હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નેપાળ અને ભારતની સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો-મદ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે તમને જણાવી રહ્યા છીએ. આ કડીનો પહેલો રિપોર્ટ:
દાંગ નેપાળનો એક જિલ્લો છે. લુમ્બિની પ્રદેશનો હિસ્સો છે. ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લાની જરવા સરહદથી અમે દાંગમાં પ્રવેશ કર્યો. ગાડીમાં સરહદ પાર કરવાની પરવાનગી ન હતી. લગભગ દોઢ કિલોમીટર પગપાળા ચાલીને અમે દાંગની સરહદમાં પહોંચ્યા.
આ દરમિયાન અમારે સશસ્ત્ર સીમા બળ અને નેપાળ પોલીસની સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડ્યું. આ સરહદ ઘનઘોર જંગલમાંથી પસાર થાય છે. અમારો પહેલો પડાવ દાંગ જિલ્લાનું કોઇલાબાસ ગામ હતું.
નેપાળના પહેલા જ ગામના મુસ્લિમ પ્રધાન
કોઈલાબાસના ગ્રામ પ્રધાન અબ્દુલ ખાલિક છે. સ્થાનિક લોકોએ અમને જણાવ્યું કે ચૂંટણીમાં કોઈ હિંદુએ ઉમેદવારી પણ કરી ન હતી. ખાલિક અનુસાર ગામમાં લગભગ 1100 મતદારો છે. તેઓ કહે છે, “ગત વખતે સદ્દામ ચૂંટણી જીત્યા હતા. તેઓ માઓવાદી પાર્ટીમાંથી આવે છે. અહીં હિંદુઓ જેટલી જ મુસ્લિમોની વસ્તી પણ છે.”
મદ્રેસાઓને સરકારી ગ્રાન્ટ
ખાલિક અનુસાર નેપાળ સરકાર તેમના ગામમાં આવેલી મદ્રેસાઓને અનુદાન આપે છે. તેઓ કહે છે, “સામાન્ય કોર્સ ઉપરાંત આખિરીયત બનાવવા માટે મજહબી તાલીમ પણ જરૂરી છે.” તેમણે જણાવ્યું કે ગામની મદ્રેસાઓમાં શિક્ષકોની નિયુક્તિ સ્થાનિક લોકો કરે છે. તેમનો ખર્ચ સરકાર ઉઠાવે છે.
મદ્રેસાઓમાં ભારતીય મૌલવી
ગ્રામપ્રધાન અબ્દુલ ખાલિકે અમને જણાવ્યું કે તેમના ગામની ઇસ્લામિયા મદ્રેસામાં બાળકોને ભણાવવા માટે ભારતના બે મૌલવીઓ છે. તેઓ કહે છે, “અહીંથી મજહબી તાલીમ મેળવીને અનેક મૌલવીઓ ભારત ગયા છે. નેપાળમાં પણ મૌલવી છે, પરંતુ અમને ભારતીય મૌલવીઓ સસ્તામાં મળી જાય છે. તેમણે પણ ભારત કરતાં અહીં સારો પગાર મળે છે. દાંગ જિલ્લાના જ ગઢવા અને લમહી વિસ્તારોમાં તમામ મૌલવીઓ છે. આ જગ્યાઓએ મદ્રેસા અને મસ્જિદો પણ છે. નેપાળ ખાતેના મોટાભાગના મૌલાના અને મૌલવી અનેક પ્રકારના વેપારમાં પણ સામેલ છે.
ભારતમાંથી પણ મદ્રેસાઓમાં આવે છે બાળકો
કોઇલાબાસના પ્રધાન અબ્દુલ ખાલિક અનુસાર, નેપાળી મદ્રેસાઓમાં ભણવા માટે ભારતથી પણ બાળકો આવે છે. ખાસ કરીને બિહાર અને પશ્ચિમ બંગાળથી. તેમાં પણ છોકરીઓ પણ હોય છે. તેનું રહેવા-જમવાનું મફત હોય છે.
ખાલિક અનુસાર, સીમાવર્તી વિસ્તારોમાં જ નહીં, નેપાળના આંતરિક હિસ્સાઓમાં પણ અનેક ગ્રામપ્રધાન, ધારાસભ્યો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. ઉદાહરણ તરીકે તેમણે લુમ્બિની પ્રદેશના વર્તમાન શિક્ષણમંત્રી નસરુદ્દીન ખાનનું નામ લીધું. મોહમ્મદ લાલબાબુ રાઉત ગદ્દી, ફૉજીયા નસીમ અને મોહમ્મદ યાકુબ અન્સારી લુમ્બિની પ્રદેશના મુખ્ય રાજકીય ચહેરાઓ છે.
યોજનાઓના લાભ પણ મોટાભાગના મુસ્લિમોને
દાંગ જિલ્લામાં સરકારી યોજનાઓના લાભ મેળવનારાઓનું એક બોર્ડ સરકારે લગાવડાવ્યું છે. આ બોર્ડ અનુસાર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી ‘જળવાયું ઉત્થાશીલ યોજના’માં ગઢવા ક્ષેત્રમાં કુલ 839 લોકોને લાભ મળ્યો છે. જેમાંથી લાભ મેળવનારા મુસ્લિમોની સંખ્યા 602 છે. આ ઉપરાંત જનજાતિ વર્ગના 39 અને અન્યોની સંખ્યા માત્ર 198 જેટલી છે.
100 વર્ષ જૂની જામિયા મસ્જિદ
દાંગની સરહદ શરૂ થયા પછી લગભગ એક કિલોમીટર પછી અમને રસ્તાને અડીને આવેલી એક એક મોટી મસ્જિદ જોવા મળી. આ મસ્જિદ દાંગના સૌથી ચર્ચિત પર્યટન સ્થળ ઝુલંગી પુલની પાસે જ આવેલી છે. સ્થાનિક નિવાસી અબ્દુલ અહદે અમને જણાવ્યું કે આ મસ્જિદ 100 વર્ષથી પણ જૂની છે. અહદે એ પણ જણાવ્યું કે કોઈલાબાસમાં કેટલીક વધુ મસ્જિદો અને મદ્રેસાઓ હાલમાં જ બની છે.
મસ્જિદની બહાર અરબીમાં કેટલાક શબ્દો લખવામાં આવ્યા હતા. તે મસ્જિદમાં પ્રવેશવા પહેલાં પઢવામાં આવતી દુઆઓ હોવાનું અબ્દુલ અહદે જણાવ્યું હતું. તેમની સાથે તેમના સબંધી તૌસિફ પણ હતા. આ જ મસ્જિદથી આગળ ગયા બાદ અમને રાત્રિના અંધારામાં વધુ એક ઈબાદતગાહ જોવા મળી. ત્યાં એક બલ્બ સળગી રહ્યો હતો. ઈબાદતમાર્ગ મુખ્યમાર્ગથી થોડો દૂર સ્થિત હતો. આસપાસ મુસ્લિમ બહુમતી વસ્તી પણ હતી, જેમાં બકરીઓ અને મરઘીઓ પણ ફરતી જોવા મળી હતી.
મોટાભાગના દુકાનદાર મુસ્લિમ
કોઈલાબાસમાં મોટાભાગની દુકાનો મુસ્લિમોની છે. ઝુલંગી પુલની બરાબર પાસે જ નિયમત અલીની ચા અને કોલ્ડ્રિંક્સની દુકાન છે. અબ્દુલ અહદ કપડાંનું કામ કરે છે. મુખ્ય હાઈ-વે ઉપર અબ્દુલ વકીલની ચિપ્સ અને પાન-મસાલાની દુકાન જોવા મળી. દુકાન ચલાવતી અબ્દુલ વકીલની પત્નીએ જણાવ્યું કે કોઈલાબાસની 2 મસ્જિદોમાંથી એક અહલે હદીસવાળાની છે, બીજી સુન્ની મત ધરાવનારાઓની.
થોડા આગળ ચાલવા પર મોહમ્મદ કમાલ અને મોહમ્મદ સદ્દામ મળ્યા. બંનેએ જણાવ્યું કે તેઓ મોબાઈલનું કામ કરે છે. તેમના જણાવ્યા અનુસાર, નેપાળ ટેલિકોમ કંપની ‘નમસ્તે’નો સિમ સૌથી વધુ વેચાય છે.
વેરાન પડ્યાં શુભ-લાભ લખેલાં ઘરો
દાંગ જિલ્લામાં અમને અનેક વેરાન અને ખંડેર થઇ ચૂકેલાં ઘરો જોવા મળ્યાં. ક્યારેક અહીં રહેતા બબ્બુ કસૌધને જણાવ્યું કે, “ક્યારેક કોઇલાબાસ હિંદુ બહુમતી ધરાવતું હતું. 1995 બાદ માઓવાદી હિંસાના કારણે અમારા કારોબારને ઘણું નુકસાન થયું. જ્યારે વેપાર અને કામધંધા ખતમ થઇ ગયા તો અમે ભારત આવી રહ્યા. હિંદુ આખા પરિવાર સાથે વિસ્તાર છોડીને ભારતમાં વસી ગયા. જ્યારે મુસ્લિમોના ઘરોના એકાદ સભ્યો જ પરિવાર છોડીને બહાર કમાવા માટે ગયા હતા. આ જ કારણે હવે વિસ્તાર મુસ્લિમ બહુલ થઇ ચૂક્યો છે. રામ-જાનકી મંદિરની શેરીવાળા ક્ષેત્રમાં એક લાઈનમાં જેટલાં પણ ઘરો ખાલી છે, એ બધા હિંદુઓનાં જ છે.”
અમને એક ઘર એવું પણ જોવા મળ્યું જેની ઉપર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવ્યું હતું અને શુભ-લાભ લખવામાં આવ્યું હતું. પરંતુ એ જ ઘર પર અરબી ભાષામાં કેટલીક લાઈનો અરબી ભાષામાં દીવાલ પર કોતરવામાં આવી હતી. દરવાજા પર લખેલા હિંદુ નામ ઉપર શાહી લગાડી દેવામાં આવી હતી. જેને લઈને બબ્બુ જણાવે છે, “છેલ્લી 3-4 વખતથી કોઇલાબાસનો પ્રધાન મુસ્લિમ બની રહ્યો છે. હવે જ્યાં હિંદુ બચ્યા જ નથી ત્યાં તેમના ઘરો પર કોઈ શું લખે શું ખબર હોય?”
NRCનો ડર
બબ્બુ કસૌધન અનુસાર, હિંદુ સમાજના અનેક લોકોને NRCનો ડર બતાવવામાં આવ્યો અને તેમને કહેવામાં આવ્યું કે નેપાળ ખાતે જમીન હોવાના કારણે તેમને ભારતમાં રહેવા દેવામાં આવશે નહીં. બબ્બુ અનુસાર નેપાળથી જમીનો વેચીને ભારત આવનારાઓનું એક મોટું કારણ આ પણ હતું.
માઓવાદી હિંસાના નિશાન
અમને એક પોલીસ સ્ટેશન ખંડેર જેવી સ્થિતિમાં જોવા મળ્યું. ત્યાંથી પસાર થતા લોકોએ જણાવ્યું કે, 2002માં માઓવાદીઓએ આ પોલીસ પોસ્ટ પર બૉમ્બ ફેંકી દીધો હતો. 6 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. ત્યારથી આ પોસ્ટ વેરાન પડી છે. જોકે, ખંડેર થઇ ગયેલી પોસ્ટ પર નેપાળ પોલીસની ખુકરીનું નિશાન હજુ પણ જેમનું તેમ છે.
ફોટો ન ખેંચો, અમારા ઇસ્લામમાં મનાઈ છે
યાત્રા દરમિયાન રસ્તા પર બે યુવકો બેઠા હતા. તેઓ અમને કેમેરા બંધ કરવાનું કહેવા માંડ્યા. તેમાંથી એક આસિફ સિદ્દીકીએ કહ્યું, “અમે ઇસ્લામિક સ્ટેટથી છીએ. અમારે ત્યાં ફોટો અને વિડીયો હરામ છે. આજ સુધી મેં એક પણ ફોટો કે વિડીયો ખેંચાવ્યા નથી. મેં 8 સુધી મદ્રેસામાં અભ્યાસ કર્યો છે. નેપાળમાં સરકારી નોકરી મળવાની નથી, તેથી વિદેશ જવાની તૈયારી કરી રહ્યો છું.”
કવરેજમાં અમને રોકવાના પ્રયત્નો માત્ર કેટલાક સ્થાનિક મુસ્લિમોએ જ કર્યા હતા તેમ નથી. નેપાળની પોલીસે પણ વિડીયો અને ફોટોગ્રાફીની મનાઈ કરી દીધી હતી. ‘ગૌતમ સર’ કહીને સંબોધિત કરવામાં આવતા એક પોલીસ અધિકારીએ અમને કોઈ પણ પ્રકારનું કવરેજ ન કરવા માટે કહ્યું હતું.