Monday, November 11, 2024
More
    Home Blog Page 1033

    ગુજરાત કોંગ્રેસ હવે માત્ર પત્તાનું ઘર: ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી સમેત કોંગ્રેસના વધુ બે દિગ્ગજ નેતાઓ પકડશે ભાજપની રાહ

    ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા નરેશ રાવલ અને રાજુભાઈ પરમાર 17 ઓગસ્ટના રોજ કેસરીયો કરવા જઈ રહ્યા છે. ભાજપનો ખેસ ધારણ કરે તે પહેલા બંને નેતાઓએ દિલ્લીમાં PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન અન્ય એક દિગ્ગજ પૂર્વ કોંગ્રેસી નેતા વિજય કેલ્લા પણ તેમની સાથે જોવા મળ્યા હતા.

    ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના સાંસદોથી લઈને સામાન્ય કાર્યકર્તાઓ, પૂર્વ કેબિનેટ મંત્રીઓથી લઈને પૂર્વ ધારાસભ્યો હવે પોતાની પાર્ટીથી અળગા થઇ રહ્યા છે. આ જ ક્રમમાં હવે નવા બે મોટા નામો પણ જોડાયા છે.

    નરેશ રાવલ

    નરેશ રાવલ એ ગુજરાત કોંગ્રેસના ખુબ મોટા ગજાના નેતા ગણાતા હતા. કોંગ્રેસની સરકાર વખતે તેઓ ગુજરાતના ગૃહ મંત્રી પણ રહી ચુક્યા છે અને ભાજપની સરકાર વખતે તેઓ કોંગ્રેસના વિપક્ષના નેતા તરીકેનું મહત્વનું પદ પણ શોભાવી ચુક્યા છે.

    નરેશભાઈ 80ના દાયકાથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. કહેવાય છે કે પોતે જયારે પાઇલોટ તરીકેની ટ્રેઇનિંગ લઇ રહ્યા હતા ત્યારે ત્યાં જ રાજીવ ગાંધી પણ ટ્રેનિંગ લઇ રહ્યા હતા અને તે જ સમયથી તેમણે એકબીજાની નજીક હતા. રાજીવ ગાંધીના આમંત્રણથી જ તેઓએ 1980ની આસપાસ કોંગ્રેસમાં જોડાયા હતા.

    ગંગારાન રાવલ, નરેશ રાવલના પિતા, પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા.

    રાજુભાઈ પરમાર

    રાજુભાઈ પરમાર એ ગુજરાત કોંગ્રેસનો ખુબ મોટો દલિત ચહેરો ગણાતો હતો. તેઓ 3 ટર્મ માટે રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. આ સિવાય તેઓ રાજ્ય સભામાં કોંગ્રેસના વીપ પણ રહી ચુક્યા છે.

    રાજુભાઈ પરમાર અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી લડ્યા હતા, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

    ગુજરાત કોંગ્રેસની નીતિઓથી હતા નારાજ

    કોંગ્રેસના આ બંને દિગ્ગજ નેતાઓએ ગત 4 ઓગસ્ટના રોજ જ કોંગ્રેસ પક્ષમાંથી પોતાના રાજીનામાં આપી દીધા હતા.

    CM ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારમાં ગૃહ રાજ્યમંત્રી રહેલા રાવલે અગાઉ તેમના સાથીદારો દ્વારા વિશ્વાસઘાતની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ઘણા “કડવા અનુભવો” હતા જેના કારણે તેમણે કોંગ્રેસ છોડવાનું પસંદ કર્યું હતું.

    તેઓએ કહ્યું, “મને છેલ્લા દસ વર્ષમાં પાર્ટીમાં ઘણા કડવા અનુભવો થયા છે. પાર્ટીમાં હવે ટીમવર્કનો અભાવ છે. નેતાઓ કોઈપણ આંતરિક ચર્ચા કર્યા વિના નિર્ણયો લે છે અને અન્યને હલકી ગુણવત્તાનો અનુભવ કરાવે છે. મને વિશ્વાસઘાતનો પણ અનુભવ થયો.”

    બોયકોટના વલણથી અક્ષય નારાજ, કહ્યું: ‘ફિલ્મો ભારતની અર્થવ્યવસ્થાને મદદ કરે છે’, ટ્રોલર્સ બદમાશી કરી રહ્યાં છે

    બોયકોટના વલણથી અક્ષય નારાજ હોય તેવું લાગી રહ્યું છે, બોલિવૂડના હિંદુફોબિક ચિત્રણના કારણે તાજેતરમાં ઘણી હિન્દી ફિલ્મોને તીખી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો છે. સોશિયલ મીડિયામાં આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નો બહિષ્કાર કરવાની ચર્ચા ચાલી રહી છે. સાથેજ અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન (#BoycottRakshaBandhan)ની પણ ઉગ્ર ટીકા થઈ રહી છે.

    ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ પત્રકારોને સંબોધતા અક્ષય કુમારે રક્ષાબંધનના બહિષ્કાર પર પોતાનું મૌન તોડ્યું હતું અને કહ્યું હતું “કે ભારત એક સ્વતંત્ર દેશ છે. જેને જે કરવું હોય તેને તે કરવાની સ્વતંત્રતા છે. સાથે જ ટ્રોલર્સ અને મીડિયાને ફિલ્મોનો બહિષ્કાર કરવાના ટ્રેન્ડથી દૂર રહેવા જણાવ્યું હતું. અક્ષય કુમારે કહ્યું હતું કે, “ભારતીય ફિલ્મ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને મદદ કરે છે. કેટલાક લોકો એવા છે જેઓ આ બધી વસ્તુઓ કરે છે (બહિષ્કાર). તેઓ (ટ્રોલર) ગુંડાગીરી કરી રહ્યા છે.”

    તેણે આગળ કહ્યું કે, “હું કહેવા માંગુ છું કે કોઈપણ ઉદ્યોગ, પછી તે ફિલ્મ ઉદ્યોગ હોય કે કપડાં ઉદ્યોગ, તે બધા ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે. આવી વાતો કરવાનો કોઈ અર્થ નથી. આપણે બધા આપણા દેશને સૌથી મોટો અને મહાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું તેમાં સામેલ ન થવા વિનંતી કરીશ, કારણ કે તે આપણા દેશ માટે વધુ સારું રહેશે.”

    રક્ષાબંધનના બહિષ્કારની માંગ કેમ થઈ રહી છે?

    વાસ્તવમાં, રક્ષાબંધનનો બહિષ્કાર કરવાની માંગ આ ફિલ્મની લેખિકા કનિકા ધિલ્લોનના કારણે થઈ રહી છે. કનિકાના આવા ઘણા જૂના ટ્વીટ્સ તાજેતરમાં વાયરલ થયા હતા, જે હિન્દુ નફરતથી ભરેલા હતા. ફિલ્મની રિલીઝને ધ્યાનમાં રાખીને, તેણે 1 ઓગસ્ટ, 2022 ના રોજ અડધા કલાકની અંદર આવી 17 ટ્વીટ્સ કાઢી નાખી.

    આ જૂની ટ્વીટ્સમાં કનિકા ધિલ્લોન એવા દરેક પ્રદર્શનને સમર્થન કરતી જોવા મળી હતી જે મોદી સરકારની વિરુદ્ધ હોય અથવા જ્યાં હિન્દુત્વ માટે અપશબ્દોનો ઉપયોગ થયો હોય અથવા દેશને અપશબ્દો આપવામાં આવ્યા હોય. CAA વિરૂદ્ધ ટ્વિટ કરતાં તેણે લખ્યું- અમે કાગળ નહીં બતાવીશું. કનિકાએ પણ ગૌવંશ વિશે ટ્વિટ કર્યું. એક કરતાં વધુ ટ્વીટમાં કનિકા ધિલ્લોને ભારતને લિંચીસ્તાન ગણાવ્યું હતું.

    નોંધનીય છે કે રક્ષાબંધન અને લાલ સિંહ ચઢ્ઢા 1 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરવાનું કારણ આમિર ખાનનો 2015નો એક ઈન્ટરવ્યુ છે, જેમાં તેણે કહ્યું હતું કે, “ભારત ખૂબ જ સહિષ્ણુ દેશ છે પરંતુ કેટલાક લોકો અહીં અસહિષ્ણુતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.” આ સિવાય સોશિયલ મીડિયા યુઝરે કરીના કપૂર ખાનના ભાઈ-ભત્રીજાવાદ પરના નિવેદનને પણ હાઇલાઇટ કર્યું હતું, જેમાં તેણે ડાબેરી પત્રકાર બરખા દત્ત સાથે વાતચીત કરતા બોલિવૂડમાં નેપોટિઝમ માટે દર્શકોને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે જો કોઈને તેમની ફિલ્મોથી તકલીફ હોય, તો ફિલ્મો ના જોવો.

    પીએમ મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને પત્ર લખ્યો, તેમની પુત્રીના 5મા જન્મદિવસ પર 101 દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા બદલ પ્રશંસા કરી

    પીએમ મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને પત્ર લખ્યો હતો, 8 ઓગસ્ટના રોજ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ 101 દીકરીઓ માટે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ્સ ખોલવા અને તેમની પુત્રીના પાંચમા જન્મદિવસની ઉજવણી માટે તેમાં પ્રાથમિક ડિપોઝિટ કરવા બદલ તેમની પત્ની રીવાબા જાડેજાની પ્રશંસા કરતો PM મોદીનો એક પત્ર શેર કર્યો હતો.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પત્રમાં લખ્યું છે કે, “તમારી પુત્રી નિધ્યાનાબાના 5મા જન્મદિવસની ઉજવણી માટે દરેક દીકરીઓના ખાતામાં પ્રારંભિક રાશી જમા કરાવવાની આપની આ પરોપકારી પહેલ પ્રશંસનીય છે.”

    101 વંચિત દીકરીઓને મદદ કરવાના તેમના નિઃસ્વાર્થ કાર્ય માટે રીવાબા જાડેજાની પ્રશંસા કરતા પીએમ મોદીએ પત્રમાં લખ્યું હતું કે, “આપણી સંસ્કૃતિ હંમેશા નિઃસ્વાર્થ સેવાની ભાવના દ્વારા માર્ગદર્શન આપે છે. ભારત વિશ્વની આવી બૌદ્ધિક પરંપરાનું વાહક છે જ્યાં આપણે કહીએ છીએ કે સ્ત્રી પરમાત્માનું સ્વરૂપ છે.”

    આગળ તેઓ લખે છે કે “અમે દ્રઢપણે માનીએ છીએ કે અમારી નારીશક્તિમાં અપાર ક્ષમતા છે જેનો ઉપયોગ મહિલાઓના નેતૃત્વમાં વિકાસની પ્રક્રિયાને આગળ વધારવા માટે કરી શકાય છે. આજે ઘણા ક્ષેત્રોમાં અમારી દીકરીઓની અસાધારણ સિદ્ધિઓ અમને ગર્વ કરાવે છે,” તેમ વડાપ્રધાન દ્વારા પત્રમાં લખવામાં આવ્યું હતું.

    પીએમ મોદીએ રીવાબને સમાજના ઉત્થાન માટે યોગદાન આપવાનું ચાલુ રાખવાની શુભેચ્છા પાઠવી હતી અને ઉમેર્યું હતું કે આવા સ્વૈચ્છિક પ્રયાસો સમાજમાં સકારાત્મક સંદેશ ઉત્પન કરવાની ક્ષમતા ધરાવે છે અને બધા માટે પ્રેરણા બની શકે છે.

    શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના?

    આ યોજના 2015 માં પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બેટી બચાવો બેટી પઢાવો પહેલના ભાગ રૂપે, સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં કન્યાઓના ભાવી સુધારણા માટે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના દરેક પરિવારમાં બાળકી માટે બચતનું સાધન આપે છે. SSY નો કાર્યકાળ ખાતું ખોલવાની તારીખથી અથવા દીકરી 18 વર્ષની થઈ જાય પછી તેના લગ્ન સુધી 21 વર્ષ છે.

    યોજના અનુસાર, શરૂઆતમાં ઓછામાં ઓછા 250 રૂપિયા ખાતામાં જમા કરાવવાના રહેશે. ત્યારબાદ 100 રૂપિયાના ગુણાંકમાં કોઈપણ રકમ જમા કરી શકાય છે. જો કે, મહત્તમ જમા મર્યાદા રૂ. 150,000 છે. દીકરી 10 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તે તેનું એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. આ સ્કીમ ઉચ્ચ શિક્ષણના હેતુઓ માટે 18 વર્ષની ઉંમરે 50 ટકા રકમ ઉપાડવાની મંજૂરી આપે છે.

    આ યોજનાની પાકતી મુદત 21 વર્ષની છે અને ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ પૂરા થાય ત્યાં સુધી ખાતામાં જમા કરાવી શકાય છે. આ સમયગાળો પૂરો થવા પર, ખાતું માત્ર લાગુ પડતા વ્યાજની ચુકવણી કરશે.

    ભારત એક પ્રમાણિક પડોશી છે, ભારત વગર શ્રીલંકા બહુ પહેલાં જ દેવાળિયું થઇ ગયું હોત: જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર રોશન અબેસિંઘેની ઑપઇન્ડિયા સાથે ખાસ મુલાકાત

    શ્રીલંકા તેના સહુથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. રાજપક્ષેની કંગાળ આર્થિક નીતિઓને કારણે દેશ અને અહીંની પ્રજા અત્યંત ત્રાસદાયક પીડા વેઠી રહ્યાં છે. આવા સમયમાં શ્રીલંકાના જ નાગરિક રોશન અબેસિંઘે જેઓ આરએફ એશિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર છે તેમણે ઑપઇન્ડિયા સાથે ગત અઠવાડિયે ખાસ મુલાકાત કરી હતી. તેમની કંપની હેર પ્રોડક્ટ્સ તેમજ અન્ય કોસ્મેટીક બનાવટોનો વ્યાપાર કરે છે. આ ઉપરાંત તેઓ ક્રુસેડર સ્પોર્ટ્સ એન્ડ લીઝર ટુર્સના પણ ડિરેક્ટર છે. અબેસિંઘે શ્રીલંકાના સહુથી લોકપ્રિય ક્રિકેટ કોમેન્ટેટર પણ છે જેમને દેશ-વિદેશના ક્રિકેટ ફેન્સ બહુ સારી રીતે ઓળખે છે.

    ઑપઇન્ડિયા સાથે ચર્ચા કરતી વખતે અબેસિંઘેએ શ્રીલંકાની તકલીફોની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે અહીંના પરિવારવાદી રાજકારણથી માંડીને ચીનનો આ ટાપુ રાષ્ટ્રમાં કેવો રોલ રહ્યો હતો અને ભારત શ્રીલંકાનું કેવું પડોશી બની રહ્યું છે આ તમામ વિષયોને સ્પર્શ કર્યો હતો. રોશન અબેસિંઘેએ ભારતને શ્રીલંકાના પડોશી તરીકે વર્ણવતા કહ્યું હતું કે “ભારતે અત્યંત પ્રમાણિકતાથી શ્રીલંકાની મદદ કરી છે. ભારતે જે શરતોએ શ્રીલંકાને લોન આપી છે જો એ ન આપી હોત તો શ્રીલંકા બહુ પહેલાં જ દેવાળિયું થઇ ગયું હોત. ચીન વિષે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અન્ય નાણાંકીય સંસ્થાઓ પાસેથી લોન મળવા કરતાં ચીન પાસેથી અત્યંત આસાનીથી લોન મળી જતી હોય છે. તેમણે આગળ જણાવ્યું હતું કે કેવી રીતે ચીને ઓછા વળતર ધરાવતા પ્રોજેક્ટ્સમાં નિવેશ કરીને શ્રીલંકાને લોન પરત કરવાની ક્ષમતામાં તકલીફ ઉભી કરી.

    જે રીતે શ્રીલંકામાં આર્થિક કટોકટી સામે આવી છે ત્યારે આ કટોકટીના મૂળમાં શું હતું તે જાણવું અત્યંત જરૂરી છે, જેમાં ભારતનો શ્રીલંકાને સ્થિર કરવામાં ભજવવામાં આવેલી ભૂમિકા વિષે શ્રીલંકાના જ જાણીતા ક્રિકેટ સેલિબ્રિટીનું મંતવ્ય પણ સામેલ છે તેને આપણે જાણીએ.

    ઑપઇન્ડિયા: શ્રીલંકા હાલમાં આર્થિકરીતે લગભગ તૂટી ચૂક્યું છે જેમાં રાજકીય કટોકટી પણ સામેલ થઇ છે. એક શ્રીલંકન તરીકે તમે આ પરિસ્થિતિને કેવી રીતે સમજો છો?

    રોશન અબેસિંઘે: જો તમે ફક્ત આર્થિક સમસ્યાની જ વાત કરતા હોવ તો આ પરિસ્થિતિ રાતોરાત ઉભી નથી થઇ, પરંતુ એક સમયના અંતરે આ બધું થયું છે. હું અયોગ્ય રાજકીય નિર્ણયો અને નીતિઓ જે એકપછી એક સરકારોએ અમલમાં મૂકી તેને આ પરિસ્થિતિ માટે સહુથી વધારે જવાબદાર ગણીશ. આ સરકારોએ ઉત્પાદકતા વધારવા કે નિર્યાતને પ્રોત્સાહન આપવાનું કાર્ય ન કર્યું. શ્રીલંકા જે દેવાનાં ભાર નીચે દબાયેલું છે તે દેવું મોટેભાગે બિનઉત્પાદક પ્રોજેક્ટ્સમાં અને તમામ સ્તરે થયેલા નાણાના દુરુપયોગ, જેમાં સરકારી કર્મચારીઓએ પણ ભાગ ભજવ્યો છે, તેના કારણે ઉભું થયું છે.

    આ ઉપરાંત સરકાર બહાર રહેલા રાજકીય પક્ષોએ પણ હડતાલ કરીને ઘણા બધા પ્રોજેક્ટ્સ અધવચ્ચે જ બંધ કરાવી દીધા હતા, જેણે જે-તે સમયની સરકારને પોતાની પાસે રહેલા સંસાધનોને દેશની ઉત્પાદકતા વધારવાથી અટકાવી હતી. આથી ટૂંકમાં કહું તો છેલ્લા 25 વર્ષની લગભગ તમામ સરકારો આજે તમામ પક્ષોના તમામ સ્તરના રાજકારણીઓ શ્રીલંકાની આ હાલત માટે જવાબદાર છે.

    ઑપઇન્ડિયા: શ્રીલંકાની હાલની કટોકટી માટે રાજપક્ષેને સહુથી વધુ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. તમારા માટે આ પરિવારનો શ્રીલંકાના રાજકારણમાં કેવો દબદબો હતો અને તેમનો વિરોધ અગાઉ કેમ ન થયો?

    રોશન અબેસિંઘે: શ્રીલંકાનું રાજકારણ મુખ્યત્વે બે રાજકીય પક્ષો દ્વારા ચલાવવામાં આવે છે, યુનાઈટેડ નેશનલ પાર્ટી અને શ્રીલંકા ફ્રિડમ પાર્ટી. UNP શરૂઆતમાં સેનાનાયકે પરિવાર દ્વારા ચલાવવામાં આવતી હતી અને આ પારિવારિક પક્ષ પર બાદમાં જેઆર જયવર્દને, રણસિંગે પ્રેમદાસા, અને રનીલ વિક્રમાસિંગે દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે શ્રીલંકા ફ્રિડમ પાર્ટી અથવાતો SLFP પોતાના નામ અને ચૂંટણી ચિન્હો દ્વારા સતત બદલાતી રહી છે. શરૂઆતમાં બંદારનાયકે પરિવાર અને ત્યારબાદ 2005થી રાજપક્ષે પરિવાર દ્વારા તેનું સંચાલન થતું રહ્યું છે.

    આ બંને પરિવારો દ્વારા શ્રીલંકામાં રાજકારણની વ્યવસ્થા એ રીતે ગોઠવાઈ હતી કે તેઓ શ્રીલંકાના મતદારો દ્વારા સતત સ્વીકાર પામતા રહ્યા. આ ઉપરાંત મહિંદા રાજપક્ષે જેમણે 30 વર્ષથી ચાલતાં આંતરિક યુદ્ધનો અંત લાવ્યો તેમને લોકોએ રાજાનો દરજ્જો આપ્યો. જો કે 2015માં તેઓ શક્યતાઓની સાવ વિરુદ્ધ રાષ્ટ્રપતિની રેસ સીરીસેના સામે હારી ગયા, પરંતુ ત્યારબાદ સિરીસેના અને વિક્રમાસિંગે વચ્ચેની લડાઇએ શ્રીલંકાની આર્થિક સ્થિતિને વધુ ખરાબ કરી જે આગમાં ઈસ્ટર બોમ્બિંગે ઘી નાખવાનું કાર્ય કર્યું અને ફરીથી રાજપક્ષે પરિવારને 2019માં દેશના તારણહાર બનીને સત્તામાં પરત થવાની તક મળી અને તેઓ હાલની કટોકટી સુધી સત્તામાં રહ્યાં.

    ઑપઇન્ડિયા: શ્રીલંકાનું ચીન પર આધારિત હોવું, ખાસકરીને આર્થિક મામલાઓમાં, એ છેલ્લા અમુક વર્ષોમાં ખૂબ વધી ગયું હતું. શું તમે માનો છો કે આ હકીકતે પણ શ્રીલંકાની હાલની કટોકટીમાં મહત્વનો ફાળો આપ્યો છે?

    રોશન અબેસિંઘે: અન્ય વિશ્વસ્તરીય નાણાંકીય એજન્સીઓ કોઇપણ પ્રોજેક્ટ્સ પર લોન આપતાં પહેલાં તેનું કડક વિશ્લેષણ કરતી હોય છે, તેની સરખામણીએ ચીન પાસેથી લોન મેળવવી અત્યંત સહેલી હોય છે.જો કે ચીનના બાકી નાણા એ શ્રીલંકાના કુલ દેવાનાં 10% જ છે. પરંતુ જે પ્રોજેક્ટ્સમાં ચીને રોકાણ કર્યું છે તેમાં તેના રોકાણનું વળતર (ROI) મળવું ખૂબ અઘરું છે જે મારા મતે દેવાની ચુકવણીમાં આડે આવે છે. આ જ કારણ હતું કે 2015માં સરકારે હંબનટોટા ખાતેનું પોર્ટ ચીનને લાંબા ગાળા માટે લીઝ પર આપી દીધું જેથી લોનની ચુકવણી ત્વરિત ગતિએ થઈ શકે.

    ઑપઇન્ડિયા: શ્રીલંકાની હાલની પરિસ્થિતિમાં તમે ભારતની ભૂમિકા કેવી રીતે જોઈ રહ્યા છો?

    રોશન અબેસિંઘે: ભારતે શ્રીલંકાની મદદ કરવામાં એક પ્રમાણિક પડોશીની ભૂમિકા અદા કરી છે. ભારતે જે શરતોએ શ્રીલંકાને લોન સહાય કરી છે તે અત્યંત સરળ છે અને જો આ લોન સમયસર શ્રીલંકાને ન મળી હોત તો એ ક્યારનુંયે દેવાળિયું થઇ ગયું હોત. આથી શ્રીલંકાને વગર કોઈ ખાસ અપેક્ષાએ મદદ કરનાર ભારતનો શ્રીલંકા આભાર માને તેટલો ઓછો છે. અને હાલમાં પણ ભારત શ્રીલંકાને જે મદદ કરી રહ્યું છે તેની અત્યંત સુંદર છાપ શ્રીલંકનોના મનમાં પડી છે.

    ઑપઇન્ડિયા: શું હાલની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે રનીલ વિક્રમાસિંગે જ એક માત્ર વિકલ્પ છે કે પછી તમારા મતે બીજા આગેવાનો પણ છે જે લડવા માટે વધુ સક્ષમ છે?

    રોશન અબેસિંઘે: તેઓ (રનીલ વિક્રમાસિંગે) એક માત્ર વિકલ્પ તો નથી જ પરંતુ મોટાભાગના લોકોમાં તે ઉપલબ્ધ રહેલા સહુથી ખરાબ વિકલ્પોમાં સહુથી સારો વિકલ્પ છે કારણકે તેમનો અનુભવ ખૂબ લાંબો છે અને આંતરરાષ્ટ્રીય ફલક પર શ્રીલંકાના અન્ય આગેવાનો કરતાં તેમની સ્વીકૃતિ વધુ છે. જો કે ગત રાજપક્ષે શાસનના સંરક્ષક તરીકેની તેમની છાપે તેમના રાજકીય કદ પર થોડોઘણો બટ્ટો લગાડ્યો છે અને પ્રજાનો તેમના પરનો વિશ્વાસ પણ ઓછો થયો છે. જો કે પહેલાં દેશના વડાપ્રધાન અને બાદમાં સંસદ દ્વારા તેમનું રાષ્ટ્રપતિ બનવું એ પણ જ્યારે તેઓ ફક્ત પોતાની એક બેઠકને કારણે જ સંસદમાં આવી શક્યા છે અને તેમના પક્ષના બાકીના ઉમેદવારો હારી ગયા હતા, કોઈ પરીકથાથી ઓછું જરાય નથી.

    તેમ છતાં, વ્યક્તિગતરીતે મારું માનવું છે કે દેશ પોતાને આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે તેમના પર હજી પણ વિશ્વાસ કરે છે. આ તેમની કારકિર્દીનો પણ અતિશય મહત્ત્વનો સમય છે જે તેમનું અને આ સુંદર દેશનું ભવિષ્ય પણ નક્કી કરવાનો છે.

    ઑપઇન્ડિયા: તમારા મતે હવે શ્રીલંકા માટે ભવિષ્યનો માર્ગ કયો હોઈ શકે?

    રોશન અબેસિંઘે: એકમાત્ર ઉપાય એ જ છે કે તમામ રાજકીય પક્ષો અને આગેવાનોએ એકસાથે મળીને એક જ સરકાર છે એમ માનીને ચાલવું પડશે અને પ્રજાએ પણ સરકાર પાસેથી બધું જ મફતમાં આપવાની માંગણી પડતી મુકવી પડશે. રાજકીય વાતાવરણની બહારની જો વાત કરું તો જે કોઇપણ સરકારી સાહસો છે જે ખોટ કરી રહ્યા છે તેમને કડકાઈથી અને થોડી કંજૂસાઈથી કાર્ય કરીને નફો કરવો પડશે અને એ પણ આત્મનિર્ભર બનીને. હાલમાં શ્રીલંકાની પ્રજાનો મોટો હિસ્સો સરકારી સાહસોમાં નોકરી કરી રહ્યો છે જે બિનઉત્પાદક કાર્યો કરી રહ્યા છે અને આ જ બાબત રાષ્ટ્રને આગળ વધવાથી રોકી રહી છે.

    પેટ્રોલિયમ, ટ્રાન્સપોર્ટ અને ઈલેક્ટ્રીસિટી ક્ષેત્રો સહીત શ્રીલંકન એરલાઈન્સ જેને એક સમયે આગેવાન સરકારી સાહસ ગણવામાં આવતી હતી, આ તમામ અત્યારે ભયંકર ખોટ કરી રહ્યા છે. આ માટે ખરાબ સરકારી કાર્યશૈલી અને તેમના પર યુનિયનોનું પ્રભુત્વ જવાબદાર છે. આ બાબતે પણ સુધાર લાવવો અત્યંત જરૂરી છે. એક સ્પષ્ટ યોજના જે ધીરેધીરે શ્રીલંકાને ગરીબીમાંથી બહાર લાવે અને આગળ મેં જે વાત કરી એ સરકારી સાહસોની સરકાર પરની નિર્ભરતા દૂર કરે તેની હાલમાં ખાસ જરૂર છે. આ તમામ દેખીતા ઉપાયો છે પરંતુ તેની સાથે અન્ય બીજા પણ અસંખ્ય ઉપાયો હાજર છે જેના પર પણ ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.

    ઑપઇન્ડિયા: શ્રીલંકનોમાં આપની લોકપ્રિયતા જાણીતી છે, તો આપ આપના સાથી નાગરિકોને આ પરિસ્થિતિમાં કઈ સલાહ આપશો?

    રોશન અબેસિંઘે: તમારા તમામ કાર્યમાં લચીલાપણું અને શિસ્ત લાવો. તમારી આસપાસની જમીનમાં જે પણ શક્ય હોય તે ઉગાડો અને એટલી બાબતોમાં આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરો. દેશના સંસાધનો જેવા કે વિજળી અને પાણીનો અતિશય બગાડ જે થઇ રહ્યો છે તેને અટકાવો જેથી સરકારી તિજોરીને થઇ રહ્યેલું અસહ્ય નુકશાન અટકે. દેશને પ્રેમ કરો અને શ્રીલંકન હોવામાં ગર્વનો અનુભવ કરો.

    આ મુલાકાત આપ અંગ્રેજીમાં પણ વાંચી શકો છો.

    છત્તીસગઢમાં ખ્રિસ્તી મિશનરીઓ સામે સેંકડો ગ્રામવાસીઓ સામે રસ્તા પર ઉતરી આવ્યા, કહ્યું: ‘ધર્માંતરણ આપણી સંસ્કૃતિ માટે ખતરો’; હિંસક આંદોલનની ચેતવણી આપી

    છત્તીસગઢમાં ખ્રિસ્તી મિશનરીઓ સામે સેંકડો ગ્રામવાસીઓ સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા, છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ વધી રહ્યા છે. લોકોએ તેમના પરિવારના સભ્યોને ખ્રિસ્તી બનાવવાનો આરોપ લગાવ્યો છે. જેને ગ્રામજનોએ તેને તેમની સંસ્કૃતિ માટે ખતરો ગણાવ્યો છે અને જો આ બધું બંધ નહીં થાય તો છત્તીસગઢમાં ખ્રિસ્તી મિશનરીઓ સામે હિંસક આંદોલનની ચેતવણી પણ આપી છે. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ઘટના રવિવાર (7 ઓગસ્ટ 2022)ની છે.

    દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ , ઘટના રાજિમના કૌંદકેરા ગામની છે, જ્યાં દર રવિવારે ખ્રિસ્તી પ્રાર્થના સભા યોજાય છે. આ વખતે પ્રાર્થના સભા યોજાતા જ ગ્રામજનોએ ત્યાં વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. સ્થાનિક લોકોનો આરોપ છે કે તે પ્રાર્થનામાં કેટલાક બહારના લોકો પણ આવે છે. તેઓ અમને ખ્રિસ્તી બનાવવા માટે તમામ પ્રકારની લાલચ આપે છે. સ્થિતિ એવી બની છે કે એક જ માતા-પિતાના અલગ-અલગ બાળકો હવે અલગ-અલગ ધર્મમાં માને છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ સભા કાંકેરના સંતોષ કુમાર મરકામના ઘરે યોજાઈ હતી. જોકે, ગ્રામજનોનો ગુસ્સો જોઈને તે પણ પાછળ હટી ગયો હતો. તેણે ફરીથી બહારથી કોઈને નહી બોલાવવા માટે સંમતિ આપી છે. આક્રોશની જાણ થતાં સ્થળ પર પહોંચેલા એસડીએમ અવિનાશને પણ ગ્રામજનો દ્વારા કડક ચેતવણી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે જો ધર્માંતરણ અટકાવવામાં નહીં આવે તો તેઓ બધા હિંસક આંદોલન શરૂ કરશે. આ દરમિયાન ગામલોકોએ એસડીએમને એમ પણ કહ્યું કે ધર્માંતરણ માત્ર તેમનામાં જ નહીં પરંતુ અન્ય ઘણા ગામોમાં પણ થઈ રહ્યું છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામીણોએ પણ સોશિયલ મીડિયા દ્વારા ખ્રિસ્તી ધર્મ પરિવર્તનના વિરોધના આ અભિયાનને વેગ આપ્યો છે. તેમના વિરોધ દરમિયાન, ગ્રામવાસીઓએ માત્ર આ ધર્માંતરણને ગામમાં ફરી ન થવા દેવાની પ્રતિજ્ઞા લીધી, પરંતુ ધર્માંતરણ કરાયેલા લોકોને ઘરવાપસીની જાહેરાત પણ કરી. તેમણે કહ્યું કે, “જે લોકોએ પોતાનો મૂળ ધર્મ બદલી નાખ્યો છે તેમને પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવશે. આ માટે તેમના હાથમાં નારિયેળ રાખવામાં આવશે. જે પાછું આવશે તે પોતાનું જ હશે. જે કોઈ પરત નહીં ફરે તેને વિદેશી તરીકે ગણવામાં આવશે.”

    તે જ સમયે, છત્તીસગઢના જશપુરના સજબહાર ગામમાંથી પણઆવોજ એક મામલો સામે આવ્યો છે . અહીં સરપંચ સોનમ લાકરાના ઘરે શુદ્ધિકરણ સભામાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનનો આરોપ છે. જેમાં BJYMએ હોબાળો મચાવ્યો હતો. દરમિયાન હિન્દુ યુવા નેતા વિજય સિંહ જુદેવ સરપંચ સોનમ લાકરાના ઘરે પહોંચ્યા હતા. તેમના મતે, અહીં શુદ્ધિકરણની બેઠકો યોજાતી હતી. તેમનો આરોપ છે કે અહીં હિલિંગ મીટિંગની આડમાં લોકોને ખ્રિસ્તી ધર્મમાં ફેરવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પણ અમે તેમની કરતુત પર પાણી ફેરવી નાંખ્યું હતું. તેમના કહેવા પ્રમાણે, પ્રાર્થના સભામાં હિન્દુ સમુદાયના 4 લોકો સામેલ થયા હતા. જે બાદ બીજેવાયએમના કાર્યકરો ગુસ્સે થયા અને સરપંચને બરતરફ કરવાની માંગ કરવા લાગ્યા હતા.

    જો કે, અહીં પોલીસે ઉલ્ટું હિન્દુ સંગઠનોના કાર્યકરોની ધરપકડ કરી છે. અને ખ્રિસ્તી ધધર્માંતરણનો ઇનકાર કર્યો હતો.

    નોંધનીય છે કે મે 2022 માં છત્તીસગઢના જશપુરમાં ગ્રામજનોની ફરિયાદ પર ધર્માંતરણ કરતા બે પાદરીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે, ઓક્ટોબર 2021 માં, દુર્ગ જિલ્લામાં ગ્રામીણોએ ધર્મ પરિવર્તનના આરોપમાં 45 ખ્રિસ્તીઓને બંધક બનાવ્યા હતા . ઉલ્લેખનીય છે કે ખ્રિસ્તી ધર્માંતરણને રોકવા માટે ડિસેમ્બર 2021માં જશપુરમાં આયોજિત એક કોન્ફરન્સમાં આદિવાસી સુરક્ષા મંચે રાજ્ય સરકારને ગેરકાયદેસર ધર્માંતરણને તાત્કાલિક રોકવા માટે કહ્યું હતું.

    જેહાદની જાળ: ભારતમાં ‘જેહાદ’નો પ્રચાર કરવા બદલ બે બાંગ્લાદેશી નાગરિકોની ભોપાલથી NIA દ્વારા ધરપકડ

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના પ્રવક્તાએ સોમવારે (8 ઓગસ્ટ) જણાવ્યું હતું કે, બે ‘ઘોર કટ્ટરપંથી’ બાંગ્લાદેશી નાગરિકો, જેઓ ઓનલાઈન દ્વેષપૂર્ણ અને ગુનાહિત સામગ્રી પોસ્ટ કરીને ભારતમાં ‘જેહાદ’નો પ્રચાર કરવામાં કથિત રીતે સામેલ હતા, તેમની મધ્યપ્રદેશના ભોપાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

    પ્રવક્તાએ જણાવ્યું કે, નારાયણગંજ જિલ્લાના હમીદુલ્લા ઉર્ફે ‘રાજુ ગાજી’ અને બાંગ્લાદેશના મદારીપુર જિલ્લાના મોહમ્મદ સાહદત હુસૈન ઉર્ફે “અબિદુલ્લાહ”ની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.

    આ વર્ષની શરૂઆતમાં ભોપાલના આઈશબાગમાંથી ત્રણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સ સહિત જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB)ના છ સક્રિય કેડરની ધરપકડ સંબંધિત કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.

    NIAએ જણાવ્યું હતું કે હમીદુલ્લાહ, જેને ‘મુફ્ફકીર’, ‘સમદ અલી મિયાં’ અને ‘તલ્હા’ ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે અને હુસૈન ધરપકડ કરાયેલા છ JMB સભ્યોના નજીકના સહયોગી હતા અને તેઓ ભારત અને બાંગ્લાદેશમાં તેમના સહયોગીઓ સાથે વાતચીત કરવા માટે એનક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

    પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ”ધરપકડ કરાયેલા આરોપીઓ (હમીદુલ્લા અને હુસૈન) અત્યંત કટ્ટરપંથી વ્યક્તિઓ છે અને અન્ય લોકોને કટ્ટરપંથી બનાવવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિવિધ જૂથોમાં દ્વેષપૂર્ણ અને ગુનાહિત સામગ્રીઓ ઑનલાઇન પોસ્ટ કરીને જેહાદનો પ્રચાર કરવામાં સામેલ છે.”

    આ કેસ શરૂઆતમાં 14 માર્ચે નોંધવામાં આવ્યો હતો અને NIA દ્વારા 5 એપ્રિલે ફરી નોંધવામાં આવ્યો હતો. અગાઉ આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે મધ્યપ્રદેશના ભોપાલમાંથી પકડાયેલ આ બંને આરોપીઓ સાથે કુલ આંક 9 થયો છે.

    NIAએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓ JMBની વિચારધારાનો પ્રચાર કરવામાં અને યુવાનોને ભારત વિરુદ્ધ ‘જેહાદ’ કરવા પ્રેરિત કરવામાં સામેલ છે.

    AAP નેતાની ગુંડાગીરી: MLA કરમબીર સિંહ ઘુમ્મન કર્મચારીઓ સાથે માથાકૂટ કરી બળજબરીથી ટોલગેટ ખોલાવે છે, બેરીકેટને કરે છે નુકશાન

    6 ઓગસ્ટના રોજ, આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય કરમબીર સિંહ ઘુમ્મન દ્વારા હોશિયારપુરના ચૌલાંગ ટોલ પ્લાઝા પર બળજબરીથી ટોલ બેરિયર્સ ખોલાવડાવાયા અને 20 વાહનોને કોઈપણ ટોલ ચૂકવ્યા વિના પસાર કરાવવામાં આવ્યા હતા.

    અહેવાલો મુજબ, કરમબીર સિંહ ઘુમ્મન, જે દસુહાના ધારાસભ્ય છે, ટોલ પ્લાઝા પર વીઆઈપી લેન કાર્યરત ન હોવાથી નારાજ થયા હતા, અને તેને પાર કરવા માટે તેમને એક મિનિટ રાહ જોવી પડી હતી. તેઓ કથિત રીતે તેમની કારમાંથી બહાર આવ્યા અને કર્મચારીઓને બેરિયર ખોલવાનો આદેશ આપ્યો હતો.

    જ્યારે ટોલ પ્લાઝાના કર્મચારીઓએ અવરોધ ખોલ્યો નહીં, ત્યારે તેમણે કથિત રીતે બેરીકેટ તોડી નાખ્યું હતું. સોશિયલ મીડિયા પર ફરતા સીસીટીવી વીડિયો ફૂટેજમાં ઘુમ્મન પ્લાઝાના કર્મચારીઓ સામે બેરીકેટ ખોલવા માટે દાદાગીરી કરતા જોઈ શકાય છે. તેમની સાથે આવેલા પોલીસ કર્મચારીઓ પણ કર્મચારીઓ પર બૂમો પાડી રહ્યા હતા.

    AAP નેતા ઘુમ્મન 10 મિનિટ સુધી બેરિયરને પોતાના કબ્જામાં રાખ્યું અને ઓછામાં ઓછા 20 વાહનોને ટોલ આપ્યા વગર પસાર થવા દીધા હતા. જ્યારે ટોલ પ્લાઝાના કર્મચારીઓએ ઘુમ્મન પર ગુંડાગીરીનો આરોપ મૂક્યો હતો, ત્યારે ધારાસભ્યએ જણાવ્યું હતું કે તે બેરીકેટ ખોલવા માટે કોઈ કર્મચારી હાજર ન હતો, એટલે તેમણે કાર્યવાહી કરી હતી. તેમણે દાવો કર્યો કે ટોલ પ્લાઝાના કર્મચારીઓ VIP લેન ખોલતા નથી. “ભૂતકાળમાં ઘણી વખત, મારા સહયોગીઓએ વીઆઈપી લેન ખોલી છે કારણ કે કર્મચારીઓએ તે ખોલ્યું ન હતું. જો તેઓ VIP લેન ખોલશે નહીં, તો કોઈપણ ઉશ્કેરાશે. મીડિયામાં મારું નામ ફરતું થઈ રહ્યું છે કારણ કે હું ધારાસભ્ય છું.”

    ટોલ મેનેજરે ઘુમ્મન પર ટોલ બૂથ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો

    ચૌલાંગ ટોલ પ્લાઝાના મેનેજર મુબારક અલીએ ખુમાન પર તેના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ધારાસભ્ય દ્વારા હરદીપ સિંહ નામના કર્મચારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ધારાસભ્યની સાથે આવેલા બંદૂકધારીઓ અને સહયોગીઓએ કથિત રીતે બૂથ પર કબજો જમાવ્યો હતો અને તેને ઘણી મિનિટો સુધી ખુલ્લો રાખ્યો હતો. મેનેજરે ઘુમ્મન પર પણ અવરોધ તોડવાનો આરોપ લગાવ્યો હતો. મેનેજરે આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ પણ કરી છે.

    આઝાદીનો અમૃત ઉત્સવ માત્ર તાજમહેલમાં જ નહીં ઉજવાય, જાણો છો શા માટે ?

    આઝાદીનો અમૃત ઉત્સવ માત્ર તાજમહેલમાં જ નહીં ઉજવાય, દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર આ વખતે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના લગભગ તમામ ઐતિહાસિક સ્થળો રાત્રે તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠયા છે.આમ છતાં ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલમાં અંધકાર છવાયેલો છે. આઝાદીનો અમૃત ઉત્સવ માત્ર તાજમહેલમાં જ નહીં ઉજવાય આવો જાણીએ.

    દેશભરમાં આઝાદીના અમૃત પર્વની ઉજવણી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર સોશિયલ મીડિયા પ્રોફાઈલની ડીપી બદલીને તિરંગો રાખવામાં આવી રહ્યો છે, અને દરેક ઘર પર તિરંગો ફરકાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓ અને સ્મારકોને તિરંગાની રોશનીથી ઝળહળતી કરવામાં આવી રહી છે.આગરામાં પણ ઐતિહાસિક ઈમારતોને શણગારવામાં આવી છે, પરંતુ તાજમહેલમાં આવો કોઈ કાર્યક્રમ નથી.

    તાજમહેલને છેલ્લી વખત 1997માં લાઈટોથી શણગારવામાં આવ્યો હતો

    ઘણા મીડિયા અહેવાલો અનુસાર, છેલ્લી વખત 1997માં એક કાર્યક્રમ દરમિયાન તાજમહેલને રોશનીથી શણગારવામાં આવ્યો હતો, ઘટનાના બીજા દિવસે સવારે, તાજમહેલ સંકુલમાં ઘણા જંતુઓ મૃત મળી આવ્યા હતા. આ પછી જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની કેમિકલ બ્રાન્ચે તેની તપાસ કરી તો અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. આ પછી, તાજમહેલમાં કોઈ પ્રકાશની મંજૂરી આપવામાં આવી ન હતી, કારણ કે જંતુઓના મૃત્યુને કારણે, તાજમહેલ પર ડાઘા પડી ગયા હતા.

    તાજમહેલની ઝળહળતી તસ્વીર બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સામે આવી હતી

    મીડિયા અહેવાલો મુજબ બીજા વિશ્વયુદ્ધમાં જર્મન સૈન્યએ મિત્ર દેશો સામે આત્મસમર્પણ કર્યું ત્યારે પ્રકાશિત તાજમહેલનો ફોટો સૌથી પ્રખ્યાત થયો હતો. તે સમયે આગ્રાના તાજમહેલમાં ભારતના મિત્ર દળો માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે તાજમહેલ રંગબેરંગી લાઇટથી ઝગમગી ઉઠ્યો હતો. તેની ઘણી તસવીરો ચર્ચામાં રહી હતી.

    રોશનીથી તાજમહેલને નુકસાન

    આજતકના અહેવાલ મુજબ તાજમહેલ છેલ્લે 20 માર્ચ 1997ની રાત્રે લાઇટોથી શણગારવામાં આવ્યો હતો, પ્રખ્યાત પિયાનોવાદક યાનીના શો દરમિયાન, સામાજિક કાર્યકર્તા વિજય ઉપાધ્યાયે દાવો દાવો કર્યો હતો કે, ઘટનાના બીજા દિવસે સવારે, તાજમહેલ સંકુલમાં ઘણા જંતુઓ મરી ગયા હતા, ત્યારબાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ.ની કેમિકલ શાખા દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી

    આ ઘટના પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે સ્મારકની અંદર કોઈપણ પ્રકારની લાઇટિંગની મંજૂરી આપી ન હતી, કારણ કે જંતુઓના મૃત્યુને કારણે તાજમહેલ પર ડાઘ પડતો હતો 1997 થી તાજમહેલ પર રોશની કરવા પર પ્રતિબંધ છે, જે હજુ પણ યથાવત છે.

    હાલ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના સમર્થનમાં ઉતરેલા લોકો શક્ય છે કે રિલીઝ બાદ દિવાલ પર માથું અફાળે: જાણો સિક્રેટ સ્ક્રીનીંગ જોનાર લોકોના પ્રતિભાવ

    મુંબઈમાં ચોરી છુપે થઇ રહેલા લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના સ્પેશિયલ શો જોઈને આવેલ લોકોએ પોતાના મંતવ્યો આપ્યા છે. તેમના અનુસાર રિલીઝ પહેલાની અને પછીની આ ફિલ્મની સ્થિતિ તદ્દન જુદી હોઈ શકે છે.

    જાણીતા ફિલ્મ અભિનેતા અને નિર્માતા આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ પર આધારિત છે. પરંતુ, આ ફિલ્મનો હિન્દીમાં અનુવાદ અભિનેતા અને લેખક અતુલ કુલકર્ણી દ્વારા ભારતની ઘટનાઓ અનુસાર કરવામાં આવ્યો છે અને તેમાં બતાવવામાં આવેલી ઘટનાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

    સંભાવના છે કે આ ફિલ્મ જોયા પછી, શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પણ થિયેટરોમાં તાળીઓ વગાડતા જોવા મળી શકે છે. ફિલ્મની વાર્તાથી ખરી સમસ્યા કોંગ્રેસ માટે થવાની છે. આ ફિલ્મમાં 1984ના શીખ રમખાણો પર ઘણું ફોકસ કરવામાં આવ્યું છે અને આ સિવાય પણ ફિલ્મમાં એવી ઘણી ઘટનાઓ જોવા મળશે જેના કારણે કોંગ્રેસ અસ્વસ્થ થઈ શકે છે.

    પ્રધાનમંત્રી મોદીનું આડકતરું મહિમામંડણ

    મુંબઈમાં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના ખાસ અને અત્યંત ગુપ્ત સ્પેશિયલ શો શરૂ થઈ ગયા છે. આ શો સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે એક ખાસ વર્ગ દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘બૉયકોટ લાલ સિંહ ચઢ્ઢા’નું અભિયાન ફિલ્મ જોયા પછી નકામું સાબિત થઇ શકે છે.

    તેમના અનુસાર આ ફિલ્મમાં જ્યારે લાલ સિંહ ચઢ્ઢા દેશભરમાં દોડવા નીકળે છે, ત્યારે ફિલ્મમાં જે સૌથી પ્રભાવશાળી દ્રશ્ય બહાર આવે છે તે છે વારાણસીના ઘાટો પર ભાજપના બહુ મોટા અક્ષરોમાં લખેલા ‘અબકી બાર મોદી સરકાર’ ના સૂત્રો. એટલું જ નહીં આ ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને પણ સારી રીતે બતાવવામાં આવ્યું છે.

    ઇસ્લામિક આતંકવાદ અને 72 હૂરો વિષે તીખો કટાક્ષ

    સ્પેશ્યલ શોમાં ફિલ્મ જોનારાઓના મતે, ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની વાર્તાની પૃષ્ઠભૂમિ 1984ના શીખ રમખાણો પરથી છે. આ સિવાય અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાના બદલામાં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટોને વાર્તાનો મહત્વનો ભાગ બનાવવામાં આવ્યો છે. ફિલ્મમાં કોંગ્રેસના શાસન દરમિયાનની ઈમરજન્સી પર પણ જોરદાર ટિપ્પણી કરવામાં આવી છે.

    તેઓ જણાવે છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ સંભવતઃ મુખ્યપ્રવાહની પ્રથમ હિન્દી ફિલ્મ બનવા જઈ રહી છે જે ઇસ્લામિક આતંકવાદ માટે તૈયાર કરવામાં આવતા યુવાનોને દર્શાવવામાં આવતા ’72 હૂરોં’ના સપના વિષે તીખી ટિપ્પણી કરતી હોય. ફિલ્મમાં પણ એક ભૂતપૂર્વ પાકિસ્તાની સૈનિકને એવું કહેતો બતાવવામાં આવ્યો છે કે તે પોતાના વતન પરત જવા માંગે છે અને ત્યાં જઈને લોકોને જણાવવા માંગે છે કે અસલી ભારત શું છે?

    હંમેશા બે દરવાજા ખુલ્લા રાખતા નીતીશ કુમાર હવે ફરી પલટી મારશે? જાણીએ તેમનો વારંવાર પલટી મારવાનો ઇતિહાસ

    બિહારના રાજકારણમાં ફરી એકવાર હલચલ તેજ બની ગઈ છે. છેલ્લાં 17 વર્ષથી જે થતું આવ્યું છે તે મુજબ આ ઉથલપાથલના કેન્દ્રમાં પણ મુખ્યમંત્રી નીતીશ કુમાર છે. છેલ્લા 17 વર્ષથી સત્તા પર તેમનો જ કબજો છે. તેની સાથે જ મીડિયામાં સૂત્રોનો ખેલ પણ શરૂ થઇ ગયો છે. ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર અને સોનિયા ગાંધી વચ્ચે હાલમાં જ વાતચીત થઇ છે, તો કોઈ જેડીયુ પ્રદેશ અધ્યક્ષની આરજેડી સુપ્રીમો લાલુ યાદવ સાથે મુલાકાતના દાવા કરી રહ્યું છે. 

    નીતીશ કુમાર નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા ન પહોંચ્યા ત્યારથી જ અટકળો શરૂ થઇ ગઈ હતી કે શું હવે તેઓ ફરીથી પલટી મારશે? એક તરફ જેડીયુ નેતા ઉપેન્દ્ર કુશવાહા કહે છે કે ગઠબંધનમાં બધું ઠીક છે અને કેન્દ્રની દરેક બેઠકમાં ભાગ લેવો જરૂરી નથી. તો બીજી તરફ જેડીયુ અધ્યક્ષ લલનસિંહ કહી રહ્યા છે કે ક્યાંથી જેડીયુને તોડવાનું ષડ્યંત્ર થયું અને કોણે ખુલાસો કર્યો તે બધી જ વિગતો સામે આવી જશે. કોઈ એમ પણ કહી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની ત્યારથી જ નીતીશ કુમાર બેચેન છે. 

    નીતીશ કુમારને ડર છે કે બિહારમાં પણ કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનું પુનરાવર્તન થઇ શકે છે. જોકે, રાજકારણના શાતિર ખેલાડી નીતીશ કુમાર વિશે કહેવાય છે કે તેઓ હંમેશા બે દરવાજા ખુલ્લા રાખે છે અને દબાણથી બચવા માટે કોઈ પણ તરફ જવાનો રસ્તો ખુલ્લો રાખે છે. કદાચ એ જ કારણ છે કે એક સમયે ધારાસભ્ય અને સાંસદની ચૂંટણી હારવા છતાં લગભગ બે દાયકાથી બિહારનું રાજકારણ તેમની આસપાસ જ ફરી રહ્યું છે.

    નીતીશ કુમારની રાજકીય યાત્રા પર નજર કરવામાં આવે તો તેમણે સૌથી મોટી પલ્ટી 2017માં મારી હતી અને આરજેડી સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતા અને મુખ્યમંત્રી પદે યથાવત રહ્યા હતા. તેમના આ નિર્ણયને ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તેમનું સ્ટેન્ડ તરીકે ભલે પ્રચારિત કરવામાં આવતો હોય પણ શું તેમને લાલુ યાદવના પરિવાર વિશે જુલાઈ 2017 પહેલાં કંઈ ખબર ન હતી? 20 વર્ષોમાં 7 વખત મુખ્યમંત્રી પદની શપથ લેનારા નીતીશ કુમારને ત્યારથી તેમના વિરોધીઓ ‘પલટૂરામ’ કહીને સંબોધિત કરતા રહ્યા છે. 

    ચૂંટણી મામલે નીતીશ કુમારની શરૂઆત નબળી રહી હતી અને તેમણે સતત ત્રણ વખત ધારાસભ્યની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આખરે 1985માં તેમને પહેલી જીત મળી અને નાલંદાના હરનૌતથી ‘જનતા દળ’ની ટિકિટ પર જીત મેળવી હતી. તે પહેલાં 80ના દાયકાના અંતમાં જ્યારે ‘જનતા પાર્ટી’ તૂટી હતી ત્યારે નીતીશ કુમાર સત્યેન્દ્ર નારાયણ સિન્હા સાથે થઇ ગયા હતા. જોકે, તે દરમિયાન પણ તેઓ કિશન પટનાયકના નેતૃત્વવાળા ‘લોહિયા વિચારમંચ’ સાથે જોડાયેલા રહ્યા હતા. 

    ત્યારથી જ તેમણે આ બે તરફવાળું રાજકારણ શરૂ કરી દીધું હતું. પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી જીત્યાના 4 વર્ષ બાદ જ તેઓ સાંસદ પણ ચૂંટાઈ આવ્યા હતા. એ સમય એવો હતો જ્યારે બિહારમાં લાલુ યાદવનું કદ સતત વધી રહ્યું હતું અને અંતે તેઓ મુખ્યમંત્રી પણ બની ચૂક્યા હતા. લાલુ યાદવને મુખ્યમંત્રી બનાવવામાં નીતીશ કુમારનું પણ યોગદાન હતું. ‘જનતા પાર્ટી’માં તેમણે મુખ્યમંત્રી તરીકે લાલુ યાદવનું સમર્થન કર્યું હતું. 

    જોકે, ત્યારપછીનાં થોડાં વર્ષોમાં લાલુ યાદવ સાથેના તેમના સબંધોમાં અંતર આવતું ગયું અને 90ના દાયકાના મધ્યમાં સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસે સમતા પાર્ટીની રચના કરી તો નીતીશ કુમાર તેમની સાથે ચાલ્યા ગયા હતા. પછીથી તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું અને અટલ બિહારી બાજપેયીની સરકારમાં રેલવે, માર્ગ પરિવહન અને પછી કૃષિ જેવાં મંત્રાલય સંભાળ્યા હતાં. 1994માં સમતા પાર્ટીની રચનાના 9 વર્ષ બાદ તેમણે 2003માં જનતા દળ યુનાઇટેડની રચના કરી. 

    નીતીશ કુમાર ભલે પોતાને જાતિવાદના વિરોધો ગણાવતા હોય અને પોતાને તેનાથી અલગ કરવાની વાત કરતા હોય, પરંતુ જાણવાલાયક બાબત એ પણ છે કે તેમણે બિહારમાં પોતાનો રાજકીય દબદબો જાળવી રાખવા માટે એક જાતીય રેલીનો જ સહારો લીધો હતો. ફેબ્રુઆરી 1994ની એ રેલીએ તેમને લાલુ વિરોધનો મુખ્ય ચહેરો બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેનું નામ હતું ‘કુર્મી ચેતના મહારેલી.’ જોકે, નીતીશ તેમાં પહેલાં ભાગ લેવા માંગતા ન હતા, પરંતુ પછીથી જોડાયા હતા. 

    ધારાસભ્ય રહેલા સતીશ કુમાર સિંહના આગ્રહ બાદ તેઓ આ રેલીમાં જોડાવા માટે તૈયાર થઇ ગયા હતા. કહેવાય છે કે આ રેલીમાં તેમના સામેલ થયા બાદ જ કુર્મી-કોઇરી સમાજમાં તેમનું કદ વધ્યું હતું અને લાલુ યાદવ વિરોધી રાજકારણ પણ તેજ બનતું ગયું. જેડીયુ અને સમતા પાર્ટી વચ્ચેની પણ એક વાર્તા છે. જ્યોર્જ ફર્નાન્ડિસ અને નીતીશ કુમારે સમતા પાર્ટીનો વિલય ‘જનતા દળ’માં કરી દીધો હતો. 

    2005માં નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી બન્યા અને ભાજપના સહયોગથી સરકાર ચલાવવાની શરૂ કરી. ગુનાઓ પર અંકુશ મૂકવાથી લઈને વિકાસ પરિયોજનાઓ સુધી, આ ગઠબંધન સરકારના પહેલા કાર્યકાળની ખાસ્સી સરાહના થઇ હતી. પરંતુ ભાજપ સાથે રહેતા નીતીશ કુમારે 2010માં ભાજપ નેતાઓ માટે આયોજિત ભોજન કાર્યક્રમ રદ કરી દીધો હતો. તેનું કારણ એ હતું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની અને નીતીશ કુમારની એક તસ્વીર અખબારોમાં છપાય ગઈ હતી. 

    લુધિયાણાની એ સભામાં નરેન્દ્ર મોદીએ નીતીશ કુમારનો હાથ પકડીને ઉપર ઉઠાવ્યો હતો અને જનતાને સંદેશ આપ્યો હતો કે તે બંનેમાં સારા સબંધો છે. પરંતુ નીતીશ તેનાથી ભડકી ઉઠ્યા. હિંદુત્વથી પોતાને અલગ દેખાડવાના પ્રયત્નોમાં નીતીશ કુમારે ભાજપ નેતાઓ માટે આયોજિત ભોજન કાર્યક્રમ રદ કરી દીધો હતો. આ કાર્યક્રમ માટેનાં કટઆઉટ્સ પણ આખા પટનામાં લાગી ગયાં હતાં. ભાજપના નેતાઓ માટે આ શરમજનક હતું. એટલું જ નહીં, પૂર રાહત કાર્ય માટે ગુજરાત સરકારે  મોકલેલી રકમ પણ તેમણે પરત કરી દીધી હતી. 

    જોકે, તેમ છતાં નીતીશ ભાજપ સાથે સત્તામાં ટકી રહ્યા હતા. પરંતુ હિંદુત્વ વિરોધી રાજકારણની એ અસર થઇ કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવતાંની સાથે જ તેમણે ભાજપ સાથેનું ગઠબંધન તોડવાનું એલાન કરી દીધું અને આરજેડીના સમર્થનથી મુખ્યમંત્રી બની ગયા. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં જેડીયુની ખરાબ રીતે હાર થઇ અને મોદી વડાપ્રધાન બની ગયા ત્યારે નીતીશ કુમારે નૈતિક જવાબદારીની વાત કરતાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું.

    ત્યારબાદ તેમણે જીતન રામ માંઝીને પોતાની જગ્યાએ પદ પર બેસાડી દીધા, પરંતુ તેમની સાથે તેમના સબંધો થોડા દિવસોમાં જ બગડવા માંડ્યા. જેથી તેમણે માંઝીને હટાવી દીધા અને પોતે ફરી મુખ્યમંત્રી બની ગયા. 2015ની ચૂંટણી તેમણે આરજેડી-કોંગ્રેસ સાથે મળીને લડી હતી અને જીત મેળવી હતી. પરંતુ 3 વર્ષ સરકાર ચલાવ્યાં બાદ તેમને આરજેડી ફરી ભ્રષ્ટાચારી લાગવા માંડી ત્યારે તેમણે ભાજપ સાથે હાથ મિલાવી લીધો અને 2020ની ચૂંટણી ભાજપ સાથે લઈને જીત મેળવીને ફરી મુખ્યમંત્રી બન્યા. 

    હવે 2 વર્ષ સરકાર ચલાવ્યાં બાદ તેમને ફરી ભાજપ ખરાબ લાગવા માંડી છે અને ફરી એક્વાર આરજેડી સાથે જવા વિચારી રહ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે જે રામચંદ્ર પ્રસાદ સિંહના કારણે આ આખો વિવાદ શરૂ થયો છે, તેઓ એક સમયે નીતીશના વિશ્વાસુ કહેવાતા હતા. કેન્દ્રીય મંત્રીના કાર્યકાળ દરમિયાન આરસીપી સિંહ તેમના સચિવ હતા. તેમના સમય પહેલાં નિવૃત્તિ લેવડાવીને રાજકારણમાં લાવવાનો શ્રેય પણ નીતીશ કુમારને જ જાય છે. તેમણે આરસીપી સિંહને કેન્દ્રીય મંત્રી પણ બનાવી દીધા હતા. 

    નીતીશ કુમારે પહેલા મોદી મંત્રીમંડળમાં જેડીયુને સામેલ કરાવ્યું, પણ પછી એલાન કરી દીધું કે જેડીયુ મોદી મંત્રીમંડળનો હિસ્સો રહેશે નહીં. આજે આરસીપી સિંહ નીતીશ કુમારના દુશ્મન નંબર એક છે. જોકે, જેડીયુ અધ્યક્ષો સાથે તેમની દુશમની નવી નથી. જ્યોર્જ ફર્નાન્ડિસને તેમણે જ જેડીયુના અધ્યક્ષ બનાવ્યા પરંતુ મુખ્યમંત્રી બન્યાના એક જ વર્ષ બાદ તેમનું પદ છીનવી લીધું હતું. એટલું જ નહીં, 2009ની લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ પણ કાપી નાંખી હતી. 

    જે બાદ નીતીશ કુમારે શરદ યાદવને જેડીયુનું અધ્યક્ષ પદ આપ્યું હતું. અમુક વર્ષો બાદ તેમને પણ બહારનો રસ્તો દેખાડીને પોતે જેડીયુ અધ્યક્ષ બની ગયા. તેમજ તેમનું નિવાસસ્થાન પણ લઇ લેવામાં આવ્યું. પછી આરસીપી સિંહની પણ એ જ હાલત થઇ. હાલના જેડીયુ અધ્યક્ષ લલન સિંહ ભલે તેમના વિશ્વાસપાત્ર હોય પરંતુ વચ્ચે બંને વચ્ચે દુશ્મની થઇ ગઈ હતી. 2009માં તેમણે લલન સિંહને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા. પછી બંને મિત્રો થઇ ગયા અને લલન સિંહને મંત્રી પદ મળ્યું. 

    જે નીતીશ કુમાર નરેન્દ્ર મોદીના હિંદુત્વથી પોતાને અલગ દેખાડવા માટે ભાજપ સાથેના સબંધો તોડી નાંખે છે તેઓ પછીથી હિંદુત્વના ફાયરબ્રાન્ડની છબી ધરાવતા યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારોહમાં સામેલ થાય છે. ક્યારેક લાલુ સાથે હોય છે, તો ક્યારેક વિરુદ્ધમાં. ક્યારેક જ્યોર્જ-આરસીપી-શરદ-લલનને અધ્યક્ષ બનાવે છે તો ક્યારેક દુશ્મની કરી નાંખે છે. ક્યારેક કેન્દ્રીય મંત્રીમંડળનો હિસ્સો બને છે તો ક્યારેક જીતનરામ માંઝીને સીએમ બનાવી દે છે અને પછી તેમની પાસેથી પદ લઇ પણ લે છે. 

    પ્રશાંત કિશોર પણ તેના સાક્ષી રહ્યા છે. ક્યારેક તેઓ તેમના સૌથી મોટા વિશ્વાસુ હતા અને જેડીયુની સદસ્યતા સાથે મંત્રીનો દરજ્જો પણ મળી ગયો હતો. પરંતુ પછી તેમને પણ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. બિહારમાં તો પ્રશાંત કિશોરના એક ઘરને પણ ગેરકાયદે બાંધકામ ગણાવીને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. નીતીશ કુમારે જેને પણ પોતાના વિશ્વાસુ બનાવ્યા છે, તેને બહારનો રસ્તો પણ દેખાડ્યો છે. હવે જોવાનું એ છે કે તેઓ શું નિર્ણય લેશે.