Saturday, May 18, 2024
More
  હોમપેજદેશસીમા હૈદરને 3 જ દિવસમાં મળી ગયા જામીન, ગેરકાયદેસર રહેતા નાઈજિરિયન નાગરિકો...

  સીમા હૈદરને 3 જ દિવસમાં મળી ગયા જામીન, ગેરકાયદેસર રહેતા નાઈજિરિયન નાગરિકો 2 મહિનાથી જેલમાં: યુપી પોલીસ અને કોર્ટની કાર્યવાહીની સંપૂર્ણ વિગતો

  મેજિસ્ટ્રેટ નાઝિમ અકબરે સીમા હૈદરને જામીન આપ્યા હતા. મળેલ માહિતી અનુસાર જામીન આપતાં પહેલાં પોલીસ કાઉન્ટર માંગવામાં આવ્યું ન હતું.

  - Advertisement -

  મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી લગભગ તમામ પ્લેટફોર્મ્સ પર અત્યારે પાકિસ્તાનની યુવતી સીમા હૈદર ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશની નોઈડા પોલીસે 4 જુલાઈ, 2023ના રોજ હરિયાણાના પલવલથી સીમાની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે સીમા હૈદરના પ્રેમી સચિન અને સચિનના પિતા નેત્રપાલ વિરુદ્ધ પણ IPC કલમ 120B અને ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 14 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે.

  સીમા હૈદરની પોલીસે ધરપકડ કરી ત્યારે આ કેસની ગંભીરતા જોતાં એવું માનવામાં આવતું હતું કે તેણે અને તેના પ્રેમીએ લાંબા સમય સુધી જેલમાં રહેવું પડશે. પરંતુ આ તમામ અટકળો ખોટી સાબિત થઇ હતી અને માત્ર ત્રણ જ દિવસમાં પાકિસ્તાની મહિલા અને તેના ભારતીય પ્રેમીને નોઈડાની કોર્ટે જામીન આપી દીધા. 

  ઑપઇન્ડિયાને વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે સંજ્ઞાન લીધું છે. સરકારે નોઈડા પોલીસ પાસે જવાબ માંગ્યો છે કે સીમા હૈદરને આટલી સરળતાથી અને ઝડપથી જામીન કેવી રીતે મળી ગયા. બીજી તરફ આ સમગ્ર મામલે નોઈડા પ્રશાસને પોતાનો પક્ષ સરકારને મોકલી આપ્યો છે.

  - Advertisement -

  સીમા હૈદરને ત્રણ જ દિવસમાં જામીન કેમ? 

  સીમા હૈદર કેસની સુનાવણી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નાઝિમ અકબરની કોર્ટમાં થઈ હતી. મેજિસ્ટ્રેટ નાઝિમે સીમાને 30-30 હજાર રૂપિયાના 2 સ્થાનિક જામીનદારોના જામીન પર મુક્ત કરી હતી. તેની સાથે જ સચિન અને નેત્રપાલને પણ જામીન મળી ગયા હતા.

  ઑપઇન્ડિયાને મળેલી માહિતી મુજબ જામીનની શરતોમાં પરવાનગી વગર દેશ કે હાલનું સરનામું ન છોડવાં અને ફરી કોઈ ગુનો ન કરવો સામેલ છે. સીમાના જામીનદારો સચિન મીણાના નજીકના વ્યક્તિઓ છે. અમારી તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મેજિસ્ટ્રેટ નાઝિમ અકબરે સીમા હૈદરને જામીન આપતાં પહેલાં પોલીસને કાઉન્ટર માટે પૂછ્યું ન હતું. તેમજ આરોપીઓને મુક્ત કરતાં પહેલાં જામીનદારોનું પોલીસ વેરિફિકેશન પણ થયું ન હતું.

  સીમા હૈદર કેસની FIRમાં પોલીસ પોતે જ ફરિયાદી બની છે. ફરિયાદી SHO રબુપુરા ઇન્સ્પેક્ટર સુધીર કુમાર છે. તાજી જાણકારી મુજબ હવે આ કેસને નિષ્પક્ષ તપાસ માટે જેવર પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો છે અને ત્યાંના SHO તેની વધુ તપાસ કરી રહ્યા છે. બીજી તરફ શરૂઆતથી અત્યાર સુધીના તમામ અપડેટ્સ ઉચ્ચ અધિકારીઓ અને ઉત્તર પ્રદેશ સરકારને આપવામાં આવી રહ્યા છે.

  સીમા હૈદર અને ગેરકાયદેસર રહેતા નાઈજીરિયન નાગરિકોમાં ફેર શું?

  જ્યારે અમે સીમા હૈદર કેસની સરખામણી એ જ જગ્યાએ અને આવા જ કેસ સાથે કરીને તુલનાત્મક અભ્યાસ કર્યો તો આ કેસ અન્ય કરતાં થોડો અલગ નીકળ્યો. 2 જૂન, 2023ના રોજ નોઈડા પોલીસે એક વિશેષ ઓપરેશન હાથ ધરીને સુરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 23 આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી હતી. મૂળરૂપે આ તમામ નાઇજિરિયાના રહેવાસી હતા, જે ગેરકાયદેસર રીતે વિઝા વગર નોઇડામાં રહેતા હતા. જેમાં 15 પુરુષો અને 8 મહિલાઓ હતી.

  સીમા હૈદર પર લગાવવામાં આવેલ ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 14 આ તમામ નાઇજિરિયન લોકો સામે પણ લગાવવામાં આવી હતી. આ સિવાય આફ્રિકન નાગરિકો પર આઈપીસી 332, 353 અને 147ની સાથે ક્રિમિનલ એક્ટની કલમ 7 પણ લગાવાઈ હતી. સીમા હૈદર પર ફોરેનર્સ એક્ટ સાથે ષડ્યંત્ર રચવા બદલ લાગુ પડતી ધારા 120B પણ લગાવવામાં આવી છે. 

  અહીં ઉલ્લેખનીય છે કે આ તમામ નાઈજિરિયન નાગરિકો છેલ્લા દોઢ મહિનાથી જેલમાં છે. આ તમામે નીચલી કોર્ટમાં કરેલી જામીન અરજી પર કોર્ટે આ કેસની તપાસ કરતા અધિકારીને સમન્સ પાઠવ્યું હતું. પરંતુ સીમા હૈદર કેસમાં મેજિસ્ટ્રેટ નઝીમ અકબરે માત્ર 3 દિવસમાં જામીન આપી દીધા હતા.

  ઑપઇન્ડિયા પાસે સીમા હૈદર અને નાઇજિરિયન નાગરિકોના કેસ સંબંધિત બંને એફઆઈઆર ઉપલબ્ધ છે.

  જો કોઈ વ્યક્તિ પોલીસની હાજરીમાં સંજ્ઞેય (Cognizable) ગુનો કરે તો તેની 41(1) ની કલમ A મુજબ ધરપકડ કરવામાં આવે છે. તેમાં એ જોવામાં નહીં આવે કે આ કેસમાં કેટલી સજા છે. IPCની કલમ 332 લાગી હોય તો વધુ સંભાવના એ છે કે પોલીસ સાથે મારપીટ કરવામાં આવી હોય અને આ 332 IPC બિન-જામીનપાત્ર છે એટલે નાઈજીરિયાના લોકો હજુ જેલમાં છે.

  વકીલ અને પોલીસનું આ કેસ વિશે શું માનવું છે?

  આ કેસની કાયદાકીય બાજુ જાણવા માટે ઑપઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત પટેલને કૉલ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે કલમો હેઠળ આરોપી બનાવીને કોર્ટ સુધી મોકલવાનું કામ પોલીસનું છે પણ તેને છોડી મૂકવો જે જેલ મોકલવો તે નક્કી કોર્ટ કરે છે. ઑપઇન્ડિયાએ આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસના રિટાયર્ડ ડેપ્યુટી એસપી વિવેકાનંદ તિવારી અને અવનીશ ગૌતમ સાથે પણ વાત કરી.

  વિવેકાનંદ તિવારીએ અમને જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકારી સ્તરે સીમા હૈદર કેસનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી હાલ પૂરતું તેમનું મુક્તપણે હરવું-ફરવું દેશના હિતમાં નથી. વિવેકાનંદ તિવારીએ એમ પણ કહ્યું હતું કે સીમા હૈદરના જામીનને પોલીસે ઉચ્ચ અદાલતમાં પડકારવા જોઈએ. નેપાળમાં થયેલાં સીમાનાં લગ્ન ભારતમાં માન્ય નથી એમ જણાવતાં વિવેકાનંદ તિવારીએ કહ્યું હતું કે પોલીસ ગુપ્તચર વિભાગે આ મામલે વધુ સતર્ક રહેવું પડશે.

  બીજી તરફ, પૂર્વ ડેપ્યુટી એસપી અવનીશ ગૌતમે ભારતના વિદેશી અધિનિયમ કાયદાને ઘણો નબળો ગણાવીને કહ્યું કે, તેને વધુ મજબૂત કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, આવા કેસમાં સરકારે બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહે છે. તેમાંથી પહેલો વિકલ્પ સીમા હૈદરને પરત મોકલી દેવી અને જો એ શક્ય ન હોય તો બીજો વિકલ્પ છે- તેને ભારતની નાગરિકતા આપી દેવી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં