Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રાહુલ ગાંધીને રાજીવ પાસે મોકલી દઈશું’: ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશ પહોંચે...

    ‘રાહુલ ગાંધીને રાજીવ પાસે મોકલી દઈશું’: ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશ પહોંચે તે પહેલાં ધમકીભર્યો પત્ર મળ્યો, કહ્યું- કમલનાથને પણ ગોળી મારીશું

    રાહુલ ગાંધીની ખાલસા કોલેજમાં થનારી સભા પર હુમલો કરવાની અને આખા ઇન્દોરમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે.

    - Advertisement -

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ હાલ ચર્ચામાં છે ત્યારે હવે તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. જેમાં રાહુલ ગાંધીને અને મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા કમલનાથને ગોળી મારવાની વાત લખવામાં આવી છે. નોંધનીય છે કે ‘ભારત જોડો યાત્રા’ આગામી 23 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશમાં પ્રવેશી રહી છે. 

    આ પત્ર ઇન્દોરની એક દુકાન પરથી મળી આવ્યો હોવાનું કહેવાય છે. જેમાં રાહુલ ગાંધીની ખાલસા કોલેજમાં થનારી સભા પર હુમલો કરવાની અને આખા ઇન્દોરમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને આ ધમકી આપનાર અજ્ઞાત શખ્સની શોધખોળ ચાલી રહી છે. 

    ધમકીભર્યા પત્રમાં સૌથી ઉપર ‘વાહેગુરૂ’ લખવામાં આવ્યું છે. ત્યારબાદ નીચે લખવામાં આવ્યું છે કે, ‘1984માં આખા દેશમાં ભયંકર રમખાણો થયાં. શીખોનું કત્લેઆમ કરવામાં આવ્યું. કોઈ પાર્ટીએ આ જુલમ સામે અવાજ નહીં ઉઠાવ્યો.’ ત્યારબાદ કોંગ્રેસ નેતા કમલનાથ માટે વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા છે. 

    - Advertisement -

    ધમકી આપતા લેટરમાં આગળ લખવામાં આવ્યું છે કે, નવેમ્બરના અંતિમ દિવસોમાં ઇન્દોરમાં અનેક જગ્યાએ ભયંકર બૉમ્બ વિસ્ફોટ થશે અને આખું શહેર ધણધણી ઉઠશે. બહુ જલ્દી રાહુલ ગાંધીની ઇન્દોર યાત્રા સમયે કમલનાથને પણ ગોળી મારવામાં આવશે અને રાહુલ ગાંધીને પણ રાજીવ ગાંધી પાસે મોકલી દેવામાં આવશે. 

    લેટરમાં સૌથી નીચે જ્ઞાનસિંઘનું નામ લખવામાં આવ્યું છે, તેમજ મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યા છે. સાથે એક આધારકાર્ડની ફોટો કૉપી પણ મોકલવામાં આવી હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે. 

    આ પત્રમાં મોકલનાર તરીકે ભાજપ ધારાસભ્ય ચેતન કશ્યપનું નામ લખવામાં આવ્યું છે. આ અંગે તેમણે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે આ પ્રકારના પત્રથી તેમને કોઈ લેવાદેવા નથી અને આ તેમને બદનામ કરવા માટેનું ષડ્યંત્ર છે. તેમણે કહ્યું કે, તેઓ મુંબઈના પ્રવાસે છે. આ અંગે તેમણે પોલીસ કમિશનર સાથે ચર્ચા કરીને તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી છે. 

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આગામી 23 નવેમ્બરના રોજ મધ્ય પ્રદેશ અને 28ના રોજ ઇન્દોરમાં પ્રવેશ કરશે. હાલ તેઓ મહારાષ્ટ્રમાં ફરી રહ્યા છે. જ્યાં બે દિવસ પહેલાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત મામલે મોટો ફિયાસ્કો થયો હતો, જેની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં