Thursday, November 14, 2024
More
    Home Blog Page 1031

    બોલીવુડનો પાકિસ્તાન અને આતંકવાદ પ્રેમ: નકલમાં અકલ ન વાપરનાર આમિર ખાનને દર્શકોએ બતાવી પોતાની અક્કલ, પાકિ. આતંકીને બચાવવું પડ્યું ભારે

    આમિર ખાન અને કરિના કપૂર ખાન દ્વારા અભિનીત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા મોટા પરદે રિલીઝ થઇ ચુકી છે. હોલિવુડની પ્રખ્યાત ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ ની આ હિન્દી નકલ છે. રિલીઝ થયા બાદ લોકોએ તથા ફિલ્મ ક્રિટીક્સે આ ફિલ્મની ભરપૂર નિંદા કરી છે તથા ફિલ્મને દર્શકોનો પણ એવો કોઈ સારો પ્રતિભાવ મળ્યો નથી.

    તો હાલ આ ફિલ્મના નિર્માતાઓ અને અભિનયકર્તાઓ ફિલ્મની આ હાલત કઈ રીતે થઇ તેના કારણોનું વિશ્લેષણ કરી રહ્યા હશે. અને હમેશની જેમ દોષનો ટોપલો દર્શકો પર ઠાલવવાની તૈયારીમાં હશે. પરંતુ જેમ આપણે આગળ પણ ચર્ચા કરી હતી એમ આ ફિલ્મ અને તેના જેવી બીજી અનેક ફિલ્મો નિષ્ફ્ળ જવાનું કરંમ દર્શકો નહિ પરંતુ તેમાં ચલાવાયેલો હિન્દૂવિરોધી અને રાષ્ટ્રવિરોધી એજન્ડા જ હોય છે, જેનાથી ભારતના દર્શકો હવે કંટાળી ચુક્યા છે.

    બોલીવુડનો પાકિસ્તાન પ્રેમ

    બોલીવુડમાં હમણાં સુધી એવી અઢળક ફિલ્મો બની છે જે ભારત પાકિસ્તાનના સંબંધ પર આધારિત હોય. તેમાંથી કેટલીય તો સુપર ડુપર હિટ પણ છે જેમ કે ગદર, બોર્ડર, થઈ ગાઝી અટેક વગેરે.

    પરંતુ બૉલીવુડ ઘણા સમયથી દરેક ફિલ્મોમાં પ્રો-પાકિસ્તાની, એટલે કે પાકિસ્તાનને સારું દર્શાવતી, એજન્ડા ઉમેરતું થયું છે. એ પણ ફિલ્મની કહાનીની જરૂરિયાત સિવાય!

    ઉદાહરણ તરીકે વાત કરીએ તો નજાકનાં ભવિષ્યમાં જ કપિલ દેવ અને 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર બનેલી ’83, માં ડાયરેક્ટર કબીર ખાને બિનજરૂરી રીતે એવું દર્શાવ્યું હતું કે 1983ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન ભારતીય સેનાના જવાનો આરામથી મેચ જોઈ શકે એ માટે પાકિસ્તાની સેનાએ અમુક કલાકો સુધી ગોળીબાર બંધ કરી દીધો હતો!

    તાજેતરની જ વાત કરીએ તો ફોરેસ્ટ ગમ્પ પરથી બનેલ લાલ સિંઘ ચઢ્ઢામાં પણ આવું જ કાંઈ બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં આમિર ખાન, જે પોતે ભારતીય સેનાનો જવાન હોય છે, તે કારગિલ યુદ્ધ દરમિયાન એક ઘાયલ પાકિસ્તાની આતંકવાદીનો જીવ બચાવે છે અને તેનું હૃદય પરિવર્તન કરે છે અને તેની સાથે સારા સંબંધ સ્થાપે છે.

    બોલીવુડની અન્ય અનેક ફિલ્મોની જેમ આતંકવાદીઓને પરિસ્થિતિઓના શિકાર દર્શાવવાનો ભરપૂર પ્રયાસ થયો છે. ફિલ્મ ભારતીય દર્શકોને એવું સમજાવવા માંગે છે કે ‘આતંકવાદીઓ ભલે ગમે તે કરે, પણ એ બિચારા સારા હોય છે. ભૂતકાળમાં એમની સાથે કોઈએ કાંઈક અત્યાચાર કર્યો હોય છે એટલે તેઓ આતંકવાદી બની ગયા હોય છે.’ આવી જ એક ફિલ્મ ‘ફના’ હતી અને તેનો મુખ્ય હીરો પણ આમિર ખાન જ હતો.

    ભારતીય સેનાનું અપમાન

    આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં તેમણે ભારતીય સેનાનું પણ ખોટું ચિત્રણ કરીને તેમનું અપમાન કર્યું છે. ફિલ્મની કહાની મુજબ લાલ સિંહ ચઢ્ઢા એક માનસિક અસ્વસ્થ, માનસિક વિકલાંગ વ્યક્તિ છે. છતાંય ફિલ્મમાં તેને ભારતીય સેનાના એક જવાન તરીકે બતાવ્યો છે અને કારગિલ યુદ્ધમાં ભાગ લેતો પણ દર્શાવ્યો છે.

    ભારતીય સેનાની વેબસાઇટનો સ્ક્રીનશોટ

    હવે ભારતીય સેનાની વાત કરીએ તો તેમની ભારતીયોની સૌથી મોટી શરત એ હોય છે કે ભારતીય સેનામાં એ જ વ્યક્તિ જોડાઈ શકે છે જે શારીરિક અને માનસિક બંને રીતે 100% સ્વસ્થ હોય. શારીરિક કે માનસિક રીતે થોડા પણ અસ્વસ્થ વ્યક્તિ ભારતીય સેનામાં જોડાઈ શકતા નથી.

    આમ પોતાની ફિલ્મમાં લાલ સિંહ ચઢ્ઢા કે જે એક માનસિક વિકલાંગ વ્યક્તિ છે તેને સેનાના જવાન તરીકે દર્શાવીને તેમણે ભારતીય સેનાનું અપમાન કર્યું છે.

    મૂળ ફોરેસ્ટ ગમ્પ ફિલ્મમાં હીરો પોતાના ઉપરી આર્મી અધિકારીનો જીવ બચાવે છે જયારે આ ફિલ્મમાં એમ દર્શાવાયું છે કે કારગિલ યુદ્ધ દરમિયાન જ લાલ સિંહ ચઢ્ઢા એક પાકિસ્તાની આતંકવાદીનો જીવ બચાવીને તેની સારવાર કરીને તેને સાજો કરે છે અને તેનો મિત્ર બને છે. આમ એક આર્મીના જવાનને પાકિસ્તાની આતંકવાદીનો મિત્ર બતાવવો એ પણ ભારતીય સેનાનું અપમાન જ ગણાય.

    આમ વારંવાર પોતાના દેશને, પોતાની આર્મીને અપમાનિત કરીને અને પાકિસ્તાન તથા તેની સેના અને આતંકવાદીઓને સારા બતાવવાની નીતિને કારણે જયારે તેમની ફિલ્મો ન ચાલે તો એના માટે દર્શકોને જવાબદાર ગણાવવા એ બીજું કાંઈ નહિ પણ આ ફિલ્મ નિર્માતાઓ અને અભિનેતાઓની મુર્ખામી જ છે.

    સલમાન રશ્દી પર હુમલો થયા બાદ કટ્ટરપંથીઓ ખુશ થયા, લેખિકા તસ્લીમા નસરીને દુઃખ વ્યક્ત કરતાં તેમને પણ મળવા માંડી ધમકીઓ

    ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કમાં હુમલો થયા બાદ આ ઘટના અને બાંગ્લાદેશનાં લેખિકા તસ્લીમા નસરીનનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તેમની વિરુદ્ધ પણ અગાઉ ફતવા જારી કરવામાં આવી ચૂક્યા છે અને તક મળે તો તેઓ મને પણ મારી નાંખશે. 

    ઇન્ડિયા ટૂડે સાથે વાતચીત કરતાં તસ્લીમાએ કહ્યું કે, “એવું નથી કે મારી વિરુદ્ધ ઘણા સમય પહેલાં ફતવો જારી કરવામાં આવ્યો હોય અને હવે તેઓ ભૂલી ગયા હોય. તેઓ ક્યારેય ભૂલતા નથી. જો કોઈ તક મળે તો તેઓ મને પણ મારી નાંખશે.”

    આ ઉપરાંત, તેમણે એક ટ્વિટ પણ કર્યું હતું. તસ્લીમા નસરીને કહ્યું કે, “સલમાન રશ્દી પર થયેલા હુમલાને આઘાતજનક ગણાવીને તેમણે કહ્યું હતું કે આવું થશે તેવું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. તેમણે કહ્યું કે, જો સલમાન રશ્દી પર હુમલો થઇ શકતો હોય તો ઇસ્લામની ટીકા કરનારા કોઈ પણ વ્યક્તિ પર હુમલો થઇ શકે છે. હું ચિંતિત છું.”

    જોકે, તસ્લીમા નસરીનના આ નિવેદન બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓ તરફથી તેમને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી. કોઈએ નસરીનને કહ્યું હતું કે તેમની હાલત પણ એવી જ થશે તો કોઈએ સલમાન રશ્દી પર થયેલા હુમલાને યોગ્ય ગણાવ્યો હતો. 

    બીબીસી ન્યૂઝ હિન્દીના ફેસબુક પેજ પર તસ્લીમા નસરીનનું આ નિવેદન શૅર કરવામાં આવ્યું હતું. જેના કૉમેન્ટ સેક્શનમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તસ્લીમાને ધમકીઓ આપી હતી. વઝીર ખાન નામના એક યુઝરે લખ્યું કે, તેમની હાલત પણ એક દિવસે સલમાન રશ્દી જેવી જ થશે.

    તસ્લીમા નસરીનના નિવેદન નીચેની કૉમેન્ટ

    રોબિન ખાન નામના એક યુઝરે કહ્યું કે, તેઓ દુઆ કરશે કે તેમની સાથે (તસ્લીમા નસરીન) પણ આવી જ ઘટના બને.

    તસ્લીમા નસરીનના નિવેદન નીચેની કૉમેન્ટ

    સમીમ આલમ નામના એક યુઝરે કહ્યું કે, જે ઇસ્લામની ટીકા કરશે તેની સાથે આવું જ કરવામાં આવશે.

    તસ્લીમા નસરીનના નિવેદન નીચેની કૉમેન્ટ

    અલી ખાને લખ્યું હતું કે, તેમણે ઇસ્લામમાં દખલ કરવા પહેલાં વિચાર કરવો જોઈતો હતો. સાથે એમ પણ કહ્યું કે, તસ્લીમા ક્યાં સુધી બચીને રહેશે.

    તસ્લીમા નસરીનના નિવેદન નીચેની કૉમેન્ટ

    એક યુઝરે કહ્યું કે, તસ્લીમા બચીને રહે અને કોઈ સુરક્ષા પણ કામ નહીં આવે.

    તસ્લીમા નસરીનના નિવેદન નીચેની કૉમેન્ટ

    અશફાક અલી વારસી નામનો યુઝર લખે છે કે, 1988માં મોતનો ફતવો જારી થયા બાદ 2022માં હુમલો કરવામાં આવ્યો. જે પછી તસ્લીમા નસરીનને સંબોધીને કહ્યું કે, તેમણે યાદ રાખવું જોઈએ કે ‘પાપ’ની સજા જરૂર મળે છે.

    તસ્લીમા નસરીનના નિવેદન નીચેની કૉમેન્ટ

    એટલું જ નહીં, અમુક કટ્ટરપંથીઓએ સલમાન રશ્દી પર થયેલા હુમલાની પણ મજાક ઉડાવી હતી તો ખુશી વ્યક્ત કરી હતી. શેખ મોહમ્મદ નામના એક યુઝરે કટાક્ષ કરીને લખ્યું હતું કે, ગન કલ્ચરના માહોલમાં ચાકુનો ઉપયોગ કરવો નહતો જોઈતો.

    એક યુઝરે કહ્યું કે, તેઓ સલમાન રશ્દી પર થયેલ હુમલાની નિંદા કરે છે પરંતુ સાથે આશા વ્યક્ત કરી હતી કે આવી ‘નિંદા’ કરવાના અવસર મળતા રહેશે. જેની ઉપર કેટલાકે ‘હાહા’ પણ રિએક્ટ કર્યું હતું.

    મોહમ્મદ વસીમ શેખ નામના એક યુઝરે ‘ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા’નો નારો કૉમેન્ટ બોક્સમાં પોસ્ટ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કના પશ્ચિમ ભાગમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો. રશ્દી ભાષણ આપવા માટે જતા હતા ત્યારે હુમલાખોર કૂદીને સ્ટેજ પર ચડી ગયો હતો અને પાછળથી રશ્દી પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. થોડી જ સેકન્ડોમાં તેણે અનેક વખત ચાકુના ઘા કર્યા હતા અને સલમાનને ગળાના ભાગે અને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેઓ ઢળી પડ્યા હતા. 

    સલમાન રશ્દીને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ વેન્ટીલેટર પર છે અને સર્જરી કરવાની તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર,  જીવિત બચે તોપણ તેઓ એક આંખ ગુમાવી શકે છે. 

    સલમાન રશ્દી પર હુમલો કરનારની ઓળખ હાદી મતાર તરીકે થઇ છે. 24 વર્ષીય યુવક ન્યૂજર્સીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હુમલા બાદ સ્ટેજ પર જ તેને દબોચી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે તેને હિરાસતમાં લીધો છે અને એ જાણવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે તેણે કયા  ઉદ્દેશ્યથી આ હુમલો કર્યો હતો. 

    સલમાન રશ્દી વિરુદ્ધ વર્ષ 1988માં તેમના પુસ્તક ‘ધ સેટેનિક વર્સીઝ’ને લઈને ફતવો જારી કરવામાં આવ્યો હતો. જેના 30 વર્ષ બાદ તેમની ઉપર હુમલાની ઘટના બની છે. 

    દેશ ફરકાવી રહ્યો છે તિરંગા, ત્યારે યુપીના એક ઘર પર ફરકાવાયો પાકિસ્તાનનો ઝંડો: સ્થાનિકોમાં આક્રોશ, આરોપી સલમાનની ધરપકડ

    એક તરફ દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ લોકો પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લગાવીને 75મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યાં બીજી તરફ યુપીના કુશીનગરમાં એક મુસ્લિમ યુવકે ઘર પર પાકિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો. જેના ફોટા-વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકોએ પોલીસને પણ જાણ કરી હતી. 

    ઉત્તર પ્રદેશના કુશીનગરના તરયાસુજાણ પોલીસ મથકના બેન્દુપર મુસ્તકિલ ગામમાં એક સલમાન નામના યુવકે ઘર પર અગાસીએ પાકિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો. જેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાઈટલ થઇ ગયા હતા. રિપોર્ટ અનુસાર, લોકોએ તેને આમ કરવાની ના પાડી હતી પરંતુ તેમ છતાં સલમાન ન માન્યો અને ઘરે પાકિસ્તાનનો ઝંડો લગાવી દીધો હતો. 

    આ બાબતની જાણ સ્થાનિક લોકોને થતાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે તાત્કાલિક આ બાબતની જાણ સ્થાનિક પોલીસ અધિકારીઓને કરી હતી. જે બાદ પોલીસ અધિકારીઓએ સલમાનના ઘરે પહોંચીને ઝંડો ઉતારી લેવડાવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. 

    આ મામલે સ્થાનિક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, એક ઘરે પાકિસ્તાનનો ઝંડો લગાવવાનું સામે આવ્યા બાદ તાત્કાલિક યુવકના ઘરે પહોંચીને પાકિસ્તાનનો ઝંડો ઉતારીને તેની સામે કેસ દાખલ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે યુવકની ધરપકડ પણ કરી લીધી છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ દોષી હશે તેને છોડવામાં આવશે નહીં. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નવસારીમાંથી પણ આવો જ એક કેસ સામે આવ્યો હતો. જ્યાં મહોરમના દિવસે એક મુસ્લિમ સગીરે પોતાના ઇન્સ્ટાગ્રામ ડીપીમાં પાકિસ્તાનનો ઝંડો લગાવી દીધો હતો. જેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સગીર અને તેના પિતાને કચેરીએ બોલાવ્યા હતા. જ્યાં તેના પિતાએ તેમના પુત્રથી ભૂલથી ઝંડો મૂકાઈ ગયો હોવાનું કહીને માફીનામું લખી આપ્યું હતું. જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. 

    દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોઈ દેશ ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે. આગામી 15 તારીખે દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પ્રસંગે દેશના નાગરિકોને પણ ઉજવણીમાં સહભાગી થવાનું આહવાન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પોતાના સોશિયલ મીડિયા ડીપીમાં ભારતીય રાષ્ટ્રધ્વજ મૂકવાની તેમજ દરેક ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી. 

    પીએમની અપીલ બાદ લોકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને ઘરે-ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યા છે. તેમજ લોકો સોશિયલ મીડિયા પર પણ ડીપી બદલીને ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. જોકે, વચ્ચે આવા અસામાજિક તત્વો દ્વારા આવા કૃત્યો પણ થવાના બનાવ બન્યા છે. 

    નૂપુર શર્માની હત્યા કરવા માંગતો હતો જૈશનો આતંકવાદી નદીમ, યુપીના સહારનપુરથી ધરપકડ: અગાઉ થઇ ચૂકી છે નૂપુરના સમર્થકોની હત્યા 

    ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડે શુક્રવારે સહારનપુરમાંથી એક સંદિગ્ધ આતંકવાદીને પકડી લીધો હતો. આ આતંકવાદી ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તે આતંકવાદી સંગઠન સાથે પણ સંપર્કમાં હતો. 

    યુપી એટીએસે રાજ્યના સહારનપુરના ગંગોહ પોલીસ મથક વિસ્તારના કુંડા કાલા ગામના મોહમ્મદ નદીમની ધરપકડ કરી લીધી હતી. પોલીસને તેના મોબાઈલમાંથી કેટલાક વોઇસ મેસેજ અને ચેટ્સ મળી આવ્યા છે, જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસને તેની પાસેથી બે સિમ કાર્ડ અને જુદા-જુદા પ્રકારના બૉમ્બ બનાવવા માટેનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. 

    એટીએસે જણાવ્યું કે, એજન્સીઓને જાણકારી મળી હતી કે મોહમ્મદ નદીમ જૈશ-એ-મોહમ્મદ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનની વિચારધારાથી પ્રભાવિત થઈને ફિદાયીન હુમલાની તૈયારી કરી રહ્યો છે. જે બાદ એજન્સી અને પોલીસે દરોડા પાડીને તેને પકડી પાડ્યો હતો. આતંકવાદીના ફોનની તપાસ કરતાં એક ડોક્યુમેન્ટ મળી આવ્યું હતું તેમજ મોબાઈલથી આતંકી સંગઠનોના આતંકવાદીઓ સાથે થયેલ ચેટ પણ મળી આવી હતી.

    મોહમ્મદ નદીમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદીઓ સાથે ફેસબુક મેસેન્જર, ક્લબ હાઉસ, વોટ્સએપ, ટેલિગ્રામ વગેરે સોશિયલ મીડિયા એપ્લિકેશન પરથી સંપર્કમાં રહેતો હતો. 

    તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાનના આતંકવાદી સૈફુલ્લાહે મોહમ્મદ નદીમને સોશિયલ મીડિયા થકી ફિદાયીન હુમલા માટેનું ટ્રેનિંગ મટિરિયલ પૂરું પાડ્યું હતું. જેની મદદથી નદીમ તમામ જરૂરી ચીજવસ્તુઓ ભેગી કરી રહ્યો હતો અને કોઈ સરકારી ઇમારત કે પોલીસ પરિસરમાં ફિદાયીન હુમલાની તૈયારી કરી રહ્યો હતો. 

    પકડાયેલા આતંકવાદીએ પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તે વર્ષ 2018થી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હતો અને સંગઠને તેને પાકિસ્તાન અને સીરિયામાં ‘સ્પેશિયલ ટ્રેનિંગ’ માટે પણ બોલાવ્યો હતો. તે માટે તે વીઝા લઈને પાકિસ્તાન જવાની પણ તૈયારી કરી રહ્યો હતો. તેમજ તેણે પૂછપરછમાં જણાવ્યું કે તે ઇજિપ્ત થઈને અફઘાનિસ્તાન અને સીરિયા જવાનું પણ પ્લાનિંગ કરી રહ્યો હતો. 

    આતંકવાદીને આતંકી સંગઠન તરફથી ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની હત્યા કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને આ માટે તે હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. નોંધવું જોઈએ કે એક ટીવી ડિબેટમાં હિંદુ આરાધ્યો વિશે થઇ રહેલી મજાક અને અભદ્ર ટિપ્પણીઓ પર ચર્ચા દરમિયાન જવાબમાં નૂપુર શર્માએ ઇસ્લામિક પયગંબર મોહમ્મદ વિશે કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી, જે બાદ તેઓ સતત કટ્ટર  ઇસ્લામીઓના નિશાને રહ્યાં છે. 

    નદીમે તેના કેટલાક ભારતીય સંપર્કોની જાણકારી પણ યુપી એટીએસને આપી છે, જે મામલે હાલ તપાસ ચાલી રહી છે. બીજી તરફ તેની સામે UAPA એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ નૂપુર શર્માનું સમર્થન કરનારાની હત્યા થયાના, તેમની ઉપર જીવલેણ હુમલા થયાના અને ધમકી મળ્યાના અનેક બનાવો બની ચૂક્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં જૂનમાં એક હિંદુ ટેલરની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની પણ હત્યા થઇ હતી. આ ઉપરાંત, દેશભરમાંથી અનેક લોકોને સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ ધમકીઓ મળી ચૂકી છે.

    લેખક સલમાન રશ્દી પર જુમ્માના દિવસે ચાકુથી હુમલો: હાલત ગંભીર, હુમલો કરનાર પકડાયો: 30 વર્ષ પહેલાં જારી થયો હતો ફતવો

    લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો. પશ્ચિમી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં તેઓ ભાષણ આપવા માટે જતા હતા ત્યારે પાછળથી તેમના ગળામાં ચાકુ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. જે બાદ તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 

    રિપોર્ટ અનુસાર, સલમાન રશ્દી હાલ વેન્ટીલેટર ઉપર છે અને તેમની સર્જરી કરવાની તૈયારી ચાલી રહી છે. જે બાદ તેઓ એક આંખ ગુમાવી શકે છે. હુમલાથી તેમના લીવરને પણ નુકસાન થયું છે. તેઓ હાલ બોલી શકે તેમ નથી તેમ પણ જાણવા મળ્યું છે. 

    બીજી તરફ, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ હાદી મતાર તરીકે થઇ છે. તે ન્યૂજર્સીનો રહેવાસી હોવાનું કહેવાય છે. જોકે, હાલ તેની વિરુદ્ધ કોઈ કલમ લગાવવામાં આવી નથી. સલમાન રશ્દીની સ્થિતિને આધારે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તે હિરાસતમાં છે. પોલીસને આશંકા છે કે તેણે એકલાએ જ આ હત્યાને અંજામ આપ્યો છે, પરંતુ હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. 

    રિપોર્ટ અનુસાર, હુમલાખોર લગભગ 20 મિનિટ સુધી સલમાન રશ્દીને ચાકુ મારતો રહ્યો હતો. તેણે 10 થી 15 વખત ચાકુ માર્યું હતું. તે કૂદીને સ્ટેજ પર ચડી ગયો હતો અને ગળાના ભાગે અને પેટના ભાગે ચાકુ મારી દીધું હતું. 

    દર્શકોમાંથી એક મહિલાએ જણાવ્યું કે, તેણે કાળા રંગના કપડાં પહેર્યાં હતાં અને માસ્ક પણ પહેરી રાખ્યું હતું. પહેલાં અમે વિચાર્યું કે આ શું થઇ રહ્યું છે, પરંતુ થોડી સેકન્ડ પછી બધું સ્પષ્ટ થઇ ગયું. ત્યાં હાજર લોકોએ હુમલો કરનારને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. 

    સલમાન રશ્દી તેમના પુસ્તક ‘ધ સૈટેનિક વર્સીઝ’ માટે વધુ જાણીતા બન્યા હતા. જોકે, તેમના આ પુસ્તકને લઈને તેમની ઉપર ફતવો પણ જારી કરવામાં આવ્યો હતો. 1988માં ઈરાન સહિત ઘણા દેશોમાં આ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. કારણ કે પુસ્તકમાંની કેટલીક સામગ્રીને મુસ્લિમો ‘ઇશનિંદા’ માનતા હતા. જેના એક વર્ષ બાદ ઇરાનના આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખુમૈનીએ રશ્દી વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો અને રશ્દીને મારનારને 30 લાખ ડોલર આપવાની ઘોષણા કરી હતી. જોકે, ઈરાને ત્યારબાદ આ ફતવાથી પોતાની અલગ કરી લીધું હતું, પરંતુ રશ્દી વિરોધી ભાવના યથાવત રહી. 

    જોકે, ત્યારે સલમાન રશ્દીએ આ ધમકીઓને અવગણીને કહ્યું હતું કે, લોકોને તેમને મારીને ઇનામ લેવામાં શું રસ હશે? તેમણે આ વિશે એક સંસ્મરણ પણ લખીને પ્રકાશિત કર્યું હતું. 

    ગુજરાતના મહંતને ‘સર તનસે જુદા’ની ધમકી: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના બહિષ્કારની અપીલ પર સલીમ અલીએ આપી ધમકી

    ગુજરાતના મહંતને સર-તનસે-જુદાની ધમકી આપવામાં આવી છે, ગુજરાતના સંત અને હિન્દુ યુવા વાહિનીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ યોગી દેવનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર હેન્ડલનું નામ સલીમ અલી છે જે પોતાને SRK (શાહરુખ ખાન)નો પ્રશંસક કહે છે. સલીમ અલીએ પ્રોફાઈલ પિક્ચરમાં શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યન ખાનનો ફોટો પણ મૂક્યો છે. ગુજરાતના મહંતને સર-તનસે-જુદાની ધમકી 11 ઓગસ્ટ 2022 (ગુરુવાર)ના રોજ આપવામાં આવી છે. યોગી દેવનાથે આ અંગે ગુજરાત પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

    યોગી દેવનાથ દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેના એક હાથમાં પ્રતીકાત્મક રીતે યોગી દેવનાથના કપાયેલા માથાનો ફોટો છે. અને એ જ વ્યક્તિના બીજા હાથમાં બંદૂક છે. યોગી દેવનાથના ટ્વીટના જવાબમાં આ ધમકી મળી છે. સલીમ અલી (@saleem8268) નામના આ ટ્વિટર હેન્ડલ પર આ ફોટો શેર કરતી વખતે એક હસતું ઇમોજી પણ મુકવામાં આવ્યું છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધમકી આપનાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો વિરોધ કરવા પર યોગી દેવનાથથી નારાજ હતો. હેન્ડલ સલીમ અલી તરફથી મળેલી ધમકીનો સ્ક્રીનશોટ શેર કરતા યોગી દેવનાથે લખ્યું છે કે, “સર તનસે જુદા” વાળી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ગુજરાત પોલીસે આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ. યોગી દેવનાથે પોતાના ટ્વિટમાં આરોપીતની લિંક પણ શેર કરી છે. હાલ મુદ્દાને વાયરલ થતો જોઈને, આરોપીએ તેનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે અને ટ્વિટર હેન્ડલ બંધ કરી દીધું છે.

    સલીમ અલીનું ટ્વીટર હેન્ડલ (સાભાર Opindia Hindi)

    નોંધનીય છે કે આરોપી સલીમ પોતાને શાહરૂખ ખાનનો મોટો ફેન ગણાવે છે. પ્રોફાઇલ ફોટો સિવાય તેણે કવર ફોટોમાં શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનું પોસ્ટર પણ મૂક્યું છે. સલીમના મતે, શાહરૂખ ખાન તેના માટે માત્ર એક બોલીવુડ સ્ટાર નથી પરંતુ તેની દુનિયા છે. હાલમાં સાધ્વી પ્રાચી સહિત અન્ય ઘણા યુઝર્સ પણ સલીમનો સ્ક્રીનશોટ શેર કરીને તેની ધરપકડ અને યોગી દેવનાથને સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

    આમીરની “લાલ સિંઘ ચઢ્ઢા” પર બહિષ્કારની માઠી અસર

    સોશિયલ મીડિયા પર થતા બહિષ્કાર વચ્ચે આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા ગઈકાલે દેશભરના થીયેટરોમાં રિલીઝ થઇ હતી. રક્ષાબંધનની રજાનો દિવસ હોવા છતાં લાલ સિંઘ ચઢ્ઢાને દર્શકોનો પ્રતિસાદ મળ્યો નથી અને પહેલા દિવસે 10 થી 11 કરોડની કમાણી થઇ હોવાનું કહેવાય છે. તો ક્યાંક દર્શકો ન હોવાના કારણે શૉ ઓછા કરવામાં આવ્યા હોવાના અને રદ કરવામાં આવ્યા હતા. આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાનો શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર બહિષ્કાર થઇ રહ્યો હતો. જે બાદ ગઈકાલે રક્ષાબંધનના દિવસે રિલીઝ થઇ હોવા છતાં લોકો જોવા પહોંચ્યા ન હતા. આગળ પણ રજાના દિવસો આવી રહ્યા છે, પરંતુ જે રીતે ફિલ્મની શરૂઆત જ અત્યંત નબળી થઇ છે તેને જોતાં લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં કલેક્શન વધુ નીચે જશે.

    હવે ફિલ્મના બહિષ્કાર પર પણ “સર તનસે જુદા”

    નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુસ્તાખ-એ-નબીના નારા સાથે દેશના વિવિધ ભાગોમાં ઘણા લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે . આ સાથે 28 જૂન 2022ના રોજ ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના વ્યક્તિની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હાલમાં ફિલ્મનો બહિષ્કાર કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકીનો આ પહેલો કિસ્સો છે.

    છત્તીસગઢમાં ગૌવંશ સાથે ક્રુરતા: મોઢા પર કોથળો અને ચારેય પગ બાંધી ગાયને મારીને નદીમાં ફેંકી: વિડીયો વાયરલ થતાં ફરિયાદ દાખલ

    છત્તીસગઢમાં ગૌવંશ સાથે ક્રુરતા દાખવતો અમાનવીય કિસ્સો સામે આવ્યો છે, છત્તીસગઢના જાંજગીર-ચંપામાં કેટલાક લોકો દ્વારા ગાય સાથે અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ગાયના મોં પર બોરી બાંધીને તેને ક્રૂર રીતે મારવામાં આવે છે. બાદમાં તે ગાયને ચારેય પગ બાંધીને અધમરી હાલતમાં નદીમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો આરોપીઓએ જાતે બનાવ્યો હતો, તમામ લોકોના વિરુદ્ધ મંદિર હસૌદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના ગુરુવાર (11 ઓગસ્ટ 2022) સવારની જણાવવામાં આવી રહી છે.

    વાયરલ વીડિયોમાં નદીમાં ફેંકવામાં આવેલી ગાય થોડીવાર માટે તરવાનો પ્રયાસ કરે છે પરંતુ પાછળથી તેના પગ બંધાયેલા હોવાથી તે ડૂબી જાય છે. વીડિયોમાં લગભગ 10 આરોપીઓ ઘટનાસ્થળે દેખાય છે. તેમના હાથમાં લાકડીઓ પણ દેખાઈ રહી છે. આ ઘટના એક રોડ પર બનેલા પુલની છે જ્યાંથી લોકો આવી-જઈ રહ્યા છે.

    અહેવાલો મુજબ આ વીડિયો વાયરલ થયા પછી , ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, “ગુનાહિત તત્વોએ લાલમતી ગામમાંથી વહેતી સોન નદીમાં ગાયને બોરીઓ વડે દોરડું અને મોં બાંધીને ચાર પગ જીવતી ફેંકી દીધી હતી. આ ઘટનામાં રાહુલ ખુંટે, કમલકિશર ખુંટે, કિરણ જટવાર અને કુલદીપ વગેરે મુખ્યત્વે સંડોવાયેલા છે. આરોપીઓએ લોકોમાં ભય ફેલાવવા માટે તેનો વીડિયો પણ બનાવ્યો હતો.”

    FIR સાભાર Opindia Hindi

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફરિયાદમાં પોલીસ પાસે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ફરિયાદ પર હસૌદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે કિરણ જટવાર, કમલ કિશોર અને રાહુલ કુટ્ટે વિરુદ્ધ IPCની કલમ 429, છત્તીસગઢ એનિમલ પ્રોટેક્શન એક્ટ 2044ની કલમ 4/10/11 અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમની કલમ 11 હેઠળ FIR નોંધી છે.

    BJYMના કાર્યકરોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી કિરણ જટવાર અને રાહુલ ખુટેની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, ફરાર આરોપી કમલ કિશોર ઘુટેની શોધ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર વીડિયોમાં દેખાતા અન્ય આરોપીઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ગાયોનો પાક ખાઈ જવાના ગુસ્સામાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

    સોહા અલીની રક્ષાબંધનની તસવીર પર કટ્ટરપંથીઓ ગુસ્સે થયા, કહ્યું- ‘મુસ્લિમ છે કે હિંદુ, મોહરમ પર એક પણ પોસ્ટ નહીં’

    સોહા અલીની રક્ષાબંધનની તસવીર સામે આવી છે, રક્ષાબંધનનો તહેવાર ઘણા સ્ટાર્સ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પછી તે પટૌડી પરિવારના નાના નવાબ સૈફ અલી ખાન હોય કે જેહ અને તૈમૂર. આ પ્રેમના તાંતણે બંધાયેલા ભાઈ-બહેનના આ શુભ દિવસે ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જેમાં સોહા અલીની રક્ષાબંધનની તસવીર પણ શામેલ છે.

    સોહા અલી ખાને રક્ષાબંધનની ઘણી બધી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. જેમાં સોહા સૈફ અલી ખાનને રાખડી બાંધતી જોવા મળી હતી જ્યારે ઇનાયા તૈમુર અને જેહને રાખડી બાંધતી જોવા મળી હતી. ફોટામાં, સૈફ તેની બહેન ઇનાયા દ્વારા જેહને ચાંલ્લો કરાવી અપાવતો જોવા મળે છે. તમામ બાળકો અને સૈફે પરંપરાગત કુર્તા પાયજામા પહેર્યા છે. આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- “હેપ્પી રક્ષાબંધન બોય્સ્ઝ અને ગર્લ્સ.”

    જો કે, કેટલાક કટ્ટરપંથીઓને સોહાના રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવાનું પસંદ નહોતું આવ્યું, અને આ માટે તેનેમાટે અપ્શાબ્દોનો પ્રયોગ કર્યો હતો. કેટલાકે તો એમ પણ કહ્યું છે કે તેઓ મુસ્લિમજ નથી.

    એક યુઝરે લખ્યું, “તમારી પાસે મોહર્રમ પર કરવા માટે કોઈ પોસ્ટ નથી. ત્યાંરે કોઈ સ્ટોરી નહોતી મૂકી.” તો બીજાએ લખ્યું, “તમે હિન્દુ છો કે મુસ્લિમ?”

    મમીર ખાનના એક યુઝરે લખ્યું કે, “કોઈ પણ નામથી મુસ્લિમ નથી બનતું.”

    આ સિવાય જ્યારે એક યુઝરે એમ કહીને ખુશી વ્યક્ત કરી કે તમે ભારતીય પરંપરાનું પાલન કરી રહ્યા છો તે જોઈને સારું લાગે છે, તો બીજા યુઝરે ગુસ્સામાં કહ્યું કે, આ હિન્દુ પરંપરા છે, ભારતીય પરંપરા નથી મૂર્ખ. હંમેશા હિંદુ પરંપરાને ભારતીય પરંપરા કહીને ચુ*પો ફેલાવશો નહીં.

    આ તસવીર પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું, “તમે લોકો શું છો? ન તો મુસ્લિમ કે ન હિંદુ, તમે લોકો છો શું?” જ્યારે એકે લખ્યું, હું વિચારી રહ્યો છું કે આ લોકો મુસ્લિમ છે કે હિંદુ બની ગયા છે.

    નોંધનીય છે કે આ પહેલા પણ મુસ્લિમ સેલિબ્રિટીઓ હિંદુ તહેવારોની ઉજવણી માટે કટ્ટરવાદીઓ દ્વારા શિકાર બની ચૂકી છે. ગયા વર્ષે ફરહાન અખ્તરે દિવાળી પૂજામાં ભાગ લેતા પરિવાર સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. જે બાદ ઈસ્લામિક કટ્ટરપંથીઓએ અપશબ્દોનો વરસાદ કર્યો હતો.

    તે જ સમયે, આ પહેલા શાહરૂખ ખાને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી હતી અને પોતાના કપાળ પર તિલક લગાવ્યું હતું. આ જોઈને ઈસ્લામિક કટ્ટરપંથીઓ ગુસ્સે થઈ ગયા. શાહરૂખની ટીકા અને ગણપતિ પ્રત્યેનો પ્રેમ પચાવી ન શક્યા અને શાહરુખને એક ચોક્કસ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનો અર્થ સમજાવવાનું શરૂ કર્યું. કામરામ નામના યુઝરે લખ્યું હતું કે, “મને લાગે છે કે તમે લા ઇલાહા ઇલ ઇલ્લાહનો અર્થ ભૂલી ગયા છો”. ભગવાન એક જ છે, ‘અલ્લાહ’. દુનિયાનો પ્રેમ મેળવવા તમે શું બન્યા છો. શું તમે તમારા જીવન વિશે વિચારતા નથી?”

    બીજી તરફ, સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન હિંદુ મંદિરમાં જવા બદલ ટ્રોલ થઈ હતી. કટ્ટરવાદીઓએ તેને ફરીથી મુસ્લિમ હોવાનો અર્થ કહેવાનું શરૂ કર્યું અને કયામતથી ડરવાની સલાહ આપવા લાગ્યા હતા. કટ્ટરપંથીઓએ હિંદુ ધર્મ પ્રત્યે ધિક્કાર દર્શાવવા માટે સારાનો ગાળો આપવાનું શરુ કર્યું. એક મુસ્લિમ યુઝરે તેને લખ્યું કે, ‘તમને મુસ્લિમ હોવા પર શરમ આવવી જોઈએ. શિર્ક કરી રહી છે? આખીરતમાં અલ્લાહનો સામનો કેવી રીતે કરીશ?

    મિશનરી સ્કૂલના શિક્ષકોએ બાળકોની રાખડી છોડીને કચરાપેટીમાં ફેંકી દીધી, વાલીઓ-હિંદુ સંગઠનોનો ઉગ્ર વિરોધ: કર્ણાટકની ઘટના, શાળાએ માફી માંગી 

    કર્ણાટકના મેંગ્લોર સ્થિત એક શાળામાં વિદ્યાર્થીઓની રાખડી છોડાવીને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યા બાદ વિવાદ સર્જાયો છે. વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળાએ જઈને વિરોધ કર્યો હતો. આ શાળાનું નામ ઇન્ફેન્ટ મેરીઝ ઇંગ્લિશ મીડીયમ સ્કુલ હોવાનું જાણવા મળ્યું છે. 

    ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર ગયો હોવાના કારણે આજે વિદ્યાર્થીઓ શાળાએ રાખડી બાંધીને ગયા હતા. જોકે, રિપોર્ટ અનુસાર, શાળાના કેટલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે આ રાખડી છોડાવીને કચરાપેટીમાં ફેંકી દીધી હતી

    આ બાબતની જાણ વાલીઓને થતાં જ વાલીઓ અને ભાજપ કાર્યકરો તેમજ હિંદુ સંગઠનો શાળાએ પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ શાળા સંચાલકોની માફીની માંગ કરી હતી. 

    જોકે, વિરોધ બાદ શાળા સંચાલકોએ ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે, શિક્ષકો રાખડીને ફ્રેન્ડશિપ બેન્ડ સમજી ગયા હતા! રિપોર્ટ અનુસાર, શાળા તરફથી કહેવામાં આવ્યું કે, શાળામાં રાખડી પર પ્રતિબંધ જેવો કોઈ નિયમ નથી પરંતુ કેટલાક શિક્ષકો રાખડીને ફ્રેન્ડશિપ બેન્ડ સમજી ગયા હતા.

    વિવાદ બાદ શાળાના આચાર્યે બેઠક કરી આ પ્રકારની ભૂલ ફરી ન થાય તેની બાહેંધરી આપી હતી અને કહ્યું હતું કે બાળકો શાળામાં રાખડી બાંધીને આવી શકશે. શાળાના કન્વીનર ફાધર સંતોષ લોબોએ જણાવ્યું હતું કે, “અમે તમામ સ્ટાફની એક મિટિંગ આયોજિત કરી હતી અને જેમાં જેમણે ભૂલ કરી હતી તેમણે માફી માંગી લીધી છે. સમાધાન થઇ ગયું છે.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ક્રિશ્ચ્યન શાળાઓમાં હિંદુ બાળકોને તેમની પરંપરાઓ અનુસરવા બદલ અપમાનિત કરવામાં આવ્યાં હોવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ બનતા રહ્યા છે.

    આ વર્ષે માર્ચ મહિનામાં વાપીની એક શાળા આવા જ વિવાદમાં આવી હતી. વાપી ચાણોદની સેન્ટ મેરી સ્કૂલમાં બે બાળકોને એકબીજા સાથે ‘જય શ્રીરામ’ સંબોધન કરવા બદલ માફીપત્ર લખાવ્યું હતું. જોકે, આ મામલો વાલીઓની જાણમાં આવતાં વાલીઓએ હિંદુ સંગઠનો સાથે મળીને વિરોધ કર્યો હતો, જે બાદ શાળાએ માફી માંગી લેવી પડી હતી. 

    આ ઉપરાંત, વર્ષ 2018માં ભરૂચની એક કોન્વેન્ટ સ્કુલમાં ગૌરી વ્રત કરતી વિદ્યાર્થીનીઓ શાળાએ હાથમાં મહેંદી લગાવીને જતાં તેમને સજા કરવામાં આવી હતી. શાળાના આચાર્યે 40 વિદ્યાર્થીનીઓને લગભગ 4 કલાક સુધી વર્ગખંડની બહાર ઉભી રાખી મૂકી હતી. મામલો સામે આવતાં વાલીઓ, ભાજપ કાર્યકરો, હિંદુ સંગઠનોના કાર્યકરો શાળાએ પહોંચ્યા હતા અને વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ શાળા સંચાલકોએ માફી માંગી લેવી પડી હતી. 

    વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી જ લોકોની પહેલી પસંદ, માત્ર 9 ટકા લોકોએ રાહુલ ગાંધી પર પસંદગી ઉતારી: આજે ચૂંટણી થાય તો ફરી બનશે એનડીએ સરકાર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં 8 વર્ષથી સત્તા પર છે, પરંતુ હજુ પણ વડાપ્રધાન પદે તેઓ દેશના લોકોની પહેલી પસંદ છે. આજે પણ 53 ટકા લોકો ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી જ 2024માં ફરીથી વડાપ્રધાન બને. આ બાબત એક સરવેમાં સામે આવી છે. તેમજ સરવેમાં એ પણ જાણવા મળ્યું છે કે જો આજે લોકસભા ચૂંટણી થાય તો ભાજપના નેતૃત્વમાં એનડીએની જ સરકાર બનશે. 

    ઇન્ડિયા ટૂડે અને સી વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા ‘મૂડ ઑફ ધ નેશન’ સરવેમાં આ વિગતો સામે આવી છે. જેમાં 53 ટકા લોકોએ કહ્યું છે કે તેઓ દેશમાં આગામી વડાપ્રધાન તરીકે પણ નરેન્દ્ર મોદીને જ જોવા માંગે છે. જ્યારે રાહુલ ગાંધી પર 9 ટકા લોકોએ પસંદગી ઉતારી છે. 7 ટકા લોકો એવા છે જેઓ ઈચ્છે છે કે અરવિંદ કેજરીવાલ પીએમ બને. 

    સરવે અનુસાર, જો આજે લોકસભા ચૂંટણી યોજવામાં આવે તો ભાજપના નેતૃત્વમાં એનડીએને કુલ 543માંથી 307 બેઠકો મળે, જ્યારે યુપીએને 125 બેઠકો મળે. તેમજ અન્ય પાર્ટીઓને બાકીની 111 બેઠકો મળે. જોકે, બિહારમાં નીતીશ કુમારે પલટી મારીને ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાંખ્યા બાદ ત્યાં એનડીએને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંજોગોમાં ભાજપને 21 બેઠકોનું નુકસાન થઇ શકે તેમ જણાવવામાં આવ્યું છે. 

    આ ઉપરાંત, વિપક્ષ તરીકે કોંગ્રેસના પ્રદર્શનને લઈને 40 ટકા લોકોએ કહ્યું છે કે, પાર્ટી વિપક્ષની ભૂમિકામાં સારું પ્રદર્શન કરી રહી છે, જ્યારે 34 ટકા લોકોનું માનવું છે કે કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફ્ળ ગઈ છે અને પ્રદર્શન નબળું રહ્યું છે. 

    સરવેમાં સામે આવ્યું છે કે, 23 ટકા લોકો માને છે કે કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે રાહુલ ગાંધી જ શ્રેષ્ઠ છે. જ્યારે 16 ટકાએ આ માટે મનમોહન સિંઘ પર પસંદગી ઉતારી છે તો 14 ટકા લોકો આ માટે સચિન પાયલટને યોગ્ય નેતા માને છે. 9 ટકા લોકો એવા પણ છે જેઓ માને છે કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસને ફરી બેઠી કરી શકશે. 

    આ સરવે ઇન્ડિયા ટૂડે અને સી-વોટર દ્વારા સાથે મળીને ફેબ્રુઆરી 2022 થી ઓગસ્ટ 2022 દરમિયાન કરવામાં આવ્યો હતો. જેમાં દેશની જનતાનો મૂડ જાણવા માટે 1,22,016 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. 

    પીએમ મોદી 21 વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને છેલ્લાં 8 વર્ષથી વડાપ્રધાન છે. જોકે, 2019માં લોકોએ ફરીથી જંગી બહુમતીએ વિજયી બનાવ્યા બાદ હજુ પણ બહુમતી લોકો ઈચ્છે છે કે 2024માં પણ તેઓ જ દેશનું નેતૃત્વ કરે. એટલું જ નહીં, પરંતુ એનડીએની સરકારને પણ લોકોએ સમર્થન આપ્યું છે.