગયા છે.

    જોકે, ગુલાબરાવ પાટીલની ગુવાહાટી પહોંચવાની ઘટના ફિલ્મી ઢબે બની છે. શિવસેનાના નેતા અને મંત્રી ગુલાબરાવ પાટીલ અત્યાર સુધી મુંબઈમાં જ હતા અને તેમની ઉપર નજર રાખવા માટે શિવસેનાએ માણસો પણ લગાડ્યા હતા, પરંતુ તેમને ચકરાવે ચડાવીને ગુલાબરાવ પાછળના રસ્તેથી ભાગી છૂટ્યા હતા અને ગુવાહાટી પહોંચીને શિંદે કેમ્પમાં સામેલ થઇ ગયા હતા. 

    ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ અનુસાર, મંગળવારે સાંજે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેના નેતા ગુલાબરાવ પાટીલ સંપર્કવિહોણા બની ગયા હોવાના સમાચાર મળતા પાર્ટી ચિંતામાં મૂકાઈ હતી. પાર્ટી હાઇકમાન્ડને આ બાબતની જાણ થતાં તાત્કાલિક પાર્ટીએ પોતાના માણસોને કામે લગાડ્યા અને કોઈ પણ ભોગે ગુલાબરાવ પાટીલને શોધીને તેમની વાત મુખ્યમંત્રી અને પાર્ટી સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે કરાવવા માટે આદેશ આપ્યા હતા. 

    પાર્ટી તરફથી આદેશ મળ્યા બાદ શિવસેનાના નેતાઓએ દક્ષિણ મુંબઈના કાર્યકર્તાઓને પાટીલને શોધી લાવવાનું કામ સોંપ્યું હતું. જે બાદ દક્ષિણ મુંબઈના શાખા પ્રમુખ પાંડુરંગ સકપાલની આગેવાનીમાં શિવસેના કાર્યકરો ગુલાબ રાવ પાટીલને શોધવા મંડી પડ્યા હતા. જોકે, આખી રાતની માથાકૂટ પછી પણ આ નેતાઓ ગુલાબરાવ પાટીલનો પત્તો મેળવી શક્યા ન હતા. 

    આખરે બુધવારે સવારે પાટીલ નરીમાન પોઇન્ટ ખાતેના તેમના નિવાસસ્થાનની બહાર મળી આવ્યા હતા. જે બાદ તાત્કાલિક શિવસેના કાર્યકરો તેમની પાસે પહોંચ્યા અને તેમને મુખ્યમંત્રી સાથે વાત કરવા માટે કહ્યું હતું હતું. પરંતુ શિવસેના શાખા પ્રમુખ સકપાલને પાટીલે કહ્યું કે તેઓ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે પહેલથી જ વાત કરી ચૂક્યા છે. આશ્ચર્ય વચ્ચે આ વાત શિવસેના કાર્યકરોએ માની પણ લીધી હતી. 

    જોકે, શિવસેના નેતાઓએ ત્યારબાદ ગુલાબ રાવ પાટીલને પોતાની સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘વર્ષા બંગલો’ આવવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ પાટીલે તેમને કહ્યું કે તેમને મંત્રાલય ખાતેની તેમની ઑફિસે થોડું અગત્યનું કામ હોઈ તે પતાવીને તેઓ તેમની સાથે આવશે. આ વાત પણ શિવસેના કાર્યકર્તાઓએ માની લેતાં તેમની સાથે તેઓ મંત્રાલય પહોંચ્યા હતા. 

    મંત્રાલય પહોંચ્યા બાદ શિવસેના નેતાઓએ એવું માનીને રાહતનો શ્વાસ લીધો હતો કે હવે પાટીલ તેમની સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવશે અને તેમનું મિશન પાર પડશે. પણ આ તરફ ગુલાબ રાવ પાટીલે જુદી જ વ્યવસ્થા ગોઠવી રાખી હતી. તેમની સરકારી ગાડી મંત્રાલયની બહાર જ રહેવા દઈ પાટીલ અન્ય ખાનગી વાહનમાં પાછળના રસ્તે નીકળી ગયા હતા. બીજી તરફ, શિવસૈનિકો બહાર બેઠા નિરાંતે તેમની રાહ જોઈ રહ્યા હતા. 

    ગુલાબ રાવ પાટીલ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે થઈને ચેમ્બુર અને ત્યાંથી એરપોર્ટ પહોંચ્યા હતા. જે બાદ ત્યાંથી તેઓ ગુવાહાટી જવા માટે રવાના થયા હતા અને ત્યાં એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા હતા. જોકે, શિવસેનાના કાર્યકર્તાઓને ગંધ આવતાં તેમણે ગુલાબરાવ પાટીલનો પીછો કરી જોયો પણ ત્યાં સુધીમાં પાટીલ દૂર પહોંચી ગયા હતા. 

    એકનાથ શિંદે પાસે ચાળીસથી વધુ ધારાસભ્યો પહોંચતા હવે ઉદ્ધવ ઠાકરે પાસે થોડા જ ધારાસભ્યો વધ્યા છે. આ ધારાસભ્યો પર નજર રાખવા માટે શિવસેનાએ પોતાના માણસો કામે લગાડ્યા છે. જોકે, આ કામ પણ શિવસેનાના કાર્યકરોથી ઠીક રીતે થઇ રહ્યું નથી તેમ લાગી રહ્યું છે.

    ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના ઘરની બહાર આગચંપી કરવા બદલ 4 NSUI કાર્યકર્તાઓની ધરપકડ

    દિલ્હી પોલીસે બુધવારે મોતી લાલ નેહરુ માર્ગ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાનની બહાર આગચંપી કરવાની ઘટનાના કેસમાં ચાર નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) સભ્યોની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, NSUI સભ્યો અગ્નિપથ યોજના અને નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહ્યા હતા.

    પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 4 NSUI સભ્યો, 30 વર્ષીય જગદીપ સિંહ-રાષ્ટ્રીય પ્રતિનિધિ, સર્વોત્તમ રાણા-રાજ્ય મહાસચિવ, ચંદીગઢ, પ્રણવ પાંડે-રાષ્ટ્રીય સંયોજક અને વિશાલ-મહાસચિવ છે.

    સાગર પ્રીત હુડ્ડા, સ્પેશિયલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા વિભાગ, ઝોન-II) એ જણાવ્યું હતું કે મંગળવારે નવી દિલ્હીના બીજેપી અધ્યક્ષના મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત નિવાસસ્થાને આગચંપીની ઘટનાની જાણ થઈ હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે સાંજે 4.30 વાગ્યે લગભગ 10-12 લોકો ઘરની બહાર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

    થોડા સમય પછી, તેઓ આક્રમક બન્યા અને લાકડાની દંડીઓ પર બે ખાખી ચડ્ડી (આરએસએસના ગણવેશ વાળી) વીંટાળી, આગ લગાડી અને સળગતી ચડ્ડી ઘરના ગેટ ઉપરના સિક્યુરિટી રૂમમાં ફેંકી દીધી, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ફરજ પરના સ્ટાફ દ્વારા આગ બુઝાવી દેવામાં આવી હતી.

    આ સંદર્ભે તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી, પોલીસે જણાવ્યું હતું. “તપાસ દરમિયાન, વૈજ્ઞાનિક પરીક્ષણ માટે સ્થળ પરથી પુરાવાઓ જમા કરવામાં આવ્યા હતા અને ઘટના સ્થળની બહાર સ્થાપિત સીસીટીવીના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તે ફૂટેજમાં કેદ કરવામાં આવ્યું હતું કે લગભગ 10-12 લોકો ત્યાં બે વાહનોમાં આવ્યા હતા જે રોહતક, હરિયાણા અને બિજનૌર, ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા હોવાનું જણાયું હતું,” વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

    પોલીસે આરોપીઓ વિરુદ્ધ તુગલકાબાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 188,146,147,149,278,285,307,436 અને 120-B હેઠળ FIR દાખલ કરી હતી. પોલીસે વધુમાં માહિતી આપી હતી કે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાતી ઈનોવા કાર પણ મળી આવી હતી અને પોલીસ આ કેસમાં અન્ય સહઆરોપીઓની પણ શોધ કરી રહી છે.

    દરમિયાન, NSUI પ્રમુખ નીરજ કુંદને આક્ષેપ કર્યો હતો કે પોલીસે જાણીજોઈને બિનજામીનપાત્ર કલમો ઉમેરી છે જેના પગલે સંગઠનના ચાર સભ્યોને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. “જો NSUI સભ્યો અને વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં નહીં આવે, તો સરકારે વિદ્યાર્થીઓના આક્રોશનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ,” કુંદને ચેતવણી આપી હતી.

    નોંધનીય છે કે, આ અગાઉ પોલીસે નિવેદન આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યોએ કેવી રીતે પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું અને તેમને મળેલી પરવાનગીના ઉલ્લંઘનમાં વિરોધ કર્યો હતો.

    દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) અનુસાર, 20 જૂનના રોજ, સચિવ, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) તરફથી જંતર-મંતર પર ‘સત્યાગ્રહ’ કરવાની મંજૂરી આપવા માટે એક અરજી મળી હતી. “આ કાર્યક્રમ ‘અગ્નિપથ’ યોજના અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના વિરોધમાં યોજાવાનો હતો. વિરોધ સ્થળ પર માત્ર 1,000 પાર્ટી કાર્યકરોને જ મંજૂરી આપવામાં આવશે તે શરતે પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ જંતર-મંતર પર ધરણા યોજવાને બદલે, વિરોધીઓ 24 અકબર રોડ ખાતે AICC મુખ્યાલયમાં એકઠા થયા અને કલમ 144 CrPC હેઠળ પ્રસિદ્ધ કરાયેલ પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન કરીને સરઘસના રૂપમાં કૂચ કરી,” તેમણે કહ્યું હતું.

    સુશાંત સિંહ રાજપૂત કેસ: ડ્રગ્સ કેસ મામલે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સહિતના આરોપીઓ સામે આરોપો દાખલ

    બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસ મામલે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી વિરુદ્ધ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં આરોપ દાખલ કર્યા છે. આ મામલે આગલી સુનાવણી 12 જુલાઈના રોજ મુકરર કરવામાં આવી છે. 

    સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અતુલ સરપાંડેએ જણાવ્યું કે કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપ દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કોર્ટ સમક્ષ રિયા અને શૌવિક પર માદક પદાર્થોના સેવન અને મૃતક અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે આવા પદાર્થોની ખરીદી કરવા બદલ આરોપ નક્કી કરવાની રજૂઆત કરી છે. 

    ડ્રાફ્ટ ચાર્જમાં એજન્સીએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટની (NDPS) કેટલીક કલમો હેઠળ આરોપ નક્કી કરવા જણાવ્યું છે. જેમાં ગેરકાયદે હેરફેર અને આરોપીઓને મદદ કરવા સબંધિત NDPS એક્ટની કલમ 27-A નો પણ સમાવેશ થાય છે. જે હેઠળ 10 થી 20 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. ઉપરાંત, એજન્સીએ ગત માર્ચમાં દાખલ કરેલી ચાર્જશીટમાં આરોપીઓ સામે લગાવેલા આરોપો યથાવત રાખ્યા છે. 

    એનસીબીએ ચાર્જશીટ ફાઈલ કરતા આરોપ લગાવ્યો હતો કે રિયા અને સુશાંતના ઘરે કામ કરનારાઓમાંથી કેટલાકે સુશાંતને ડ્રગ્સ પહોંચાડવામાં મદદ કરી હતી. એજન્સીએ આ સાથે સબૂત તરીકે વોટ્સએપ ચેટ અને 160 સાક્ષીઓનાં નિવેદનો પણ જોડ્યાં છે. ચાર્જશીટ 33 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી, જે બાદ અન્ય બેની ધરપકડ થતા આરોપીઓનો આંકડો 35 પર પહોંચ્યો છે.

    સરપાંડેએ જણાવ્યું કે કોર્ટ આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી હતી પરંતુ કેટલાક આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હોવાના કારણે તેમ થઇ શક્યું નથી. કોર્ટે કહ્યું છે કે આ અરજીઓ પર નિર્ણય થયા બાદ જ આરોપો નક્કી કરવામાં આવશે. બુધવારે સુનાવણી દરમિયાન રિયા, શૌવિક સહિત તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. 

    આ કેસની સુનાવણી કરતી સ્પેશિયલ કોર્ટે મામલાની સુનાવણી 12 જુલાઈ સુધી ટાળી દીધી છે. આગામી સુનાવણી 12 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. 

    રિયા ચક્રવર્તીની ધરપકડ સપ્ટેમ્બર 2020 માં કરવામાં આવી હતી. જોકે, ધરપકડના એક મહિના બાદ બૉમ્બે હાઇકોર્ટે તેને જામીન પર મુક્ત કરી હતી. રિયા સાથે તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત લગભગ 35 લોકો આ કેસમાં આરોપી બન્યા છે. જેમાંથી મોટાભાગના હાલ જામીન પર છે. આ તમામ વિરુદ્ધ ડ્રગ્સના સેવન અને ખરીદીનો આરોપ લાગ્યો છે.

    ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020 ના રોજ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેમના બાંદ્રા સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘરેથી લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા શરૂઆતમાં સુશાંતે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ત્યારબાદ તેની હત્યાના એંગલથી પણ તપાસ શરૂ કરવામાં આવી હતી અને જે બાદ ડ્રગ્સનો એંગલ પણ સામે આવતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ તપાસ શરૂ કરી હતી. જ્યારે સુશાંત મૃત્યુ કેસ મામલે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. 

    કંગાળ થઇ ગયેલા પાકિસ્તાનના મંત્રીએ દોષનો ટોપલો ઇમરાન ખાન પર ઢોળી મૂક્યો, કહ્યું- સુધારા માટે એક વર્ષનો સમય આપો

    પાકિસ્તાનમાં ભલે સરકાર બદલાઈ હોય પણ તેનાં નસીબ બદલાયાં નથી. પાકિસ્તાન હજુ પણ એ જ આર્થિક સંકટ સામે લડી રહ્યું છે જે ઇમરાન સરકાર અને તે પહેલાં પણ હતી. સત્તા પરથી ઇમરાન ખાનને તગેડી મૂક્યા પછી ત્યાંની જનતાને આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળવાની આશા હતી પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે. વળી આ ઘા પર મીઠું નાંખવાનું કામ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કર્યું છે. 

    બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનની આર્થિક અને અન્ય સમસ્યાઓ માટે ઇમરાન ખાન પર દોષનો ટોપલો ઢોળી મૂક્યો હતો અને કહ્યું હતું કે સુધારા માટે તેમને એક વર્ષનો સમય આપવામાં આવે. પાકિસ્તાનનાં આર્થિક સંકટ માટે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જવાબદાર ઠેરવતા લોકોને કહ્યું કે, આર્થિક સુધારા માટે વર્તમાન શાહબાઝ શરીફ સરકારને થોડો સમય આપે.

    પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો તેમની માતા બેનઝીર ભુટ્ટોની 69 મી જન્મજયંતિ પર આયોજિત એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ઇમરાન ખાનની ‘સિલેક્ટેડ સરકાર’ને હટાવવી જરૂરી હતી કારણ કે તે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને લોકતંત્ર માટે જોખમરૂપ બની ગઈ હતી. ઇમરાન સરકાર હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન બચી ગયું. 

    ભુટ્ટોએ કહ્યું કે, ઇમરાન ખાન સરકારે ચાર વર્ષ શાસન કર્યું. અમને એક વર્ષનો સમય આપો. આશા છે કે પાછલી સરકારોએ જે સમસ્યાઓ પેદા કરી હતી તેમાંથી આપણે બહાર આવી શકીશું. તેમણે એવો પણ દાવો કર્યો કે ઇમરાન ખાને IMF સાથે ખોટી રીતે સમજૂતી કરી હતી અને પેટ્રોલિયમ સબસિડી આપવાના નામે દેશ સાથે ખેલ કર્યા હતા. તેમણે એવું પણ ઉમેર્યું કે ઇમરાન ખાનના આ પગલાંને કારણે પાકિસ્તાન નાદારીની આરે પહોંચી ગયું હતું. 

    આ ઉપરાંત તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે ઓક્ટોબર સુધીમાં ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરશે. જોકે, આવા દાવા ઇમરાન ખાન પણ ઘણીવાર કરતા આવ્યા હતા. 

    બિલાવલ ભુટ્ટોએ લોકતંત્રની બહાલી માટે તેમના માતા બેનઝીર ભુટ્ટોનાસંઘર્ષ ને યાદ કર્યો હતો. બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનનાં સૌપ્રથમ મહિલા વડાંપ્રધાન હતાં, જેમની વર્ષ 2007 માં એક ચૂંટણી રેલી દરમિયાન હત્યા કરી નાંખવામાં આવી હતી. 

    પાકિસ્તાનમાં વધુ ગંભીર બનતા જતા આર્થિક સંકટ વચ્ચે તેમને ચીન તરફથી મદદ મળે તેવી સંભાવના છે. ચીનની બેંકોથી પાકિસ્તાનને 2.3 અબજ અમેરિકી ડોલર ધિરાણ મળશે. પાકિસ્તાન સ્ટેટ બેંક અનુસાર, તેમનો વિદેશી મુદ્રા ભંડાર ભારે દબાણમાં છે અને જે મે મહિનામાં 190 મિલિયન ડોલર ઘટીને 10.308 અબજ ડોલર રહી ગયું છે. 

    કંગાળ થઇ ગયેલા પાકિસ્તાનમાં નેતાઓ કાયમ લોકોને આશ્વાસન આપતા રહે છે પરંતુ આજ સુધી કોઈ ફેર પડ્યો નથી. 2018 માં ચૂંટણી જીતીને આવેલા ઇમરાન ખાને ‘નયા પાકિસ્તાન’ બનાવવાના અને દેશને ધરમૂળથી બદલી નાંખવાના બણગા ફૂંક્યા હતા. આખરે ચાર વર્ષે તેમણે પાકિસ્તાનની એ હાલત કરી મૂકી કે સત્તા પરથી જ હટવું પડ્યું હતું. 

    ગત એપ્રિલમાં પાકિસ્તાનમાં સત્તાપલટ થઇ હતી અને ઇમરાન ખાન સંસદમાં વિશ્વાસ મત સાબિત કરી શક્યા ન હતા, જે બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા હતા. જે બાદ ઇમરાન સતત ફરી ચૂંટણી કરાવવા માટે અપીલ કરતા રહ્યા છે પરંતુ હવે તેમનું સાંભળનાર કોઈ નથી. 

    કોરોના સંક્રમિત હોવા છતાં જનતા વચ્ચે જવા બદલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ફરિયાદ, ભાજપ નેતાએ પ્રોટોકોલ તોડવાનો લગાવ્યો આરોપ

    ભારતીય જનતા પાર્ટી નેતા તજિન્દર પાલ સિંઘ બગ્ગાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમણે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કોવિડ પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મહારાષ્ટ્ર પોલીસને આ મામલે FIR દાખલ કરવા માટે વિનંતી કરી છે. 

    તજિન્દર પાલ સિંઘ બગ્ગાએ કહ્યું કે, “આજે સવારથી ટીવી ચેનલોમાં સમાચાર આવી રહ્યા હતા કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ છે. જે બાબતની પુષ્ટિ પહેલાં કોંગ્રેસ નેતા કમલનાથે કરી અને પછી ઉદ્ધવ ઠાકરે લાઈવ આવ્યા ત્યારે તેમણે પણ કહ્યું કે તેઓ કોરોના સંક્રમિત હોવાના કારણે ફેસબુક લાઈવ કરી રહ્યા છે.”

    ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તેમણે આગળ કહ્યું કે, “પરંતુ થોડીવાર પછી આપણે જોયું કે કઈ રીતે ઉદ્ધવ ઠાકરે જનતાની વચ્ચે આવી ગયા. તેમણે ન માત્ર કોવિડ પ્રોટોકોલ તોડ્યો, જે કહે છે કે જે કોરોના દર્દી હોય તે પબ્લિકમાં નહીં આવી શકે. પરંતુ તેમણે મહારાષ્ટ્રની જનતાનો જીવ પણ જોખમમાં નાંખ્યો. જેથી મુંબઈ પોલીસને અપીલ છે કે કોરોના પ્રોટોકોલ તોડવાના ગુના બદલ તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે અને નિયમ અનુસાર જે જરૂરી કાર્યવાહી હોય તે કરવામાં આવે.”

    ઉલ્લેખનીય છે કે ગઈકાલે ફેસબુક લાઈવના માધ્યમથી ઉદ્ધવ ઠાકરેએ પોતે રાજીનામું આપવા પણ તૈયાર છે તેવું એલાન કર્યા બાદ રાત્રે મુખ્યમંત્રીનું અધિકારીક નિવાસસ્થાન ‘વર્ષા બંગલો’ ખાલી કરી નાંખ્યું હતું. તેઓ પરિવાર સાથે ત્યાંથી ‘માતોશ્રી’ જવા માટે રવાના થયા હતા, જે તેમનું મૂળ નિવાસસ્થાન રહ્યું છે. જેના કેટલાક વિડીયો પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. 

    વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે ઘરની બહાર આવે છે ત્યારે ત્યાં હાજર તેમના સમર્થકોની ભીડ નારાબાજી કરે છે. આ ભીડ વચ્ચે ઉદ્ધવ ઠાકરે પણ જોવા મળે છે. જ્યારે કોરોના પ્રોટોકોલ અનુસાર, કોરોનાથી સંક્રમિત હોય તેવી વ્યક્તિ જાહેરમાં જઈ શકતી નથી અને તેણે આઇસોલેશનમાં રહેવું પડે છે. 

    ગઈકાલે બપોરે કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રમાં હાલ ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા કમલનાથે સૌપ્રથમ ઉદ્ધવ ઠાકરે કોરોનાથી સંક્રમિત હોવાની જાણ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મહારાષ્ટ્રના વર્તમાન ઘટનાક્રમો અંગે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા પણ જવાના હતા પરંતુ તેઓ કોરોના સંક્રમિત થઇ ગયા હોવાના કારણે તેઓ જઈ શક્યા નહીં. 

    બીજી તરફ, આસામમાં રોકાયેલા શિવસેનાના બાગી ધારાસભ્યોની સંખ્યા વધતી જ જાય છે. દરમિયાન આજે સવારે અન્ય ત્રણ શિવસેના ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા હતા. જેની સાથે એકનાથ શિંદે પાસે સંખ્યાબળ વધુ મજબૂત થયું છે. જોકે, આ તરફ મુંબઈમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કોરોના સંક્રમિત છે. તેથી એકનાથ શિંદે તેમને પત્ર લખીને કે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોતાની પાસે વધુ સંખ્યાબળ હોવાનો દાવો કરી શકે તેવું ચર્ચાઈ રહ્યું છે. 

    રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું ઉપરબેડા ગામ છે ખાસ, જાણો કઈ બાબતો બનાવે છે વિશેષ

    ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ અને ઓરિસ્સાનાં મહિલા નેતા દ્રૌપદી મુર્મૂને NDAનાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કર્યાં હતાં. જ્યારે તેમના નામની ઘોષણા થઇ ત્યારે તેઓ ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લાના પોતાના ગામમાં હતાં. દ્રૌપદી મુર્મૂ મયૂરભંજ જિલ્લાથી લગભગ 25 કિલોમીટર દૂર સ્થિત ઉપરબેડા ગામના વતની છે. આજે તેમના ગામમાં ઉત્સવનો માહોલ છે અને લોકો દ્રૌપદી મુર્મૂનું નામ રાષ્ટ્રપતિ પદ માટે જાહેર થયું તે બદલ ઉજવણી કરી રહ્યા છે.

    રીપોર્ટ અનુસાર દ્રૌપદી મુર્મૂનું ઉપરબેડા ગામમાં 300 ઘર છે, જેમાં લગભગ 6 હજાર લોકો રહે છે. આ જનજાતિ પ્રભુત્વ ધરાવતું ગામ છે. દ્રૌપદી મુર્મુ આ ગામમાં 20 જૂન 1958ના રોજ બિરાંચી નારાયણ દુડુના ઘરે જન્મ્યાં હતાં. ઘર નાનું પણ સુંદર છે. અત્યારે ઘરમાં કોઈ નથી. દ્રૌપદી મુર્મુના બે ભાઈઓ અહીં રહે છે.

    ગામલોકો કહે છે કે દ્રૌપદી ખૂબ જ વિનમ્ર સ્વભાવનાં છે અને બધા લોકો સાથે હળીમળીને રહે છે. તેઓ દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે તે જાણીને ગામમાં સૌ કોઈ ખુશ છે. 

    દ્રૌપદી મુર્મૂનું ઉપરબેડા ગામ અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. અહીં ગામમાં દરેક વ્યક્તિ બેંકમાં ખાતું ધરાવે છે તેમજ ખેતી માટે મળતી રકમ અને લૉન પણ ઘરબેઠા મળી જાય છે. દરેક ઘરમાં પાણીના નળની સુવિધા છે તેમજ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા છે. ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરો પણ બાંધવામાં આવ્યાં છે. લોકો આ તમામ સુવિધાઓનો શ્રેય મુર્મૂને આપે છે. 

    ગામલોકો યાદ કરતા કહે છે કે વર્ષ 2000 માં તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે દ્રૌપદી મુર્મૂને તેનું સમાધાન કર્યું હતું. તેમણે વર્ષ 2003 માં પુલ બનાવડાવ્યો હતો, જે બન્યા બાદ ગામનો પણ ખૂબ વિકાસ થયો છે તેમજ ગામના લોકોને અવરજવરમાં પણ સરળતા રહે છે. 

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2000 અને 2009 માં મયૂરભંજ જિલ્લાની રાયરંગપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયાં હતાં. 2000 અને 2004 વકચ્ચે ઓરિસ્સામાં નવીન પટનાયકની બીજુ જનતા દળ અને ભાજપ ગઠબંધનની સરકારમાં તેમને વાણિજ્ય, પરિવહન અને પછીથી માટીસ અને પશુ સંસાધન વિભાગના મંત્રી બનાવવામાં આવ્યાં હતાં. વર્ષ 2007 માં તેમને ઓરિસ્સા વિધાનસભાએ બેસ્ટ એમએલએનો એવોર્ડ પણ આપ્યો હતો. 

    દ્રૌપદી મુર્મૂનું નામ રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ગામલોકો ખૂબ ખુશ છે. ગામના એક વ્યક્તિએ કહ્યું કે, “હવે તો અમારા ગામને દુનિયાભરના લોકો ઓળખશે. જેવી દ્રૌપદી મુર્મૂના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાના સમાચાર મળ્યા, મારી ખુશીઓનો પર રહ્યો ન હતો. ગર્વથી છાતી ફૂલી ગઈ છે.”

    પોતાના નામની જાહેરાત થયા બાદ દ્રૌપદી મુર્મૂ સવારે પોતાના વતન ખાતે મહાદેવ મંદિરના દર્શન કરવા ગયાં હતાં. જ્યાં તેમણે સાફ-સફાઈ પણ કરી હતી. 

    રાષ્ટ્રપતિ તરીકે પોતાનાં નામની જાહેરાત બાદ દ્રૌપદી મુર્મૂ આજે સવારે પોતાના ગૃહ જિલ્લા મયૂરભંજના રાયરંગપુર ખાતેના મહાદેવ મંદિરે દર્શન માટે ગયાં હતાં. અહીં દર્શન કરવા પહેલાં તેમણે મંદિર પરિસરમાં ઝાડુ લગાવી સાફ-સફાઈ કરી હતી. જે બદલ તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે.