નોઈડાના સચિન અને પાકિસ્તાની સીમા હૈદરની PUBG પ્રેમકહાણી હાલ આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. પોતાના ચાર સંતાનોને લઈને સંદિગ્ધ રીતે પાકિસ્તાની સીમાઓ ઓળંગીને આવેલી સીમા હૈદરની ધરપકડ બાદ શરતી જામીન આપવામાં આવ્યા હતા તેવામાં હવે ઉત્તર પ્રદેશ ATSએ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરને અટકાયતમાં લઈ પૂછપરછ કરી હોવાના અહેવાલોએ ફરી એકવાર ચર્ચાઓને વેગ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે UP ATSએ સીમા અને સચિનની અટકાયત કરી બંધ બારણે પૂછપરછ કરી હતી.
મળતી માહિતી અનુસાર સચિનના ગામ રબૂપૂરાથી ઉત્તર પ્રદેશ ATSએ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરને અટકાયતમાં લઈ પૂછપરછ કરી હતી. કેટલાક મીડિયા અહેવાલો મુજબ સીમા ISI સાથે સંકળાયેલી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે નોઇડા પોલીસ, ATS અને IB સહિતની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. આ સાથે જ આ મામલે સચિનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. હાલ સચિનના ઘર પાસે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ઉપરાંત સુરક્ષા એજન્સીઓ નેપાળ સહિત સીમાના ભારતમાં ઘૂસવાના રૂટ વિશે જાણકારી એકઠી કરી ઝીણામાં ઝીણી બાબતોને તપાસી રહી છે. તો બીજી તરફ સચિનના પરિવાર પણ હવે ઘરમાં પૂરાઈ ગયું છે, મીડિયાને પણ કાર્યવાહી દરમિયાન દૂર રાખવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે સીમા હૈદરને નોઈડા પોલીસે 3 જુલાઈ, 2023ના રોજ ભારતીય સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. 4 બાળકોની માતા સીમા હૈદરે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેનો પતિ દુબઈમાં નોકરી કરે છે. કોરોના મહામારી દરમિયાન PUBG ગેમ રમતી વખતે તેણે નોઈડામાં રહેતા સચિન સાથે વાતચીત કરી હતી. આ પછી વાતચીત આગળ વધી અને બંને પ્રેમમાં પડ્યા હતા. સચિનના પ્રેમમાં સીમા હૈદરે પાકિસ્તાનમાં બનાવેલું ઘર વેચીને ભારત આવવાનું નક્કી કર્યું. આ માટે તે તેના 4 બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી હતી.
ભારત આવ્યા બાદ સચિને તેને રાબુપુરાના આંબેડકર નગર વિસ્તારમાં ભાડેથી એક ઘર અપાવ્યું હતું. તેના બાળકોના નામ મુસ્લિમ જેવા હતા. પરંતુ તે હિંદુ તરીકે જીવતી હતી. બકરીદની ઉજવણીને કારણે લોકોને તેની પર શંકા ગઈ હતી. માહિતી મળતાં પોલીસે સીમા હૈદર, સચિન અને તેના પિતા નેત્રપાલની ધરપકડ કરી હતી. જોકે આ પછી 7 જુલાઈના રોજ કોર્ટે ધરપકડ કરાયેલા આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. કોર્ટે સીમાને નિર્દેશ આપ્યા હતા કે તપાસ દરમિયાન તે કોઈ પણ સંજોગોમાં ભારત છોડીને નહીં જાય તેમજ તે હાલ જે ઘરમાં રહે છે ત્યાંથી કોર્ટ અને પોલીસની પરવાનગી વગર બીજા સ્થળે સ્થળાંતર નહીં કરી શકે.