Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજુમ્માની નમાઝ દરમિયાન અફઘાનિસ્તાનની મસ્જિદમાં બ્લાસ્ટ: મૌલવી અન્સારી સહિત 20નાં મોત, કહ્યું...

    જુમ્માની નમાઝ દરમિયાન અફઘાનિસ્તાનની મસ્જિદમાં બ્લાસ્ટ: મૌલવી અન્સારી સહિત 20નાં મોત, કહ્યું હતું- તાલિબાનનો વિરોધ કરનારાનાં સર કલમ કરી દેવાં જોઈએ

    બ્લાસ્ટમાં તાલિબાનનો કટ્ટર સમર્થક મૌલવી મુજીબ ઉર રહેમાન અન્સારી પણ માર્યો ગયો.

    - Advertisement -

    અફઘાનિસ્તાનમાં તાલિબાને શાસન સંભાળ્યા પછી જાણે બૉમ્બ બ્લાસ્ટ થવા સામાન્ય બાબત બની ગઈ છે. આજે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં આવેલી વધુ એક મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 20 લોકોનાં મોત થયાં છે. જેમાં મસ્જિદના મૌલવી મૌલાના મુજીબ ઉર રહમાન અન્સારીનું પણ મોત થઇ ગયું હતું. આ હુમલો આત્મઘાતી હોવાનું કહેવાય છે. 

    આ ઘટના અફઘાનિસ્તાનના હેરાતના ગાજારધ શહેરની છે. હુમલા પાછળ ISIS-K આતંકી સંગઠનનો હાથ હોવાનું અનુમાન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્જિદમાં બે બ્લાસ્ટ થયા હતા. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે મસ્જિદમાં જુમ્માની નમાઝ ચાલી રહી હતી. બે લોકોએ આ આત્મઘાતી હુમલો કર્યો હોવાનું કહેવાય છે. ઘટનામાં 200 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

    અફઘાનિસ્તાનમાં આ બૉમ્બ બ્લાસ્ટ આ એવા સમયે થયો જયારે તાલિબાનના નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ ગની હેરાત પ્રાંતમાં જ હાજર હતા. તાલિબાનના પ્રવક્તાએ અધિકારીક રીતે હેરાત બ્લાસ્ટમાં મૌલવી મુજીબ ઉર રહમાન અન્સારીના મોતની પુષ્ટિ કરી છે. તાલિબાને તેને શક્તિશાળી અને સાહસિક મજહબી મૌલાના ગણાવ્યો હતો. 

    - Advertisement -

    38 વર્ષીય મૌલવી મુજીબ રહમાન અન્સારી એક કટ્ટર મૌલવી તરીકે ઓળખાતો હતો અને તે તાલિબાનનો સમર્થક હતો. તેણે કહ્યું હતું કે, જો કોઈ તાલિબાન શાસનનો વિરોધ કરે તો તેનું માથું ધડથી અલગ કરી નાંખવું જોઈએ. આ સિવાય પણ તેણે કેટલાક ફતવા જારી કર્યા હતા. 

    મૌલવી મુજીબ ઉર રહમાન અન્સારી કન્યા શિક્ષણ અને તેમની સ્વતંત્રતાનો વિરોધી હતો. બે મહિના પહેલાં તેણે ફતવો જારી કરીને કહ્યું હતું કે, જો કોઈ તાલિબાન શાસનનો વિરોધ કરે કે તેમનો આદેશ ન માને તો તેની સજા એ જ હશે કે તેનું માથું ધડથી અલગ કરી નાંખવામાં આવે. જોકે, આ ફતવો તાલિબાને મૌલવીના અંગત વિચારો છે તેમ કહીને ફગાવી દીધો હતો. તેણે એવો પણ ફતવો જારી કર્યો હતો કે, જો કોઈ વ્યક્તિની પત્ની બુરખો ન પહેરે તો તેનો અર્થ એ થાય કે તે પુરુષ કાયર છે. અગાઉ અન્સારીએ કોરોના મહામારીને બિન-મુસ્લિમો પર અલ્લાહનો કહેર ગણાવી હતી. 

    હજુ સુધી અધિકારીક રીતે કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ શક ISIS-K તરફ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ISIS-K (ખુરાસાન) એ ISISની જ એક શાખા છે, માં સક્રિય છે. આ સંગઠન તાલિબાન વિરોધી છે અને અવારનવાર બૉમ્બ બ્લાસ્ટ અને હુમલાઓ કરતું રહે છે. બંને આતંકવાદી સંગઠનો વચ્ચે અવારનવાર હિંસા પણ થઇ છે અને લોકો પણ માર્યા ગયા છે. અફઘાનિસ્તાનમાં છાશવારે થતા બ્લાસ્ટમાં ISISનું જ નામ સામે આવતું રહે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં