થોડા સમય અગાઉ ઇન્દોરના શિવમંદિરના ગર્ભગૃહમાં બેસીને અશ્લીલ હરકતો કરનાર વસીમનો નવો વિડીયો વાયરલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. મધ્ય પ્રદેશના ઇન્દોર સ્થિત એક શિવમંદિરના ગર્ભગૃહમાં અશ્લીલ હરકતો કરનારા મુસ્લિમ યુવક વસીમને પોલીસે ઝડપી લીધો હતો. તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. ત્યારબાદ આ મામલે પોલીસે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, આ મામલો પ્રકાશ નગરના શિવ મંદિરનો છે. 17 ડિસેમ્બરે આરોપી વસીમ ઉર્ફે અબ્દુલ તાહિરનો એક વીડિયો પોલીસ પાસે પહોંચ્યો હતો. જેમાં તે મંદિરના ગર્ભગૃહમાં બેસીને અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. તે યુવતીની સામે ગંદી હરકતો કરતો હતો. યુવતીએ તેના મિત્રને ફોન કરીને મંદિરે બોલાવી હતી. ત્યારે તેને લોકોએ પકડી લીધો હતો, પરંતુ બાદમાં તે છટકી નાઠો હતો.
વસીમનો નવો વિડીયો વાયરલ
રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નવા વીડિયોમાં વસીમને હાથકડી પહેરાવવામાં આવી હોય તેવું નજરે પડી રહ્યું છે. વિડીયોમાં તે વારંવાર દેવી માતાની માફી માંગી રહ્યો છે. તે દેવી માતાનો સારો બાળક બનાવવાની વાત કરી રહ્યો છે. તેમજ તે કહી રહ્યો છે કે હવે તે ક્યારેય આ પ્રકારની હરકત નહીં કરે. જોકે સંયોગિતાગંજના ટીઆઈ તહજીબ કાઝીએ કહ્યું કે વસીમનો આ વીડિયો કેવી રીતે વાયરલ થયો, તેની તપાસ કરવામાં આવી રહી છે.
પીપળાના પાનથી પોલીસને મળ્યું વસીમનું પગેરું
નોંધનીય છે કે પોલીસ પાસે વસીમને પકડવા માટે એક વીડિયો સિવાય બીજું કંઈ જ નહોતું. જ્યારે આસપાસના લોકો પાસેથી પૂછપરછ કરવામાં આવી તો તેઓએ પણ વસીમને ઓળખવાની ના પાડી. પોલીસે લગભગ 50 લોકોની પૂછપરછ કરી હતી, ત્યારબાદ મંદિરની સામે એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે તેમણે વસીમને મંદિરની પાસે પીપળના ઝાડ પરથી પાંદડા તોડતા જોયો હતો.
અહેવાલ અનુસાર પોલીસે નજીકના બાતમીદારોને જાણ કરીને સક્રિય કર્યા. જે બાદ MYના કેટલાક યુવકો પાસેથી પોલીસને આરોપી વસીમ ઉર્ફે અબ્દુલ તાહિરનું નામ જાણવા મળ્યું હતું. વસીમ આઝાદ નગરમાં રહેતો હોવાની પણ પોલીસને બાતમી મળી હતી. ઉપરાંત તે MY કેમ્પસમાં સૂવા માટે આવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. યુવકની બાતમીના આધાર પર પોલીસે તેને ઝડપી લીધો હતો.
શું હતી આખી ઘટના
આ ઘટના ઇન્દોર શહેરના સંયોગિતાગંજ પોલીસ મથક વિસ્તારની છે. અહીંની મહિલાઓએ ફરિયાદ કરી હતી કે વસીમ નામનો એક ઈસમ શિવમંદિરના ગર્ભગૃહમાં બેસી રહે છે અને ત્યાં અશ્લીલ હરકતો કરતો રહે છે. જેના કારણે ઘણી મહિલાઓએ ત્યાં જવાનું બંધ કરી દીધું હતું.
દરમ્યાન, કેટલીક મહિલાઓએ આરોપીની હરકતોનો વિડીયો ઉતારી લીધો હતો. જે ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટરને આપી દીધો હતો. જેમણે મહિલાઓ સાથે પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી અને તપાસ કરીને મામલાની કડક કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ શરૂ કર્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે વસીમની ધરપકડ કરી લીધી હતી. પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આરોપી ઓળખાઈ ગયો હતો. ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે શનિવારે મોડી રાત્રે આરોપીની ધરપકડ કરી લીધી હતી.