Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકંગાળ થઇ ગયેલા પાકિસ્તાનના મંત્રીએ દોષનો ટોપલો ઇમરાન ખાન પર ઢોળી મૂક્યો,...

  કંગાળ થઇ ગયેલા પાકિસ્તાનના મંત્રીએ દોષનો ટોપલો ઇમરાન ખાન પર ઢોળી મૂક્યો, કહ્યું- સુધારા માટે એક વર્ષનો સમય આપો

  અસહ્ય આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હજી પણ રાહત મળે તેવા કોઈજ સંકેત નથી કારણકે ખુદ અહીંના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાની પ્રજાને હજી એક વર્ષ રાહ જોવાનું કહ્યું છે.

  - Advertisement -

  પાકિસ્તાનમાં ભલે સરકાર બદલાઈ હોય પણ તેનાં નસીબ બદલાયાં નથી. પાકિસ્તાન હજુ પણ એ જ આર્થિક સંકટ સામે લડી રહ્યું છે જે ઇમરાન સરકાર અને તે પહેલાં પણ હતી. સત્તા પરથી ઇમરાન ખાનને તગેડી મૂક્યા પછી ત્યાંની જનતાને આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળવાની આશા હતી પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે. વળી આ ઘા પર મીઠું નાંખવાનું કામ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કર્યું છે. 

  બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનની આર્થિક અને અન્ય સમસ્યાઓ માટે ઇમરાન ખાન પર દોષનો ટોપલો ઢોળી મૂક્યો હતો અને કહ્યું હતું કે સુધારા માટે તેમને એક વર્ષનો સમય આપવામાં આવે. પાકિસ્તાનનાં આર્થિક સંકટ માટે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જવાબદાર ઠેરવતા લોકોને કહ્યું કે, આર્થિક સુધારા માટે વર્તમાન શાહબાઝ શરીફ સરકારને થોડો સમય આપે.

  પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો તેમની માતા બેનઝીર ભુટ્ટોની 69 મી જન્મજયંતિ પર આયોજિત એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ઇમરાન ખાનની ‘સિલેક્ટેડ સરકાર’ને હટાવવી જરૂરી હતી કારણ કે તે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને લોકતંત્ર માટે જોખમરૂપ બની ગઈ હતી. ઇમરાન સરકાર હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન બચી ગયું. 

  - Advertisement -

  ભુટ્ટોએ કહ્યું કે, ઇમરાન ખાન સરકારે ચાર વર્ષ શાસન કર્યું. અમને એક વર્ષનો સમય આપો. આશા છે કે પાછલી સરકારોએ જે સમસ્યાઓ પેદા કરી હતી તેમાંથી આપણે બહાર આવી શકીશું. તેમણે એવો પણ દાવો કર્યો કે ઇમરાન ખાને IMF સાથે ખોટી રીતે સમજૂતી કરી હતી અને પેટ્રોલિયમ સબસિડી આપવાના નામે દેશ સાથે ખેલ કર્યા હતા. તેમણે એવું પણ ઉમેર્યું કે ઇમરાન ખાનના આ પગલાંને કારણે પાકિસ્તાન નાદારીની આરે પહોંચી ગયું હતું. 

  આ ઉપરાંત તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે ઓક્ટોબર સુધીમાં ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરશે. જોકે, આવા દાવા ઇમરાન ખાન પણ ઘણીવાર કરતા આવ્યા હતા. 

  બિલાવલ ભુટ્ટોએ લોકતંત્રની બહાલી માટે તેમના માતા બેનઝીર ભુટ્ટોનાસંઘર્ષ ને યાદ કર્યો હતો. બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનનાં સૌપ્રથમ મહિલા વડાંપ્રધાન હતાં, જેમની વર્ષ 2007 માં એક ચૂંટણી રેલી દરમિયાન હત્યા કરી નાંખવામાં આવી હતી. 

  પાકિસ્તાનમાં વધુ ગંભીર બનતા જતા આર્થિક સંકટ વચ્ચે તેમને ચીન તરફથી મદદ મળે તેવી સંભાવના છે. ચીનની બેંકોથી પાકિસ્તાનને 2.3 અબજ અમેરિકી ડોલર ધિરાણ મળશે. પાકિસ્તાન સ્ટેટ બેંક અનુસાર, તેમનો વિદેશી મુદ્રા ભંડાર ભારે દબાણમાં છે અને જે મે મહિનામાં 190 મિલિયન ડોલર ઘટીને 10.308 અબજ ડોલર રહી ગયું છે. 

  કંગાળ થઇ ગયેલા પાકિસ્તાનમાં નેતાઓ કાયમ લોકોને આશ્વાસન આપતા રહે છે પરંતુ આજ સુધી કોઈ ફેર પડ્યો નથી. 2018 માં ચૂંટણી જીતીને આવેલા ઇમરાન ખાને ‘નયા પાકિસ્તાન’ બનાવવાના અને દેશને ધરમૂળથી બદલી નાંખવાના બણગા ફૂંક્યા હતા. આખરે ચાર વર્ષે તેમણે પાકિસ્તાનની એ હાલત કરી મૂકી કે સત્તા પરથી જ હટવું પડ્યું હતું. 

  ગત એપ્રિલમાં પાકિસ્તાનમાં સત્તાપલટ થઇ હતી અને ઇમરાન ખાન સંસદમાં વિશ્વાસ મત સાબિત કરી શક્યા ન હતા, જે બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા હતા. જે બાદ ઇમરાન સતત ફરી ચૂંટણી કરાવવા માટે અપીલ કરતા રહ્યા છે પરંતુ હવે તેમનું સાંભળનાર કોઈ નથી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં