ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ધરપકડ કરવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. શુક્રવારે (9 સપ્ટેમ્બર 2022) મુખ્ય ન્યાયાધીશ યુ. યુ લલિતની અધ્યક્ષતામાં ખંડપીઠે આ મામલે સાંભળવાનો ઇનકાર કરીને અરજદારને અરજી પરત ખેંચી લેવા માટે કહ્યું હતું.
અરજીને લઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યુ. યુ લલિત, જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે, આ આમ સરળ અને બિન-હાનિકારક લાગી શકે છે. પરંતુ તેનાં પરિણામો દૂરગામી છે. અમારું સૂચન રહેશે કે અરજી પરત ખેંચી લેવામાં આવે.” જે બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
CJI: It looks very simple innocuous but it has far reaching consequences. Our suggestion is to withdraw. Dismissed as withdrawn.#SupremeCourtOfIndia #NupurSharma
— Live Law (@LiveLawIndia) September 9, 2022
કોર્ટની ટિપ્પણી બાદ અરજદારે અરજી પરત ખેંચી લીધી હતી. નૂપુર શર્માની ધરપકડની માગ કરતી અરજી એડવોકેટ અબૂ સોહેલે દાખલ કરી હતી અને નૂપુર શર્માએ મુસ્લિમ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોવાનું કહી તંત્રને તેમની ધરપકડ કરવા માટે નિર્દેશો આપવાની માંગ કરવામાં આવી હતી.
અહીં એ નોંધવું જરૂરી છે કે ગત 28 મેના રોજ એક ટીવી ડિબેટ દરમિયાન ચર્ચામાં એક પેનલિસ્ટ તસ્લીમ રહેમાનીએ શિવલિંગ પર ટિપ્પણી કર્યા બાદ જેના જવાબમાં નૂપુર શર્માએ પણ ટિપ્પણી કરી હતી. જેની ક્લિપ ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરે સોશિયલ મીડિયા પર વાયરલ કરી ઇસ્લામી ટોળાને ઉશ્કેર્યા બાદ આ મામલો વધુ ચગ્યો હતો અને પહેલાં દેશમાંથી અને ત્યારબાદ દુનિયાભરમાંથી નૂપુર શર્માને હત્યા અને બળાત્કારની ધમકીઓ મળવા માંડી હતી.
નૂપુર શર્માની કથિત વિવાદિત ટિપ્પણીના વિરોધમાં મુસ્લિમ સમુદાયે ભાવનાઓને ઠેસ પહોંચી હોવાના આરોપ લગાવીને દેશમાં અનેક ઠેકાણે હિંસાત્મક પ્રદર્શનો કર્યાં હતાં. એટલું જ નહીં, પરંતુ નૂપુર શર્માની સાથે ઉભા રહેનારા કે માત્ર સોશિયલ મીડિયા પર તેમનું સમર્થન કરનારા લોકોની હત્યા પણ થઇ હતી તો દેશમાં અનેક લોકોને કટ્ટર ઇસ્લામીઓ તરફથી ધમકીઓ પણ મળી હતી.
નૂપુર શર્મા પર મુંબઈ, કોલકત્તા સહિત દેશભરમાં અનેક ઠેકાણે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમને મળી રહેલી ધમકીઓને ધ્યાનમાં લેતાં તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી તમામ એફઆઈઆર એક જગ્યાએ ક્લબ કરવાની માંગ કરી હતી. જોકે, મામલાની સુનાવણી કરતા જસ્ટિસ સૂર્યકાન્ત અને પારડીવાલાએ નૂપુર શર્માને જ દેશમાં બની રહેલી ઘટનાઓ માટે જવાબદાર ગણાવીને અરજી ફગાવી દીધી હતી. જોકે, ન્યાયાધીશોની આ ટિપ્પણીઓ બાદ દેશભરમાંથી વિરોધ પણ ખૂબ થયો હતો.
જોકે, પછીથી એ જ ખંડપીઠે સુનાવણી કરીને નૂપુરને રાહત આપી હતી અને તમામ એફઆઈઆર દિલ્હીમાં ક્લબ કરવાની પરવાનગી આપી હતી. ઉપરાંત, કોર્ટે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને રક્ષણ પણ આપ્યું છે.