Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘13 પ્લોટ્સ ફાળવ્યા પણ 8 વર્ષમાં એકેય નવી શાળા ન બનાવી’: દિલ્હીના...

    ‘13 પ્લોટ્સ ફાળવ્યા પણ 8 વર્ષમાં એકેય નવી શાળા ન બનાવી’: દિલ્હીના એલજીનો CM કેજરીવાલને પત્ર, કહ્યું- તેમનાં નિવેદનો ભ્રામક, અસત્ય અને અપમાનજનક

    શિક્ષણ વ્યવસ્થામાં સુધારા થયાના દિલ્હી સરકારના દાવાઓથી વિપરીત નેશનલ એચિવમેન્ટ સરવે અનુસાર, દિલ્હીની સરકારી શાળાઓનાં ધોરણ 8 સુધીના 30 ટકા બાળકોનું પ્રદર્શન પ્રાથમિક કરતાં પણ નબળું છે: એલજી

    - Advertisement -

    દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચેનો ગજગ્રાહ હવે જાણીતો છે. અનેક કિસ્સાઓમાં એલજી સક્સેના કેજરીવાલને ઠપકો આપતા રહ્યા છે તો બીજી તરફ કેજરીવાલ પણ એલજી પર જાતજાતના આરોપો લગાવતા રહે છે. તાજા કિસ્સામાં ઉપરાજ્યપાલે સીએમ કેજરીવાલને વધુ એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કેજરીવાલનાં નિવેદનોને ભ્રામક, અસત્ય અને અપમાનજનક ગણાવ્યાં છે. 

    વિનય સક્સેનાએ પત્રમાં લખ્યું કે તેમને મીડિયા અહેવાલો મારફતે સીએમ અરવિંદ કેજરીવાલનાં તેમની સામેનાં નિવેદનો વિશે જાણવા મળ્યું છે. તેમણે આ નિવેદનોને ભ્રામક, અસત્ય અને અપમાનજનક ગણાવીને ઉમેર્યું કે ‘એલજી કોણ છે?’ એ પ્રશ્નનો જવાબ જાણવા તેમણે બંધારણનો અભ્યાસ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં કેજરીવાલે એક જાહેર સંબોધનમાં કહ્યું હતું કે, એલજી કોણ છે? લોકોએ મને ચૂંટીને મોકલ્યો છે.

    થોડા દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલ, તેમના મંત્રીઓ અને ધારાસભ્યોએ એલજીના નિવાસસ્થાન સુધી માર્ચનું આયોજન કર્યું હતું અને તેમના શિક્ષકોને તાલીમ માટે ફિનલેન્ડ જવા માટે પરવાનગી માંગી હતી. જેના જવાબમાં એલજી સક્સેનાએ કહ્યું કે તેમણે પ્રસ્તાવ ફગાવ્યો ન હતો પરંતુ કેટલાક સવાલોના જવાબ માંગ્યા હતા. 

    - Advertisement -

    AAPના એલજીએ મળવાનો સમય ન આપ્યો હોવાના આરોપોને લઈને તેમણે કહ્યું કે, તેમણે કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી સિસોદિયાને આમંત્રણ આપ્યું હતું પરંતુ તેમની માંગ હતી કે તમામ ધારાસભ્યોને પણ બોલાવવામાં આવે. જેની વ્યવસ્થા કરવી આટલા ઓછા સમયમાં શક્ય ન હતી.

    એલજી સક્સેનાએ પત્રમાં કેજરીવાલને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને લઈને પણ ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે, દિલ્હીની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઘટી રહી છે. અગાઉનાં વર્ષોના આંકડાઓનો ઉલ્લેખ કરીને તેમણે ઉમેર્યું કે (કેજરીવાલ) સરકાર બાળકોની સંતોષકારક હાજરી સુનિશ્ચિત કરવામાં સક્ષમ નથી. ઉપરાંત, સરકારી શાળાઓમાં બાળકોનાં એડમિશન પણ ઘટી ગયાં હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

    એલજીએ કેજરીવાલને સંબોધીને જણાવ્યું કે, DDA દ્વારા દિલ્હી સરકારના શિક્ષણ વિભાગને 13 જેટલા પ્લોટ્સ ફાળવવામાં આવ્યા છતાં છેલ્લાં આઠ વર્ષમાં એક પણ નવી શાળા બાંધવામાં આવી નથી, જે મુદ્દો તેમણે બંનેની બેઠકમાં પણ ઉઠાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે તેઓ LG બન્યા બાદ ઓગસ્ટ 2022માં 6 પ્લોટ્સ ફાળવવામાં આવ્યા હતા. 

    પત્રમાં વધુ જણાવવામાં આવ્યું કે, શિક્ષણ વ્યવસ્થામાં સુધારા થયાના દિલ્હી સરકારના દાવાઓથી વિપરીત નેશનલ એચિવમેન્ટ સરવે અનુસાર, દિલ્હીની સરકારી શાળાઓનાં ધોરણ 8 સુધીના 30 ટકા બાળકોનું પ્રદર્શન પ્રાથમિક કરતાં પણ નબળું છે જ્યારે 44 ટકા બાળકોનું પ્રદર્શન સામાન્ય છે. બીજી તરફ, સરકારી શાળાઓમાંથી બાળકો ઝડપથી ખાનગી શાળાઓમાં જતાં હોવાનું પણ તેમણે જણાવીને ચિંતા વ્યક્ત કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં