Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆર્થિક સંકટ સામે ઝઝુમતું શ્રીલંકા, વડાપ્રધાને કહ્યું- અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી, ભારત...

    આર્થિક સંકટ સામે ઝઝુમતું શ્રીલંકા, વડાપ્રધાને કહ્યું- અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી, ભારત પણ ક્યાં સુધી મદદ કરશે?

    શ્રીલંકાના વડાપ્રધાન રનીલ વિક્રમસિંઘેએ દેશની કંગાળ આર્થિક પરિસ્થિતિનું ભયાનક ચિત્ર રજુ કરતાં ગંભીર ચેતવણીઓ ઉચ્ચારી છે.

    - Advertisement -

    આર્થિક સંકટોનો સામનો કરતા પાડોશી દેશ શ્રીલંકામાં હજુ પરિસ્થિતિ સુધરી નથી અને લોકો પ્રાથમિક સુવિધાઓ માટે પણ ઝઝૂમી રહ્યા છે. તેની વચ્ચે શ્રીલંકામાં આર્થિક સંકટ અંગે અહીંના વડાપ્રધાને કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ ગઈ છે અને હવે દેશને ફરી બેઠો કરવો ખૂબ મુશ્કેલ છે. તેમણે શ્રીલંકાની સંસદમાં આ વાત કહી હતી. 

    શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે જાણકારી આપતી વખતે શ્રીલંકન સંસદને કહ્યું હતું કે, “હવે એ સમય આવ્યો છે કે દેશમાં વીજળી, ઇંધણ, ગેસ કે ખોરાક જેવી સમસ્યાઓ કરતાં પણ મોટી સમસ્યા સર્જાઈ છે. અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાંગી છે અને તે ફરીથી પુનર્જીવિત નહીં થાય તો આ સમસ્યાઓનું કોઈ સમાધાન લાવી શકાશે નહીં.” તેમણે કહ્યું કે, સંપૂર્ણ ધ્વસ્ત થયેલી અર્થવ્યવસ્થા સાથે દેશને ફરીથી બેઠો કરવો અત્યંત કઠિન છે. 

    શ્રીલંકાના વડાપ્રધાને કહ્યું કે, તેમના પેટ્રોલિયમ કોર્પોરેશનના માથે દેવું એટલું વધી ગયું છે કે તેઓ ઇંધણ પણ આયાત કરી શકવા સક્ષમ નથી. સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન પર 700 મિલિયન ડોલરનું દેવું છે. જેના કારણે દુનિયાની કોઈ સંસ્થા કે કોઈ દેશ તેમને ઇંધણ આપવા માટે તૈયાર નથી. 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “શરૂઆતમાં જ જો દેશની અર્થવ્યવસ્થાને ભંગ થતી બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હોત તો આપણે આજે આ પરિસ્થિતિમાં ન હોત. પરંતુ હવે આ તક જતી રહી છે અને હવે દેશ સંપૂર્ણ પતન તરફ જઈ રહ્યો છે.  

    શ્રીલંકાના વડાપ્રધાને કહ્યું કે હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ચર્ચા કરવી એ જ એક વિકલ્પ બચ્યો છે. તેમણે કહ્યું કે, અમે IMF સાથે વાતચીત કરી રહ્યા છીએ અને વધારાની ક્રેડિટ સુવિધા મળે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. જે માટે IMF ની એક ટીમ ટૂંક સમયમાં શ્રીલંકા પણ આવી રહી છે. 

    તેમણે એમ પણ કહ્યું કે, “ભારત પાસેથી ક્રેડિટ લાઈન હેઠળ 4 બિલિયન ડોલરની સહાય મળી છે. તેમજ અમે ભારત સરકાર પાસે વધુ સહાયની માંગ પણ કરી છે. પરંતુ ભારત પણ આ રીતે કાયમ મદદ કરી શકે નહીં કારણ કે તેમની પણ એક મર્યાદા છે. તેમણે એમ પણ કહ્યું કે, શ્રીલંકાએ ભારતને લૉન પણ ચૂકવવી પડશે કારણ કે તે દાનની રકમ નથી.”

    ઉલ્લેખનીય છે કે શ્રીલંકા તેની આઝાદી પછીના સૌથી વિકટ કાળમાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં આજે એ સ્થિતિ છે કે લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ, ઇંધણ, ગેસ, દવાઓ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહી નથી. કોરોના મહામારી બાદ અને ખાસ કરીને ટૂરિઝમ બંધ થઇ જવાથી અને પાયાની વસ્તુઓનો ભાવવધારો થવાથી શ્રીલંકામાં આર્થિક સંકટ સર્જાયું છે અને દેશ દેવામાં ડૂબ્યો છે.

    દેશને માથે દેવું વધી જતાં શ્રીલંકામાં વિરોધ પ્રદર્શનો પણ ખૂબ થયાં હતાં અને સરકારનો વિરોધ થયો હતો. જે બાદ રાનિલ વિક્રમસિંઘે દેશના નવા વડાપ્રધાન બન્યા હતા. જોકે, તેઓ પણ દેશની સ્થિતિ અંગે નિરાશાવાદી જણાઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં